વચનામૃત સારંગપુરનું - ૭

સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને શ્રીજીમહારાજે શ્રીમદ્‌ ભાગવત પુરાણના પ્રથમ સ્કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી જે, જ્યાં મનોમયચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું.        એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! એ મનોમયચક્ર તે શું છે ? ને એની ધારા તે શી સમજવી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મનોમયચક્ર તે મનને જાણવું. ને એની ધારા તે દશ ઇન્દ્રિયો છે, એમ જાણવું. (૧) અને તે ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂઠી થઈ જાય, તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિનદિન પ્રત્યે વૃદ્ધિ પામે એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું, અને જ્યારે મનોમયચક્રની ઇન્દ્રિયોરૂપ જે ધારા તે બૂઠી થઈ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ને ગંધ એ પંચવિષયને વિષે ક્યાંય પ્રીતિ રહે નહિ અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર-અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશે અભાવ આવે. પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોંટે નહિ, જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વીંધીને માંહી પ્રવેશ કરી જાય છે, તે પાછું કાઢ્યું પણ નીસરે નહિ અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય, ને પછી થોથું રહ્યું હોય, તેનો ભીંતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે, પણ જેમ ફળ સોતું ભીંતને વિષે ચોંટી જાય છે તેમ ચોંટે નહિ, તેમ જ્યારે મનોમયચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બૂઠી થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય, તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં. અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હઠે એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમયચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. (૨) એવું સંતના સમાગમરૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઇચ્છવું ને ત્યાં અતિ દૃઢ મન કરીને રહેવું. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૮૫)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે મનોમયચક્ર તે મન છે. અને દશ ઇન્દ્રિયો તે એની ધારા છે. (૧) અને તે ધારા એકાંતિક સંતના સમાગમથી બૂઠી થાય છે. એવા સંત જ્યાં રહેતા હોય તે નૈમિષારણ્ય ક્ષેત્ર છે. (૨) અને ત્યાં કલ્યાણને ઇચ્છવું ને ત્યાં જ દૃઢ મન કરીને રહેવું. (૩) બાબતો છે. ।।૭।।