વચનામૃત સારંગપુરનું - ૪

સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તર મુખારવિંદે વિરાજમાન હતા ને મસ્તકે શ્વેત પાઘ બાંધી હતી ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! આત્મા-અનાત્માની ચોખી જે વિક્તિ તે કેમ સમજવી ? જે સમજવે કરીને આત્મા-અનાત્મા એક સમજાય જ નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક શ્લોકે કરીને અથવા બે શ્લોકે કરીને અથવા પાંચ શ્લોકે કરીને અથવા સો શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે, જે સમજાણા કેડે આત્મા-અનાત્માના એકપણાનો લોચો રહે નહિ અને ચોખ્ખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયી થાય છે અને ગોબરી સમજણ સુખદાયી થાતી નથી, માટે એમ ચોખ્ખું સમજે જે હું આત્મા તે મારા જેવો ગુણ દેહને વિષે એકેય આવતો નથી અને જડ, દુઃખ ને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિષે એકેય આવતો નથી એવી વિક્તિ સમજીને ને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્યરૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતવન કરે એવો જે જડ-ચૈતન્યનો વિવેક તેને દૃઢ વિવેક જાણવો. (૧) અને ઘડીક પોતાને આત્મારૂપ માને ને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એને ગોબરો જાણવો માટે એના અંતરમાં સુખ ન આવે, જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય ને તેમાં થોડુંક ઝેર નાખ્યું હોય, તો તે અન્ન સુખદાયી ન થાય; સામું દુઃખદાયી થાય છે, તેમ આઠે પહોર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એટલે એનો સર્વે વિચાર ધૂળમાં મળી જાય છે. (૨) માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મવિચાર કરવો અને કોઈકને એવો સંશય થાય જે, અત્યંત નિર્વાસનિક નહિ થવાય ને કાચા ને કાચા મરી જાશું તો શા હવાલ થાશે, તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહિ ને એમ સમજવું જે, મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું ને અજર-અમર છું માટે હું મરું નહિ, એવું સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળ મતિ કરવી અને એમ વાસના ટાળતાં ટાળતાં જો કાંઈક થોડીઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષધર્મમાં નરક કહ્યા છે તેવા નરકની પ્રાપ્તિ થાશે તે નરકની વિગતિ જે ભગવાનનો ભક્ત હોય તેને કાંઈ જગતની વાસના રહે તેને ઇન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય ને તે લોકને વિષે જઈને અપ્સરાઓ તથા વિમાન તથા મણિમય મોહોલાત્ય એ આદિ દઈને જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહિ અને ચોરાશીમાં પણ જાય નહિ, માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તોપણ ઘણું થાશે તો દેવતા થવું પડશે ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થાશો ને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને નિર્વાસનિક થઈને અંતે ભગવાનના ધામને પામશો પણ વિમુખ જીવની પેઠે નરક ચોરાશીને નહિ ભોગવો, એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહિ ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાન ને ભગવાનના સંતના વચનમાં દૃઢ વિશ્વાસ રાખવો. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૮૨)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં પોતાના ચૈતન્યને ત્રણ દેહથી પૃથક્‌ માનીને અમારી મૂર્તિનું ચિંતવન કરે તે દૃઢ વિવેકી છે. (૧) અને દેહરૂપ માનીને એક ક્ષણવાર સ્ત્રીનું ચિંતવન કરે તે ગોબરો છે. (૨) અને અત્યંત નિર્વાસનિક થાય ત્યારે જ અમારા ધામને પામે; નહિ તો ઇન્દ્રથી લઈને પ્રધાનપુરુષ સુધી જે દેવતા તેના લોકને પામે; એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.

       પ્ર. આમાં બીજી બાબતમાં એક ઘડી એટલે ક્ષણવાર દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે તો તેનો આઠે પહોર કરેલો જે આત્માનો વિચાર તે ધૂળમાં મળી જાય એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?

       ઉ. માયાના કાર્યમાંથી નિર્વાસનિક થયો નથી તે આત્માનો વિચાર કરે પણ દૃઢાવ થઈ શકે નહિ ને માયામય જે પંચભૂતાત્મક દેહ તેમાં ભળી જાય ને આત્મા સંબંધી કરેલો વિચાર નિષ્ફળ થાય તે દેહરૂપ ધૂળમાં મળી ગયો જાણવું. ।।૪।।