વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૩
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૭ સાતમને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમે વિરાજમાન હતા અને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પાઘને વિષે પીળાં પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિષે પીળાં પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનની ઉપર પીળાં પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમે શ્રીજીમહારાજ સર્વ ભક્તજન ઉપર કરુણાની દૃષ્ટિએ કરીને સર્વે સામું જોઈને બોલ્યા જે, સર્વે સાંભળો એક પ્રશ્ન પૂછીએ છીએ જે, (૧) શ્રીમદ્ ભાગવત પુરાણમાં કહ્યું છે જે, જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે, ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા તે ચાર પ્રકારની મુક્તિ તે શું ? તો એક તો ભગવાનના લોકમાં રહેવું અને બીજું ભગવાનને સમીપે રહેવું અને ત્રીજું ભગવાનના સરખું રૂપ ને ઐશ્વર્ય પામવું અને ચોથું ભગવાનના સ્વરૂપને વિષે લીન થાવું, એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત ન ઇચ્છે ત્યારે એ શાને ઇચ્છે ? એ પ્રશ્ન છે તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો. પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિની ઇચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય ને જે ચતુર્ધા મુક્તિને ન ઇચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઇચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય, તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે :
सालोक्य सालोक्य सालोक्य सार्ष्टि सामीप्य सारुप्यैकत्व मप्युत ।।
दीयमानं न गृह्यान्ति विना मत्सेवनं जना: ।।
नेच्छन्ति सेवया पूर्णा: साळोक्यादि चतुष्टम् ।।
એ શ્લોકનો અર્થ એ છે જે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઇચ્છે જ નહિ ને એક સેવાને જ ઇચ્છે અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે ને એ ભક્ત નથી ઇચ્છતા તોપણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય-સુખને પમાડે છે તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે :
अथो विभूति मम मायाविनस्तामैश्वर्यमष्टांगमनुप्रवृत्तम् ।
श्रियं भागवतीं चास्पृहयन्ति भद्रां परस्य मेतेडश्नुवते तु लोके ।।
અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે ને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે, માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઇચ્છવું ને ઇચ્છે તો એમાં એટલી કાચ્યપ કહેવાય અને જો કાચ્યપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચ્યપને ટાળવી. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૪૩।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે ચાર પ્રકારની મુક્તિને ઇચ્છે તે સકામ ને અર્થાર્થી છે અને તે ન ઇચ્છે ને એક સેવાને જ ઇચ્છે તે નિષ્કામ ને જ્ઞાની છે અને અમારા એકાંતિક ભક્તનો સમાગમ કરીને તે કાચ્યપ ટાળવી. (૧) બાબત છે.
૧ પ્ર. ભગવાનના સ્વરૂપમાં લીન થાવું તે મુક્તિ ન ઇચ્છવી એમ કહ્યું તે મુક્તિની ઇચ્છાવાળા કેવી રીતે લીન થવા ઇચ્છતા હશે તે ના પાડી હશે, કેમ કે (સા. ૧૧ના પહેલા પ્રશ્નમાં) અતિ પ્રેમવાળા ભક્ત ભગવાનની મૂર્તિમાં લીન થાય છે એમ કહ્યું છે, માટે તે કાંઈ સમજાતું નથી તે કૃપા કરીને સમજાવો ?
૧ ઉ. તે મુક્તિની ઇચ્છાવાળા જળમાં જળવત્ અને અગ્નિમાં અગ્નિવત્ એક થઈ જવા ઇચ્છે છે તેનો નિષેધ કર્યો છે અને સેવાને એટલે દાસપણાને ઇચ્છનારા નિષ્કામ ભક્ત તો જળમાં મીનવત્ મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે પણ એક થઈ જતા નથી. નિષ્કામ ભક્તને તો શ્રીજીમહારાજ પોતાની મૂર્તિમાં રાખીને પોતાનું સુખ-ઐશ્વર્ય આપે છે, આ અનાદિમુક્તની સ્થિતિ છે. અને પરમએકાંતિક જે મૂર્તિને સન્મુખ રહ્યા છે તે મુક્ત પણ દાસત્વભક્તિવાળા છે, અને શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામેલા છે.
૨ પ્ર. નિષ્કામ ભક્તને ઐશ્વર્ય-સુખ પમાડે છે એમ કહ્યું તે કિયાં જાણવાં ?
૨ ઉ. કાળ, કર્મ, માયાથી રહિતપણું અને અસંગી, નિર્વિકાર, નિર્લેપપણું અને અનંત જીવોનો મોક્ષ કરવાપણું, સ્વતંત્રપણું, સર્વજ્ઞપણું અને શ્રીજીમહારાજની પેઠે જ ચહાય તે કરવાપણું ઇત્યાદિ ઐશ્વર્ય જાણવાં અને શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખ રહ્યાં છે તે સુખ જાણવાં. ।।૪૩।।