વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૨
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૪ ચોથને દિવસ મધ્યાહ્ન સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધાર્યાં હતાં ને પાઘને વિષે ફૂલનો તોરો ખોસ્યો હતો ને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીનાં પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ કીર્તન ગાતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સાંભળો એક વાત કરીએ. ત્યારે સર્વે પરમહંસ ગાવવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવાં, તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે, તો એ ગાયું તે ન ગાયા જેવું છે, ને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે, તથા વાજિંત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામરટણ કરવું તથા નારાયણ-ધૂન્ય કરવી, ઇત્યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભારીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિષે વૃત્તિ રાખે ને જ્યારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયાને કરે, ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહિ, માટે હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં સર્વે ક્રિયાને વિષે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજીમહારાજ બોલ્યા જે હવે કીર્તન ગાઓ. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૨૨।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં કથા-કીર્તનાદિક સર્વે ક્રિયામાં અમારી મૂર્તિને વિષે વૃત્તિ રાખે તો અમારી મૂર્તિમાં વૃત્તિ સ્થિર થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. વાજિંત્ર વજાડીને કીર્તન ગાતાં ભગવાનની સ્મૃતિ ન રહે, તો ગાયું તે ન ગાયા જેવું કહ્યું. તે જગતના જીવને તો ભગવાનની ઉપાસના નથી, એટલે ફળ નથી થતું પણ ભગવાનના ભક્ત તો કથા-વાર્તા કરતા હોય, ને મૂર્તિની સ્મૃતિ ન રહેતી હોય તેને કથા-કીર્તનનું ફળ થાય કે નહિ ?
૧ ઉ. જેને ભગવાનની સ્મૃતિ ન રહે તેને સ્મૃતિનું ફળ જે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન આવે, ને સુખે મૂર્તિમાં વૃત્તિ રહે એ ફળ ન થાય. તેથી તે ગાયું તે ન ગાયા જેવું કહ્યું છે, પણ કથા-કીર્તનનું ફળ જે ભગવાનની સ્મૃતિ રહેવા માંડે, તે ફળ તો થાય, કેમ જે કથા-કીર્તનમાં ભગવાનની મૂર્તિના અંગનું વર્ણન આવે માટે કથા-કીર્તન છે તે સ્મૃતિ રહેવાનો ઉપાય છે. ।।૨૨।।