વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૫

સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૦ દશમને દિવસ સાંજને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! કેટલાક વેદાંતી એમ કહે છે જે, ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે અને કેટલાક જે નારદ-શુક-સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે તે એ બેમાંથી કોણ સાચા છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે ને મહા તેજોમય મૂર્તિ છે અને સર્વત્ર પૂર્ણ એવું સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે, તે ભગવાન માયા સામું જોતા હવા અને જ્યારે જુએ ત્યારે તેને શું એકલી આંખ્ય જ હોય ? હાથ-પગ પણ હોય, માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિષે સાકાર છે ને જળ નિરાકાર છે ને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર છે ને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિષે સાકાર છે ને જેમ સમગ્ર તડકો તે નિરાકાર છે ને સૂર્યના મંડળને વિષે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે અને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે અને કોઈ એમ કહે જે શ્રુતિમાં એમ કહ્યું છે જે, પરમેશ્વર તો કર-ચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે તો એ જે શ્રુતિએ કર-ચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કર-ચરણાદિકનો નિષેધ કર્યો છે અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી; અને જેમ સૂર્યનું તેજ છે તેને આગળ દર્પણ ધરીએ, ત્યારે તે કિરણનું જે રૂપ તે સૂર્યના જેવું જ ભાસે છે, તેમ પુરુષોત્તમ ભગવાન મૂર્તિમાન છે તેની કિરણરૂપ જે સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મ તેનું રૂપ પણ દર્પણ જેવું જેનું નિર્મળ અંતઃકરણ થયું હોય તેને પુરુષોત્તમ ભગવાનના જેવું સાકાર જ ભાસે છે, માટે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી ને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૪૫।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે, તેમાં અમે મહા તેજોમય ને સદા સાકાર મૂર્તિ છીએ અને સર્વત્ર પૂર્ણ ને સર્વત્ર વ્યાપક એવું સચ્ચિદાનંદ બ્રહ્મ તે અમારું તેજ છે તે તેજ દ્વારા અમે સર્વત્ર વ્યાપક છીએ ને તે તેજ વસ્તુતાએ નિરાકાર હોવા છતાં પણ નિર્મળ અંતઃકરણવાળાને સાકાર જેવું ભાસે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.

૧      પ્ર. આમાં શ્રી ગોપાળાનંદ સ્વામીએ વેદાંતીની સમજણનો પ્રશ્ન પૂછ્યો છે તે વેદાંતી જેને બ્રહ્મ કહે છે તે તો મૂળપુરુષનો પ્રકાશ છે તેને જ બ્રહ્મ સમજે છે, માટે આમાં સચ્ચિદાનંદ તેજ કહ્યું તે મૂળપુરુષનું સમજાય છે ને મૂળપુરુષને જ પુરુષોત્તમ સમજાય છે માટે તે જેમ હોય તેમ કૃપા કરીને સમજાવો.

૧      ઉ. શ્રી ગોપાળાનંદ સ્વામીએ તો, ભક્ત ભગવાનને સાકાર સમજે છે, ને વેદાંતી નિરાકાર કહે છે, પણ પરબ્રહ્મ પુરુષોત્તમ જે તમે તે તમને કેવા સમજવા, એવા ભાવથી પૂછ્યું છે, તેમને અમે સદા સાકાર છીએ ને સચ્ચિદાનંદબ્રહ્મ તે અમારો પ્રકાશ છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે.

૨      પ્ર. (લો. ૧૮/૨માં) શ્રીજીમહારાજને સચ્ચિદાનંદરૂપ કહ્યા છે અને (આમાં તથા પરથારાની બીજી બાબતમાં તથા કા. ૭ના ચોથા પ્રશ્નમાં) શ્રીજીમહારાજના તેજને સચ્ચિદાનંદ નામે કહેલ છે અને (પ્ર. ૭/૧માં) મૂર્તિમાન મૂળઅક્ષરબ્રહ્મને સચ્ચિદાનંદ નામે કહ્યા છે અને (સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) ઈશ્વરના વ્યતિરેક સ્વરૂપને સચ્ચિદાનંદ નામે કહેલ છે તે કેવી રીતે સમજવું ?

૨      ઉ. ઈશ્વર જે પુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર તથા શ્રીજીમહારાજ તે સર્વેને તથા તેમના તેજને સચ્ચિદાનંદ શબ્દે કરીને કહેવાય છે પણ જ્યાં જેનો પ્રસંગ હોય ત્યાં તેને સચ્ચિદાનંદ નામે કહ્યા હોય, પણ જેમ તારા, ચંદ્ર ને સૂર્યના તેજમાં તથા બિંબમાં ને સામર્થીમાં ભેદ છે, તેમ પુરુષ, બ્રહ્મ, અક્ષર ને પુરુષોત્તમ તેમને વિષે સુખ, સામર્થી ને પ્રકાશમાં ભેદ ઘણો છે પણ વસ્તુ સત્ય અને ચૈતન્ય છે, માટે સચ્ચિદાનંદ નામે કહ્યા છે અને અક્ષરકોટિ, બ્રહ્મકોટિ ને પુરુષરૂપ જે ઈશ્વરકોટિ તે સર્વ ચૈતન્ય મૂર્તિઓ છે પણ દેહદેહીભાવ નથી, માટે એ સર્વે દિવ્ય સાકાર છે અને માયાકોટિ ને જીવકોટિ તેને વિષે દેહદેહીભાવ છે અને એમના દેહનું પરિણામ છે, ને તે નિરાકાર છે તે સાકારની ઉપાસના તથા ધ્યાનથી તદ્‌ભાવને પામે છે. અને શ્રીજીમહારાજ તથા તેમના મુકત તો સદા સાકાર છે તે (પ્ર. ૩૭/૩માં) આત્યંતિક પ્રલયને અંતે અમે તથા અમારા મુક્ત સદા સાકાર છીએ. (૬૬/૨માં) મૂળઅક્ષરથી પર અમારા પ્રકાશરૂપ અક્ષરધામને વિષે અનંતકોટિ મુક્તે સહિત સદા મૂર્તિમાન છીએ અને અમારા તેજ દ્વારે સર્વેના આત્મા છીએ. (૭૧ના પાંચમા પ્રશ્નમાં) નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર છીએ. (કા. ૭ના ૪/૫ ચોથા પ્રશ્નમાં) જેવા અમારા તેજરૂપ અક્ષરધામને વિષે સદાય દિવ્ય રૂપે કરીને વિરાજમાન છીએ તેવા જ આ પ્રત્યક્ષ છીએ. (/૨માં) આ અમે મનુષ્ય રૂપે આંહીં પ્રત્યક્ષ વિચરીએ છીએ એ જ અમારું મૂળ સ્વરૂપ છે. (લો. ૧ના આઠમા પ્રશ્નમાં) ગોલોક, બ્રહ્મપુરાદિક ધામ તથા અનંતકોટિ મુક્ત તે સર્વેના સ્વામી છીએ ને જીવોના કલ્યાણને અર્થે સર્વેને દૃષ્ટિગોચર થયા છીએ. (૭ના ૩/૮ ત્રીજા પ્રશ્નમાં) પ્રકૃતિપુરુષ, અક્ષર તેથી પર ને સર્વેના કારણ ને સર્વેના આધાર એવા જે અમે તે સદા સાકાર મૂર્તિ છીએ, (૧૪/૨માં) સર્વેથી પર અમારા તેજના સમૂહને વિષે દિવ્ય મૂર્તિ થકા અનંતકોટિ મુક્તે સહિત સદાય વિરાજમાન છીએ. (૧૮/૨માં) અમે સચ્ચિદાનંદ તેજોમય મૂર્તિ છીએ અને સર્વેના નિયંતા ને અંતર્યામી છીએ. (પં. ૧/૧માં) અક્ષરબ્રહ્મ જે અમારા અંગનો પ્રકાશ તેમાં અમે સદા સાકાર છીએ. (/૧માં) અમારું સ્વરૂપ અમારા તેજરૂપ ધામમાં તેજોમય છે તેવું જ મનુષ્યાકાર પૃથ્વી ઉપર છે તથા બીજી બાબતમાં આત્યંતિક પ્રલયને અંતે અમે અક્ષરધામમાં સદા સાકાર ને દિવ્ય તેજોમય છીએ તેવા ને તેવા જ પૃથ્વી ઉપર છીએ. (મ. ૩/૨માં) બ્રહ્મ, સર્વના કારણ, આધાર ને અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે ને અમે એ બ્રહ્મના પણ કારણ ને આધાર છીએ. (૧૦ ના પહેલા પ્રશ્નમાં) અમે સદા સાકાર મૂર્તિમાન છીએ. ને બ્રહ્મરૂપ જે અમારી શક્તિ તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છીએ અને એ સર્વેથી જુદા મૂર્તિમાન છીએ અને એ બ્રહ્મ તે અમારી કિરણ છે. (૧૩/૩માં) અમારા તેજ રૂપ અક્ષરધામમાં અમે સદા મૂર્તિમાન છીએ એ જ આ પ્રત્યક્ષ પ્રમાણ વિચરીએ છીએ. (૩૯/૧માં) અક્ષરધામમાં અમે સદા સાકાર છીએ. (વ. ૨/૧માં) અમે સદા મૂર્તિમાન ને સર્વના કર્તા છીએ ને અમને જે અકર્તા તથા નિરાકાર કહે તે અમારો દ્રોહી છે. (૧૩ના બીજા પ્રશ્નમાં) અમે મૂર્તિમાન થકા સર્વેમાં વ્યાપક છીએ. (છે. ૭ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) અમે અમારા તેજરૂપ બ્રહ્મપુર ધામને વિષે સદાય સાકાર મૂર્તિ થકા અમારા મુક્તે સહિત વિરાજમાન છીએ (૩૦માં) ચૈતન્ય તેજના રાશિને મધ્યે મૂર્તિમાન સદા વિરાજમાન છીએ. (૩૧માં) બ્રહ્મરૂપ તેજોમય અમારા ધામમાં છીએ તે આ પ્રત્યક્ષ મનુષ્યાકાર છીએ. (૩૫ના /૬ પાંચમા પ્રશ્નમાં) અમારા તેજરૂપ અક્ષરધામને વિષે સદા સાકાર છીએ તે જ આ પ્રત્યક્ષ છીએ ને સર્વેના કર્તા છીએ, (૩૭માં) પ્રકૃતિમાંથી થયેલા જે આકાર તે સર્વેથી શ્રેષ્ઠ એવો અમારો સદા દિવ્યાકાર છે. (૩૮ના પહેલા પ્રશ્નમાં) અમે અમારા ધામમાં સદા દ્વિભુજ મનુષ્યાકાર છીએ તેવા ને તેવા જ પૃથ્વી ઉપર છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે માટે શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત તે સદા સાકાર, દિવ્ય તેજોમય છે તેવા ને તેવા જ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે દેખાય છે, ત્યાં ‘હરિવાક્ય-સુધાસિંધુ’ના તરંગ ( નવમામાં) શ્લોક :

गोलोकाधिपतिर्यो हि स एवास्त्यडत्र नेतर: । स्वतंत्र: स्वेच्छयैवाडसौ नराकारेण दृश्यते ।।૧૦।।

वेषांतरं धृतवतो नटस्येवास्य सर्वथा । स्वसृपभेदो नास्त्येव ज्ञेयमित्थं मनीषिभि: ।।૧૧।।

          અર્થ :- ગોલોકાદિક ધામના પતિ છે તે જ ભગવાન આ સ્થળને વિષે સ્વતંત્રપણે પોતાની ઇચ્છાએ મનુષ્યાકારે આ પ્રત્યક્ષ દેખાય છે, તે તો વેશાંતરને ધરતો એવો જે નટ તેમાં જેમ ભેદ નથી તેમ જ ધામમાં રહેલું જે સ્વરૂપ અને આમાં (પ્રત્યક્ષ જણાતા જે અમે તે અમારામાં) ભેદ નથી એમ બુદ્ધિવાળા પુરુષોએ જાણવું. ।।૧૦-૧૧।।

अत: प्रत्यक्षमासाद्य कृष्णं तदितरत् क्वचित् । वांच्छनीयं न वै वस्तु कार्या निष्ठाद्रठाडत्र च ।।૧૨।।        અર્થ :- એ જ હેતુ માટે આ પ્રત્યક્ષ કૃષ્ણને ( જે અમે તે અમને) પામીને તે કૃષ્ણ વિના (અમારા વિના) બીજું કાંઈ ઇચ્છવું નહિ; અમારે વિષે જ દૃઢ નિષ્ઠા કરવી. ।।૧૨।। તરંગ (૩૭)માં :

साक्षात् कृष्णश्च तत्सेवा-निरता येडत्र पुरुषा: । भवंति याद्रशा: सर्वे लय आत्यंतिकेडपि ते ।।૧૬।।

तादृशा एव साकारा वर्त्तन्ते न त्वलिंगिन: । एवं यो वेद वे सम्यक् स भक्तो निर्भय: सदा ।।૧૭।।

          અર્થ :- આ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણની સેવાને વિષે પ્રીતિવાળા ભક્તો આંહીં જેમ સાકાર મૂર્તિમાન છે, તેવા જ આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે સદા દિવ્ય સાકાર રહે છે, પણ નિરાકાર નથી એમ જે ભક્ત સર્વ પ્રકારે જાણે છે, તે ભક્ત સદાય નિર્ભય છે, અર્થાત્‌ તેને કલ્યાણમાં અધૂરાપણું રહેતું નથી. ।।૧૬-૧૭।। તરંગ (૪૫)માં :

तमुवाच हरि: साधो भगवान् साकृति: सदा । भूरि तेजो दिव्यमूर्ति-रस्तीत्येव मतं हि सत् ।।।।

सच्चिदानंदरृपं यत् पूर्ण ब्रह्मास्ति सर्वत: । तेजस् तस्यैव तज्ज्ञेयं निराकार-मनावृतम् ।।।।

યથા ચાર્કોરિત સાકાર આતપોસ્તિ નિરાકૃતિઃ । તથા કૃષ્ણોસ્તિ સાકારસ્તેજો બ્રહ્મ નિરાકૃતિઃ ।।૧૭।।      અર્થ : શ્રી ગોપાળાનંદ સ્વામીને શ્રીજીમહારાજ કહેતા હવા જે ભગવાન દિવ્ય મૂર્તિ અતિ તેજોમય ને સદા સાકાર છે તે મત નિશ્ચય સત્ય છે, ।।।। અને સત્‌, ચિત્‌ ને આનંદરૂપ, સર્વત્ર પૂર્ણ, નિરાકાર ને આવરણે રહિત એવું જે બ્રહ્મ તે ભગવાનનું તેજ છે. ।।।। જેમ સૂર્ય સાકાર છે ને તેનો પ્રકાશ નિરાકાર છે તેવી રીતે કૃષ્ણ સાકાર છે ને તેજ જે બ્રહ્મ તે નિરાકાર છે. ।।૧૭।। તરંગ (૬૩) સ કૃષ્ણો મહસા સ્વેનાન્વિતોડસ્તિ પુરુષાદિષુ ।। ।।૫૨।। જેના સેવકના એક એક રોમને વિષે કોટાનકોટિ સૂર્યનો પ્રકાશ છે તો તે ભગવાનના અંગનું તેજ તો કોનાથી વર્ણન કરી શકાય ? તે કૃષ્ણ પોતાના તેજે કરીને પુરુષ, કાળ, બ્રહ્મ, અક્ષર એ આદિકને વિષે અન્વયપણે કરીને રહ્યા છે. ।।૫૨।। તરંગ (૬૬)માં

मुर्त: सूर्य: स्वतेजोभि-र्जगद्-व्याप्यास्ति तत्पृथक्

यथा तथा सोपि मूर्त: कांत्या व्याप्पाडस्ति तत्पृथक् ।।૧૧।।

निराधारं न तेज:स्यादिति सर्वत्र द्रश्यते

तदंगकांतिस् तेजोडतो यद् ब्रह्मे-त्युच्येडक्षरम् ।।૧૨।।

दिव्य विग्रह एवाडस्ति हरिस्तत् संगतस्तत:

दिव्यतां यांति बहव: प्राकृता अपि देहिन: ।।૧૭।।

अतो नराकृति-रपि कृष्णोडस्त्येवाडक्षरात्पर:

अमायिकाकृति र्दिव्य रृप इत्यडस्ति सन्तम् ।।૨૨।।

          અર્થ : મૂર્તિમાન સૂર્ય પોતાના પ્રકાશે કરીને જગતમાં વ્યાપીને જેમ રહેલ છે ને તેથી મૂર્તિમાન જુદા છે તેમ પોતાના ધામને વિષે મૂર્તિમાન રહ્યા થકા કાન્તિએ કરીને સર્વત્ર વ્યાપક છે તોપણ તેથી વ્યતિરેક કહેતાં મૂર્તિમાન જુદા છે, (એમ તમે અમને જાણો.) ।।૧૧।। અને તેજ જે તે નિરાધાર નથી રહેતું એ પ્રકારે સર્વ સ્થળને વિષે દેખાય છે એ જ હેતુ માટે ભગવાનના અંગની કાન્તિ (અમારી મૂર્તિનો પ્રકાશ) જે તેજ તે અક્ષરબ્રહ્મ નામે કહ્યું છે. ।।૧૨।। હરિ દિવ્ય સ્વરૂપ છે એમ ભગવાનના સંતના સમાગમથી જાણીને ઘણા પ્રાકૃત મનુષ્યો તે પણ દિવ્યભાવને પામી જાય છે. અર્થાત્‌ ભગવાનને ધ્યાને કરીને સાકાર મૂર્તિમાન થાય છે. (૧૭) એ જ હેતુ માટે મનુષ્ય જેવા જણાતા છતાં પણ કૃષ્ણ (આ પ્રત્યક્ષ ભગવાન) અક્ષર થકી પર છે અને માયિક આકૃતિએ રહિત અને દિવ્ય મૂર્તિમાન છે; એ પ્રકારનો સત્પુરુષનો મત છે. ।।૨૨।। તરંગ (૭૧)માં :

साकारमेव कृष्णाख्यं ब्रह्मडस्त्यभिमतं हिन: । नराकृतेस् तस्य लब्द्या परं नि:श्रेयसं भवेत्    ।।૧૭।।

नृत्य-दिव्यत्व-यो-र्भेदस्तेषां नास्त्येव सर्वथा । यत्तानेव समाधिस्था दिव्यरृपान् विचक्षते ।।૩૦।। કૃષ્ણ છે નામ જેનું એવું જે બ્રહ્મ તે સાકાર જ છે એ પ્રકારે અમારો મત છે, ને મનુષ્યાકૃતિ એવા ભગવાન તેને પામીને પરમ કલ્યાણ થાય છે. ।।૧૭।। અને ભગવાન ને મુક્તના મનુષ્યભાવ ને દિવ્યભાવમાં સર્વ પ્રકારે ભેદ નથી, કેમ જે સમાધિવાળા ભક્તો આ મનુષ્ય રૂપે વિચરતા એવા ભગવાન તથા મુક્તોને દિવ્ય રૂપે દેખે છે. ।।૩૦।। તરંગ (૧૦૩)માં :

आत्यंतिको लयोयर्हि जायते तर्हि लीयते । सह स्वकार्यै: प्रकृति: पुरुषे सोपि चाक्षरे ।।૨૮।।

तदैकं सच्चिदानंद रृपं तेज: प्रकाशते । ब्रह्माख्ये तत्र भगवान् राजते पुरुषोत्तम: ।।૨૯।।

दिव्यमूर्ति: कृष्णसंज्ञो दिव्यवासो-विभूषण: । सेव्यमानो महामुक्तै-र्ब्रह्मभूते: सहस्रश: ।।૩૦।।

.......... भूत्वा नराकृति-भूर्मौ-चरत्यद्भुत-चैष्टित: ।।૩૨।।

          આત્યંતિક પ્રલય જ્યારે થાય છે, ત્યારે પ્રકૃતિ પોતાના કાર્યે સહિત પુરુષને વિષે લીન થાય છે, અને તે પુરુષ અક્ષરને વિષે લય પામે છે. ।।૨૮।। તે સમયમાં સત્‌, ચિત્‌ ને આનંદરૂપ બ્રહ્મને વિષે પુરુષોત્તમ ભગવાન રહે છે. ।।૨૯।। બ્રહ્મરૂપ અનંત મહામુક્ત તેમણે સેવનને કર્યા ને દિવ્ય વસ્ત્ર-આભૂષણને ધારણ કરી રહ્યા એવા દિવ્ય મૂર્તિમાન ભગવાન જે તે કૃપાએ કરીને મનુષ્યના જેવી આકૃતિ ધારણ કરીને આશ્ચર્યકારી ચરિત્રને કરતા છતાં આ પૃથ્વી ઉપર વિચરે છે. ।।૩૦-૩૨।। તરંગ (૧૨૧) માં :-

तेजोविग्रहता साम्याच् चंद्रताराश्च यद्यपि । तुल्या इव समीक्ष्यंते तथाडप्यस्त्येव तद्भिदा ।।૨૭।।         અર્થ :- તેજોમય દેહે કરીને સરખાપણું એ હેતુ માટે તારા અને ચંદ્રમા જો પણ તુલ્ય હોય ને શું ? એમ દેખાય છે તોપણ તેમાં અતિ ભેદ છે તેમ જ અમારે વિષે ને મુક્તને વિષે ભેદ છે. ।।૨૭।। તરંગ (૧૨૨) માં :

सदा मंगलरृपो हि श्रीकृष्णोभगवान स्वयम् । अवताराडवतारित्व भेदो नैवात्र विधते ।।૨૪।।

दिव्यसिंहासनारुढोडनंतमुख्तगणै-र्वृत्त । अति तेज.स्वी दिव्यांगो दिव्यवासो ।।૨૫।।

અર્થ :- દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન ને દિવ્ય છે અંગ જેમનાં અતિ તેજસ્વી અને દિવ્યવસ્ત્રાભૂષણે યુક્ત ને અનંત મુક્તના જે સમૂહ તેણે વીંટાયેલા ને સદા મંગળમૂર્તિ એવા પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાન છે (અમે છીએ) આમાં અવતાર-અવતારી એવો ભેદ નથી. ।।૨૪-૨૫।। તરંગ (૧૨૬) માં :

सच्चिदानंदरृपोडति लावणयो दिव्य-विग्रह: । अप्राकृकेंद्रियो दिव्य वासोडलंकार मंडित: ।।૨૩।।

.............. सोडसौ कृष्ण: सदैलास्ते दिलभूजोडति मनोहर: ।।૨૮।।

          અર્થ :- અક્ષરધામને વિષે સત્‌, ચિત્‌ ને આનંદરૂપ એવા અને અતિ સુંદર દિવ્ય છે દેહ જેમનો, અને અપ્રાકૃત છે ઇન્દ્રિયો જેમની, કહેતાં દિવ્ય સાકારમૂર્તિ અને દિવ્ય એવા વસ્ત્રાલંકારે યુક્ત. ।।૨૩।। તે જ આ પ્રત્યક્ષ પ્રમાણ કૃષ્ણ સદાય અતિ મનોહર દ્વિભુજ એવા સતા રહેલા છે. ।।૨૮।। તરંગ (૧૨૭) માં :

सच्चिदानंदरृपं यद् ब्रह्मनिर्गुणमक्षरम् । अंगप्रकाशस् तत्वडस्य धाम चेत्युक्तमस्ति हि ।।૧૧।।

          અર્થ : સત્, ચિત્‌, આનંદ છે રૂપ જેનું એવું અને નિર્ગુણ એવું જે અક્ષરબ્રહ્મ તે તો આ પ્રત્યક્ષ પ્રમાણ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમારા અંગનો પ્રકાશ છે, અને તેને ધામ એવે નામે પણ કહેલું છે.   તરંગ (૧૩૩)માં :

तथैवन्नाडकृतिरपि दिव्यमूर्ति: स्वयं प्रभु: । अस्तीति तत्त्वतो ज्ञेय: प्रत्यक्ष: पुरुषोत्तम: ।।૧૧।।

अत: साक्षाद्धरेरृपं रृपंयच्चाडक्षरस्थितम् । तयो-र्ये न विदु-र्भेदं ज्ञानी भक्तास्त उत्तमा: ।।૪૭।।

          અર્થ :- જે પ્રકારે અક્ષરધામને વિષે દિવ્ય મૂર્તિમાન છે, તે જ પ્રકારે મનુષ્યાકૃતિ આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન દિવ્ય મૂર્તિમાન છે એમ યથાર્થપણે કરીને જાણવા. ।।૧૧।। એ જ હેતુ માટે આ પ્રત્યક્ષ પ્રમાણ એવા હરિ જે અમે તે અમારા રૂપમાં ને અક્ષરધામમાં રહ્યું છે જે રૂપ તે બેમાં જે ભેદ ન જાણે તે જ્ઞાની ને ઉત્તમ ભક્ત છે. ।।૪૭।। તરંગ (૧૪૬) માં :

यस्मिस्तेजसि तद्रूपं भवत्येकरसे सितेતે । आत्मब्रह्माडक्षराद्याभि-स्तदाख्याभि: प्रकीत्त्र्यते ।।૩૦।।

रृपस्तत्र भगवान् साक्षात् स परब्रह्म-संज्ञक: । आत्मतत्त्वाडभिधश्चासौ पुरुषोत्तम च्यते ।।૩૧।   અર્થ : એકરસ શ્વેત તેજ તેને વિષે ભગવાનનું સ્વરૂપ રહ્યું છે, તે તેજને આત્મા, બ્રહ્મ ને અક્ષર એ નામે કહેલું છે, અને તે તેજને વિષે પરબ્રહ્મ સાક્ષાત્‌ પુરુષોત્તમ એવા જે આ ભગવાન તે જે તે આત્મતત્ત્વ એવે નામે તથા પરબ્રહ્મ ને પુરુષોત્તમ એવે નામે કહ્યા છે. ।।૩૦-૩૧।। તરંગ (૧૮૩)માં:-

तादात्मयं तेन संप्राप्य निषेवे कृष्णमेव हि । तेजोमयेडक्षरे तस्मिन् धाम्नि दिव्यतनुप्रभुम् ।।।।

          અર્થ :- તે બ્રહ્મના સંગાથે તદાત્મકભાવને પામીને, તેજોમય એવું તે અક્ષરધામ તેને વિષે દિવ્ય મૂર્તિમાન ભગવાન જે કૃષ્ણ તેમનું સેવન કરું છું એમ પોતાને મિષે ભક્તજનને શીખવવાને વાસ્તે શ્રીજીમહારાજે ધ્યાનની રીત બતાવી છે. ।।।। તરંગ (૧૯૭) માં :-

ब्रह्मधाम्नि हरि: साक्षात् महाराजाडधिराजवत् । वर्त्तते पूज्यमानांध्रि-र्नैकृ-ब्रह्मांड-नायकै: ।।૧૪।।

तत्रस्थ एव व्याप्नोति ब्रह्मांडानि स्वशक्तिभि: । गगनस्थो यथा भास्वान् देशान्सर्वान्मरीचिभि: ।।૧૬।।

અર્થ :- બ્રહ્મધામને વિષે અનંત બ્રહ્માંડનાં અધિપતિઓએ પૂજ્યાં છે ચરણકમળ જેમનાં એવા આ સાક્ષાત્‌ શ્રીહરિ તે મહારાજાધિરાજપણે વર્તે છે. ।।૧૪।। જેમ આકાશમાં રહેલો સૂર્ય પોતાનાં કિરણો વડે સર્વ દેશોમાં વ્યાપે છે તેમ અક્ષરધામમાં રહ્યા થકા આ ભગવાન પોતાની શક્તિ વડે બ્રહ્માંડોમાં વ્યાપીને રહે છે. ।।૧૬।। તરંગ (૨૧૩)માં :

ब्रह्म तत् कृष्ण एवोक्त एकदेशगतोडपि स: । सर्वत्र व्यापकोडस्त्येव स्वशकत्या तेजसात्डर्कवत् ।।૧૯।।  

અર્થ :- બ્રહ્મ તે આ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ જ છે તે એક દેશને વિષે રહ્યા છે, તોપણ પોતાની શક્તિરૂપ જે તેજ તેણે કરીને સર્વત્ર વ્યાપક છે. જેમ સૂર્ય પોતાની શક્તિ જે તેજ તેણે કરીને સર્વત્ર વ્યાપક છે તેમ. ।।૧૯।। તરંગ (૨૪૧)માં :

यो ब्रह्मधाम्नि भगवान् सदाडस्ते दिव्यविग्रह: । स एव साक्षात् कृष्णोस्ति नराकारो धरातले ।।।।       અર્થ : બ્રહ્મધામ જે પોતાના તેજરૂપ અક્ષરધામ તેને વિષે જે ભગવાન સદાય દિવ્ય મૂર્તિમાન વિરાજમાન છે તે જ ભગવાન સાક્ષાત્‌ કૃષ્ણ (આ શ્રીજીમહારાજ) પૃથ્વી ઉપર વિરાજમાન છે. ।।।। તરંગ (૨૬૬)માં :

सदा कृष्णोस्ति साकारो बृहद्धाम्न्यति तेजसि । योंडतर्यामी च सर्वेषां सर्वकारण-कारणम् ।।૧૪।।

अनेकाकोटि ब्रह्मांड-महाराजश्च निर्गुण: । दिव्यानंदमयाडकार: प्रत्यक्षोडस्ति स वै हरि: ।।૧૫।।

અર્થ : અતિ તેજોમય એવું પોતાનું તેજરૂપ જે બ્રહ્મધામ તેમાં સદાય સાકાર કૃષ્ણ ભગવાન રહેલા છે તે જ સર્વના કારણ જે અક્ષર તેના કારણ ને અંતર્યામી ને અનંતકોટિ બ્રહ્માંડના રાજા અને નિર્ગુણ કહેતાં માયાના ગુણે રહિત દિવ્ય આનંદમય છે આકાર જેમનો એવા જે ભગવાન છે તે જ આ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે એમ નિશ્ચે તમે જાણો. ।।૧૪-૧૫। તરંગ (૨૬૯)માં :

विराजतेडक्षरे धाम्नि स हि राजाधिराजवत् । स एव च नराकारो भुवि साक्षात्समीक्ष्यते ।।૪૮।।

          અર્થ : અક્ષરધામને વિષે રાજાધિરાજપણે વિરાજે છે તે જ આ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ મનુષ્યાકારે દેખાય છે. ।।૪૮।। તરંગ (૭૧)માં :

तेज: पुजेडक्षरे धाम्नि नित्यं कृष्णो विरादते । तद्भक्ताश्च तदाकारा: सेवंते स्वामिनं हि तम् ।।૧૨।।      

અર્થ : તેજોમય એવું જે અક્ષરધામ તેમાં ભગવાન વિરાજે છે અને તે ધામમાં ભગવાનના ભક્ત પણ ભગવાનના જેવા છે આકાર જેમના એવા સતા તે સ્વામિનારાયણ ભગવાન તેમનું સેવન કરે છે. ।।૧૨।। તરંગ (૨૭૨)માં :

दिव्यदेहस्य संप्राप्तिस्तस्य कृष्णेच्छया तत: । जायते तेन स हरिं सेवतेडतेडक्षकधामनि ।।।।

आकारस्तत्र कृष्णस्य मनुष्यस्येव वर्त्तते । चिदानंदमयो गोप-वेषो दिव्योडतिभासुर: ।।।।

          અર્થ : પ્રત્યક્ષ ભગવાનની ઉપાસનાને કરતો એવો જે ભક્ત તેને ભગવાનની ઇચ્છાએ કરી ને દિવ્ય દેહની પ્રાપ્તિ થાય છે, અને તે દિવ્ય દેહે કરીને અક્ષરધામને વિષે હરિ (પોતાના ભક્તના દુઃખને હરનારા શ્રી સ્વામિનારાયણ)નું સેવન કરે છે, અને તે ધામને વિષે ભગવાનનો (અમારો) આકાર મનુષ્યના જેવો છે, અને ચૈતન્યઘન ને આનંદમય અને દિવ્ય અતિ પ્રકાશમાન છે. ।।૭-૮।। આવી રીતે શ્રીજીમહારાજ સદા દિવ્ય સાકાર મૂર્તિ છે અને દિવ્ય મૂર્તિમાન અનંત મુક્તોએ સહિત પોતાના તેજરૂપ અક્ષરધામને વિષે વિરાજમાન છે ને પોતાના મુક્તોને સુખ આપે છે, એવા ને એવા જ પોતે તથા મુક્તો તે જીવોના કલ્યાણને અર્થે મર્ત્યલોકને વિષે મનુષ્ય જેવા દેખાય છે, અને પોતાના તેજ રૂપે સર્વેના આધાર, કર્મફળપ્રદાતા ને અંતર્યામી છે.

અને મૂર્તિમાન પણ વ્યાપક છે તેની રીત કહીએ છીએ. તરંગ (૧૯૭)માં :

एकोडप्यनेकरुपेण प्रयोजनवशाच्च स: । जायेंडडेष्विच्छयैव स्वतंत्र: सिद्धयोगिवत् ।।૧૭।।

          અર્થ :- એક એવા પણ ભગવાન તે ધર્મસ્થાપનરૂપ પ્રયોજનના વશપણા થકી અનેક રૂપે બ્રહ્માંડોને વિષે પોતાની ઇચ્છાએ સ્વતંત્રપણે પ્રગટ થાય છે જેમ સિદ્ધયોગી અનેક રૂપે થાય છે તેમ. ।।૧૭।। તરંગ (૨૧૩)માં :

यदा यदा यत्र यत्र दातुमिच्छेत् स्वदर्शनम् । तदा तदा तत्र तत्र स्वेच्छयाडडविर्मधत्यसौ ।।૨૨।।

एकोप्यनेक रृपोडसौ स्व-सामथ्र्येन जायते । एवं व्यपकता तस्य ज्ञतव्या न त्वरृपत: ।।૨૩।।

          અર્થ : જ્યારે જ્યારે જે જે સ્થળને વિષે દર્શન દેવાને ઇચ્છે ત્યારે ત્યારે તે તે સ્થળમાં પોતાની ઇચ્છાએ આ ભગવાન પ્રગટ થાય છે. ।।૨૨। અને એક એવા પણ આ ભગવાન તે અનેક રૂપે પોતાના સામર્થ્યે કરીને પ્રગટ થાય છે, એ પ્રકારે ભગવાનનું વ્યાપકપણું જાણવું પણ અરૂપપણે કરીને વ્યાપકપણું ન જાણવું. ।।૨૩।। તરંગ (૧૦૦)માં :

शुद्धदर्पणवत् तस्मिन् सकलाकृतयोडमले । व्याप्यस्थिता यथा तद्वत् सौडपि जीवेडतिनिर्मले ।।૧૨।।

          અર્થ : શુદ્ધ દર્પણમાં જેમ આકૃતિઓ દેખાય છે, તેમ નિર્મળ એવા ચિત્તમાં આકૃતિઓ વ્યાપીને રહી છે, તેની પેઠે અતિ નિર્મળ કહેતાં ગુણ-સંબંધે રહિત એવા જીવને વિષે ભગવાન (શ્રી સ્વામિનારાયણ) મૂર્તિમાન રહ્યા છે. ।।૧૨।। તરંગ (૧૧૨)માં :

एकोडप्यनेक-रृपोडस्ति कृष्ण एवं निजेच्छया । नराकृतिं परं ब्रह्म तत सदैवाक्षरे स्थिरम् ।।।।

          અર્થ : એ જ પ્રકારે કહેતાં જેમ બ્રહ્માંડમાં સૂર્ય દેખાય તથા મધ્યે રહેલ પુરુષ કાચની કોટડીઓમાં સર્વત્ર દેખાય છે, તેમ એક એવા મનુષ્યાકાર પરબ્રહ્મ કૃષ્ણ (મનુષ્યરૂપ જણાતા ને અક્ષરબ્રહ્મના કારણ ને પોતાના ભક્તોને પોતાની મૂર્તિમાં આકર્ષણ કરનારા શ્રી સ્વામિનારાયણ) તે પોતાની ઇચ્છાએ કરીને અનેક રૂપે થાય છે તે સદાય અક્ષરધામને વિષે એક સ્થળમાં રહ્યા છે. ।।૮।। આવી રીતે જીવના કલ્યાણને અર્થે શ્રીજીમહારાજ અક્ષરધામમાં રહ્યા થકા અનંત રૂપે મૂર્તિમાન વ્યાપક છે તે (મ. ૬૪ના બીજા પ્રશ્નમાં) ધામમાં રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડમાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન આપીએ છીએ. (વ. ૧૩ના બીજા પ્રશ્નમાં) અમે અક્ષરધામમાં રહ્યા થકા જ અનંતકોટિ બ્રહ્માંડમાં અનંત રૂપે દર્શન આપીએ છીએ પણ અરૂપ થકા વ્યાપક નથી, માટે જીવોના મોક્ષને અર્થે શ્રીજીમહારાજ મૂર્તિમાન વ્યાપક છે અને પોતાના એકાંતિક ભક્તને વિષે પણ સાક્ષાત્‌ મૂર્તિમાન રહ્યા છે તે (પ્ર. ૨૭/૧માં) જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક અનંત શુભ ગુણે યુક્ત ભક્ત હોય તેના હૃદયમાં અમે નિવાસ કરીએ છીએ. (છે. ૨૭ના ચોથા પ્રશ્નમાં) નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણે યુક્ત હોય તે સંતને ને અમારે સાક્ષાત્‌ સંબંધ છે, (લો. ૧૫ના ચોથા પ્રશ્નમાં) તમારા ચિત્તની વૃત્તિનો મારે વિષે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો પણ રહ્યો તો મૂર્તિમાન છું, (વ. ૪ના બીજા પ્રશ્નમાં) એકાંતિક ભક્ત, અંતરને વિષે રહી જે સાક્ષીરૂપ મૂર્તિ ને બહારની મૂર્તિ તેને એક કરે. (છે. ૪ના બીજા પ્રશ્નમાં) જીવને વિષે પરમેશ્વર સાક્ષી રૂપે રહ્યા છે એમ કહ્યું છે, માટે એકાંતિકને વિષે શ્રીજીમહારાજ મૂર્તિમાન રહ્યા છે, અને (પ્ર. ૭૮ના સોળમા પ્રશ્નમાં) ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે અને જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે એમ એકાંતિક ભક્ત સમજે છે, માટે એકાંતિકને વિષે સાક્ષાત્‌-મૂર્તિમાન રહ્યા છે અને જે સિદ્ધદશાવાળા છે તે તો અણુ અણુ પ્રત્યે જ્યાં દૃષ્ટિ જાય ત્યાં સાક્ષાત્કાર દેખે છે, પણ મૂર્તિ વિના બીજું અણુમાત્ર ભાસે નહિ, માટે સિદ્ધમુક્તોને તો સર્વત્ર સાક્ષાત્‌ મૂર્તિમાન છે. અને એકાંતિકને પોતાના આત્માને વિષે વ્યતિરેક મૂર્તિ વિરાજમાન છે, અને મૂળઅક્ષરાદિક સર્વે અવતારોને વિષે શક્તિ દ્વારે એટલે તેજ દ્વારે અન્વયપણે રહ્યા છે એ શ્રીજીમહારાજનો સિદ્ધાંત છે. ।।૪૫।।