વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૧

સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) કામ, ક્રોધ, લોભ, તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહિ તેનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હું દેહ નહિ; હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું, એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશે દૃઢ થાય, ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહિ ને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તોપણ ધીરજ રહે નહીં. (૧)

       પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) આત્મનિષ્ઠા હોય તે અંત સમે કેટલીક સહાય કરે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતાં આવડતું હોય તે તરી જાય ને જેને તરતાં ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે, તેમ ટાઢ-તડકો, ભૂખ-તરસ, માન-અપમાન, સુખ-દુઃખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય પણ મૃત્યુ સમો તો સમુદ્ર જેવો છે માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસનારૂપી વહાણનું કામ પડે છે, માટે અંતકાળે તો ભગવાનનો દૃઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ અંત સમે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી, તે સારુ ભગવાનની ઉપાસનાને દૃઢ કરીને રાખવી. (૨)

       પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે ને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારુ ભગવાન જ પ્રેરે છે જે, એને હું ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે ? એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે, પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઇચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે, જેમ વામનજીએ બળિરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ચૌદલોકનાં બે પગલાં કર્યાં અને ત્રીજા પગલા સારુ તે બળિરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સોતા ભગવાનને સર્વસ્વ આપ્યું તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો, તોપણ ભક્તિ થકી પડ્યો નહિ ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળિના બંધનમાં આવતા હવા અને ભગવાને તો બળિરાજાને ક્ષણમાત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાણા છે તે આજ દિવસ સુધી પણ અખંડ બળિને દરવાજે ઊભા છે અને બળિરાજાની દૃષ્ટિ થકી પળમાત્ર પણ ભગવાન છેટે થાતા નથી, એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને ને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને, ભગવાનના દાસ થઈ રહેશું અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જાશે, શા માટે જે પોતે ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે તે જેની પોતાને વિષે અતિ દૃઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે પછી છૂટવાને સમર્થ થાતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે, ભગવાન જેમ જેમ મુને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થાશે અને પળમાત્ર મુજથી છેટે નહિ રહે, એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થાવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહીં. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૬૧।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં આત્મનિષ્ઠા દૃઢ થાય તો ધીરજ ડગે નહીં. (૧) બીજામાં અંતસમે તો અમારી ઉપાસના જ કામ આવે છે. (૨) ત્રીજામાં પાકા ભક્તને જ સિદ્ધિઓ આવે છે તેમાં ન લોભાય; અમે કસણી દઈએ તો રાજી થાય તેને અમે વશ થઈએ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.

૧      પ્ર. ત્રીજા પ્રશ્નમાં સિદ્ધિઓ કહી તે શી સમજવી ? અને (પ્ર. ૨૧/૯માં) સિદ્ધિઓ કહી તે શી જાણવી ?

૧      ઉ. આમાં યોગમાર્ગે કરીને શ્રીજીમહારાજનું ધ્યાન કરતાં અણિમાદિક સિદ્ધિઓ દેખાય તથા બીજાના અંતરનું જાણે, એવું સર્વજ્ઞપણું આવે તથા વચનસિદ્ધિ પ્રાપ્ત થાય એવાં અનંત ઐશ્વર્ય આવે તથા આ લોકમાં પૂજા-પ્રતિષ્ઠા થાય એવાં ઐશ્વર્ય આવે તે સર્વે સિદ્ધિઓ કહેવાય તેમાં પણ ન લેવાય તે પરિપક્વ નિશ્ચયવાળો કહેવાય. અને (પ્ર. ૨૧માં) જેને માયિક વાસના યથાર્થ ટળી ન હોય તેને દેહ મૂકીને ધામમાં જાતાં અણિમાદિક સિદ્ધિઓ દેખાય તો તેમાં લોભાઈ જાય એમ કહ્યું છે.

૨      પ્ર. ભગવાન વધુ કસણી દે તો વધુ વશ થાય એમ કહ્યું તે કસણી શું દેતા હશે ? અને વધુ વશ કેવી રીતે થાતા હશે ?

૨      ઉ. ત્યાગી હોય તેને દેહમાં દીર્ઘરોગ આવી પડે ને કોઈ સેવા ન કરે ને ઔષધ કે ખાવાની વસ્તુ કાંઈ ન મળે, તોપણ રાજી રહે ને શ્રીજીમહારાજ મારું સારું જ કરે છે એમ સમજે પણ એ દુઃખ ટળે એવો સંકલ્પ પણ ન કરે. અને શ્રીજીમહારાજને વિષે પ્રીતિ અતિશે વૃદ્ધિ પમાડતો જાય પણ દુઃખે કરીને લેશમાત્ર ખેદ પામે નહિ, એવી કસણીમાં રાજી રહે તો એને શ્રીજીમહારાજ સદાય સંભારે ને એની દૃષ્ટિથી પળમાત્ર છેટે રહે નહિ તે વશ થયા કહેવાય. અને ગૃહસ્થ હોય તેને સત્સંગ નિમિત્ત નાતીલા નાતબહાર મૂકે ને છોકરાં પરણ્યા વિના રહે અને શ્રીજીમહારાજ ધન-સમૃદ્ધિનો ને સ્ત્રી-પુત્રાદિકનો નાશ કરે ને રોગાદિક આપદા મૂકે ને શ્રીજીમહારાજ દર્શન આપીને કહે જે, તારે દુઃખ ટાળવું હોય તો અમે ટાળીએ પણ એ ભક્ત મારું દુઃખ ટાળો એમ ન કહે અને કોઈ દિવસ દુઃખ મટવાનો સંકલ્પ પણ ન કરે તો એ ભક્તને શ્રીજીમહારાજ સદાય સંભારે ને એની દૃષ્ટિથી પળમાત્ર છેટે રહે નહિ એ વશ થયા કહેવાય. ।।૬૧।।