વચનામૃત સારંગપુરનું - ૧૭

સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૬ છઠને દિવસ સંધ્યા સમે શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થાતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે ને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે તે જ્યારે એ ભક્ત પોતાને દેહ રૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે, પછી જેમ જેમ સૂક્ષ્મ દૃષ્ટિ થાતી જાય તેમ તેમ તે ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજાતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દૃઢ થાતી જાય, ત્યાં દૃષ્ટાંત છે : જેમ સમુદ્ર છે તેને વિષે કીડી પણ જઈને પાણી પીએ અને ચરકલું પણ પીએ ને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી તથા મોટા મોટા મગરમચ્છ એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે પણ સમુદ્ર લેશમાત્ર ઓછો થાતો નથી અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે. વળી, બીજું દૃષ્ટાંત છે : જેમ આકાશ છે તેને વિશે મચ્છર ઊડે ને ચરકલું ઊડે ને સમળા ઊડે ને ગરજ્ય પણ ઊડે ને અનળપક્ષી પણ ઊડે ને ગરુડ પણ ઊડે તોપણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે અને જેને પાંખને વિષે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિષે ન્યૂનપણું સમજતો જાય છે તેમ મચ્છર જેવા જે મરીચ્યાદિક અને ચરકલા જેવા જે બ્રહ્માદિક અને સમળાને ઠેકાણે જે વિરાટપુરુષાદિક અને ગરજ્યને ઠેકાણે જે પ્રધાનપુરુષ અને અનળપક્ષીને ઠેકાણે જે શુદ્ધ પ્રકૃતિપુરુષ અને ગરુડને ઠેકાણે જે અક્ષરધામમાં રહેનારા મુક્ત તથા અક્ષરધામ એ સર્વે જેમ જેમ વધુ વધુ સામર્થીને પામ્યા છે તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે અને જેમ જેમ વધુ સામર્થીને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિષે સ્વામી-સેવકપણાનો ભાવ પણ અતિ દૃઢ થાતો ગયો છે. (૧) અને જ્યારે ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતાં કરતાં આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો, પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો, એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થી પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું, એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યંત આદ્ય, મધ્ય ને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્તના ભેદ છે તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું એમ કહીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઊઠ્યા. પછી આંબલીની ડાળખીને ઝાલીને ઉગમણે મુખારવિંદે ઊભા રહ્યા થકા બોલ્યા જે, જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે આહીંથી તો નાની થાળી જેવું દેખાય છે પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય પછી અતિશે ઢૂંકડો જાય ત્યારે તો દૃષ્ટિ પણ પહોંચી શકે નહિ એવું મોટું જણાય, તેમ માયારૂપી અંતરાય ટાળીને જેમ જેમ ભગવાનને ઢૂંકડું થવાય છે તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટ્યપ જણાતી જાય છે અને ભગવાનને વિષે દાસપણું પણ અતિ દૃઢ થાતું જાય છે. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૭।। (૯૫)

        રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો ભક્ત પોતાને દેહરૂપ માને ત્યારે અમને સાક્ષી જેવા એટલે પ્રધાનના પતિ પુરુષ જેવા જાણે અને પોતાને સાક્ષીરૂપ માને ત્યારે અમને સાક્ષીથી પર જે મૂળપુરુષ જેવા જાણે, ત્યારપછી સૂક્ષ્મદૃષ્ટિ થાવા માંડે તે જેમ જેમ સૂક્ષ્મદૃષ્ટિ થાતી જાય તેમ તેમ અમને પોતાથી પર જાણતો જાય અને અમારો મહિમા વધુ વધુ સમજાતો જાય અને અમારી ઉપાસના દૃઢ થાતી જાય અને અમારી અતિ અપાર મોટપ જણાતી જાય અને અમારે વિષે દાસપણું અતિ દૃઢ થાતું જાય. (૧) અને ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે એમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો, પછી દીવા જેવો થાય છે, પછી મશાલ જેવો થાય છે, પછી જ્વાળા જેવો થાય છે, પછી દાવાનળ જેવો થાય છે, પછી વીજળી જેવો થાય છે, પછી ચંદ્ર જેવો થાય છે, પછી સૂર્ય જેવો થાય છે, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થાય છે, પછી મહાતેજ જેવો થાય છે, એવી રીતે સુખ, સામર્થી ને પ્રકાશ તે વૃદ્ધિ પામે છે ત્યારે એ ભક્તને અમારે વિષે દાસપણું અતિ દૃઢ થાતું જાય છે. (૨) બાબતો છે.

       પ્ર. પહેલી બાબતમાં શ્રીજીમહારાજે સમુદ્ર તથા આકાશનું દૃષ્ટાંત દીધું તે સમુદ્ર તથા આકાશને ઠેકાણે શું સમજવું ? અને કીડી આદિકનાં દૃષ્ટાંત દીધાં તેનો સિદ્ધાંત શો સમજવો ?

       ઉ. સમુદ્રને તથા આકાશને દૃષ્ટાંતે શ્રીજીમહારાજે પોતાના મહિમાનું અપારપણું કહ્યું છે જે, ઐશ્વર્યાર્થીઓ અમારો મહિમા કેટલો જાણે છે તો કીડી સમુદ્રનો તથા મચ્છર આકાશનો જાણી શકે તેટલો મરીચ્યાદિક પ્રજાપતિ અમારો મહિમા જાણી શકે એટલે જેટલો બ્રહ્માનો મહિમા છે તેટલો જ જાણે છે. (૧) અને ચરકલું સમુદ્રનો તથા આકાશનો જાણી શકે તેટલો મહિમા બ્રહ્મા અમારો જાણી શકે, એટલે જેટલો વૈરાજપુરુષનો મહિમા છે તેટલો જ જાણે છે. (૨) અને મનુષ્ય સમુદ્રનો તથા સમળા આકાશનો જાણી શકે તેટલો વૈરાજપુરુષ અમારો મહિમા જાણી શકે છે એટલે જેટલો પ્રધાનપુરુષનો છે તેટલો જ જાણે છે. (૩) અને ગાય, ભેંસ, બળદ, ઘોડા, એ સર્વે પશુ કહેવાય તે સમુદ્રનો તથા ગરજ્ય પક્ષી આકાશનો જાણી શકે તેટલો પ્રધાનપુરુષ જાણી શકે છે એટલે જેટલો પ્રકૃતિપુરુષનો છે તેટલો જ અમારો મહિમા પ્રધાનપુરુષ જાણી શકે છે. (૪) અને હાથી સમુદ્રનો તથા અનળપક્ષી આકાશનો જાણી શકે તેટલો પ્રકૃતિપુરુષ અમારો જાણી શકે છે. એટલે જેટલો અક્ષરનો મહિમા છે તેટલો જ અમારો પ્રકૃતિપુરુષ જાણી શકે છે. (૫) અને મગરમચ્છ સમુદ્રનો તથા ગરુડ આકાશનો જાણી શકે તેટલો મહિમા મૂળઅક્ષર તથા તેના મુક્ત અમારો જાણી શકે છે પણ એ કોઈ અમારો મહિમા યથાર્થ જાણી શકતા નથી. આ મૂળઅક્ષરથી લઈને મરીચ્યાદિક સર્વે શ્રીજીમહારાજનો મહિમા પોતપોતાના ગજા પ્રમાણે જાણે છે, પણ જેમ મગરમચ્છાદિક સર્વે સમુદ્રનો તથા ગરુડાદિક સર્વે આકાશનો પાર પામતા નથી તેમ મૂળઅક્ષરાદિક કોઈ શ્રીજીમહારાજના મહિમાનો પાર પામતા નથી તે (અ. ૭/૧માં) ગરુડ પણ ઊડી શક્યો નહિ, એટલે ગરુડની ગતિ અટકી કહેતાં ત્યાં પહોંચી શક્યો નહિ તેમ મૂળઅક્ષરની ગતિ પણ અમે જ્યાં મુક્તોએ સહિત રહ્યા છીએ, ત્યાં સુધી પહોંચી શકે નહિ એમ ગરુડના દૃષ્ટાંતથી સૂચવ્યું છે. પછી અમે એકલા જ સર્વથી પર એવું જે અમારું ધામ ત્યાં ગયા એમ કહ્યું છે. માટે મૂળઅક્ષરાદિક કોઈ શ્રીજીમહારાજના પારને પામતા નથી અને મૂળઅક્ષર પર્યંત સર્વે શ્રીજીમહારાજને પ્રતાપે થયા છે તે (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) અમારા ભક્ત અમને ભજીને પ્રકૃતિપુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર જેવા અમારે પ્રતાપે થાય છે પણ અમારા જેવો કોઈ થતો નથી અને અક્ષરાદિક સર્વે અવતારોથી શ્રીજીમહારાજના મુક્ત પર છે ને તે શ્રીજીમહારાજનો મહિમા મૂળઅક્ષરાદિક સર્વેથી અતિશે જાણે છે, તોપણ શ્રીજીમહારાજના મહિમાનો યથાર્થ પાર પામી શકતા નથી, એવા સર્વોપરી, સર્વનિયંતા, સર્વાધાર, સર્વકર્તા શ્રીજીમહારાજ એક જ છે. (૬)

       પ્ર. અક્ષરધામ અમારો મહિમા જાણે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે અક્ષરધામને તમે પહેલા પ્રશ્નોત્તરમાં મૂળઅક્ષર કહ્યા તેનું શું કારણ છે ?

       ઉ. મૂર્તિમાન મૂળઅક્ષર છે તેને વિષે શ્રીજીમહારાજ અન્વય સ્વરૂપે રહ્યા છે માટે અન્વય સ્વરૂપનું ધામ કહેતાં પાત્ર છે, તેથી મૂળઅક્ષરને આ ઠેકાણે અક્ષરધામ નામે કહ્યા છે, આનો વિસ્તાર (પ્ર. ૬૩ના ૩/૩ ત્રીજા પ્રશ્નમાં તથા બારમા પ્રશ્નોત્તરમાંથી) જાણવો.

       પ્ર. બીજી બાબતમાં ખદ્યોતથી લઈને મહાતેજ પર્યંત મુક્તના ભેદ કહ્યા તે કેવી રીતે જાણવા ?

       ઉ. માયાથી ઉત્પન્ન થાય ને લય પામે તે મુક્ત ન કહેવાય માટે આ ઠેકાણે માયાથી પર જે મૂળપુરુષ તેમના મુક્તને ખદ્યોતને ઠેકાણે કહ્યા છે. (૧) અને બદરિકાશ્રમમાં રહ્યા જે નરનારાયણ તેમના મુક્તને દીવાને ઠેકાણે કહ્યા છે. (૨) અને મૂળપુરુષને મશાલને ઠેકાણે કહ્યા છે. (૩) અને મહાકાળને જ્વાળાને ઠેકાણે કહ્યા છે. (૪) અને શ્વેતદ્વીપમાં વાસુદેવબ્રહ્મના નિરન્ન મુક્તને દાવાનળને ઠેકાણે કહ્યા છે. (૫) અને નરનારાયણને વીજળીને ઠેકાણે કહ્યા છે. (૬) અને વાસુદેવને ચંદ્રને ઠેકાણે કહ્યા છે. (૭) અને મૂળઅક્ષરના મુક્તને સૂર્યને ઠેકાણે કહ્યા છે. (૮) અને મૂળઅક્ષરને પ્રલયકાળના અગ્નિને ઠેકાણે કહ્યા છે. (૯) અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુક્તને મહાતેજને ઠેકાણે કહ્યા છે. (૧૦) આ સર્વ શ્રીજીમહારાજના ભક્ત છે તે (પં. ૨માં) પ્રકૃતિપુરુષાદિક અમારા ભક્ત છે ને મોટા સંતની પેઠે ધ્યાન કરે છે માટે ભગવાનરૂપ છે એમ કહ્યું છે માટે સર્વ શ્રીજીમહારાજના ભક્ત જ છે.

       પ્ર. મૂળપુરુષ, મહાકાળ, નરનારાયણ ને વાસુદેવબ્રહ્મ તેમને ઉત્તરોત્તર શ્રેષ્ઠ કહ્યા તે કિયા વચનામૃતમાં કહ્યા છે ?

       ઉ. (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) અમારા ભક્ત અમને ભજીને પ્રકૃતિપુરુષ જેવા થાય અને બ્રહ્મ જેવા તથા અક્ષર જેવા થાય એમ કહ્યું છે, માટે બ્રહ્મનો દરજ્જો પુરુષથી પર છે ને તેથી પર અક્ષરનો દરજ્જો છે અને (મ. ૩૧ના પહેલા પ્રશ્નમાં) પણ એ પુરુષને બ્રહ્મને સુખે સુખિયા કહ્યા છે. અને (લો. ૧૨માં) પણ પહેલા પ્રશ્નમાં નિર્વિકલ્પ નિશ્ચયના ભેદમાં શ્રીકૃષ્ણ જેવા શ્રીજીમહારાજને જાણે તેને કનિષ્ઠ કહ્યા છે અને વાસુદેવ જેવા જાણે તેને મધ્યમ કહ્યા છે. અને (પં. ૬/૧માં) પણ શ્વેતદ્વીપપતિ વાસુદેવને શ્રીકૃષ્ણના અવતારી કહ્યા છે, માટે વાસુદેવબ્રહ્મ ઉપરી છે. અને નરનારાયણને શ્રીકૃષ્ણના અવતારી નથી કહ્યા, માટે નરનારાયણ વાસુદેવથી ન્યૂન છે. અને (કા. ૧૦ના ૧/૧ પહેલા પ્રશ્નમાં) દેવલોકથી લઈને વૈકુંઠાદિક કહેતાં ગોલોક પર્યંત પંચવિષય સંબંધી ભોગ-સુખ તે નથી જોઈતા, દેહ છતાં દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને સહસ્ર જન્મ સુધી તપ કરીને ભગવાનને રાજી કરવા એમ કહ્યું છે, માટે ગોલોકથી બદરિકાશ્રમને શ્રેષ્ઠ કહ્યું છે, માટે જેનું ધામ શ્રેષ્ઠ છે તો તેના ધામી શ્રેષ્ઠ હોય જ તેમાં શું કહેવું ! તે (લો. ૧૪/૧માં) પણ જેવા બદરિકાશ્રમ ને શ્વેતદ્વીપ ગમે છે તેવા બીજા નથી ગમતા, માટે શ્રીકૃષ્ણથી નરનારાયણ શ્રેષ્ઠ છે. અને (લો. ૧૭ના ૫/૭ પાંચમા પ્રશ્નમાં) કાળને શ્રીજીમહારાજે પોતાની શક્તિ કહેલ છે અને (પ્ર. ૧૨ના બીજા પ્રશ્નમાં) ક્ષોભકર્તા કહ્યો છે. અને (પ્ર. ૪૬માં) પ્રલયકર્તા કહ્યો છે તથા (છે. ૩૮ના પહેલા પ્રશ્નમાં) માયામાંથી થયા જે આકાર તે કાળે કરીને નાશ પામે છે તથા (છે. ૩૭માં) ભગવાન વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરી જાય છે એમ કહ્યું છે, માટે જેના ઉપજાવેલાનો નાશ કરે તે તેનાથી સમર્થ હોય તેથી મૂળપુરુષથી મહાકાળ શ્રેષ્ઠ છે અને (કા. ૧ના ત્રીજા પ્રશ્નમાં) માયાદિક તત્ત્વને નામરૂપપણાને અને અરૂપપણાને પમાડે છે તથા (વ. ૬/૧માં) પ્રથમ જીવના દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણને કાળે કરીને સૃજીએ છીએ એમ આ બે વચનામૃતમાં કર્તા પણ કહ્યો છે એમ જોતાં મૂળપુરુષથી મહાકાળ સમર્થ છે અને (મ. ૧૮માં) શ્વેતદીપને વિષે નિરન્ન મુક્ત છે તે બ્રહ્મ સ્વરૂપ છે ને કાળના પણ કાળ છે. એમ કહ્યું છે ત્યાં નિરન્ન મુક્તને મહાકાળથી સમર્થ કહ્યા છે, માટે નિરન્ન મુક્તથી મહાકાળ ન્યૂન છે. ।।૧૭।।