વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૭

સંવત ૧૮૭૬ના ફાગણ સુદિ ૨ દ્વિતીયાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને પ્રશ્ન-ઉત્તર કરતાં આવડે તે એક એક પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! મોક્ષનું અસાધારણ કારણ તે શું છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને ભગવાનનું માહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે. (૧)

       પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) ભગવાનને વિષે જે સ્નેહ તેનું શું રૂપ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ, અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય, માટે હેત તો જેમ થયું હોય તેમ ને તેમ રહેવા દેવું પણ વિચાર કરીને વારે વારે સ્થાપન-ઉત્થાપન કરવું નહિ ને મૂઢપણે ભગવાનને વિષે હેત કરવું ને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહિ, માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાનને વિષે હેત કરવું ને એ હેતને મૂઢપણાનું હેત કહીએ; અને ભગવાનનું માહાત્મ્ય જાણીને જે હેત થાય છે તે તો બીજી જ રીતનું છે એમ જાણવું. (૨)

       પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) સત્સંગમાં રહેવાનો ખપ છે તોપણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે ? ને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે ? ત્યાં દૃષ્ટાંત છે : જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય, કાં જે મિત્ર કરતાં ભાઈનો સંબંધ અધિક છે, તેમ જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે, તોય પણ એની ઉપર વૈરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીસ ચઢતી નથી તો એને સત્સંગમાં પૂરું હેત નથી અને જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે, શા માટે જે જીવ તો અતિ સમર્થ છે, કેમ જે મન ને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે, માટે જે કરે તે થાય. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૫૭।।

          રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા સ્વરૂપનું જ્ઞાન ને અમારું માહાત્મ્ય એ બે મોક્ષના અસાધારણ હેતુ છે. (૧) બીજામાં દેહના સંબંધીમાં હેત છે તેવું અમારે વિષે હેત થાય તે હેત મૂઢપણાનું છે અને અમારો મહિમા જાણીને હેત કરે તે વિશેષ છે. (૨) ત્રીજામાં સત્સંગમાં હેત રાખે તો અયોગ્ય સ્વભાવ ટળી જાય છે. (૩) બાબતો છે.

૧      પ્ર. પહેલા પ્રશ્નમાં અમારું જ્ઞાન ને મહિમા મોક્ષના હેતુ છે એમ કહ્યું તે કેવી રીતે જાણવાં ?

૧      ઉ. સર્વ ક્રિયાના કર્તા થકા અકર્તા જાણવા ને સર્વના સંગી થકા અસંગી ને નિર્લેપ જાણવા, અને જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય રૂપે દેખાતા હોય તોપણ જેવા અક્ષરધામમાં દિવ્ય છે તેવા દિવ્ય જાણવા તે શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન કહેવાય. આ જ્ઞાનનું રૂપ (કા. ૭ના ચોથા પ્રશ્નમાં) છે. અને મહિમાનું લક્ષણ (પ્ર. ૧૫ના પહેલા પ્રશ્નોત્તરમાં) કર્યું છે.

૨      પ્ર. બીજા પ્રશ્નમાં ગુણ વિચારીને સ્નેહ કરે તો અવગુણ દેખે ત્યારે હેત મટી જાય એમ કહ્યું અને (સા. ૨ના પહેલા પ્રશ્નમાં) ગુણે કરીને હેત થાય છે તે સદાય રહે છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?

૨      ઉ. આમાં દેહબુદ્ધિ સહિત હેત કહ્યું છે તે જ્યારે શ્રીજીમહારાજના મનુષ્યચરિત્ર દેખે અથવા સાંભળે ત્યારે અવગુણ આવે ને હેત મટી જાય અને (સા. ૨માં) શ્રીજીમહારાજનો દિવ્યભાવે સહિત મહિમા જાણીને હેત કર્યું હોય તે શ્રીજીમહારાજના મનુષ્યચરિત્ર જોઈને અથવા સાંભળીને પણ ન ટળે એમ કહ્યું છે. ।।૫૭।।