વચનામૃત ગઢડા પ્રથમનું – ૧૭

સંવત ૧૮૭૬ના માગશર વદિ ૫ પંચમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડામાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાઘ બાંધી હતી અને પીળાં પુષ્પની માળા પહેરી હતી ને પીળાં પુષ્પનો તોરો પાઘને વિષે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા.

       સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા ને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે, (૧) આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે, ને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વે પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે, ભગવાનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ? ને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ ને ભગવાન તો અધમ-ઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે અને વળી એમ વાત કરે છે જે, ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિક જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે, માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહિ; સદા હિંમત સહિત જ વાત કરજ્યો; અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો, અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તે દિવસ ઉપવાસ કરવો. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૭।।

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જે હિંમત વિનાની વાત કરીને અમારી પ્રસન્નતાના સાધનમાંથી બીજાને મોળા પાડે તે કુસંગી તથા નપુંસક છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે. ।।૧૭।।