વચનામૃત કારિયાણીનું - ૮

સંવત ૧૮૭૭ના કાર્તિક સુદિ ૪ ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! વેદ, શાસ્ત્ર, પુરાણ ને ઇતિહાસ તેને વિષે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે તે ભગવાન જે શ્રી પુરુષોત્તમ તેનું નિર્ગુણ સ્વરૂપ કેઈ રીતે સમજવું ? અને સગુણ સ્વરૂપ તે કેઈ રીતે સમજવું ? અને તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે ? અને તે ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિક જે સર્વ તત્ત્વ તેનું આત્મા છે અને તે થકી પર જે પ્રધાનપુરુષ તેનું આત્મા છે અને તે પ્રધાનપુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ ને પ્રકૃતિ તેનું આત્મા છે અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્મા છે અને એ સર્વે ભગવાનનું શરીર છે અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે ને શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે તેમ એ સર્વે થકી ભગવાન અતિશે સૂક્ષ્મ છે ને અતિશે શુદ્ધ છે અને અતિશે નિર્લેપ છે અને અતિશે પ્રકાશે યુક્ત છે, અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિક ચાર ભૂતમાં વ્યાપક છે ને પૃથ્વી આદિક ચાર ભૂત થકી અસંગી છે અને એ ચાર ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી; આકાશ તો અતિ નિર્લેપ થકો એ ચાર ભૂતને વિષે રહ્યો છે, તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા રૂપે કરીને સર્વેને વિષે રહ્યા છે તોપણ અતિશે નિર્વિકાર છે ને અસંગી છે ને પોતે પોતાને સ્વભાવે યુક્ત છે અને તે સરખો થાવાને કોઈ સમર્થ નથી થાતો, જેમ આકાશ ચાર ભૂતમાં રહ્યો છે પણ આ ચાર ભૂત આકાશ જેવા નિર્લેપ તથા અસંગી થાવાને સમર્થ નથી થતાં, તેમ જ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે તોપણ અક્ષર પર્યંત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા થાવાને સમર્થ નથી થાતા, એવી રીતે જે અતિશે સૂક્ષ્મપણું અને અતિશે નિર્લેપપણું તે અતિશે શુદ્ધપણું અને અતિશે અસંગીપણું અને અતિશે પ્રકાશે યુક્તપણું ને અતિશે ઐશ્વર્ય યુક્તપણું તે એ ભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે. (૧) અને જેમ ગિરનાર પર્વત છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશે નાનો ભાસે પણ ગિરનાર પર્વત કાંઈ નાનો થયો નથી, એ તો લોકાલોકની અતિશે મોટાઈ આગળ નાનો જણાય છે તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટ આવરણે યુક્ત જે અનંતકોટિ બ્રહ્માંડ તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે પણ તે બ્રહ્માંડ કાંઈ નાનાં થઈ ગયાં નથી; એ તો ભગવાનની મોટપ આગળ નાનાં જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિષે જે અતિશે મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે. (૨) ત્યારે કોઈકને એમ આશંકા થાય જે ભગવાન નિર્ગુણ રૂપે તો અતિ સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે અને સગુણ રૂપે તો અતિ સ્થૂળ કરતાં પણ સ્થૂળ છે ત્યારે એ બેય રૂપનું ધરનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ તે કેવું છે ? તો તેનો ઉત્તર એ છે જે, જે પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે, એ જ ભગવાનનું સદાય મૂળસ્વરૂપ છે અને નિર્ગુણપણું ને સગુણપણું એ તો એ મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય છે, જેમ શ્રીકૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્રને લેવા સારુ અર્જુન સોતા રથે બેસીને ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનું તમ આવ્યું તેને સુદર્શનચક્રે કરીને કાપીને તેથી પર જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા જે ભૂમાપુરુષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લેઈ આવ્યા ત્યારે તે રથ ને ઘોડા તે માયિક હતા ને સ્થૂળભાવે યુક્ત હતા પણ તે શ્રીકૃષ્ણ ભગવાનને યોગે કરીને અતિ સૂક્ષ્મ ને ચૈતન્યરૂપ થઈને ભગવાનના નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા, એવી રીતે જે સ્થૂળ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે અને એ જ શ્રીકૃષ્ણ ભગવાન તેણે પોતાની માતા જે યશોદાજી તેને પોતાના મુખને વિષે અષ્ટાવરણે યુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું અને વળી અર્જુનને પોતાની મૂર્તિને વિષે વિશ્વરૂપ દેખાડ્યું અને અર્જુન વિના જે બીજા હતા તે તો સાડા ત્રણ હાથની ભગવાનની મૂર્તિને દેખતા હતા અને જ્યારે ભગવાને વામનાવતાર ધાર્યો ત્યારે પ્રથમ તો વામન રૂપે દર્શન આપ્યું અને ત્રણ પગલાં ધરતી બળિ પાસે શ્રીકૃષ્ણાર્પણ કરાવ્યા પછી એવું પોતાના સ્વરૂપને વધાર્યું જે, સાત પાતાળનું તો એક પગલું કર્યું અને આકાશમાં તો પોતાનું શરીર બધેય માઈ રહ્યું અને બીજું પગલું ઊંચું મેલ્યું તેણે સાત સ્વર્ગને વેંધીને અંડકટાહ ફોડ્યું, એવું જે ભગવાનનું મોટું સ્વરૂપ થયું તેને બળિ રાજાએ દીઠું અને બળિ વિના જે બીજા હતા તેણે તો જેવું વામન સ્વરૂપ ભગવાને ધારણ કર્યું હતું તેવું ને તેવું દીઠું, એવી રીતે જે ભગવાનને વિષે અતિશે મોટાઈ થકી જે મોટાઈ દેખાય એ ભગવાનની મૂર્તિને વિષે સગુણપણું જાણવું, જેમ આકાશ છે તે શીતકાળે તથા ઉષ્ણકાણે વાદળાંએ રહિત હોય અને જ્યારે વર્ષાઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળાંની ઘટાએે કરીને ભરાઈ જાય છે તે કાળે કરીને આકાશમાં વાદળાં ઊપજે છે ને પાછાં લીન થઈ જાય છે તેમ ભગવાન પોતાની ઇચ્છાએ કરીને પોતાનામાંથી નિર્ગુણ ને સગુણરૂપ જે ઐશ્વર્ય તેને પ્રગટ કરીને પાછું પોતાને વિષે લીન કરે છે અને એવા જે ભગવાન તે મનુષ્ય જેવા જણાતા હોય પણ તેના મહિમાનો પાર કોઈ પામતા નથી. (૩) અને જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું ને સગુણપણું સમજે તે ભક્તને કાળ, કર્મ ને માયા તે બંધન કરવાને સમર્થ થાતાં નથી. (૪) અને તેને આઠે પહોર અંતરમાં આશ્ચર્ય રહ્યા કરે છે. (૫) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૧૦૪)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારું તેજ અક્ષરાદિક સર્વેમાં વ્યાપક છે અને અક્ષરાદિક સર્વેનું આત્મા છે અને અક્ષરાદિક સર્વેથી અતિશે વિલક્ષણ છે અને એ વ્યાપક તેજ તે નિર્ગુણ એટલે સૂક્ષ્મ છે. (૧) અને એનું એ તેજ અક્ષરાદિક સર્વેનું આધાર થઈને બહાર રહ્યું છે અને તે સગુણ એટલે અતિશે અપાર છે. (૨) અને એ બેય સ્વરૂપ છે તે અમારાં અલૌકિક ઐશ્વર્ય છે. (૩) અને જે ભક્ત આવી રીતે અમારું નિર્ગુણ સ્વરૂપ સમજે તેને કાળ, કર્મ, માયા બંધન કરવા સમર્થ થાતાં નથી. (૪) અને જે ભક્ત આવી રીતે અમારું સગુણ સ્વરૂપ સમજે તેને આઠે પહોર આશ્ચર્ય રહે છે. (૫) બાબતો છે.

       પ્ર. મુક્તાનંદ સ્વામીએ પરોક્ષ શાસ્ત્રમાં ભગવાનનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ કહ્યાં તે પૂછ્યાં છે અને શ્રીજીમહારાજે પોતાનાં કહ્યાં તેનું શું કારણ હશે ?

       . મુક્તાનંદ સ્વામીએ એમ પૂછ્યું જે, પરોક્ષ શાસ્ત્રમાં તો પરોક્ષ ભગવાનના સગુણ-નિર્ગુણ સ્વરૂપ કહ્યા છે જ પણ પુરુષોત્તમ એવા જે તમે તે તમારાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવાં એમ પૂછ્યું છે, તે ઉપર શ્રીજીમહારાજે પોતાનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ કહ્યાં છે જે, અમારા તેજરૂપ અક્ષરધામનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ છે તે મૂળઅક્ષરોના આત્મા ને આધાર છે એવી રીતે ઉત્તર આપ્યો છે, અને એવી જ રીતે મૂળઅક્ષરના બ્રહ્મજ્યોતિનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ છે તે વાસુદેવબ્રહ્મના આત્મા ને આધાર છે અને વાસુદેવબ્રહ્મના બ્રહ્મજ્યોતિનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ મૂળપુરુષોના આત્મા ને આધાર છે અને મૂળપુરુષોના બ્રહ્મજ્યોતિનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ તે પ્રધાનપુરુષાદિક સર્વે જીવમાત્રના આત્મા ને આધાર છે એમ જાણવું.

       પ્ર. પહેલી બાબતમાં તમોગુણનું કાર્ય જે આકાશ તેને નિર્વિકાર કહ્યો અને (પ્ર. ૪૬માં) એ આકાશને વિકારવાન કહ્યો છે તે કેવી રીતે સમજવું ?

       . આમાં પૃથ્વી આદિક ચાર ભૂતથી નિર્લેપ કહ્યો છે પણ તેથી પર નિર્લેપ કહ્યો નથી અને (પ્ર. ૪૬માં) પોતાના તેજરૂપ ચિદાકાશ આગળ આ આકાશને વિકારવાન કહ્યો છે.

       પ્ર. ત્રીજી બાબતમાં સગુણ-નિર્ગુણ સ્વરૂપને શ્રીજીમહારાજે પોતાની મૂર્તિનાં ઐશ્વર્ય કહ્યાં છે, અને તમે રહસ્યમાં શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનાં ઐશ્વર્ય કહ્યાં અને જેમ તમે કહ્યું તેમ જ (. ૪૨/૧માં) પણ સગુણ-નિર્ગુણ ભેદ અક્ષરધામના કહ્યા છે માટે તે કેવી રીતે સમજવું ?

       . (. ૪૨/૧માં) પોતાના તેજરૂપ અક્ષરધામના સગુણ-નિર્ગુણ બે ભેદ કહ્યા છે અને આમાં પણ પોતાના તેજરૂપ અક્ષરધામના જ સગુણ-નિર્ગુણ બે ભેદ કહ્યા છે તે દૃષ્ટાંતમાં કહ્યું છે જે, જેમ આકાશમાંથી વાદળાં ઉત્પન્ન થાય છે ને લીન થાય છે તેમ પોતાના તેજને આકાશને દૃષ્ટાંતે કહ્યું છે ને એ તેજનાં સગુણ-નિર્ગુણ ઐશ્વર્યને વાદળાંને ઠેકાણે કહ્યાં છે માટે પોતાના તેજના સગુણ-નિર્ગુણ બે ભેદ કહ્યા છે પણ આ ઠેકાણે પોતાની મૂર્તિને ને પોતાના તેજને અભેદપણે કહ્યું છે, માટે મૂર્તિમાંથી ઐશ્વર્ય ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે તેથી શંકા ઉત્પન્ન થાય છે પણ મૂર્તિના તેજનાં જ ઐશ્વર્ય કહ્યાં છે તે (પ્ર. ૯/૨)માં કહ્યું છે જે અમારી આ મનુષ્ય મૂર્તિને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને તેને અમે અમારા ધામને વિષે ઐશ્વર્ય છે તે બળાત્કારે દેખાડીએ છીએ એમ કહ્યું છે માટે તે ઐશ્વર્ય શ્રીજીમહારાજના પ્રકાશરૂપ ધામનાં જ છે. (આ વચ.નો, . ૪૨નો, તથા પ્ર. ૬૪નો) એકસરખો ભાવ છે.

       પ્ર. ભૂમાપુરુષ રહ્યા છે તે સ્થાનને બ્રહ્મજ્યોતિ કહી અને (પ્ર. ૭/૧માં) મૂળઅક્ષરથી પર બ્રહ્મજ્યોતિ કહી છે તે કેવી રીતે સમજવું ?

       . સર્વના કારણ ને સર્વથી મોટા ને સર્વથી પર એવા શ્રીજીમહારાજ પરબ્રહ્મ છે તેમના તેજને (પ્ર. ૭/૧માં તથા છે. ૩૬માં) બ્રહ્મજ્યોતિ નામે કહેલ છે ને પ્રધાનપુરુષ છે તે માયા સબળિત બ્રહ્મ છે તે ભૂમાપુરુષ છે ને અવ્યાકૃત ધામને વિષે રહે છે, તેના તેજને આ ઠેકાણે બ્રહ્મજ્યોતિ નામે કહેલ છે. આનો ખુલાસો (પ્ર. ૬૬ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે. ।।૮।।