વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૬
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧૩ તેરશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના ઝાડ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ધોળાં ને પીળાં પુષ્પના હાર ધારણ કર્યા હતા ને બે કાન ઉપર ધોળાં પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિષે પીળાં પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારનાં રાતાં પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિષે ધોળાં પુષ્પનો દડો ફેરવતા હતા એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના જે અસત્ પદાર્થમાં પ્રીતિ રહે છે, તેને કેવો જાણવો ? તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો, જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય તે પોતે પોતાને પાપી સમજે, અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે જે આણે પાપ કર્યાં હશે, માટે એને અન્ન-વસ્ત્ર મળતું નથી, તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિક પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેને વિષે પ્રીતિએ રહિત હોય એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે, કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેને વિષે પ્રીતિ થાતી નથી ને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. (૧) અને જે ત્યાગી હોય તેને તો કચરો ને કંચન એ બેય બરોબર હોય અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ હોય જ નહિ અને એક ભગવાનને વિષે જ પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૩૬।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં વસ્ત્રાદિક પદાર્થને ભેળા કરી રાખે ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિમાં પ્રીતિ ન હોય એવા ત્યાગીને શ્રીજીમહારાજે પાપી કહ્યો છે. (૧) ને કચરો ને કંચન સરખાં થઈ જાય ને એક અમારે વિષે જ પ્રીતિ હોય તે સાચો ત્યાગી છે, એમ કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. ત્યાગી વસ્ત્રાદિક પદાર્થ ભેગા કરી રાખે તેને પાપી કહ્યો તે પદાર્થ કિયા જાણવા ?
૧ ઉ. શ્રીજીમહારાજે “સત્સંગિજીવન”માં સાધુ-બ્રહ્મચારી-પાર્ષદોને વસ્ત્રાદિક રાખવાનું કહ્યું છે તેથી અધિક રાખે તેને પાપી કહ્યો છે.
૨ પ્ર. વસ્ત્રાદિક અધિક રાખે તેને પાપી કહ્યો ત્યારે દ્રવ્ય-પૈસા રાખે તે ત્યાગીને કેવો જાણવો ?
૨ ઉ. (મ. ૩૯ના ૨/૩ બીજા પ્રશ્નમાં) અમારી બાંધેલી મર્યાદા લોપે તેની અધોગતિ થાય છે. અને (જે. ૫/૧માં) અમારા સત્સંગના નિયમ નહિ પાળો તો મહાદુઃખ પામશો. તેમાં અમારે-તમારે લેણાદેણા નથી. અને (છે. ૩૮ના બીજા પ્રશ્નમાં) દ્રવ્યાદિક છો વાનાં હોય તેને જીવતાં ને મરીને સુખ નહિ થાય. અને (મ. ૩૫/૪માં) ધર્મ રહિતને ચંડાળ કહ્યો છે. અને (પ્ર. ૧૮/૩માં) સર્પે કરડેલ આંગળી તથા કીડિયારાના રોગવાળા અંગની પેઠે કુપાત્રનો તત્કાળ ત્યાગ કરવો. અને (પ્ર. ૫૩માં તથા છે ૨૧/૩માં) પંચવર્તમાનમાંથી કોઈ વર્તમાનનો ભંગ કરે તેનો અવગુણ લેવો. અને (પ્ર. ૭૭ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) ધર્મભંગ વાત કરે તેને અધર્મી, વિમુખ, ગુરુદ્રોહી, વચનદ્રોહી ને અસુર કહ્યો છે. અને (છે. ૧ના ૨/૩ બીજા પ્રશ્નમાં) શિક્ષાપત્રીનો પાઠ કરવાનું કહ્યું છે; તેમાં શ્લોક (૧૮૯)માં : ‘न द्रव्य संग्रह: कार्य: कारणीयो न केनचित्’ અમારા આશ્રિત ત્યાગીએ દ્રવ્ય રાખવું-રખાવવું નહિ. શ્લોક (૨૦૭)માં : ‘बहिर्भूता इति ज्ञेयं स्त्रीपुसै: सांप्रदायिकै:’ અમારા કહેલા ધર્મમાં યથાર્થ વર્તનારા એવા જનોએ જે અમારા કહ્યા પ્રમાણે નહિ વર્તનારા તેમને, અમારા સંપ્રદાયથી બહાર જાણવા. માટે જે દ્રવ્ય રાખે વા રખાવે તે તો સ્વામિનારાયણનો કહેવાય જ નહિ. તે એવા ભેખધારીના મુખ થકી કથા સાંભળનાર ગૃહસ્થ ચાંદ્રાયણ કરે ત્યારે શુદ્ધ થાય. ।।૩૬।।