વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૬

સંવત ૧૮૭૬ના ફાગણ વદિ અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીમદ્‌ ભાગવતને વિષે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન ને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે, તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે, ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે ને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે, માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય, ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે અને એમ જાણે છે જે, ભગવાનને તો આકાર નથી તે સમજનારાની અવળી સમજણ છે અને શાસ્ત્રમાં જે શબ્દછળ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી તે કિયા શબ્દછળ ? તો જે ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે, એવાં વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે, શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કહ્યા છે તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે, અનંત કલ્યાણ ગુણે યુક્ત છે ને તેજપુંજ કહ્યા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહિ, માટે એ તેજ તે મૂર્તિનું છે, જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે, પણ સમજુ હોય તે એમ જાણે જે, અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે તેમ જ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે તે જળ દેખાય છે અને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજુ હોય તે એમ જાણે જે, વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે, તેમ બ્રહ્મસત્તારૂપ જે કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવાં વચન હોય જે, જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે, તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે ને ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે એવા જે શબ્દના છળ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે, પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણના પુત્ર લેવાને ગયા, ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સોતા ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેને વિષે રથ હાંકીને તેજપુંજને વિષે પ્રવેશ કરીને અને ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રીકૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વે દિવ્ય ને માયા પર જે ચૈતન્ય તે રૂપે થાતા હવા; અને જો દિવ્યરૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહિ, માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા; એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે. (૧) અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે ને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંતકોટિ મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે, માટે કોઈ ગમે તેવાં શાસ્ત્ર વંચાતાં હોય ને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે, એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।૬૬।।

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ભાગવતમાં નિર્ગુણ કરીને કહ્યા હોય, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા હોય અને સગુણ કરીને કહ્યા હોય ત્યારે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહ્યા હોય એમ જાણવું. પણ તેજપુંજ કહ્યા હોય ત્યારે તે તેજ સૂર્ય અને અગ્નિના પ્રકાશની પેઠે મૂર્તિનું સમજવું, તેમ જ બ્રહ્મસત્તારૂપ એટલે અક્ષરબ્રહ્મરૂપ પ્રકાશ છે તે અમારી મૂર્તિનો છે અને અમે સદા દિવ્ય મૂર્તિ ને અનંત કલ્યાણકારી ગુણે યુક્ત છીએ. (૧) અને એકાંતિક સંત અમને દિવ્ય સાકાર, અક્ષરાતીત અનંતકોટિ મુક્તના તથા અક્ષરધામના આત્મા જાણે છે અને અમે સદા સાકાર ને સર્વેના કારણ ને સર્વેના અવતારી છીએ. (૨) બાબતો છે.

૧      પ્ર. પહેલી બાબતમાં ભૂમાપુરુષ પાસે જતાં માયાનો અંધકાર આવ્યો તે કિયો જાણવો ?

૧      ઉ. આ પૃથ્વીના ગોળાની અંદર ૪૮ અડતાલીસ કરોડ યોજન અવકાશ છે તે અવકાશમાં સાત દ્વીપ ને સાત સમુદ્ર છે તેના ફરતો લોકાલોક છે ને તે લોકાલોકને ફરતું અંધકાર છે તે અંધકારના ફરતું આ પૃથ્વીના ગોળાનું દળ એક કરોડ યોજન જાડું છે તે દળની ને અંધકારની વચમાં ભૂમાપુરુષ પોતાના સાધનિક પાર્ષદોએ સહિત રહે છે તે અંધકાર આ ઠેકાણે કહ્યો છે.

૨      પ્ર. ઉપર કહ્યું તે સિવાય ભૂમાપુરુષને રહેવાનું બીજું ધામ હશે કે કેમ ?

૨      ઉ. જેને પ્રધાનપુરુષ કહે છે તે જ પોતે ભૂમાપુરુષ છે અને પૃથ્વીના દળના ફરતાં જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહત્તત્ત્વ તેમના આવરણથી પર પ્રધાનપુરુષનું આવરણ છે તે જ ભૂમાપુરુષનું ધામ છે, ત્યાં રહ્યા થકા પ્રથમ કહ્યું જે અવ્યાકૃત ધામ તેને વિષે દર્શન આપે છે.

૩      પ્ર. રથ ને ઘોડા દિવ્ય ચૈતન્ય થયા તે કેવા જાણવા ? અને માયા પર બ્રહ્મ શું જાણવું ? અને માયા કઈ જાણવી ?

૩      ઉ. એ રથ-ઘોડાને વિષે શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું ઐશ્વર્ય મૂક્યું હતું તેને લઈને ચૈતન્યને દિવ્ય કહ્યા છે અને આ મર્ત્યલોકને વિષે લોકાલોકના ફરતું જે અંધકાર છે તે અંધકારને જ માયા કહી છે તે અંધકારરૂપ માયાથી પર ગયા એમ કહ્યું છે પણ માયાના આઠમા આવરણથી પર ગયા એમ નથી કહ્યું. અને જેમ આ પૃથ્વીમાં લોકાલોકના ફરતા અંધકારને માયાનો અંધકાર કહ્યો, તેમ જ ભૂમાપુરુષના તેજને બ્રહ્મ કહ્યું છે તે ભૂમાપુરુષ માયા સબળિત બ્રહ્મ છે, માટે તેનું તેજ તે પણ માયા સબળિત બ્રહ્મ છે પણ માયાથી પર જે બ્રહ્મ છે તે ન જાણવું. ।।૬૬।।