વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૭
સંવત ૧૮૭૬ના ચૈત્ર સુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) કોઈ પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી ને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારું અને જેટલું કાંઈ યત્ન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહિ, એવા જે પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિષે કેમ સમજે તો આવે ? એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, જેને આ લોકના સુખમાં ઇચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિષે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને ને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ઉત્તર તો ખરો પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો જે, જે પુરુષને પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે, આ પુરુષ તો અતિશે મોટા છે ને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તોપણ લેશમાત્ર સંસારના સુખને ઇચ્છતા નથી અને હું તો અતિશે પામર છું, જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશમાત્ર સમજતો જ નથી, માટે મુને ધિક્કાર છે એવી રીતે અનુતાપ કરે, અને મોટાપુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમ ને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિષે વૈરાગ્ય ઊપજે ને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. (૧)
૨ હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેનાં લક્ષણ કહીએ તે સાંભળો જે, (૨) જે પુરુષ એમ સમજે જે, આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી અને ખાતાં-પીતાં પણ આવડતું નથી અને ઓઢતાં-પહેરતાં પણ આવડતું નથી ને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતાં પણ આવડતું નથી અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે, એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે એવો જે કુમતિ પુરુષ હોય તેને વિષે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૬૭।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવવાની સમજણ કહી છે. (૧) બીજામાં સત્પુરુષના ગુણ ન આવે તેનાં લક્ષણ કહ્યાં છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલામાં સત્પુરુષ કહ્યા છે તે કોને જાણવા ? અને દેવ કહ્યા તે કોને જાણવા ?
૧ ઉ. આત્મા-પરમાત્માના સાક્ષાત્કારવાળા હોય તેને સત્પુરુષ કહ્યા છે. અને આ ઠેકાણે પોતાના ઇષ્ટદેવને દેવ કહ્યા છે તે દેવ જે શ્રીજીમહારાજ તેમના તુલ્ય એ મુક્તને જાણે તો તેના ગુણ મુમુક્ષુમાં આવે એમ કહ્યું છે.
૨ પ્ર. મુક્તાનંદ સ્વામીના ઉત્તરને સાચો કહીને શ્રીજીમહારાજે બીજી રીતે કેમ ઉત્તર કર્યો હશે ?
૨ ઉ. મુક્તાનંદ સ્વામીનો કરેલો ઉત્તર વાસ્તવ્ય છે અને શ્રીજીમહારાજે પણ (પ્ર. ૭૮ના બારમા પ્રશ્નમાં) આવી જ રીતે ઉત્તર કર્યો છે, પણ મોટા મુક્તની ક્રિયા દેખીને કોઈકને અવગુણ આવેલો તે અવગુણ ટાળવા માટે જેવી રીતે અવગુણ ટળે તેવો ઉપાય બતાવ્યો છે. ।।૬૭।।