વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૯
સંવત ૧૮૭૬ના મહા સુદ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પીળાં પુષ્પના તોરા પાઘમાં લટકતા હતા ને કાન ઉપર ધોળા ને પીળાં પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને કંઠમાં પીળાં પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો જે, (૧) તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઈશ્વર, માયા, ને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો, એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી, માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ, ઇતિહાસ તેની સાખ્યે કરીને કરો પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ; અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે, કેમ જે અમારે વ્યાસજીના વચનમાં તો દૃઢ પ્રતીતિ છે. પછી તે વેદાંતીએ ઘણીક પ્રકારની યુક્તિઓ લાવીને ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજીમહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહિ; પછી શ્રીજીમહારાજ બોલ્યા જે સાંભળો : એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના ભેદ છે, જેમ મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ તે જે તે, તે મેરુ થકી ઓરા જે સર્વે પર્વત, તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત, વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તળ તે સર્વેને પૃથક્ પૃથક્પણે દેખે છે, તેમ સવિકલ્પ સમાધિવાળા જે જીવનમુક્ત તે જે તે જીવ, ઈશ્વર, માયા તથા એમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક્ પૃથક્પણે દેખે છે, અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઊભા જે પુરુષ તે જે તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વી રૂપે જ દેખે છે, પણ પૃથક્ પૃથક્પણે નથી દેખતા, તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે વિદેહમુક્ત તે જે તે જીવ, ઈશ્વર, ને માયા તેને એક બ્રહ્મ રૂપે કરીને જ દેખે છે પણ પૃથક્પણે નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે તેની સ્થિતિને યોગે કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે ને અસત્યપણું કહેવાય છે, અને સવિકલ્પ સ્થિતિવાળાનાં વચન વેદ, શાસ્ત્ર, પુરાણાદિકમાં આવે છે તે એ સર્વને સત્ય કહે છે ને નિર્વિકલ્પ સ્થિતિવાળાનાં જે વચન તે એ સર્વેને અસત્ય કહે છે પણ કાંઈ એ સર્વે અસત્ય નથી, એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતાં નથી, માટે અસત્ય કહે છે. અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત્ય નથી પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ-દિવસ છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહિ પણ બીજાને મતે તો એ સર્વે છે; અને આવી રીતે બ્રહ્મનિરૂપણ કરે તો શાસ્ત્રનાં વચનમાં પૂર્વાપર બાધ ન આવે, ને એમ ન કરે તો પૂર્વાપર બાધ આવે તે બાધને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચનમાત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય તે તો મહામૂર્ખ છે, ને અંત્યે નારકી થાય છે. એમ કહીને બોલ્યા જે, આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો; ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો જે, હે મહારાજ ! હે પ્રભો ! હે સ્વામિન્ ! તમે તો પરમેશ્વર છો ને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો; તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં આશંકાનો માગ નથી એમ કહીને અતિ પ્રસન્ન થયો ને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજીમહારાજને આશ્રિત થયો. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૩૯।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે તેમાં સવિકલ્પ સમાધિવાળા જીવનમુક્ત જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એ સર્વેને જુદાં જુદાં દેખે છે, માટે સર્વેને સત્ય કહે છે અને નિર્વિકલ્પ સમાધિવાળા વિદેહમુક્ત તે જીવ, માયા, ઈશ્વર, તેમને બ્રહ્મ રૂપે દેખે છે, અર્થાત્ જીવ, માયા, ઈશ્વર, તેમને દેખતા જ નથી; એક બ્રહ્મને જ એટલે અમને જ દેખે છે, જેમ લોકાલોક ઉપર ચડેલા પુરુષને પૃથ્વી ઉપર ઝાડ, મનુષ્ય તથા બીજા પર્વત તે કાંઈ દેખાતાં નથી; એક પૃથ્વી જ દેખાય છે, તે માટે તે જીવ, માયા, ઈશ્વરને અસત્ય કહે છે, અને આવી સ્થિતિ ન થઈ હોય ને તે શાસ્ત્રમાંથી શીખીને જીવ, માયા, ઈશ્વર, ગુરુ, શિષ્ય, વેદ, પુરાણ, શાસ્ત્ર તેમને મિથ્યા કહે તે નારકી થાય છે. (૧) બાબત છે.
૧ પ્ર. આમાં બ્રહ્મ કહ્યા તે કોને જાણવા ?
૧ ઉ. આ ઠેકાણે બ્રહ્મ શબ્દે કરીને શ્રીજીમહારાજને કહ્યા છે.
૨ પ્ર. (પ્ર. ૪૫, ૬૬/૧, પં. ૧/૧, મ. ૩/૧.૨, ૧૦ના પહેલા પ્રશ્નમાં, ૧૩/૨ અને ૬૫/૧માં) બ્રહ્મને પરબ્રહ્મનો પ્રકાશ કહ્યો છે તથા (લો. ૧ આઠમા પ્રશ્નમાં, ૧૦ના ૬/૮ છઠ્ઠા પ્રશ્નમાં, મ. ૮ના બીજા પ્રશ્નમાં ઇત્યાદિકમાં) બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મના દાસ થવું એમ કહ્યું છે. અને (મ. ૨૧ના ૪/૮ ચોથા પ્રશ્નમાં, ૩૦માં અને અ. ૨/૧માં) બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ-ઉપાસના કરવાનું કહ્યું છે, તથા (છે. ૩૬ના ૨/૩ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજની મૂર્તિની ઉપાસના વિના આત્મા તથા બ્રહ્મ દેખાય જ નહિ એમ કહ્યું છે માટે એમ જોતાં તો બ્રહ્મ તે શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ છે અને તમે શ્રીજીમહારાજને બ્રહ્મ કહો છો તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. આમાં નિર્વિકલ્પ સ્થિતિવાળાને સર્વત્ર બ્રહ્મ દેખાય છે એમ કહ્યું તે બ્રહ્મ શ્રીજીમહારાજને જાણવા; તે ‘હરિવાક્ય-સુધાસિંધુ’ના તરંગ (૩૯)માં કહ્યું છે કે :-
आधायां तत्र पश्यंति जीवेशाद्यखिलं पृथक् । दिव्तीयायां तु नेक्षंते मुक्ता: किंचित्पृथग्धरे: ।।૧૨।।
लोकाभोक नगारुढास्-त्वेतत् किंचित् क्षिते: पृथक् । न पश्यंति यथा तद्वद् अनयेप्येतद्धरे: पृथक् ।।૧૪।। પહેલી સવિકલ્પ સ્થિતિવાળાને જીવ, ઈશ્વર વગેરે પૃથક્ પૃથક્ દેખાય છે પણ બીજી નિર્વિકલ્પ સ્થિતિવાળા મુક્તને તો એક હરિ શ્રીજીમહારાજ વિના બીજું કાંઈ દેખાતું નથી. (૧૨) જેમ લોકાલોક પર્વત પર ઊભેલા મનુષ્યને પૃથ્વી વિના કાંઈ પણ દેખાતું નથી તેમ બીજી નિર્વિકલ્પ સ્થિતિવાળા મુક્તને પણ એક શ્રીહરિ વિના બીજું કાંઈ દેખાતું નથી. (૧૫) માટે બ્રહ્મ જે શ્રીજીમહારાજ તે સર્વત્ર દેખાય છે તે (કા. ૭ના ૪/૫ ચોથા પ્રશ્નમાં) આત્યંતિક કલ્યાણ પામીને સિદ્ધદશા પામ્યો હોય તે “અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે ને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહિ એ સિદ્ધદશાનું લક્ષણ છે” એમ કહ્યું છે. માટે આ ઠેકાણે બ્રહ્મ તે શ્રીજીમહારાજને કહ્યા છે પણ તેજને બ્રહ્મ કહેલ નથી, કેમ જે (અશ્લા. ૧ના ૨/૩ બીજા પ્રશ્નમાં ) આત્મદર્શનની ઇચ્છા રાખે તેને મધ્યમ કહ્યો છે તથા (છે. ૫ના ત્રીજા પ્રશ્નમાં) અમારા વિના બીજું કાંઈ આત્મદર્શનાદિક ઇચ્છે તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. અને (કા. ૧ના ૫/૬ પાંચમા પ્રશ્નમાં) કૈવલ્યાર્થીનું અમારી મૂર્તિને વિષે તદાકારપણું થતું નથી. અને (લો. ૧૪/૨માં) “અમારું તેજ એકલું દેખાય તો કષ્ટ પામવું” અને (પાંચમી બાબતમાં) “અમારી સાકારપણે ઉપાસના-ભક્તિ કરવી” અને (વ. ૨/૧માં) “અમને નિરાકાર જાણે તે અમારો દ્વેષી છે.” અને (મ. ૬૫/૨માં) “એકલું બ્રહ્મજ્ઞાન નકારું અને અકલ્યાણકારી છે.” અને (છે. ૩૬ના બીજા પ્રશ્નમાં) મૂર્તિની ઉપાસના વિના આત્મા કે બ્રહ્મ દેખાય જ નહિ અને (છે. ૩૦/૧માં) કેવળ તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય તે અમને ગમે જ નહિ. એવી રીતે પોતાના તેજરૂપ બ્રહ્મનો પણ નિષેધ કર્યો છે, અને શુષ્ક વેદાંતીનો તો શ્રીજીમહારાજે (મ. ૧૮, ૧૯, પ્ર. ૪૮, લો. ૭ના ૩/૯ ત્રીજા પ્રશ્નમાં, છે. ૨૮ના પહેલા પ્રશ્નમાં, ઇત્યાદિકમાં) અતિશે નિષેધ કર્યો છે. (અને પ્ર. ૪૨, ૫૦ તથા પરથારાની બીજી બાબતમાં તથા વ. ૧૩ના બીજા પ્રશ્નમાં ) બ્રહ્મ તો અમે જ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. માટે બ્રહ્મ નામે શ્રીજીમહારાજને જ જાણવા પણ નિરાકાર બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે આ ઠેકાણે ન જાણવું. ।।૩૯।।