વચનામૃત પંચાળાનું - ૨
સંવત ૧૮૭૭ના ફાગણ સુદિ ૭ સાતમને દિવસ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢાળ્યો હતો તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા અને ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ, એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) યોગવાળા છે તે પચવીશમા જીવ-ઈશ્વરને કહે છે તે છવીશમા પરમાત્માને કહે છે અને સાંખ્યવાળા છે તે ચોવીશ તત્ત્વને અવાંતર જીવ-ઈશ્વરને કહીને પચવીશમા પરમાત્માને કહે છે તેમાં જે યોગવાળા છે તેનો એમ મત છે જે, સૂઝે એવો આત્મા-અનાત્માનો વિચાર કરો, સાધન કરો પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. અને સાંખ્યવાળાનો એમ મત છે જે, સર્વે દેવ-મનુષ્યાદિકની જે ગતિઓ તેણે જાણીને ને વિષયને વિષે વૈરાગ્યને પામીને ત્રણ દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. અને એ બે પ્રકારના જે મત છે તેને પોતે પોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું. તેમાં યોગ મતમાં એ દૂષણ છે જે, જીવને પચવીશમો કહ્યો તથા ઈશ્વરને પચવીશમો કહ્યો ને જીવનો ચોવીશ તત્ત્વનો દેહ કહ્યો ને ઈશ્વરનો પણ ચોવીશ તત્ત્વનો દેહ કહ્યો, માટે એ બેને વિષે તુલ્યભાવ આવી જાય જે સ્થૂળ ને વિરાટ તે તુલ્ય છે તથા સૂક્ષ્મ ને સૂત્રાત્મા તે તુલ્ય છે ને કારણ ને અવ્યાકૃત તે તુલ્ય છે તથા જાગ્રત ને સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે તથા સ્વપ્ન ને ઉત્પત્તિ અવસ્થા તે તુલ્ય છે તથા સુષુપ્તિ ને પ્રલય અવસ્થા તે તુલ્ય છે અને વિશ્વ, તૈજસ ને પ્રાજ્ઞ ને વિષ્ણુ, બ્રહ્મા ને શિવ તે તુલ્ય છે એમ સમજીને છવીશમાને ભજે છે, એવી રીતે જીવ-ઈશ્વરને વિષે જે તુલ્યભાવરૂપ દોષ છે તેને ટાળવાને અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી જે, ઈશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યાં છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે ને તે ભૂત સર્વે વ્યષ્ટિ દેહોને ધારી રહ્યાં છે અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે ને બીજાને ધારવાને સમર્થ નથી ને જીવ છે તે અલ્પજ્ઞ છે ને ઈશ્વર છે તે સર્વજ્ઞ છે, એવી રીતે યુક્તિ શીખીને જીવ-ઈશ્વરને વિષે જે સમપણું ન સમજવું અને જો એવી યુક્તિ ન શીખ્યો હોય ને કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર કરવો કઠણ પડે ને સમજણ ચૂંથાઈ જાય અને કોઈક પ્રશ્ન કરે તે તો જીવ-ઈશ્વરને વિષે સમપણું રહેવા દે નહિ, માટે જીવ-ઈશ્વરને વિષે સમપણું ન આવે એવી રીત્યની યુક્તિ શીખવી ને એવી રીત્યનાં જે વચન તેને સાંભળવાં. અને સાંખ્યવાળાને એ દૂષણ છે જે, ચોવીશ તત્ત્વ કહ્યાં છે ને પચવીશમા પરમાત્મા કહ્યા છે ને તે ચોવીશ તત્ત્વને મિથ્યા કહ્યાં છે ને પરમાત્માને સત્ય કહ્યા છે ત્યારે તે પરમાત્માને પામે છે કોણ ? કેમ જે પામનારા જીવને તત્ત્વથી ભિન્ન કહ્યો નથી, માટે એ જે દૂષણ છે તેને ટાળવાને અર્થે મોટાઓ થકી એમ યુક્તિ શીખવી જે, એ ચોવીશ તત્ત્વ કહ્યાં તે જીવ વિનાનાં હોય નહિ માટે એ તત્ત્વ ભેળા જ જીવ-ઈશ્વરને કહ્યા છે, તે જીવ-ઈશ્વર એ તત્ત્વ થકી પૃથક્ છે ને પરમાત્માને પામે છે, એવી રીતની યુક્તિ શીખવી ને આ યુક્તિ ન શીખી હોય ને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય જે, તત્ત્વ તો મિથ્યા છે ત્યારે તે પરમાત્માને પામ્યાને અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કહ્યા છે તથા શ્રવણ, મનન, નિદિધ્યાસાદિક સાધન કહ્યાં છે તે શાને અર્થે કહ્યાં છે ? માટે તત્ત્વના તદાત્મકપણાને પામ્યા જે જીવ-ઈશ્વર તેને તત્ત્વ રૂપે કરીને કહ્યા છે તે એ તત્ત્વ થકી અતિ વિલક્ષણ છે તે પરમાત્માને પામે છે ઇત્યાદિક જે યુક્તિઓ તેને મોટા સંત થકી સાંખ્યવાળાને શીખવી અને યોગવાળા જે છે તે પ્રત્યક્ષ મૂર્તિ એવા જે મચ્છ, કચ્છ, વારાહ, નૃસિંહ, વામન, રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે અને જે સાંખ્યવાળા છે તે જે તે ।। यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह ।। ઇત્યાદિક શ્રુતિશાસ્ત્રે કરીને કહ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને અનુભવે કરીને યથાર્થ જાણે ત્યારે મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે અને એ બેય મત છે તે સારા છે ને મોટાએ માન્યા છે ને એ બેયનું યથાર્થ જો આચરણ કરે તો તે પરમ ગતિને પામે છે અને એ બે મત છે તેમાં સાધન સરખાં કહ્યાં છે પણ ઉપાસનાની જે રીત તે સરખી નથી; ઘણી પૃથક્ છે. એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, હવે તો કીર્તન ગાઓ, પછી મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે વાજિંત્ર લેઈને કીર્તન ગાવા લાગ્યાં તે પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે કીર્તન રાખો અને એ સાંખ્ય ને યોગ એ બેયનો સિદ્ધાંત તમે કીર્તન ગાયાં ત્યાં સુધી અમે વિચાર્યો છે તે કહીએ તે સાંભળો : જે યોગવાળા છે તેને આત્યંતિક પ્રલયને વિષે જે અક્ષરધામમાં તેજોમય એવી દિવ્યરૂપ ભગવાનની મૂર્તિ રહી છે તે ધ્યાન કરવા યોગ્ય છે ને તેથી ઓરા પ્રકૃતિપુરુષરૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે ને તેથી ઓરા પ્રકૃતિપુરુષનાં કાર્ય જે ચોવીસ તત્ત્વ તે રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી ઓરા હિરણ્યગર્ભ ને તેથી ઓરા ચોવીશ તત્ત્વથી ઊપજ્યો જે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે ને તેથી ઓરા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, તથા પૃથ્વીને વિષે જે મચ્છ, કૂર્મ, નૃસિંહ, વારાહાદિક ભગવાનના અવતાર તથા શાળગ્રામાદિક પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે, એવું યોગવાળાનું તાત્પર્ય જણાણું પછી સાંખ્યનો વિચાર ઊપજ્યો ત્યારે તેણે એ આકારમાત્રનું નિરાકરણ કરી નાખ્યું ને એમ જણાણું જે એ સર્વના વિચારનો કરતલ જે જીવ છે તે જેવો શુદ્ધ કોઈ નથી, માટે જીવનું ધ્યાન કરવું એ ઠીક છે એવો જે સાંખ્યનો વિચાર તેને જોવાને અર્થે વળી યોગનો વિચાર થયો જે એ પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિપુરુષાદિક સર્વેને વિષે અન્વયપણું છે માટે એ સર્વે ભગવાન જ છે ને દિવ્યરૂપ છે ને સત્ય છે ને ધ્યેય છે ને એ વાતને દૃઢ કરવાને અર્થે શ્રુતિ છે જે ।। सर्वं खल्विदं ब्रह्म ।। नेह नानास्ति किंचन ।। તથા ।। इदं हिविश्वं भगवानिवेतरो यतो दगत्स्थान – निरोधसंभवा: ।। એવી રીતનો યોગમાર્ગ છે તેને વિષે પ્રવર્ત્યો જે મુમુક્ષુ તેને કોઈ વિઘ્ન નથી. શા માટે જે એ માર્ગ સ્થૂળ છે ને એને વિષે પ્રત્યક્ષ મૂર્તિ ભગવાનનું આલંબન છે તે સારુ જેવો તેવો હોય તે પણ એ માર્ગે કરીને નિર્વિઘ્ન થકો મોક્ષને પામે છે પણ એ માર્ગમાં એક દોષ છે જે, એ સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિપુરુષાદિકને અંશઅંશી ભાવ આવી જાય છે જે, ભગવાનના અંશ પ્રકૃતિપુરુષ છે ને તેના અંશ હિરણ્યગર્ભ વિરાટાદિક છે એવી રીતે સમજાય તો મોટો દોષ આવે કાં જે ભગવાન અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે તેને વિષે ચ્યુત ભાવ આવે છે ને અંશઅંશી ભાવ આવે છે, માટે એવો દોષ આવવા દેવો નહિ અને એમ સમજવું જે, એ ભગવાન જેવા તો ભગવાન જ છે ને બીજા જે પ્રકૃતિપુરુષાદિક છે તે તો એના ભક્ત છે ને એનું ધ્યાન કરે છે માટે એ ભગવાનરૂપ છે, જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાનરૂપ જાણે છે તેમ એ પ્રકૃતિપુરુષાદિક પણ ભગવાનરૂપ છે અને એ સર્વેથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ તે જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ રૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે તે ધ્યાન કરવા યોગ્ય છે એમ સમજે તો એ યોગમાર્ગ તે અતિશે નિર્વિઘ્ન છે ને શ્રેષ્ઠ છે, સાંખ્યવાળા છે તેમાં એ દોષ છે જે સાંખ્યવાળા હોય તે એમ કહે છે જે, અંતઃકરણે કરીને તથા ઇન્દ્રિયે કરીને જે જે ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વે મિથ્યા છે ને અનુભવે કરીને જે ગ્રહણ કર્યામાં આવે છે તે સત્ય છે, એવી રીતે આકારમાત્રને મિથ્યા કરે છે તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેમના રૂપને પણ મિથ્યા કરે છે તથા અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ એમના રૂપને પણ મિથ્યા કરે છે ને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે એવો એ મોટો દોષ છે માટે એ સાંખ્યવાળા એમ સમજે તો ઠીક જે સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિપુરુષથી જે જે ઊપજ્યું તેને મિથ્યા કરીને, ને પોતાના આત્માને સર્વેથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને, તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું, એવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમ જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે, નહિ તો શાસ્ત્રને ભણે-સાંભળે પણ આવડે નહિ અને છે તો એમ જે પ્રથમ સાંખ્ય વિચારે કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે તે કહ્યું છે જે :
ब्रह्मभूत : प्रसन्नात्मा न शोचति न कांक्षति । सम सर्वेषु भूतेषु मद् भक्तिं लभते परां ।।
તથા आत्मारामाश्र्व मुनयो निर्ग्रंथा अप्युरुक्रमे । कुर्वंत्यहैतुकीं भक्तिमित्थंभूतगुणो हरि : ।।
તથા परिनिष्ठितोडपि नैर्गुण्ये उत्तमश्र्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यध्धीतवान् ।।
એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે, કાં જે એ સાંખ્યવાળે વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે જે કાંઈ પાંચ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષયભોગ છે તેને અતિશે તુચ્છ જાણ્યા છે, માટે એ કોઈ પદાર્થને વિષે આશ્ચર્ય પામે નહિ તથા બંધાય નહિ અને એને પાસે કોઈ આવીને એમ કહે જે, આ પદાર્થ તો બહુ જ રૂડું છે ત્યારે તેને એમ વિચારે જે ગમે તેવું સારું હશે પણ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે ને ઇન્દ્રિયો-અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે; નાશવંત છે, એવી એ સાંખ્યવાળાને દૃઢ સમજણ રહે છે ને પોતાના આત્માને શુદ્ધ જાણે છે એવો જે સાંખ્યવાળો તેને યોગમાર્ગે કરીને ભગવાનની જે ઉપાસના-ધ્યાન-ભક્તિ તે કરવાં અને એમ ન કરે તો એેને વિષે અતિ ન્યૂનતા કહેવાય છે, એવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે તે અમે યથાર્થ વિચારીને કહ્યો છે અને જે આધુનિક યોગવાળા ને સાંખ્યવાળા છે તેમણે તો એ બેય માર્ગને બગાડી નાખ્યા છે, જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના આકાર તથા રામકૃષ્ણાદિક અવતારના આકાર તે સર્વેને તુલ્યપણે જાણે છે અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભેળે તીર્થ, વ્રત, પ્રતિમા, યમ, નિયમ, બ્રહ્મચર્યાદિક ધર્મ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા રામકૃષ્ણાદિક અવતાર એ સર્વેનું ખંડન કરે છે, માટે આધુનિક જે સાંખ્યવાળા ને યોગવાળા તે બેય માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૧૨૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે યોગવાળા જીવ-ઈશ્વરને સમ કહે છે ને અક્ષરધામને વિષે રહ્યું એવું જે ભગવાનનું સ્વરૂપ તથા પ્રકૃતિપુરુષાદિક તથા મચ્છ-કચ્છાદિક અવતાર તે સર્વેને ધ્યાન કરવા યોગ્ય કહે છે ને એમાં અંશઅંશીભાવ કલ્પે છે એ દોષ છે; અને પ્રત્યક્ષ ભગવાનના આશ્રયે કરીને મોક્ષ થાય એમ કહે છે, તેમણે જીવથી ઈશ્વરને ભિન્ન ને સર્વજ્ઞ સમજવા ને પ્રકૃતિપુરુષથી લઈને બ્રહ્મા, વિષ્ણુ, શિવાદિક સર્વર્ને ભગવાનના ભક્ત સમજવા ને અંશઅંશીભાવ ટાળવો અને આત્યંતિક પ્રલયને વિષે અક્ષરધામમાં પુરુષોત્તમ ભગવાન રહે છે તે પૃથ્વીને વિષે પ્રગટ થાય તેમનું જ ધ્યાન કરવું. અને સાંખ્યવાળા પરમાત્માને પામનારા જીવ-ઈશ્વરને તત્ત્વથી ભિન્ન કહેતા નથી ને જીવને જ ધ્યાન કરવા યોગ્ય માને છે તે દોષ છે, તેમણે તત્ત્વથી જીવ-ઈશ્વરને ભિન્ન સમજવા અને પ્રકૃતિપુરુષથી થયું તેને મિથ્યા કહેવું ને ભગવાનના અવતારને સત્ય જાણવા. આ યોગ તથા સાંખ્યવાળાએ જેને અક્ષરધામ શબ્દથી કહ્યું છે તેને મૂળપુરુષનું તેજ જાણવું અને જેને પુરુષોત્તમ શબ્દથી વર્ણન કર્યા છે તેને મૂળપુરુષ જાણવા અને નિર્ગુણ વાસુદેવ પણ એના તેજને જ કહે છે અને પ્રધાનપુરુષને પ્રકૃતિપુરુષ શબ્દથી કહ્યા છે. તે યોગવાળા જેમ પ્રત્યક્ષને આશ્રયે કરીને મોક્ષ કહે છે તેમ અમારા ભક્તોએ પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમને બ્રહ્માદિકથી લઈને મૂળઅક્ષરપર્યંત સર્વેથી પર જાણવા ને એ સર્વેને અમારા ભક્ત જાણવા અને અમે અનિરુદ્ધ જે મૂળઅક્ષર અને પ્રદ્યુમ્ન જે વાસુદેવબ્રહ્મ અને સંકર્ષણ જે મહાકાળ તેમને વિષે નિર્ગુણ વાસુદેવ જે અમારું તેજ તે દ્વારે પ્રવેશ કરીને તે તે રૂપે થઈએ છીએ તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરીએ છીએ તે સર્વેને સત્ય જાણવા અને પ્રકૃતિપુરુષથી થયું તેને મિથ્યા માનવું અને એ સર્વેથી પર નિર્ગુણ વાસુદેવ જે અમારા તેજરૂપ અક્ષરધામ તે રૂપ પોતાના આત્માને માનીને યોગમાર્ગે કરીને અમારી ઉપાસના, ધ્યાન, ભક્તિ કરવાં પણ અમારા વિના બીજા કોઈનું કરવું નહીં. (૧) બાબત છે.
૧ પ્ર. વિશ્વ, તૈજસ ને પ્રાજ્ઞ ને બ્રહ્મા, વિષ્ણુ ને શિવ તે તુલ્ય કહ્યા તે કેવી રીતે સમજવા ?
૧ ઉ. વૈરાજપુરુષ પોતાના ઉપરી જે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ થકી ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરવાની સામર્થી પામીને બ્રહ્મા પાસે ઉત્પત્તિ કરાવે છે તે ઉત્પત્તિના અભિમાને કરીને બ્રહ્મા નામે કહેવાય છે અને વિષ્ણુ પાસે સ્થિતિ કરાવે છે તે સ્થિતિને અભિમાને કરીને વિષ્ણુ નામે કહેવાય છે અને શિવ પાસે પ્રલય કરાવે છે તે પ્રલયના અભિમાને કરીને શિવ નામે કહેવાય છે તે એ ત્રણ દેવો દ્વારે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરે છે તે ક્રિયાના અભિમાને કરીને બ્રહ્મા, વિષ્ણુ ને શિવ નામે કહેવાય છે પણ જેમ જીવનાં પોતાનાં વિશ્વ, તૈજસ ને પ્રાજ્ઞ નામ કહેવાય છે તેમ વૈરાજનાં પોતાનાં એ નામ નથી. એ તો બ્રહ્મા, વિષ્ણુ ને શિવ દ્વારે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરે છે તે માટે બ્રહ્મા, વિષ્ણુ ને શિવની તુલ્યતા કહી છે.
૨ પ્ર. (આમાં તથા અ. ૪/૧માં) ભગવાનને અક્ષર કહ્યા છે ને (પ્ર. ૭/૧માં, સા. ૫ના બીજા પ્રશ્નમાં, કા. ૮/૧માં તથા પ્ર ૪૧ એ આદિકમાં) અક્ષરથી પર કહ્યા છે, માટે પ્રત્યક્ષ ભગવાન જે શ્રી સ્વામિનારાયણ તે તો અક્ષરથી પર છે તેમને અક્ષર કહેવાનું શું કારણ હશે ?
૨ ઉ. શ્રીજીમહારાજને અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે, એવાં વિશેષણ આપ્યાં છે પણ અક્ષર તે જ શ્રીજીમહારાજ છે એમ નથી કહ્યું.
૩ પ્ર. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ તેમને મિથ્યા ન કરવા એમ કહ્યું અને પછીથી પ્રકૃતિપુરુષના કાર્યને મિથ્યા કરવું એમ કહ્યું તે અનિરુદ્ધાદિક તો પ્રકૃતિપુરુષના કાર્યમાં આવી ગયા માટે તેને તો મિથ્યા કહેવા જોઈએ જ ને મિથ્યા કરવા નહિ એમ કહ્યું તેનું શું કારણ હશે ?
૩ ઉ. આ ઠેકાણે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ કહ્યા તે મૂળપુરુષથી પર છે તેમાં મૂળઅક્ષરને અનિરુદ્ધ કહ્યા છે તે (લો. ૭ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) જગતની ઉત્પત્તિને અર્થે અમે અનિરુદ્ધ રૂપે થઈએ છીએ. એટલે એ મૂળઅક્ષર જે અનિરુદ્ધ તેને વિષે નિર્ગુણ વાસુદેવ જે અમારું તેજ તે તેજ દ્વારે રહ્યા છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે, માટે અનિરુદ્ધ નામે મૂળઅક્ષરને કહ્યા છે અને માયા સુધી જંગમ એટલે ચળ વિશ્વ અને મૂળપુરુષથી લઈને બ્રહ્મકોટિ તથા, મૂળઅક્ષરના મુક્ત ત્યાં સુધી સર્વ સ્થાવર એટલે અચળ વિશ્વ એ બેય વિશ્વ મૂર્તિમાન મૂળઅક્ષર જે અનિરુદ્ધ તેના તેજને વિષે સાવકાશે કરીને રહ્યાં છે. અને શ્વેતદ્વીપપતિ વાસુદેવને પ્રદ્યુમ્ન કહ્યા છે, અને મહાકાળને સંકર્ષણ નામે કહ્યા છે, માટે આ સંકર્ષણાદિ ત્રણ તે મૂળપુરુષથી પર છે તેથી એમને સત્ય કહ્યા છે અને પ્રકૃતિમાંથી જે સંકર્ષણાદિક ઉત્પન્ન થાય છે તે તો પ્રલય સમે લય પામે છે માટે મિથ્યા કહેવાય.
૪ પ્ર. વાસુદેવ કોને કોને કહેવાતા હશે ?
૪ ઉ. શ્રીજીમહારાજ મૂળઅક્ષરને વિષે પોતાના તેજ દ્વારે વાસ કરે છે માટે શ્રીજીમહારાજને વાસુદેવ કહેવાય, અને વાસુદેવબ્રહ્મને વિષે મૂળઅક્ષર પોતાના તેજ દ્વારે વાસ કરે છે માટે મૂળઅક્ષરને વાસુદેવ કહેવાય, અને મૂળપુરુષને વિષે વાસુદેવબ્રહ્મ પોતાના તેજ દ્વારે વાસ કરે છે માટે વાસુદેવબ્રહ્મને વાસુદેવ કહેવાય, અને માયાબદ્ધ જીવોને વિષે મૂળપુરુષ પોતાના તેજ દ્વારે વાસ કરે છે માટે મૂળપુરુષને વાસુદેવ કહેવાય અને તે મૂળપુરુષ વાસુદેવના પુત્ર થયા માટે વાસુદેવ કહેવાય અને મૂળપુરુષ દ્વારાએ માયામાંથી અનંત પ્રધાનપુરુષ થાય છે અને તે થકી મહત્તત્ત્વ થાય છે ને તે થકી રાજસાહંકાર (અનિરુદ્ધ), સાત્ત્વિકાહંકાર (પ્રદ્યુમ્ન), તામસાહંકાર (સંકર્ષણ) એ ત્રણ પ્રકારનો અહંકાર થાય છે અને તેમાંથી ચોવીશ તત્ત્વ થાય છે ને તે થકી વિરાટ થાય છે ને તે થકી બ્રહ્મા, વિષ્ણુ ને શિવ થાય છે, તે પ્રધાનપુરુષ, મહત્તત્ત્વ, પ્રદ્યુમ્ન, વૈરાજ અને વિષ્ણુ તે પણ સૌ સૌના કાર્યમાં વાસ કરે છે માટે તેમને પણ વાસુદેવ કહેવાય, અને મૂળપુરુષ ને મૂળમાયાથી થઈ તે સૃષ્ટિને (લો. ૭ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) જંગમ એટલે પ્રલયમાં નાશ પામતી એવી ચળ સૃષ્ટિ કહી છે, આ ચળ વિશ્વના વાસુદેવ મૂળપુરુષ છે, અને જે મહત્તત્ત્વમાંથી અનિરુદ્ધાદિક થાય છે તે તથા મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ તે સર્વે મહામાયાને વિષે લય પામે છે અને મહામાયા મૂળપુરુષમાં લય પામે છે ત્યારે મૂળપુરુષ જે તે વાસુદેવબ્રહ્મના બ્રહ્મપુરધામને વિષે વાસુદેવબ્રહ્મને સમીપે રહે છે.
૫ પ્ર. પોતાના આત્માને સર્વેથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને અમારા રૂપને સત્ય જાણીને અમારું ધ્યાન કરવું એવો જે વિચાર તે તો અમ જેવા મોટા પાસેથી શીખે તો જ આવડે પણ શાસ્ત્રને ભણવે-સાંભળવે કરીને આવડે નહિ એમ શ્રીજીમહારાજે કહ્યું તે અમ જેવા મોટા કોને કહ્યા હશે ?
૫ ઉ. શ્રીજીમહારાજે પોતાના સાધર્મ્યપણાને પામેલા મુક્તને પોતા જેવા કહ્યા છે, માટે શ્રીજીમહારાજ તથા તેવા મુક્ત થકી જ આ વિચાર આવડે ને શ્રીજીમહારાજનું જ્ઞાન, ધ્યાન અને કલ્યાણ થાય છે પણ કેવળ શાસ્ત્ર થકી યથાર્થ સમજાતું નથી. ।।૨।।