વચનામૃત સારંગપુરનું – ૮
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ઈર્ષ્યાનું શું રૂપ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષ્યા પ્રવર્તે છે અને ક્રોધ, મત્સર ને અસૂયા તે પણ માનથી પ્રવર્તે છે. તે ઈર્ષ્યાનું એ રૂપ છે જે, પોતાથી જે મોટા હોય પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહિ એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવો જે આના હૈયામાં ઈર્ષ્યા છે અને યથાર્થ ઈર્ષ્યાવાળો હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે જ નહીં. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૮।। (૮૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં ઈર્ષ્યાની ને ક્રોધ, મત્સર ને અસૂયાની પ્રવૃત્તિનો હેતુ કહ્યો છે અને ઈર્ષ્યાનું રૂપ કર્યું છે. (૧) બાબત છે. ।।૮।।