વચનામૃત ગઢડા પ્રથમનું – ૧૬
સંવત ૧૮૭૬ના માગશર વદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૧) જે ભગવાનના ભક્તને સત્-અસત્નો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે, ને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય, તો તેને ત્યાગ કરી દે ને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહિ, અને ભગવાન ને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિષે સંશય કરે નહિ, અને સંત કહે જે તું દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો છું ને સત્ય છું ને એનો જાણનારો છું, ને એ દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને, તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહિ અને જેણે કરીને પોતાને બંધન થાય ને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ્ય આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે, ને તેથી છેટે જ રહે ને તેના બંધનમાં આવે જ નહિ, અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે, ને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૬।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જે પોતાના અવગુણનો ત્યાગ કરીને, અમારો તથા અમારા ભક્તનો ગુણ ગ્રહણ કરે, ને અમારાં તથા અમારા સંતના વચનમાં વર્તે, ને આત્મા રૂપે વર્તે, ને બંધનકારી પદાર્થ તથા કુસંગથી છેટે રહે, ને સવળા વિચારને ગ્રહણ કરે તે વિવેકી છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. આમાં સંતમાં ને સત્સંગીમાં અવગુણ ભાસે તોપણ ન લેવો એમ કહ્યું, અને (પ્ર. ૫૩માં ને છે. ૨૧/૩માં) મોટા વર્તમાનમાં ચૂકે તો અવગુણ લેવો એમ કહ્યું છે. તે કેમ સમજવું ?
૧ ઉ. જે દોષનાં પ્રાયશ્ચિત્ત કરવાનાં કહ્યાં છે તે માંહેલો દોષ હોય તેનો અવગુણ લે તે અવગુણ લીધો ન કહેવાય. પણ જેનું પ્રાયશ્ચિત્ત ન કરવું પડે એવા સ્વાભાવિક અલ્પ દોષ દેખાય તેનો અવગુણ ન લેવો એમ કહ્યું છે.
૨ પ્ર. સંતનું વચન સત્ય માનવાનું કહ્યું, તેમાં કોઈ સંશય કરવા જેવું હશે કે કેમ ?
૨ ઉ. એનો ખુલાસો આમાં જ કરેલો છે, જે દેહાદિકને અસત્ય કહે ને આત્માને સત્ય કહે એમાં સંશય ન કરવો; અને પોતાના ઇષ્ટદેવની તથા મંદિરોની સેવા બતાવે તે શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે શક્તિ અનુસારે હેતે સહિત કરવી, પણ શ્રદ્ધાથી અધિક વચન માનવું નહીં. અને માંદાને ખાવાપીવાનું, તથા યોગ્ય ઔષધ માગે તો શ્રદ્ધા પ્રમાણે આપવું પણ રોકડો પૈસો ન આપવો. અને વસ્ત્ર ઓઢાડવાની ઇચ્છા હોય ત્યારે વસ્ત્ર લાવીને આપવું પણ તે નિમિત્તે રોકડા પૈસા ન આપવા. અને શ્રીજીમહારાજે ત્યાગી તથા ગૃહસ્થને શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ, ધર્મામૃત, જનશિક્ષા, બૃહદ્ધર્મ એ આદિકમાં જે આજ્ઞાઓ કરી છે તેને ઘસારો આવતો હોય એવું વચન કહે તે માનવું નહીં.
૩ પ્ર. સવળા વિચારને ગ્રહણ કરવો ને અવળાનો ત્યાગ કરવો એમ કહ્યું; તે વિચાર કિયા ?
૩ ઉ. શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય તે અવળા વિચારનો ત્યાગ કરવો અને પંચવિષયનો અભાવ કરવો, તપ કરવું, ત્યાગ કરવો, ધર્મ પાળવો, ભક્તિ કરવી તથા ધ્યાન-ભજન કરવું તે સંબંધી જે સંકલ્પ થાય તે સવળા વિચારને ગ્રહણ કરવા. ।।૧૬।।