વચનામૃત સારંગપુરનું - ૧૩
સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો ? પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, જેને પોતાના જીવાત્માને વિષે નિશ્ચય થયો હોય તે તો કોઈ રીતે ટળે નહિ અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શાસ્ત્રને વિષે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કર્તાપણું, અકર્તાપણું, એવી અનંત જાતની વાત છે, માટે એવું કિયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો ? એ પ્રશ્નનો ઉત્તર કરો. પછી સર્વે મુનિ બોલ્યા જે, શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી, માટે હે મહારાજ ! એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે, કાં જે શાસ્ત્રમાં પરમેશ્વરનાં પણ લક્ષણ કહ્યાં હોય અને સંતનાં પણ કહ્યાં હોય માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે. (૧) અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યાં જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિષે પણ મા, બોન, દીકરી ને સ્ત્રી તેની વિક્તિરૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે તેનું કારણ પણ શાસ્ત્ર જ છે, કેમ જે શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરાએ કરીએ સર્વ લોકમાં પ્રવર્તી છે, માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તે શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી; એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે. (૨) ને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહિ, કાં જે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનનાં ચરિત્ર છે માટે પરમેશ્વર ગમે તેવાં ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બહાર હોય જ નહિ, માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે ને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહીં. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧૩।। (૯૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે અચળ રહે છે. (૧) અને મને કરીને નિશ્ચય કર્યો હોય તે ટળી જાય છે, ને જેને શાસ્ત્રના વચનની પ્રતીતિ ન હોય તે મનમુખી ને નાસ્તિક છે. (૨) અને શાસ્ત્રે કરીને જેને નિશ્ચય થયો હોય તેનું જ કલ્યાણ થાય છે ને ધર્મ પણ એનો જ અડગ રહે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં શાસ્ત્રે કરીને અમારો નિશ્ચય થાય એમ શ્રીજીમહારાજે કહ્યું અને (મ. ૩૧ના ૨/૫ બીજા પ્રશ્નમાં) શાસ્ત્રના શબ્દ સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી એમ કહ્યું છે. તથા (પ્ર. ૭/૧માં) શાસ્ત્રમાં અધ્યાત્મવાર્તા હોય તે કોઈને સમજાતી નથી; ભ્રમી જવાય છે એમ કહ્યું છે અને (મ. ૧૩/૩માં) સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે જ શાસ્ત્રની વાત સમજાય છે એમ કહ્યું તે કેમ સમજવું ?
૧ ઉ. આમાં ભગવાનના યોગ્ય-અયોગ્ય ચરિત્રમાં સંશય ન થાય એટલો જ નિશ્ચય કહ્યો છે પણ સર્વે અવતારોથી પર સમજાય એમ નથી કહ્યું અને (પ્ર. ૭માં) શાસ્ત્રમાં અધ્યાત્મવાર્તા સમજાય એવી ચોખ્ખી વિક્તિ નથી તે અમે સમજાવીએ એમ કહ્યું છે ને પછીથી પોતાનો સિદ્ધાંત કહ્યો છે. અને (મ. ૩૧માં) શાસ્ત્રના શબ્દ સાંભળીને અમારા સર્વોપરીપણામાં સંશય થાય એમ કહ્યું છે, પણ યથાર્થ નિશ્ચય ને યથાર્થ મહિમા ને શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર તે તો સત્પુરુષ થકી થાય છે તે જેને આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર હોય ને પોતાનો સંગ કરનારના માયિક ઘાટ ટાળીને મૂર્તિને સુખે સુખિયા કરે તે સત્પુરુષ જાણવા. ।।૧૩।।