વચનામૃત ગઢડા પ્રથમનું - ૯
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય ને તેની ભક્તિ કરતો હોય ને તેનાં દર્શન કરતો હોય તોપણ જે પોતાને પૂર્ણકામ ન માને ને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે ગોલોક-વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે, તે મુને જ્યાં સુધી દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. (૧)
અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દૃઢ નિષ્ઠા રાખે છે, ને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે, ને બીજું કાંઈ નથી ઇચ્છતો તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે ને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઇચ્છવું નહિ. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૯।।
રહસ્યાર્થ પ્રદી - આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમારી મનુષ્યરૂપ મૂર્તિને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ ન માને તેના મુખની વાત ન સાંભળવી. (૧) અને અમારી આ મનુષ્યરૂપ મૂર્તિને વિષે દૃઢ નિષ્ઠા રાખીને, આ પ્રત્યક્ષ મૂર્તિના દર્શને કરીને જ જે ભક્ત પોતાને પરિપૂર્ણ માને તેને અમે અમારા ધામને વિષે જે અમારાં ઐશ્વર્ય ને મૂર્તિઓ છે તેને દેખાડીએ છીએ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં અમારા મનુષ્ય સ્વરૂપને દર્શને કરીને પરિપૂર્ણ ન માને તેના મુખની વાત ન સાંભળવી એમ કહ્યું તેનો શો હેતુ હશે ?
૧ ઉ. શ્રીજીમહારાજ જીવોના મોક્ષને અર્થે મનુષ્ય જેવા થઈને દર્શન આપે છે તોપણ જેવા અક્ષરધામમાં દિવ્ય સાકાર મૂર્તિ છે, તેવા ને તેવા જ દિવ્ય છે તેમને વિષે મનુષ્યભાવ કલ્પે છે તે દોષ છે માટે તેની વાત સાંભળવાની ના પાડી છે.
૨ પ્ર. ધામને વિષે મૂર્તિ છે તે અને મનુષ્યરૂપ મૂર્તિ એક જણાયાનો શો ઉપાય હશે ?
૨ ઉ. ધામમાંથી આવેલા મુક્તના સમાગમથી દિવ્ય મૂર્તિ ને મનુષ્ય મૂર્તિ એક સમજાય છે.
૩ પ્ર. ધામમાંથી આવેલા સિદ્ધમુક્તનાં લક્ષણ કેવાં હોય ?
૩ ઉ. એવા સિદ્ધમુક્ત શ્રીજીમહારાજના ધામમાં તથા શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા શ્રીજીની ઇચ્છાથી આ લોકમાં મનુષ્ય રૂપે દેખાતા હોય તે મુક્ત જેમ અક્ષરધામમાં શ્રીજીમહારાજના ભેળા હોય, તેમજ આંહીં પણ એમના ભેળા મહારાજ હોય ને તેમની સાથે બોલે ચાલે ને સર્વ ક્રિયા કરે ને એવા મુક્ત અનંત જીવોને દર્શન આપીને ધામમાં પહોંચાડે તે દેહ મૂકનાર તથા બીજા પણ દેખે ને સર્વેના અંતરની વાત કહે; કાંઈ પણ અજાણ્યું હોય નહિ, એવાં લક્ષણ જેમાં હોય તેમને સિદ્ધમુક્ત જાણવા.
૪ પ્ર. શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે પ્રત્યક્ષ હતા તેવા પ્રત્યક્ષ આજ કેવી રીતે જાણવા ?
૪ ઉ. શ્રીજીમહારાજે પોતાની દિવ્ય મૂર્તિને મનુષ્ય રૂપે દેખાડી હતી, તે જ મૂર્તિને આજ પ્રતિમા રૂપે દેખાડે છે, માટે શ્રીજીમહારાજની પ્રતિમા તે પ્રત્યક્ષ શ્રીજીમહારાજ છે. તે પ્રતિમાને દિવ્ય ન જાણે ત્યાં સુધી કોટિ સાધન કરે તોપણ કલ્યાણ થાય નહિ, માટે આજ પ્રતિમા છે તે જ દિવ્ય મૂર્તિ છે અને પરોક્ષ શાસ્ત્રમાં પ્રતિમા ઉરુકાળે કલ્યાણ કરે તથા પ્રતિમાપૂજકને કનિષ્ઠ કહ્યા છે, પરંતુ શ્રીમુખે તો (પ્ર. ૪૮ તથા ૬૮માં) “અમારી મૂર્તિ તે અમે પંડે જ છીએ અને અમારી મૂર્તિની મર્યાદા ન રાખે ને ફેલફતૂર કરે તેને અમારો નિશ્ચય નથી, અને તે પાખંડી છે અને તેનું કલ્યાણ નહિ થાય” એમ કહ્યું છે. માટે પોતાની મૂર્તિને માટે ઉરુકાળવાચક કલમ શ્રીમુખે બાદ કરી છે, તેથી પ્રતિમા તે શ્રીજીમહારાજ પોતે જ છે એમ જાણવું.
૫ પ્ર. બીજી બાબતમાં ધામને વિષે ઐશ્વર્ય કહ્યાં તે કિયાં હશે ?
૫ ઉ. (કા. ૮/૩ આઠમામાં) સગુણ-નિર્ગુણરૂપ અનંત ઐશ્વર્ય પોતાની મૂર્તિના તેજમાંથી પ્રગટ થાય છે અને લીન થાય છે એમ કહ્યું છે તે ઐશ્વર્ય જાણવાં.
૬ પ્ર. શ્રીજીમહારાજની મૂર્તિ તો એક છે અને બહુ દેખાડે છે એમ કહ્યું તે કઈ જાણવી ?
૬ ઉ. શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં તથા મૂર્તિમાં મુક્ત રહ્યા છે તે શ્રીજીમહારાજના સરખા જ છે, તે માટે મુક્તોને પોતાની મૂર્તિઓ કહી છે તે (મ. ૬૭માં) કહ્યું છે જે અમારા ભક્ત અમારા સરખા થાય છે, તેનાં દર્શન કરાવે છે.
૭ પ્ર. મૂર્તિમાં મુક્ત રહે છે એવું કયા વચનામૃતમાં કહ્યું છે ?
૭ ઉ. (સા. ૧૧ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) મુક્ત મૂર્તિમાં રહે છે, એમ કહ્યું છે. તે મુક્તોની અનાદિમુક્ત એવી સંજ્ઞા છે.
૮ પ્ર. (સા. ૧૧માં) તો લક્ષ્મીજીની પેઠે ક્યારેક મૂર્તિમાં લીન રહે છે અને ક્યારેક નોખાં રહ્યા થકા સેવામાં રહે છે, એમ કહ્યું છે પણ સદાય મૂર્તિમાં રહે છે એમ કહ્યું નથી, માટે અનાદિમુક્ત સદાય મૂર્તિમાં રહે છે કે ક્યારેક રહે છે ?
૮ ઉ. અતિ સ્નેહે કરીને લીન થાય છે એમ કહ્યું છે. માટે અનાદિમુક્ત અતિ સ્નેહવાળા છે તે (મ. ૫૬/૧માં) અતિશે પ્રીતિવાળા ગોપાળાનંદ સ્વામીને કહ્યા છે એવા અનાદિમુક્ત ક્યારેય બહાર આવતા નથી. અને બહાર આવે છે એમ કહ્યું છે તે શ્રીજીની ઇચ્છાથી જીવોનો ઉદ્ધાર કરવા સારુ મૂર્તિમાં રહ્યા થકા બહાર એટલે જગતને વિષે દર્શન આપે છે, તે બહાર કહ્યા છે અને અનંત જીવોનો ઉદ્ધાર કરે છે તે સેવા કહી છે.
૯ પ્ર. ‘અનાદિમુક્ત’ કહો છો તે કિયા વચનામૃતમાં કહ્યું છે ?
૯ ઉ. (પ્ર. ૩૨ના પહેલા પ્રશ્નમાં) નારદ-સનકાદિકને અનાદિમુક્ત કહ્યા છે તથા (પ્ર. ૧૮/૪માં) શ્રીજીમહારાજે “હું અનાદિમુક્ત છું” એમ કહ્યું છે, માટે અનાદિમુક્તની સંજ્ઞા છે અને “હું અનાદિમુક્ત છું.” એમ કહ્યું તે પરમએકાંતિકથી અનાદિમુક્તનું અધિકપણું દર્શાવ્યું છે. ।।૯।।