વચનામૃત સારંગપુરનું - ૯

સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સારંગપુરથી ચાલ્યા તે ગામ શ્રી પધાર્યા ને તે કુંડળ મધ્યે અમરાપટગરના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તર મુખારવિંદે વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળી પાઘ બાંધી હતી તથા ધોળી પછેડી ઓઢી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે તે જ્યારે શુદ્ધ સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સત્યયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્ત્વ અને રજ ભેળાં વર્તતાં હોય ત્યારે તેના હૈયામાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો રજોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં દ્વાપરયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કળિયુગની પ્રવૃત્તિ હોય એમ ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે.  

       પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે તે જેવાં પૂર્વ કર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે. (૨) માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહિ માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે, હું તો આત્મા છું તે મારે વિષે માયાકૃત ઉપાધિ હોય નહિ અને હું તો ગુણાતીત છું અને ભગવાનનો મહિમા એમ વિચારવો જે, અજામેળ મહાપાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું તે સર્વ પાપથી છૂટીને પરમપદને પામ્યો, તો મુને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત-દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું માટે હું તો કૃતાર્થ થયો છું. એવી રીતે વિચારીને આનંદમાં રહેવું, પણ જેને તમોગુણ-રજોગુણ વર્તતા હોય તેને ધ્યાન-ધારણાને અર્થે આગ્રહ કરવો નહિ અને જેવું બની આવે તેવું ભજન-સ્મરણ કરવું ને દેહે કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોતપોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂર્ણકામ માનવું. (૩)

       પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) જેને તામસી કર્મ ઘણાં હોય તેના હૈયામાં કળિયુગ વર્તે તે કોઈ ઉપાયે ટળે કે ન ટળે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિષે અતિશે શ્રદ્ધા હોય અને અતિ દૃઢ વિશ્વાસ હોય તો ગમે તેવાં તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય અને કળિયુગના ધર્મ મટીને સત્યયુગના ધર્મ હોય તે વર્તે, માટે અતિ સાચેભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહિ અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. (૪)

       પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) સ્થાન તે કેને કહીએ ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ચાર વર્ણ ને ચાર આશ્રમ તે ને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું અને તમે ત્યાગી છો તે તમથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગૃહસ્થને માર્ગે ચલાય તો તે સ્થાનકથી ભ્રષ્ટ થવાણું એમ જાણવું. માટે ગમે તેવો આપત્કાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તોપણ તમારે પોતાના ધર્મમાંથી ચળવું નહિ અને જેમ ગૃહસ્થ વસ્ત્ર તથા અલંકારે કરીને અમારી પૂજા કરવાને ઇચ્છે, તેમ તમારે ઇચ્છવું નહિ; તમારે તો પત્ર, પુષ્પ, ફળ ને જળે કરીને પૂજા કરવી ને એવી પૂજાએ કરીને જ આનંદ માનવો પણ પોતાના ધર્મથી ચળાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી તે ઠીક નહિ માટે સર્વેને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે તેને દૃઢ કરીને સર્વે રાખજ્યો. (૫) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૮૭)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે. (૧) બીજામાં કર્મે કરીને ગુણની પ્રવૃત્તિ છે. (૨) અને ધ્યાન કરવા ન દે એવા ગુણ જેને વર્તતા હોય તેણે પોતાને ગુણાતીત માનવું અને અમારો મહિમા સમજવો જે, જેમનું નામ લીધાથી સર્વે પાપ બળી જાય એવા આ ભગવાન શ્રી સ્વામિનારાયણ તે મને પ્રત્યક્ષ મળ્યા છે, એવો અમારો મહિમા સમજીને અમારી આજ્ઞામાં રહીને પોતાને પૂર્ણકામ માનવું (૩) ત્રીજામાં અમારા સંતનો સમાગમ કરે તો દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. (૪) ચોથામાં ગૃહસ્થની પેઠે ત્યાગીએ વસ્ત્ર-અલંકારે કરીને અમારી પૂજા કરવી નહિ; પત્ર, પુષ્પ, ફળ ને જળે કરીને જ કરવી પણ પોતાના સ્થાન એટલે ધર્મથી ચળવું નહીં. (૫) બાબતો છે.

       પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) પોતાના આત્માને ગુણાતીત માનવાનું કહ્યું તે ગુણાતીતનો અર્થ શો સમજવો ?

       ઉ. માયાના ત્રણ ગુણથી પોતાના જીવાત્માને પર માનવો તે ગુણાતીત કહ્યો છે.

       પ્ર. અજામેળે નારાયણ નામ લીધું તે ભગવાન મને પ્રત્યક્ષ મળ્યા છે એમ કહ્યું તે અજામેળે તો પરોક્ષ નામ લીધું હતું તેમાં શ્રીજીમહારાજનો મહિમા શો આવ્યો ? અને તે પરમપદ પામ્યો તે કિયું જાણવું ?

       ઉ. નારાયણ આદિ સર્વ નામ શ્રીજીમહારાજનાં છે. તે પરથારાની બીજી બાબતમાં કહ્યાં છે તે પોતાનાં નામ સર્વ અવતારોને આપેલાં છે તે નામના નામી શ્રીજીમહારાજ મને પ્રત્યક્ષ મળ્યા છે એમ મહિમા સમજે. અને અજામેળે યમયાતનાના દુઃખથી મુકાઈને વિષ્ણુના વૈકુંઠ ધામને પામ્યો, તે ઇન્દ્રાદિકના લોકથી પર છે, તેથી પરમપદ કહ્યું છે.

      પ્ર. (૪/૫ ચોથા પ્રશ્નમાં) ત્યાગીએ વસ્ત્ર-અલંકારે કરીને અમારી પૂજા ન કરવી, એમ શ્રીજીમહારાજે કહ્યું તે સાધુ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પૂજવા રાખે તે મૂર્તિને જરિયાની વસ્ત્ર-ઘરેણાં પહેરાવાય કે નહીં ?

       ઉ. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પોતે પૂજવા રાખી હોય તો તે મૂર્તિને સાચાં-ખોટાં તાર વિનાનાં વસ્ત્ર ધરાવવાં, પણ જરિયાની વસ્ત્ર કે સાચાં કે ખોટાં ઘરેણાં પહેરાવવાં નહિ અને કાષ્ઠ પાત્રથી નવરાવવા અને મંદિરોમાં પૂજા કરવા રહ્યા હોય તે મૂર્તિઓને વસ્ત્ર-ઘરેણાં પહેરાવે, તેનો બાધ નહીં. ।।૯।।