વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૯
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૪ ચૌદશને દિવસ સંધ્યા સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ બે દીવીઓ બળતી હતી અને કંઠને વિષે પીળાં પુષ્પનો હાર પહેર્યો હતો ને બે હાથમાં પીળાં પુષ્પના ગજરા ધારણ કર્યા હતા અને સર્વે ધોળાં વસ્ત્ર પહેર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન-ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તે તો સૂધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહિ અને તેને તો એ જ ફિકર રહે છે જે, મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે, માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે, માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહિ અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતાં સાંભળતાં પરમેશ્વરનો ભક્ત થાશે. (૧)
૨ પછી બ્રહ્માનંદ સ્વામીએ વળી પૂછ્યું જે, (૨) એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનું સાધન તો અંતર્દૃષ્ટિ છે તે અંતર્દૃષ્ટિ તે શું, તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતર્દૃષ્ટિ છે; અને તે મૂર્તિ વિના ષટ્ચક્ર દેખાય અથવા ગોલોક-વૈકુંઠાદિક ભગવાનનાં ધામ દેખાય, તોપણ તે અંતર્દૃષ્ટિ નહિ, માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ અંતર્દૃષ્ટિ છે અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્યદૃષ્ટિ છે. પછી વળી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, હવે તો બે બે જણ થઈને સામસામા પ્રશ્ન-ઉત્તર કરો. પછી ઘણી વાર સુધી પરમહંસે પરસ્પર પ્રશ્ન-ઉત્તર કર્યા તેને સાંભળતા થકા શ્રીજીમહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હવા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૪૯।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારી મૂર્તિમાં વૃત્તિ ન રહે તે અમારો ભક્ત નહિ. (૧) બીજામાં અમારી મૂર્તિ સામું જોઈ રહેવું તે અંતર્દૃષ્ટિ છે અને મૂર્તિ વિના બીજે વૃત્તિ રહે તે બાહ્યદૃષ્ટિ છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં તમારે વિષે વૃત્તિ જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે એમ બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું તે બ્રહ્માનંદ સ્વામી તો અનાદિમુક્ત હતા તેમણે જોરે કરીને વૃત્તિ રાખીએ છીએ એમ કેમ પૂછ્યું હશે ?
૧ ઉ. સાધનિકને ઉપદેશને માટે સર્વેના ભેળા ભળીને પૂછ્યું છે પણ પોતાને માટે પૂછ્યું નથી. એ તો અનાદિમુક્ત હતા ને શ્રીજીમહારાજના ભેળા બીજા જીવોના કલ્યાણને અર્થે આવ્યા હતા, એમનું અજાણ્યું કાંઈ નહોતું.
૨ પ્ર. મૂર્તિમાં તો વૃત્તિ ન રહે પણ મહારાજની આજ્ઞા યથાર્થ પાળે તે ભક્ત કહેવાય કે નહિ ?
૨ ઉ. એકાંતિક ભક્ત ન કહેવાય; ચાલોચાલ કહેવાય. અને આજ્ઞા ન પાળે તે તો કુસંગી કહેવાય. ।।૪૯।।