વચનામૃત કારિયાણીનું - ૪

સંવત ૧૮૭૭ના આસો વદિ ૮ અષ્ટમીને દિવસ દોઢ પહોર દિવસ ચડતે શ્રીજીમહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.

       ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું જે, (૧) આ દેહને વિષે જીવનું જાણપણું કેટલું છે ? ને સાક્ષીનું જાણપણું કેટલું છે ? પછી ભજનાનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો પણ ઉત્તર થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, બુદ્ધિ છે તે આ દેહને વિષે નખશિખા પર્યંત વ્યાપીને રહી છે તે બુદ્ધિ જે તે સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને એકકાળાવિચ્છિન્ન જાણે છે તે બુદ્ધિને વિષે જીવ વ્યાપીને રહ્યો છે તે બુદ્ધિના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું કહેવાણું ને તે જીવના જાણપણાને વિષે સાક્ષીનું જાણપણું રહ્યું છે, માટે જીવના જાણપણાને કહેવે કરીને સાક્ષીનું જાણપણું પણ કહેવાણું. (૧)

૨       ત્યારે શ્રીજીમહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! જે આ જીવને વિષે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, મૂર્તિમાન હોય તે શું વ્યાપે નહીં ? જુઓને જ્યારે સ્વપ્ન આવે છે ત્યારે સ્વપ્નમાં ચિત્તને વિષે જે આકૃતિઓ જણાય છે તે મૂર્તિમાન છે કે અરૂપ છે ? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે એ તો મૂર્તિમાન છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ચિત્તમાં જે આકૃતિઓ રહી છે તે ચિત્તને રહ્યાનું સ્થળ કેવડું છે ? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, દશ આંગળનું છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, તે ચિત્ત કેવડું છે ? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ચિત્ત તો અલ્પ છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ચિત્તમાં જે આકૃતિઓ રહી છે તે કેવડી મોટી છે ? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ચિત્તમાં તો બધું બ્રહ્માંડ જણાય છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ચિત્ત નિર્મળ છે માટે જેમ દર્પણને વિષે બધી સભા જણાય છે તેમ ચિત્તને વિષે સર્વે આકૃતિઓ જણાય છે એમ એ જીવ છે તે અતિ નિર્મળ છે, માટે જીવને વિષે ભગવાન જણાય છે ને ભગવાન પણ અતિશે નિર્મળ છે, માટે તે ભગવાનને વિષે સર્વ વિશ્વ જણાય છે, એવી રીતે વિશ્વ ભગવાનમાં રહ્યું છે ને વિશ્વમાં ભગવાન રહ્યા છે. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૧૦૦)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે દેહને વિષે બુદ્ધિ વ્યાપી રહી છે ને બુદ્ધિને વિષે જીવ વ્યાપીને રહ્યો છે તે બુદ્ધિના જાણપણાને કહેવે જીવનું જાણપણું કહેવાય છે અને જીવને વિષે સાક્ષીનું જાણપણું રહ્યું છે, માટે જીવના જાણપણાને કહેવાથી સાક્ષીનું જાણપણું કહેવાય છે. (૧) બીજામાં જેનો જીવ અતિ નિર્મળ એટલે સર્વ વાસના ટાળીને અમારા તેજરૂપ થાય તે પોતાને વિષે અમને દેખે છે અને અમારે વિષે એટલે સર્વાધાર એવું અમારા તેજરૂપ અન્વય સ્વરૂપ તેને વિષે વિશ્વ રહ્યું છે તેને પણ દેખે છે. (૨) બાબતો છે.

       પ્ર. (બીજા પ્રશ્નમાં) ચિત્તમાં બ્રહ્માંડ જણાય છે એમ કહ્યું તે બ્રહ્માંડ તો ચિત્તમાં નથી ને જણાય છે માટે જણાવામાત્ર છે, ત્યારે ભગવાન પણ તેમ જ જણાતા હશે કે સાક્ષાત્‌ જણાતા હશે ?

       . ચિત્ત તો દર્પણવત્‌ જડ છે તે જેમ દર્પણમાં આભાસ પડે છે તેમ જ ચિત્તમાં પણ આભાસ પડે છે અને ભગવાન તો સર્વેને વિષે અંતર્યામીપણે રહ્યા થકા સર્વને કર્મફળપ્રદાતા છે ને અતિશે સમર્થ છે ને સર્વદેશી છે તે પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અન્વય સ્વરૂપે સર્વને વિષે રહ્યા છે અને ચિત્ત તથા દર્પણનું દૃષ્ટાંત તો એકદેશી છે, કેમ જે જડ વસ્તુને વ્યાપવાની ગતિ નથી અને ચૈતન્ય વસ્તુ તો પોતાની ઇચ્છા હોય ત્યાં વ્યાપી શકે છે માટે સર્વત્ર વ્યાપક ને ચૈતન્યમૂર્તિ એવા જે ભગવાન તે તો અન્વય સ્વરૂપે સર્વને વિષે રહ્યા જ છે અને જડ વસ્તુનું દૃષ્ટાંત તો એકદેશી જ હોય પણ ચૈતન્ય વસ્તુની પેઠે સર્વદેશી ન હોય, માટે જ્યાં જ્યાં જડ વસ્તુનું દૃષ્ટાંત દીધું હોય તે ચૈતન્ય વસ્તુને મળતું ન જ આવે, માટે શ્રીજીમહારાજ જીવ, ઈશ્વર, બ્રહ્મ, તથા અક્ષર તે સર્વેને વિષે અંતર્યામીપણે રહ્યા છે ને વિશ્વ પણ અન્વય સ્વરૂપમાં જ રહ્યું છે તે (પ્ર. ૭૨ના ૨/૪ બીજા પ્રશ્નમાં) અમારા એક રોમના છિદ્રમાં એટલે કિરણમાં અનંતકોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે પણ મૂર્તિમાં વિશ્વ રહ્યું છે એવું કોઈ વચનામૃતમાં કહ્યું નથી, માટે અન્વય સ્વરૂપમાં જ વિશ્વ રહ્યું છે અને વિશ્વમાં પણ ભગવાન અન્વય સ્વરૂપે રહ્યા છે, અને જ્યારે જીવ શ્રીજીમહારાજને ભજને કરીને નિર્મળ એટલે મહાતેજ જેવો થાય ત્યારે તેને વિષે મૂર્તિમાન નિવાસ કરીને રહે છે.

       પ્ર. આમાં જીવને અતિ નિર્મળ કહ્યો અને (છે. ૩૧માં) ગુણમય કહ્યો છે તે કેમ સમજવું ?

       . જીવને તો (સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) બદ્ધ કહ્યો છે માટે જીવ તો માયાબદ્ધ છે પણ તે જીવ જ્યારે ભગવાનનો ભક્ત થાય ને સત્પુરુષને યોગે કરીને શ્રીજીમહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ પોતાને સમજે ત્યારે અતિ નિર્મળ થાય છે અને અતિ નિર્મળ એવા ભગવાન તેમને વિષે એટલે ભગવાનના તેજને વિષે વિશ્વ જણાય છે માટે આમાં અતિ નિર્મળ જીવની વાત કહી છે અને (છે. ૩૧માં) પોતાને જીવરૂપ માનતો હોય તેની વાત છે. ।।૪।।