વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૧

સંવત ૧૮૭૬ના ચૈત્ર વદિ ૪ ચતુર્થીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુક્તાનંદ સ્વામી આદિક સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હતા.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે કીર્તન-ભક્તિની સમાપ્તિ કરીને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો. પછી સોમલેખાચરે પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે પણ એવો કિયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા, માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં. (૧)

       પછી માતરેધાંધલે પૂછ્યું જે, (૨) ઈર્ષ્યાનું શું રૂપ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેની ઉપર જેને ઈર્ષ્યા હોય તેને રૂડું થાય ત્યારે તેથી ખમાય નહિ ને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષ્યાનું લક્ષણ છે. (૨)

       પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૩) ।। सर्व खल्विदं ब्रह्म ।। એ જે શ્રુતિ છે તેનો અર્થ સર્વે પંડિત એમ કરે છે જે, આ જે યત્કિંચિત્‌ નામરૂપ છે તે સર્વે બ્રહ્મ છે; અને વળી ।। घटवत्सगसर्गादि विनश्यति ।। એ જે શ્રુતિ તે સર્વેને નાશવંત કહે છે, માટે એ પરસ્પર શ્રુતિનો વિરોધ આવ્યો તે કેમ ટળે ? પછી સાધુમાં જેને જેવો સૂઝ્યો તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે લ્યો અમે ઉત્તર કરીએ છીએ જે, પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે ભગવાન તે જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રગટ થાય છે ત્યારે જે જે તત્ત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્ત્વ બ્રહ્મરૂપ છે, કાં જે રામકૃષ્ણાદિક અવતારને વિષે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દશ ઇન્દ્રિયો, પંચ પ્રાણ ઇત્યાદિક સર્વે તત્ત્વ મનુષ્યની પેઠે જણાય છે પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી, એમ એ શ્રુતિનો અર્થ છે અને એ ભગવાનની મૂર્તિ વિના બીજું જે માયિક નામરૂપ છે તે સર્વે નાશવંત છે એમ બીજી શ્રુતિનો અર્થ છે, એવી રીતે એ બે શ્રુતિનો અર્થ કરીએ તો પરસ્પર વિરોધ નથી આવતો. (૩)

       પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૪) ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય ને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય તેનું કલ્યાણ થાય એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે માટે તેની કથા થાતી નથી અને શ્રીમદ્‌ ભાગવત પુરાણ ને ભારત એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે માટે તેની જગતમાં કથા થાય છે, માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થાતું હોય તેમ કહો ? અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે તે એ બે પ્રકારનું જે પ્રતિપાદન તે અનાદિ શાસ્ત્રમાં છે એટલે પ્રતિપાદન કર્યું છે, માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો. પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે, એવી રીતે પ્રતિપાદન કર્યું. (૪)

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, (૫) નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા, તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, એ આદિક જે ભગવાનનાં ધામ તેને દેખવાની જેને લાલચ રહે ત્યારે એને નિશ્ચય છે કે નથી ? પછી મુનિ બોલ્યા જે, ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે જ્યારે અક્ષરાદિક ધામ દેખશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખશું ત્યારે આપણું કલ્યાણ થયું, એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું જે નિશ્ચયની ના પાડો છો ? પછી મુનિ બોલ્યા જે, જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે, માટે તેની પણ અરુચિ શા સારુ રાખે ? પણ ભગવાન વિના એને ઇચ્છે નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે, માટે એમાં શું દૂષણ છે જે એને ઇચ્છે નહીં ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય અને ઘર હોય તે પણ પડી જાય એવાં હોય તે કેમ સમજો છો ? પછી મુનિ બોલ્યા જે, એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે તેને મર્ત્યલોકનાં નાશવંત એવાં જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ? પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે, ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ અને જ્યારે કોઈ ભક્તને સમાધિને વિષે અલૌકિક દૃષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંતકોટિ જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે, માટે એ સર્વે ભગવાન ભેળું છે. (૫) તોય પણ ભગવાન મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની જ સેવાને અંગીકાર કરે છે અને તે પોતાના ભક્તનાં ગાર, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે ને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે, માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સોતું પૃથ્વી ઉપર વિરાજમાન છે, એમ સમજવું, અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. (૬) ઇતિ વચનામૃતમ્‌ ।।૭૧।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૫) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા ભક્તનો દ્રોહ કરે તે અપરાધને અમે માફ કરતા નથી. (૧) બીજામાં કોઈનું રૂડું દેખી ખમાય નહિ તે ઈર્ષ્યાનું રૂપ છે. (૨) ત્રીજામાં જીવોના કલ્યાણને અર્થે અમે મર્ત્યલોકને વિષે દર્શન આપીએ છીએ ત્યારે અમારી દિવ્ય મૂર્તિને મનુષ્યના જેવી દેખાડીએ છીએ. પણ મનુષ્યભાવ નથી, માટે મનુષ્યના જેવા દેખાતાં એવાં ઇન્દ્રિયાદિક તત્ત્વ તે દિવ્ય છે પણ ત્યાગ-ભાગ નથી, માટે ।। सर्व खल्विदं ब्रह्म ।। એ જે શ્રુતિએ કહ્યું છે તે મનુષ્ય રૂપે દેખાતું એવું જે અમારું સ્વરૂપ તે બ્રહ્મ છે એટલે દિવ્ય છે, એવો એ શ્રુતિનો અર્થ છે પણ સમગ્ર જગત બ્રહ્મ છે, એમ એ શ્રુતિનો અર્થ ન સમજવો ને અમારી મૂર્તિ વિના જે માયિક નામરૂપ છે તે નાશવંત છે, એમ ।। घटवत्सर्गादि विनश्यति ।। એ શ્રુતિનો અર્થ છે. (૩) ચોથામાં અમને સદા સાકાર જાણીને ભક્તિ કરે તો કલ્યાણ થાય છે. (૪) પાંચમામાં જીવના કલ્યાણને અર્થે અમે મૂર્તિ ધારીએ છીએ ત્યારે અમારું અક્ષરધામ ને દિવ્ય મૂર્તિ એવા મુક્ત અને અમારાં સર્વે ઐશ્વર્ય તે સર્વે અમારી આ મૂર્તિના ભેળાં જ હોય છે, એમ સમજવું. (૫) અને આંહીં જે ભક્તજન માયિક પદાર્થે કરીને અમારી તથા અમારા સંતની એટલે મુક્તની સેવા કરે છે તેને અમારી મૂર્તિનું દિવ્ય સુખ આપીએ છીએ. (૬) બાબતો છે.

૧      પ્ર. પાંચમા પ્રશ્નમાં શ્રીજીમહારાજે પોતાને નિરાકાર અક્ષરબ્રહ્મથી પર કહ્યા તે સાકાર અક્ષરબ્રહ્મથી પર તો (પ્ર. ૭/૧માં, ૪૧માં, ૭૨ના ૨/૪ બીજા પ્રશ્નમાં, સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં, કા. ૮/૧ ઇત્યાદિકમાં) કહ્યા છે અને નિરાકાર અક્ષરબ્રહ્મ જે પોતાનું તેજ તેને વિષે તો શ્રીજીમહારાજ સદા વિરાજમાન રહ્યા છે, એમ (પ્ર. ૭/૧માં, ૨૧/૮માં, કા. ૭ના ચોથા પ્રશ્નમાં, લો. ૧૪માં, પં. ૧/૧માં, મ. ૧૩/૨માં, ૪૨/૨માં, ૫૦/૧ ઇત્યાદિકમાં) કહ્યું છે અને આ ઠેકાણે સાકાર બ્રહ્મથી પર

એવું જે શ્રીજીમહારાજના તેજરૂપ નિરાકાર અક્ષરબ્રહ્મ, તેથી શ્રીજીમહારાજે પોતાને પર કહ્યા તે પોતાના તેજરૂપ અક્ષરબ્રહ્મમાં તો પોતે રહ્યા જ છે અને તેથી પર પોતાને કેમ કહ્યા હશે ?

       ઉ. સાકાર અક્ષરબ્રહ્મથી પર ને તેનું કારણ, આત્મા, આધાર, પ્રેરક ને નિયંતા એવું જે પોતાના તેજરૂપ નિરાકાર અક્ષરબ્રહ્મ તેના પણ શ્રીજીમહારાજ આધાર, કારણ ને આત્મા છે. તે સારુ પોતાના તેજથી પોતાને પર કહ્યા છે પણ પર એટલે પૃથક્‌ નથી કહ્યા, માટે પર એટલે કારણ, આધાર, આત્મા ને શરીરી કહ્યા છે એમ સમજવું.

૨      પ્ર. બ્રહ્મપુર, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ ધામ કહ્યાં તે કોનાં કોનાં સમજવાં ?

       ઉ. બ્રહ્મ જે શ્રીજીમહારાજ તેમને રહેવાનું ધામ માટે અક્ષરધામને આ ઠેકાણે બ્રહ્મપુર નામે કહ્યું છે અને ગોલોક તે મૂળપુરુષનું ધામ જાણવું અને વૈકુંઠ તે રામચંદ્રજીનું ધામ જાણવું અને વાસુદેવબ્રહ્મના સાધનિક મુક્તો પૃથ્વી પર સાધન કરે છે તે ધામને શ્વેતદ્વીપ કહ્યું છે.

૩      પ્ર. બ્રહ્મસ્વરૂપ કહ્યું તે બ્રહ્મ સ્વરૂપ શું સમજવું ?

       ઉ. (૪/૫ ચોથા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે એણે શું પાપ કર્યું ? તેના ઉત્તરમાં ધામ અને ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે, માટે એમાં શું દૂષણ છે જે એને ઇચ્છે નહીં ? એમ કહ્યું છે, માટે બ્રહ્મ જે શ્રીજીમહારાજ તેમના તદાકારભાવને પામેલા મુક્તોને બ્રહ્મ સ્વરૂપ કહ્યા છે.

       પ્ર. ધામ અને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્ય મૂર્તિ છે એમ કહ્યું તે ચૈતન્ય મૂર્તિ તે પાર્ષદને જ કહ્યા છે કે ધામને પણ ચૈતન્ય મૂર્તિ કહ્યું છે તે સમજાતું નથી, કેમ જે આમાં પાંચમા પ્રશ્નમાં જ ધામને નિરાકાર કહ્યું છે માટે તે કેવી રીતે  સમજવું ?

       ઉ. ચૈતન્ય મૂર્તિ તો મુક્તને જ કહ્યા છે તે પાંચમા પ્રશ્નના ઉત્તરમાં જ શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમે જીવના કલ્યાણને અર્થે મૂર્તિ ધારણ કરીએ છીએ ત્યારે અમારું અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ પાર્ષદો અને અમારાં સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારીએ છીએ તેમાં પાર્ષદને જ ચૈતન્ય મૂર્તિ કહ્યા છે પણ ધામને તથા ઐશ્વર્યને મૂર્તિ શબ્દનો સંબંધ નથી, માટે ધામને તો શ્રીજીમહારાજના તેજવાચક જ સમજવું.

૫      પ્ર. શ્રીજીમહારાજને વિષે કોટિ કોટિ સૂર્ય સરખો પ્રકાશ ભાસે છે અને અક્ષરધામ પણ તે મૂર્તિ ભેળું જ ભાસે છે એમ કહ્યું ત્યારે તો પ્રકાશ ને ધામ બે વસ્તુઓ જુદી થઈ અને તમે તો પ્રકાશને જ ધામ કહ્યું તે કેવી રીતે સમજવું ?

       ઉ. શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશરૂપ અક્ષરધામની અનંત કિરણો છે તેમાંની એક કિરણના કિંચિત્‌ પ્રકાશને કોટિ કોટિ સૂર્ય સરખો પ્રકાશ કહ્યો છે અને એ સમગ્ર પ્રકાશને અક્ષરધામ કહ્યું છે, કેમ જે (પ્ર. ૬૩ના ત્રીજા પ્રશ્નમાં) શ્રીજીના સેવકના અકેકા રોમમાં કોટિ કોટિ સૂર્યના જેવો પ્રકાશ કહ્યો છે તો જ્યારે સેવકના રોમમાં એટલો પ્રકાશ છે તો શ્રીજીમહારાજના રોમના કિંચિત્‌ પ્રકાશમાં કોટિ કોટિ સૂર્યથી અધિક પ્રકાશ હોય તેમાં શું કહેવું ? માટે આ ઠેકાણે અક્ષરધામની એક કિરણના કિંચિત્‌ પ્રકાશને કોટિ કોટિ સૂર્ય સરખો પ્રકાશ કહ્યો છે તે (પ્ર. ૫૬ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) અમારા એકેક નખમાં કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ છે માટે સમગ્ર પ્રકાશને અક્ષરધામ કહ્યું છે.

       પ્ર. ત્યારે અક્ષરધામનો પ્રકાશ દેખાય છે એમ કેમ ન કહ્યું ને પ્રકાશ ને ધામ એ બે દેખાય છે એમ કેમ કહ્યું ?

       ઉ. એનો ઉત્તર પાંચમા પ્રશ્નમાં જ છે જે સમાધિવાળાને દેખાય છે તે જેને જેટલી સ્થિતિ થઈ હોય તે પ્રમાણે પ્રકાશને દેખે છે, માટે સ્થિતિના ભેદે કરીને અધિક-ન્યૂન પ્રકાશ દેખવામાં આવે છે તે જે અધૂરી સ્થિતિવાળા હોય તે કિંચિત્‌ પ્રકાશ દેખે છે અને પરિપૂર્ણ સ્થિતિવાળો હોય તે સમગ્ર પ્રકાશરૂપ અક્ષરધામને દેખે છે અને શ્રીજીમહારાજને ને મુક્તને પણ દેખે છે, માટે દેખનારાની સ્થિતિનો ભેદ કહ્યો છે પણ આગળ કહ્યો જે કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ તે તો એ અક્ષરધામનો જ છે. ।।૭૧।।