વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૮
સંવત ૧૮૭૬ના ચૈત્ર સુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળું હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે એક પ્રશ્ન પૂછીએ છૈએ. ત્યારે મુનિએ કહ્યું જે પૂછો, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ઓગણતેરા કાળમાં અમને એક મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્યારે એમ ભાસતું જે, અમે પુરુષોત્તમપુરીને વિષે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિષે પ્રવેશ કરીને રહ્યા છીએ ને તે મૂર્તિ તો કાષ્ઠની જણાય પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળ-કપટ સર્વ દેખતા અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે અને શાસ્ત્રમાં પણ એવાં વચન છે જે, શુકજી વૃક્ષમાં રહીને બોલ્યાં હતાં. માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઇચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે, માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે તેમાં પોતે સાક્ષાત્ પ્રવેશ કરીને વિરાજમાન રહે છે; તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય, ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય ને તેની મર્યાદા રાખે, તેમ તે મૂર્તિની પણ રાખી જોઈએ, અને તેમ જ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખી જોઈએ તે તો એ ભક્ત લેશમાત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે, મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિષે હું અખંડ નિવાસ કરીને રહું છું. ને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલાં ફેલફતૂર કરે છે પણ લેશમાત્ર ભગવાનનો ડર રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નથી ? એ પ્રશ્ન છે. ત્યારે પરમહંસ બોલ્યા જે, જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. (૧)
૨ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થાશે કે નહિ થાય ? પછી સંત બોલ્યા જે એનું કલ્યાણ નહિ થાય. (૨)
૩ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૩) જેને ભગવાનની મૂર્તિને વિષે નાસ્તિકપણું આવે ને સંતને વિષે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહિ રહે, એને તો જેનું ભજન-સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને એ ભગવાનનાં જે ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને ને કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર વતે કરીને નહિ માને એવો પાકો નાસ્તિક થાશે. (૩)
૪ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિકના ગ્રંથને વિષે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન ને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે, કેમ જે જ્યારે એ માંહેલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ-સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહિ અને એ નાસ્તિકપણું મટે ક્યારે ! તો જ્યારે શ્રીમદ્ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિષે કહી જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયરૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય ને આસ્તિકપણું આવે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૬૮।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં ત્રીજું કૃપાવાક્ય છે. પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી પ્રતિમા તે અમે સાક્ષાત્ છીએ, માટે જે અમારી પ્રતિમાને સાક્ષાત્ ભગવાન જાણીને ન પૂજે ને અમારી પ્રતિમાની તથા સંતની મર્યાદા ન રાખે તેને અમારો નિશ્ચય નથી. (૧) બીજામાં પ્રતિમાની તથા સંતની મર્યાદા ન રાખે તેનું કલ્યાણ નહિ થાય. (૨) ત્રીજામાં જેને અમારી પ્રતિમાને વિષે ને મુક્તને વિષે નાસ્તિકપણું આવે તેને પ્રત્યક્ષ એેવા જે અમે તે અમારે વિષે ને અમારા ધામને વિષે પણ નાસ્તિકપણું આવશે ને અમને કર્તા નહિ માને, એવો પાકો નાસ્તિક થાશે. (૩) ચોથામાં નાસ્તિકના ગ્રંથ સાંભળવાથી તથા તે ગ્રંથમાં પ્રતીતિ આવવાથી અથવા નાસ્તિકના સંગથી નાસ્તિક થાય છે; અને ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરનારા ગ્રંથ સાંભળે તો નાસ્તિકપણું જાય ને આસ્તિકપણું આવે. (૪) બાબતો છે.
૧ પ્ર. ત્રીજા પ્રશ્નમાં મૂર્તિને વિષે નાસ્તિકપણું આવે તેને અમારા મનુષ્ય સ્વરૂપને વિષે પણ નાસ્તિકપણું આવશે, એમ શ્રીજીમહારાજે કહ્યું તે મનુષ્ય સ્વરૂપ ને પ્રતિમા તે જુદા હશે કે કેમ ?
૧ ઉ. મનુષ્ય સ્વરૂપ ને પ્રતિમા તથા ધામને વિષે જે મૂર્તિ છે તે એક જ છે પણ જુદાં નથી, તેથી શ્રીજીમહારાજે કહ્યું છે કે જેને પ્રતિમાને વિષે નાસ્તિકપણું આવે તેને પ્રત્યક્ષ એવા જે અમે તે અમારે વિષે ને અમારા ધામને વિષે પણ નાસ્તિકપણું આવેલું જ છે, કેમ જે અમારે વિષે દિવ્યભાવ થયો નથી, તેથી અમારી પ્રતિમાને દિવ્ય જાણતો નથી એમ કહ્યું છે; તે જો શ્રીજીમહારાજનો દિવ્યભાવે સહિત મહિમા જાણે તો શ્રીજીમહારાજને વિષે સર્વાંતર્યામીપણું સમજાય, તો મનુષ્ય રૂપે શ્રીજીમહારાજ વિચરતા હોય, ત્યારે મનુષ્યચરિત્ર જોઈને સંશય થાય નહિ અને પ્રતિમા બોલે-ચાલે નહિ તોપણ પ્રતિમાને વિષે નાસ્તિકપણું આવે નહિ, માટે શ્રીજીમહારાજનો મહિમા યથાર્થ જાણીને પ્રતિમાને વિષે તથા મનુષ્ય સ્વરૂપને વિષે દિવ્યભાવ સમજે તો જ મોક્ષ થાય પણ તે વિના મોક્ષ થાય જ નહીં. ।।૬૮।।