વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૦
સંવત ૧૮૭૬ના મહા વદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરની મેડીની ઓસરી આગળ પ્રાતઃકાળે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું જે, (૧) જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે તે કુશાગ્રબુદ્ધિ તે જે સંસાર-વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ ? અથવા શાસ્ત્ર-પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ ? પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, કેટલાક તો વ્યવહારમાં અતિ ડાહ્યા હોય, તોપણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ યત્ન કરે નહિ તથા કેટલાક શાસ્ત્ર-પુરાણ-ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય, તોપણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ પણ યત્ન કરે નહિ, માટે એને કુશાગ્રબુદ્ધિવાળા ન જાણવા; એને તો જાડી બુદ્ધિવાળા જાણવા અને જે કલ્યાણને અર્થે યત્ન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તોપણ તે કુશાગ્રબુદ્ધિવાળો છે અને જે જગત-વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે, તોપણ તે જાડી બુદ્ધિવાળો છે, એ ઉપર ભગવદ્ગીતાનો શ્લોક છે જે :
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुने: ।।
એ શ્લોકનો અર્થ એમ છે જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારે યુક્ત વર્તે છે, કહેતાં ભગવાનનું ભજન નથી કરતા અને જે ભગવાનના ભક્ત છે તે તો, તે ભગવાનના ભજનને વિષે જાગ્યા છે; કહેતાં નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેને વિષે જીવમાત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે કહેતાં વિષયને ભોગવતા થકા જ વર્તે છે; અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષયભોગને વિષે અંધકારે યુક્ત વર્તે છે કહેતાં તે વિષયને ભોગવતા નથી, માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્રબુદ્ધિવાળા છે ને તે વિના તો સર્વે મૂર્ખ છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૫૦।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે તેને ઝીણી બુદ્ધિવાળો કહ્યો છે અને એને બ્રહ્મની એટલે અમારી પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. (૧) બાબત છે. (આ બ્રહ્મનો અર્થ પ્ર. ૩૯ના બીજા પ્રશ્નોત્તરમાં કર્યો છે.)
૧ પ્ર. બુદ્ધિ અંધકારે યુક્ત વર્તે છે એમ કહ્યું તે કેવી રીતે વર્તે તે અંધકારે યુક્ત કહેવાય ?
૧ ઉ. શ્રીજીમહારાજને વિષે પ્રીતિવાળા ભક્ત જગતથી ઉદાસ હોય, પણ જો તેને પ્રારબ્ધવશે કરીને ગૃહસ્થાશ્રમમાં રહેવું પડ્યું હોય તો તેને ગૃહસ્થાશ્રમની રીતિ પ્રમાણે વર્તવું જોઈએ, પણ ઉદાસ થકો વિષયને ભોગવે તે અંધકારે યુક્ત વર્તે છે એમ જાણવું; અને ત્યાગીમાં રહ્યો હોય તોપણ સારી પથારી, સારું ખાવાનું, સારું પાત્ર એ આદિક સારી વસ્તુને ગ્રહણ ન કરે ને જેવી તેવી વસ્તુએ કરીને ગુજરાન કરે અને સર્વે ક્રિયામાં શ્રીજીમહારાજની સ્મૃતિ રાખે પણ ક્રિયાની સ્મૃતિ ન રાખે, એવી રીતે વર્તે તે વિષયને વિષે અંધકારે યુક્ત વર્તે છે એમ જાણવું. ।।૫૦।।