વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૫
સંવત ૧૮૭૬ના માગશર વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૧) જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે, ભગવાન તથા સંત તે મુને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે, અને આટલું વચન મુથી મનાશે ને આટલું નહિ મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. (૧) અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે ને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તોપણ કાયર ન થાય, ને નિત્ય નવી શ્રદ્ધા રાખે ને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડા ઘાટ-સંકલ્પ થાય ને તે હઠાવ્યા હઠે નહિ, તો ભગવાનનો મોટો મહિમા સમજીને, પોતાને પૂર્ણકામ માનીને, તે સંકલ્પને ખોટા કરતો રહે, ને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે; તે ધારતાં ધારતાં દસ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા પચવીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય, તોપણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહિ, કેમ જે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે :
अनेक जन्म संसिद्धस्ततो याति परांगतिम् ।।
તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૫।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમે તથા સંત જેમ કહીએ તેમ કરે, (૧) ને અમારી મૂર્તિ ધારવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા રાખે તે એકાંતિક છે. એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. બીજી બાબતમાં મૂર્તિ ધારવામાં નવી નવી શ્રદ્ધા રાખવાનું કહ્યું તે શા ઉપાયે આવે ?
૧ ઉ. શ્રીજીમહારાજનો મહિમા જાણે તો શ્રદ્ધા વૃદ્ધિ પામે. તે મહિમા એમ જાણવો જે, શ્રીજીમહારાજ જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ તથા મૂળઅક્ષરકોટિથી પર છે, ને સદા સાકાર મૂર્તિ છે ને એ સર્વેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને એ સર્વેમાં અન્વયપણે રહ્યા થકા પણ અતિશે નિર્લેપ, અસંગી ને નિર્વિકાર છે, ને એ સર્વેને અગમ્ય છે. ને મૂળઅક્ષરાદિક કોઈ પણ શ્રીજીમહારાજનો મહિમા જાણી શકતા નથી તથા મૂળઅક્ષરાદિક અનંતકોટિઓનાં સુખ મળીને શ્રીજીમહારાજના એક રોમના કોટિમા ભાગના પાસંગમાં પણ આવતાં નથી. ને મૂળઅક્ષરકોટિથી પર પોતાના ધામમાં પોતાના સાધર્મ્યપણાને પામેલા પરમ એકાંતિકમુક્ત તથા પોતાની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત જે સદાય ભેળા રહ્યા છે તે પણ જેના મહિમાનો તથા સુખનો પાર પામી શકતા નથી; અને એ સર્વે મુક્ત તથા મૂળઅક્ષરાદિક સર્વે અવતાર તે સર્વે જેની આજ્ઞામાં વર્તે છે. આવો અદ્ભુત મહિમા શ્રીજીમહારાજનો જાણે તો શ્રદ્ધા નવી નવી આવે. તે (પ્ર. ૨૭/૧, ૫૧, ૫૬ પ્રશ્ન ૩/૪, ૬૨ પ્રશ્ન ૧, ૬૩ પ્રશ્ન ૩, ૭૮ પ્રશ્ન ૧૬, સા. ૧ પ્રશ્ન ૨, ૧૭, લો. ૧૦ પ્રશ્ન ૬/૮, ૧૩ પ્રશ્ન ૨, ૧૭ પ્રશ્ન ૫/૭, પં. ૧/૧.૨, મ. ૧૩/૧.૨.૩, ૬૭, અ. ૭/૧.૨, છે. ૩૭, ૩૯/૫ ) એ આદિકમાં કહ્યો એવો શ્રીજીમહારાજનો મહિમા જાણે તો ઘાટસંકલ્પ ટળી જાય છે ને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવામાં નિત્ય નવી શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. ।।૧૫।।