વચનામૃત લોયાનું - ૯
સંવત ૧૮૭૭ના માગશર સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૧) વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ ને ધર્મ એ ચારને ઊપજ્યાનો હેતુ શો છે ? પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે વૈરાગ્ય તો એમ ઊપજે જે, જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે, તે કાળનું સ્વરૂપ તે શું તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે, અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંબ પર્યંત સર્વ જીવના આયુષ્યને જાણે ને એમ જાણીને પિંડ-બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે ત્યારે વૈરાગ્ય ઊપજે. અને જ્ઞાન તો એમ થાય જે જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ તથા ભગવદ્ગીતા તથા વાસુદેવમાહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઇત્યાદિક ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઊપજે. અને ધર્મ તો એમ ઊપજે જે, જો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઇત્યાદિક સ્મૃતિનું શ્રવણ કરે તો ધર્મ ઊપજે ને તેમાં નિષ્ઠા આવે, અને ભક્તિ એમ ઊપજે જે, જો ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે તે કેમ જાણે તો ખંડખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનનાં ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વીપાદિક ધામ છે તેને સાંભળે, તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે ભગવાનની લીલા તેને માહાત્મ્યે સહિત સાંભળે તથા રામ-કૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે તો ભગવાનને વિષે ભક્તિ ઊપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ જે સ્મૃતિઓ તેનું શ્રવણ કરે તો ઊપજે. અને જ્યારે ધર્મને વિષે દૃઢતા થાય ત્યારપછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ ત્રણે ઊપજે, એવી રીતે એ ચારને ઊપજ્યાના હેતુ છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૯।। (૧૧૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ ને ધર્મ એ ચારને ઊપજવાના હેતુ બતાવ્યા છે. આમાં શ્રીજીમહારાજે પરોક્ષના દૃષ્ટાંતે કરીને વાત કરી છે, માટે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણના ઉપાસકને વચનામૃત, સત્સંગિજીવન, સત્સંગિભૂષણ, હરિલીલા કલ્પતરુ આદિક પોતાના સાંપ્રદાયિક ગ્રંથોનું શ્રવણ કરવાથી એ ચારે ઊપજે છે માટે પ્રત્યક્ષના ગ્રંથનું શ્રવણ કરવું. (૧) બાબત છે.
૧ પ્ર. શ્રીજીમહારાજે વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ ને ધર્મ તેને ઊપજવાના હેતુ કહ્યા પણ એ ચારેનાં સ્વરૂપ તથા ફળ શાં હશે ?
૧ ઉ. સત્પુરુષના પ્રસંગથી માયિક વિષય તથા ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિનાં સુખ તથા ઐશ્વર્યની અરુચિ થાય ને શ્રીજીમહારાજના સુખને સર્વથી અધિક જાણીને શ્રીજીમહારાજને વિષે હેત થાય તે વૈરાગ્યનું સ્વરૂપ છે, અને શ્રીજીમહારાજના સુખથી ઓરાં જે સમગ્ર સુખ, ઐશ્વર્ય તે પ્રાપ્ત થાય તેને ભોગવવાનો સંકલ્પ ન થાય તે વૈરાગ્યનું ફળ છે. (૧) અને શ્રીજીમહારાજને સર્વત્ર વ્યાપક, કર્તા થકા અકર્તા, સંગી થકા અસંગી, નિર્લેપ ને નિર્વિકારી જાણવા ને પોતાના આત્માને મૂળઅક્ષરાદિક સર્વથી પર શ્રીજીમહારાજના તેજરૂપ જે બ્રહ્મ તે રૂપ માનવું તે જ્ઞાનનું સ્વરૂપ છે, અને શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર કરીને જેમ જળથી મીન જુદું પડતું નથી તેમ મૂર્તિના સુખમાં નિમગ્ન રહેવું તે જ્ઞાનનું ફળ છે. (૨) અને શ્રીજીમહારાજનાં પ્રાકૃત ચરિત્ર તેને દિવ્ય જાણવાં, ને સર્વ પ્રકારે નિર્દોષ જાણવાં ને સર્વ સુખનાં ધામ ને કલ્યાણકારી ગુણે યુક્ત જાણીને અતિશે પ્રીતિએ કરીને આશ્રય કરવો તે ભક્તિનું સ્વરૂપ છે, અને શ્રીજીમહારાજ સદાય અતિશે વશ વર્તે તે ભક્તિનું ફળ છે. (૩) અને સ્થૂળ ને સૂક્ષ્મ દેહે યથાર્થ નિયમ પળે તે ધર્મનું સ્વરૂપ છે, અને બ્રહ્મરૂપ જે પોતાનો આત્મા તેમાં શ્રીજીમહારાજને અખંડ ધારી રહેવું તે ધર્મનું ફળ છે. (૪) ।।૯।।