વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૪
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને તે ફેંટાને એક આંટે કરીને બોકાની વાળી હતી ને તે પાઘ ઉપર ધોળાં પુષ્પનો હાર વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનને વિષે સ્નેહ હોય તેનું શું રૂપ છે ? પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તમને તો સ્નેહની દિશ જ જડી નહિ અને તમે જે પિંડ-બ્રહ્માંડથી નિઃસ્પૃહ રહેવું તેને સ્નેહ કહ્યો એ સ્નેહનું રૂપ નહિ; એ તો વૈરાગ્યનું રૂપ છે, અને સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ ને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિષે સ્નેહ હોય તેને એક ભગવાનના વિના બીજો સંકલ્પ જ ન થાય અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે-અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય તો, જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે, એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિષે પ્રીતિ છે એમ જાણવું, તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો, જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે. (૧)
૨ પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) એવી દૃઢ પ્રીતિ ભગવાનને વિષે થાય તેનું શું સાધન છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિષે દૃઢ પ્રીતિ થાવાનું કારણ છે. (૨)
૩ ત્યારે સોમલોખાચર બોલ્યા જે, (૩) એવો પ્રસંગ તો અતિશે કરીએ છીએ પણ એવી દૃઢ પ્રીતિ કેમ થાતી નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રસંગ તો કરો છો પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો, ને અર્ધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાનને વિષે દૃઢ પ્રીતિ થાતી નથી. (૩)
૪ પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુ તેણે પ્રશ્ન પૂછ્યો જે, (૪) હે મહારાજ ! દેહ ને દેહના સંબંધીને વિષે અહંમમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે પોતાને દેહથી પૃથક્ જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે ને એ જીવાત્માને વિષે દેહ તો કેવી રીતે વળગ્યો છે તો, જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો, ત્યારે તે એમ માને જે, દરજી તે મારો બાપ છે ને દરજણ તે મારી મા છે એમ જે માને તે મૂર્ખ કહેવાય, તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાશી લાખ જાત થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિષે પોતાપણું માને ને તે દેહનાં માબાપને પોતાનાં માબાપ માને તે મૂર્ખ કહેવાય ને તેને પશુ જેવો જાણવો અને ચોરાશી લાખ જાતમાં જે પોતાની મા, બોન, દીકરીઓ ને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી, માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહંમમત્વના ઘાટ કેમ ટળશે ? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે, ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે, ત્યાં સુધી એને વિષે સાધુપણું આવતું નથી, માટે દેહ ને દેહના સંબંધીને વિષે અહંમમત્વનો ત્યાગ કરીને ને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને, સર્વે વાસનાનો ત્યાગ કરીને, સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે ને એવો સાધુ તો હું છું જે, મારે વર્ણાશ્રમનું લેશમાત્ર પણ માન નથી, એવી રીતે શ્રીજીમહારાજ બોલ્યા તે તો ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૪૪।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં અમારી મૂર્તિની અખંડ સ્મૃતિ રહે તે સ્નેહનું રૂપ છે. (૧) બીજામાં સત્પુરુષને પ્રસંગે કરીને અમારે વિષે દૃઢ પ્રીતિ થાય છે. (૨) ત્રીજામાં જગતનો પ્રસંગ કરે તો અમારે વિષે એવી પ્રીતિ થાય નહિ. (૩) ચોથામાં દેહમાંથી ને સંબંધીમાંથી અહંમમત્વ ટાળીને, પોતાના આત્માને અમારા તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તે રૂપ માનીને, વાસના ટાળીને, સ્વધર્મમાં રહીને અમને ભજે ત્યારે સાધુ થવાય એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કર્યું તે બ્રહ્માનંદ સ્વામી તો અનાદિમુક્ત હતા તેમણે સ્નેહનું રૂપ વૈરાગ્યના રૂપમાં કેમ કર્યું હશે ?
૧ ઉ. આ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીને શ્રીજીમહારાજ પાસે કરાવવો હતો ને શ્રીજીમહારાજને સ્વામી પાસે કરાવવો હતો તે શ્રીજીમહારાજે આગ્રહ કરીને સ્વામી પાસે કરાવ્યો, તેથી બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજ પાસે ઉત્તર કરાવવા સારુ યથાર્થ ઉત્તર ન કર્યો. ત્યારે શ્રીજીમહારાજે વિનોદ કર્યો જે, તમને તો દિશ જ જડી નહિ પણ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સર્વે અનાદિમુક્ત હતા ને શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામેલા હતા, એમનું કાંઈ પણ અજાણ્યું નહોતું અને એમણે જે જે પ્રશ્ન પૂછ્યા છે તે બીજા જીવોના સમાસને અર્થે છે.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં સત્પુરુષને પ્રસંગે શ્રીજીમાં દૃઢ પ્રીતિ થાય એમ કહ્યું તે સત્પુરુષ કેવા જાણવા?
૨ ઉ. આ ઠેકાણે શ્રીજીની મૂર્તિમાં નિમગ્ન એવા સિદ્ધમુક્તને સત્પુરુષ કહ્યા છે.
૩ પ્ર. ત્રીજા પ્રશ્નમાં જગતનો પ્રસંગ કહ્યો તે જગત શું જાણવું ?
૩ ઉ. આ ઠેકાણે દેહ ને દેહના સંબંધીને જગત કહ્યું છે.
૪ પ્ર. ચોથા પ્રશ્નમાં સ્વધર્મમાં રહીને શ્રીજીમહારાજને ભજે એમ કહ્યું તે સ્વધર્મ કયો જાણવો ?
૪ ઉ. દેહનો ને આત્માનો જે ધર્મ તે સ્વધર્મ જાણવો, તે દેહના ધર્મ જે સ્થૂળ દેહે નિયમ પાળવા અને સૂક્ષ્મ દેહે આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થવા દેવા નહિ અને આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિ અખંડ ધારી રાખવી તે આત્માનો ધર્મ છે.
૫ પ્ર. શ્રીજીમહારાજ પોતે જ ભગવાન છે તેમણે એવો સાધુ હું છું એમ કેમ કહ્યું હશે ?
૫ ઉ. વર્ણ જે બ્રાહ્મણાદિક અને આશ્રમ જે બ્રહ્મચર્યાદિક તેનું અભિમાન મૂકીને તથા માયિક વિષયની તથા ઐશ્વર્યની વાસનામાત્ર ટાળીને, બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ થઈને, શ્રીજીમહારાજનું અખંડ ચિંતવન કરે તે સાધુને શ્રીજીમહારાજે પોતા તુલ્ય કહ્યો છે, માટે એવો સાધુ હું છું એમ કહ્યું તે જેવા અમે છીએ એવો જ એ સાધુ છે એમ કહ્યું છે. ।।૪૪।।