વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૬

સંવત ૧૮૭૬ના મહા વદિ ૧૨ દ્વાદશીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન કસુંબલ રેંટો ઓઢ્યો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણ ધૂન્ય કરીને મુનિ ઝાંઝ-મૃદંગ લઈને કીર્તન ગાવતાં હતાં.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કીર્તન રાખો ને ઘડીક પ્રશ્ન-ઉત્તર કરીએ. એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો હું પ્રશ્ન પૂછું છું જે, (૧) શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કેઈ રીતે વિશેષ છે ? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તોય પણ પોતાને વિષે દેહાત્મબુદ્ધિ વર્તે છે તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે તે માટે જ્ઞાનીને બરોબર થાતા નથી, તે સારુ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ્ય છે. (૧) અને જેને કોઈ જાતની વાસના ન હોય ને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિષે મોટી ખોટ્ય છે અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિષે દૃઢ ભક્તિનું બળ હોય ને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહિ અથવા તેની આગળ દીન વચન બોલાય નહિ તો એ પણ એને વિષે મોટી ખોટ્ય છે તે ખોટ્યે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે જે પાણી ઘણું થાશે ને જો ઉપરથી રણકતો હોય ને માંહી કાપે ત્યારે અગ્નિ ઝરે તો સલાટ એમ કહે જે, આ કૂવામાં પાણી થાશે તો અર્ધા કોશનું કે પા કોશનું થાશે પણ વધુ નહિ થાય, તેમ જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે, તો એ મોટો તો કહેવાય પણ જેવું અર્ધા કોશનું કે પા કોશનું પાણી થયું એવો મોટો થાય પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે, માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થાવું નહિ તો એ પુરુષના હૃદયને વિષે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી નરનારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. (૨)

       પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે તે માનને કિયા ઉપાયે કરીને ટાળવું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા-ચાકરી કરે ને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય અને અતિશે પ્રેમલક્ષણા ભક્તિ હોય ને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ્ય છે, અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મબુદ્ધિને જ દૃઢ કરાવે, માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહિ, એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે અને અંતર્દૃષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે, અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે, માટે ભગવાનના ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદે થાવા દેવું નહિ અને જો માન સહિત જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ હોય તો, જેમ સોનું હોય ને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પનરવલું કહેવાય ને તેથી વધતો ભેગ ભળે તો બારવલું કહેવાય ને તેથી વધતો ભેગ ભળે તો આઠવલું કહેવાય, તેમ એ ભક્તને જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તેમ એ ત્રણે ઓછાં થાતાં જાય છે, માટે માન રહિત જે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તે તો સોળવલ્લા સોના જેવા છે. અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે પણ એના અંતરમાં ઝાઝું બળ હોય નહિ, ત્યાં દૃષ્ટાંત છે : જેમ પચાસ કોટિ યોજન પૃથ્વી તે સમુદ્ર, પર્વત ને સર્વ ભૂત-પ્રાણીમાત્ર તેનો આધાર છે, માટે ઘણી બળવાન જણાય છે, ને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે, જે જળને વિષે પૃથ્વી છાણાની પેઠે તરે છે. અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે. અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે અને આકાશનું તો કાંઈ બળ જણાતું નથી પણ આકાશ સર્વેથી બળવાન છે કાં જે એ ચારેનો આકાશ આધારરૂપ છે, તેમ માન રહિત જે એ ભક્તનાં જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે આકાશ સરખાં બળવાન છે, માટે ઉપરથી તો જણાય નહિ પણ નિર્માની ભક્ત તે સૌથી શ્રેષ્ઠ છે. ને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ઘાટ-સંકલ્પ હોય નહિ તેમ જ સાધુને તો ગમે તેટલી પૂજા-પ્રતિષ્ઠા થાતી હોય પણ બાળકની પેઠે માન રહિત વર્તવું. (૩)

       પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) ઇન્દ્રિયો, અંતઃકરણ ને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ શરીર એ સર્વે થકી જીવનું સ્વરૂપ ન્યારું છે, એવું સત્સંગમાંથી સાંભળીને દૃઢ નિશ્ચય કર્યો છે, તોય પણ ઇન્દ્રિયો-અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે, ઇત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે તથા પરમપદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થાતી નથી, માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, હું આત્મા-અનાત્માની વિગતિ કરી લેઉં એમ વિગતિ થાતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઇષ્ટદેવ જે પરમેશ્વર તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે પણ ઇષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થાતાં નથી ને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયાં છે અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની એ મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે ને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વેને પ્રકાશના દાતા છે ને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા-લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે ને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે ને જેટલી એ ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભક્તના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ગમે તેવો પાપી હોય ને અંત સમે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને, બ્રહ્મમહોલને વિષે નિવાસ કરે એવો ભગવાનનો પ્રતાપ મોટો છે માટે ભગવાનનું બળ રાખવું. જેમ ધ્રુવજી હતા તેણે યક્ષ સાથે લડાઈ કરી ત્યારે ધ્રુવ પાસે નરનારાયણનું આપેલું નારાયણ અસ્ત્ર હતું તે એક લાખ ને ત્રીસ હજાર ને ઉનમાને નારાયણ અસ્ત્રે કરીને યક્ષ માર્યા તે યક્ષ સર્વે મહાકામી ને અતિ પાપી હતા, તોય પણ નારાયણ અસ્ત્રને પ્રતાપે કરીને ઊર્ધ્વરેતા જે મુનિ તે જે લોકને પામે છે તે લોકને પામ્યા, માટે નરનારાયણના અસ્ત્રમાં એટલો પ્રતાપ છે, તો જેને પ્રગટ નરનારાયણ મળ્યા હોય તેનું નામસ્મરણ કરતા હોય, ને ધ્યાન કરતા હોય અને જે સત્સંગના નિયમ હોય તેને સર્વેને શિરસાટે પાળતા હોય તેના કલ્યાણમાં શું સંશય છે ? એમ માહાત્મ્ય સમજે તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું. (૪) ઇતિ વચનામૃતમ્‌ ।।૫૬।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે ત્રણ પ્રકારના ભક્તથી જ્ઞાનીને અધિક કહ્યો છે. (૧) અને જ્ઞાન, ભક્તિ આદિક ગુણનું માન આવે તેમાં મોટા ગુણ નથી આવતા અને એ ગુણનું માન રાખે નહિ તેના હૃદયમાં અમે નિવાસ કરીને રહીએ છીએ. (૨) બીજામાં ભક્તનું માહાત્મ્ય જાણીને સેવા કરે ને વિચારનું બળ રાખે તો એ રૂડા ગુણનું માન ટળી જાય છે. (૩) ત્રીજામાં અમે સર્વે ધામોના પતિ છીએ ને ભક્તના સુખને અર્થે મનુષ્ય જેવા દેખાઈએ છીએ, પણ અમે ધામને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત છીએ ને આંહીં તો દીવો કરે ત્યારે અમારું દર્શન થાય છે પણ એ સર્વેને પ્રકાશના દાતા છીએ અને મહાપ્રલય થાય છે ત્યારે પણ અમે એક જ ભગવાન રહીએ છીએ. અને પ્રકૃતિપુરુષ દ્વારા એ અનંતકોટિ બ્રહ્માંડને અમે જ ઉપજાવીએ છીએ અને ગમે તેવો પાપી જીવ હોય તે અંતસમે અમારું સ્વામિનારાયણ એવું નામ-ઉચ્ચારણ કરે તો અમારા ધામને વિષે નિવાસ કરે એવો અમારો પ્રતાપ છે, એવો અમારો મહિમા જાણે તો શુદ્ધ આત્મારૂપ એટલે અમારા તેજરૂપ થઈને પરમપદ એટલે અમારા સાધર્મ્યપણાને પામે છે એમ કહ્યું છે. (૪) બાબતો છે.

૧      પ્ર. પહેલા પ્રશ્નમાં આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાની એ ચાર પ્રકારના ભક્ત કહ્યા તેમનાં લક્ષણ શાં હશે ?

૧      ઉ. શ્રીજીમહારાજ વિના બીજા કોઈ પાસેથી દુઃખની નિવૃત્તિ ઇચ્છે નહિ તે આર્ત જાણવો. અને સ્ત્રી, ધન ને રાજ્યાદિકની ઇચ્છા હોય તે શ્રીજીમહારાજ વિના બીજા કોઈ દેવ પાસેથી ન ઇચ્છે તે અર્થાર્થી જાણવો. અને શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિકની ઇચ્છા રાખે તેને જિજ્ઞાસુ જાણવો. તે જિજ્ઞાસુનું લક્ષણ (છે. પના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) કહ્યું છે અને પોતે અક્ષરધામરૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાઈ રહે અને મૂર્તિ વિના બીજું કાંઈ પણ ઇચ્છે નહિ તેને જ્ઞાની ને નિષ્કામ જાણવો.

૨      પ્ર. શ્રીજી પાસેથી ઇચ્છે તેને સકામ કહ્યા, તો બીજા દેવ પાસેથી ઇચ્છે તેને કેવા જાણવા ?

૨      ઉ. શ્રીજીમહારાજ વિના બીજા કોઈ દેવ પાસેથી કાંઈ પણ ઇચ્છે તો તે સકામ ભક્ત પણ ન કહેવાય; તે તો ગુણબુદ્ધિવાળો પ્રાકૃત ને અજ્ઞાની ભક્ત કહેવાય અને એની ભક્તિ (મ. ૧૯/૨માં તથા છે. ૧૬માં ) વેશ્યાના જેવી કહી છે.

૩      પ્ર. (૧/૨ પહેલા પ્રશ્નમાં) તીવ્ર વૈરાગ્ય, આત્મજ્ઞાન, ને ભક્તિનું માન આવે તેમાં મોટા ગુણ નથી આવતા એમ કહ્યું તે એવા રૂડા ગુણનું માન આવ્યાનું શું કારણ હશે ?

૩      ઉ. જેને શ્રીજીમહારાજનો મહિમા યથાર્થ ન સમજાણો હોય ને એમના ભક્તને વિષે દિવ્યભાવ ન આવ્યો હોય પણ પોતાને માયિક પદાર્થમાંથી વૈરાગ્ય થયો હોય તેને બીજા ભક્તને વિષે વૈરાગ્યમાં ખામી દેખીને માન આવે જે હું વૈરાગ્યવાન છું એવા બીજા નથી અને પોતાને આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું હોય પણ આત્માને વિષે સ્થિતિ ન થઈ હોય તેને બીજાને વિષે જ્ઞાન દેખવામાં ન આવે તેથી એમ જાણે જે, મારા જેવું જ્ઞાન બીજામાં નથી અને જે અતિશે માળા, માનસીપૂજા, ભજનસ્મરણ કરતો હોય તે આ ઠેકાણે ભક્તિ કહી છે તે ભક્તિ બીજાને વિષે ન દેખે તો એમ જાણે જે, મારા જેવી ભક્તિ બીજા કરતા નથી; હું સર્વથી ઝાઝી ભક્તિ કરું છું, એવી રીતે માન આવે, તે જો અતિશે મોટા સત્પુરુષની સેવા ને સમાગમે કરીને શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા સમજે તો માન ટળી જાય ને એને વિષે શ્રીજીમહારાજ પ્રસન્ન થઈને સાક્ષાત્ વિરાજમાન રહે એવા મોટા ગુણ આવે છે.

૪      પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં, અતિશે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને અમે એને વશ વર્તતા હોઈએ તેનું માન આવે તે મોટી ખોટ્ય છે એમ કહ્યું તે ભક્તિ કઈ જાણવી ? અને શ્રીજીમહારાજ એને વશ કેવી રીતે વર્તતા હશે ? અને અંતર્દૃષ્ટિવાળાને માન કેવી રીતે આવતું હશે?

૪      ઉ. જે ભક્ત પ્રેમમગ્ન થઈને રોમાંચિત ગાત્ર ને ગદ્‌ગદ કંઠ થઈને, શ્રીજીમહારાજની માનસીપૂજા, ધ્યાન-ભજન કરે તેવી ભક્તિને આ ઠેકાણે પ્રેમલક્ષણા કહી છે અને એવા ભક્તના અંતરને વિષે શ્રીજીમહારાજ સર્વ ક્રિયામાં દર્શન આપતા હોય તે વશ વર્તે છે એમ જાણવું, પણ એને પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર નથી થયો તેથી સત્સંગ દિવ્ય જણાણો નથી, તેથી બીજાથી પોતાને સરસ માને છે તે માનરૂપ ખોટ્ય છે, અને સાક્ષાત્કારવાળાને તો માનનો સંભવ જ નથી અને અંતર્દૃષ્ટિવાળાને માન આવે છે એમ કહ્યું છે તે પણ ધ્યાને કરીને અંતરને વિષે મૂર્તિ દેખે છે પણ જીવાત્માને વિષે શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર નથી, માટે બીજા ધ્યાન ન કરતા હોય તેનાથી પોતાને સરસ માને, માટે એને લગારેક માન આવે છે એને પણ આત્માને વિષે સાક્ષાત્કાર થાય તો માન ન આવે.

૫      પ્ર. (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) અમારી ઉપાસનાને બળે કરીને સિદ્ધ, સર્વજ્ઞ ને દેવતા થાય છે તથા પરમપદને પામે છે તે કેવા થાય તે સિદ્ધ, સર્વજ્ઞ ને દેવતા કહેવાય, ને પરમપદને પામ્યા કહેવાય ?

૫      ઉ. પ્રકૃતિપુરુષના કાર્યમાં તથા બ્રહ્મકોટિ તથા મૂળઅક્ષરકોટિના ઐશ્વર્યમાં ક્યાંય મોહ પામે નહિ ને માયિક વિષય તથા અક્ષરાદિકનાં ઐશ્વર્ય તેને વિષે સમભાવ થઈ જાય તેને આ ઠેકાણે સિદ્ધ કહ્યા છે. અને એક ઠેકાણે રહ્યા થકા સર્વત્ર દેખે ને સર્વના અંતરને વિષે પ્રવેશ કરે અને સર્વના અંતરનું જાણે તેને સર્વજ્ઞ કહ્યા છે, અને મૂળઅક્ષરની પદવીને પામે તેને દેવતા કહ્યા છે, અને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહે તે પરમપદ કહ્યું છે.

૬      પ્ર. (૩/૪ પ્રશ્નમાં) જેટલી ઇષ્ટદેવને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું તેનો શો હેતુ હશે ?

૬      ઉ. (પ્ર. ૬૪/૧માં) શરીર-શરીરી ભેદ કહ્યો છે તેવી રીતે આ ઠેકાણે આત્મા-અનાત્મા એટલે શરીર-શરીરીભાવનો વિવેક સમજવાનું કહ્યું છે તે જે રામચંદ્રજીના ઉપાસક હોય તે રામચંદ્રજીને પરમાત્મા સમજે અને તેમનો પ્રકાશ તે આત્મા સમજાય અને પોતાને પણ એ તેજરૂપ સમજે, માટે તેમની ઉપાસનાને બળે એટલી જ આત્મનિષ્ઠા સિદ્ધ થાય અને તેમના તેજથી ને પોતાથી જે ઓરું રહ્યું તે સર્વ અનાત્મા સમજાય. અને તેમ જ મૂળપુરુષના ઉપાસક મૂળપુરુષને પરમાત્મા સમજે અને તેમના તેજને આત્મા સમજાય અને પોતાને એમના તેજરૂપ માને એટલી આત્મનિષ્ઠા પ્રાપ્ત થાય અને તેથી ઓરા જે પ્રધાનપુરુષાદિક તે સર્વ અનાત્મા સમજાય અને વાસુદેવબ્રહ્મની ઉપાસના મળી હોય તે તેમને પરમાત્મા સમજે અને તેમના તેજને આત્મા સમજીને તે રૂપ પોતાને માને એટલી આત્મનિષ્ઠા પ્રાપ્ત થાય અને તે બ્રહ્મથી ઓરા મૂળપુરુષાદિક સર્વને અનાત્મા સમજે. અને મૂળઅક્ષરના ઉપાસક મૂળઅક્ષરને પરમાત્મા સમજે અને તેના તેજને આત્મા સમજે ને તે આત્મારૂપ પોતાને સમજે અને વાસુદેવાદિક સર્વ અનાત્મા સમજાય. અને શ્રીજીમહારાજનો ઉપાસક શ્રીજીમહારાજની ઉપાસનાને બળે શ્રીજીમહારાજના તેજને આત્મા સમજે અને પોતાને એ આત્મારૂપ માને ત્યારે સંપૂર્ણ આત્મનિષ્ઠાની સિદ્ધિ થાય અને તેથી ઓરા મૂળઅક્ષરાદિક સર્વ અનાત્મા સમજાય, એવી રીતે જે જે ઇષ્ટદેવની ઉપાસના થાય તે તે ઇષ્ટદેવના તેજરૂપ પોતાને સમજે એટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય એમ સમજવું.

૭      પ્ર. (કા. ૭ના ૪/૫ ચોથા પ્રશ્નમાં, મ. ૧/૩માં, ૨૦/૧માં, વ. ૧૩ના બીજા પ્રશ્નમાં તથા અ. ૧ના પહેલા પ્રશ્નમાં) એમાં સિદ્ધદશા કહી તે કેવી જાણવી ?

૭      ઉ. (મ. ૧માં) સિદ્ધદશા કહી તે આમાં સિદ્ધ કહ્યા તેવી જાણવી અને (કા. ૭માં તથા અ. ૧માં તથા મ. ૨૦માં) કહી તે સરખી છે અને (વ. ૧૩માં) સિદ્ધદશા કહી તે આમાં સર્વજ્ઞ કહ્યા તેના જેવી જાણવી. આમાં પરમપદ સર્વથી અધિક છે.

૮      પ્ર. પ્રેમલક્ષણા ભક્તિ આવે તો સર્વે સાધન સંપૂર્ણ થાય એમ કહ્યું તે કેવી જાણવી ?

૮      ઉ. જગત સંબંધી સર્વે વિષય હરામ કરીને પાંચે પ્રકારે શ્રીજીમહારાજ સાથે જોડાણા હોય ને શ્રીજીમહારાજ વિના ક્ષણમાત્ર રહેવાય નહિ એવી પ્રેમલક્ષણા ભક્તિ આ ઠેકાણે કહી છે.

૯      પ્ર. સર્વ બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે પ્રગટ ભગવાન જે અમે તે અમે એક જ રહીએ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું તે પ્રલય તો મૂળપુરુષના કાર્યનો થાય છે એમ (પ્ર. ૧૨ના બીજા પ્રશ્નમાં) કહ્યું છે અને મૂળપુરુષ ઈશ્વર તે વાસુદેવબ્રહ્મ ને સમીપે જઈને રહે છે એમ તમે એ જ વચનામૃતના (૩ત્રીજા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે. તેમ જોતાં તો ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ તથા મુક્તકોટિ એ સર્વે અચળ રહે છે, ને અમે એકલા જ રહીએ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું તે કેવી રીતે સમજવું ?

૯      ઉ. અમે એક જ ભગવાન રહીએ છીએ એમ કહ્યું તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ સર્વે કાળે ભગવાન તો અમે એક જ છીએ પણ અમે જેની જેની પાસે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરાવીએ છીએ તે કોઈ ભગવાન નથી; ભગવાન તો અમે એક જ છીએ એમ કહ્યું છે, પણ અમારા વિના બીજું કાંઈ રહેતું નથી એમ કહ્યું હોય તો (પ્ર. ૩૭/૩ માં) પ્રલયકાળે અમે તથા અમારા મુક્ત સદા સાકાર રહીએ છીએ એમ કહ્યું છે અને આ ઠેકાણે મુક્તને પણ ગણ્યા નથી, માટે જો અમારા વિના બીજું કોઈ રહેતું નથી એમ કહ્યું હોય તો તો આ વચનામૃતમાં પોતાના મુક્તોને પોતાના ભેળા ગણવા જોઈએ, માટે અમે એક જ રહીએ છીએ એમ આ ઠેકાણે કહેવું નથી; આ ઠેકાણે તો પોતાનું ભગવાનપણું કહેવું છે જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયકાળે અમે એક જ ભગવાન છીએ પણ અમારા વિના બીજો કોઈ ભગવાન નથી એમ પોતાનું ભગવાનપણું તથા કર્તાપણું કહ્યું છે, અને મુક્તકોટિ, અક્ષરકોટિ, બ્રહ્મકોટિ તથા મૂળપુરુષ ઈશ્વરકોટિ તે તો સદા અચળ રહે છે.

૧૦    પ્ર. પાપી જીવ અંતકાળે સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરે એટલામાં જ શ્રીજીમહારાજનો બ્રહ્મમહોલ જે અક્ષરધામ તેને પામે ત્યારે આજ્ઞા પાળે તેને શો વિશેષ છે ?

૧૦    ઉ. પાપી જીવને અંતકાળે શ્રીજીમહારાજનું નામ-ઉચ્ચારણ કરવાનું સૂઝે જ નહિ, પણ શ્રીજીમહારાજે ઉચ્છવ- સમૈયા કર્યા હોય તે તેના દેખ્યામાં આવેલા હોય તે એના અંત વખતે સાંભરી આવે કે તે વખતે સંત કે સત્સંગી આવી ચડ્યા હોય ને તેમણે ઉપદેશ કરીને શ્રીજીમહારાજનું નામ એના મુખ થકી ઉચ્ચારણ કરાવ્યું હોય તે જ વખતે તેનો દેહ પડે તો શ્રીજીમહારાજ પોતાના ધામમાં એ જીવને લઈ જાય, પણ એવો યોગ ક્વચિત્‌ બને પણ સર્વને એવો યોગ ન આવે, કેમ જે પાપી જીવ તો એમ જાણે જે હું પાપી છું તે મારું કલ્યાણ નહિ જ થાય એમ એની મતિમાં રહ્યું છે માટે તેનું કલ્યાણ ન થાય અને ભક્તની મતિમાં તો મારું કલ્યાણ થઈ જ રહ્યું છે એમ હોય માટે તેનું કલ્યાણ થાય, માટે કલ્યાણ તો શ્રીજીમહારાજના આશ્રયે કરીને જ થાય છે અને પ્રસન્નતા પણ શ્રીજીમહારાજની આજ્ઞા પાળવાથી જ થાય છે, માટે જે કોઈ સ્વામિનારાયણના નામ-ઉચ્ચારણથી પાપ બળી જાય એમ જાણીને આજ્ઞા લોપે તે તો મહાઅધમ, નાસ્તિક અને ચંડાળ છે ને એનું કલ્યાણ થાતું નથી ને એના સંગ કરનારનું પણ કલ્યાણ થાતું નથી.

૧૧    પ્ર. નરનારાયણના આપેલા અસ્ત્રે કરીને ધ્રુવજીએ યક્ષ માર્યા એમ કહ્યું તે નરનારાયણ કિયા જાણવા ? અને પ્રગટ નરનારાયણ કહ્યા તે કિયા જાણવા ?

૧૧    ઉ. ધ્રુવજીને મળ્યા તે નરનારાયણ જે બદરિકાશ્રમને વિષે દર્શન આપે છે તેમને કહ્યા છે અને પ્રગટ નરનારાયણ પોતાને કહ્યા છે.

૧૨    પ્ર. ધ્રુવ, નરનારાયણ, અસ્ત્ર તથા યક્ષના દૃષ્ટાંતનો સિદ્ધાંત શો હશે ?

૧૨    ઉ. ધ્રુવજીને ઠેકાણે ભક્ત જાણવા અને નરનારાયણને ઠેકાણે શ્રીજીમહારાજને જાણવા અને અસ્ત્રને ઠેકાણે શ્રીજીમહારાજનું જ્ઞાન જાણવું અને યક્ષને ઠેકાણે કામ-ક્રોધાદિક અંતઃશત્રુ જાણવા. તે શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય તો અંતઃશત્રુનો નાશ કરે એમ જાણવું. ।।૫૬।।