વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૮

સંવત ૧૮૭૬ના ફાગણ સુદિ ૫ પંચમીને દિવસ સંધ્યા આરતીને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા ને સર્વે ધોળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! જ્યારે ભજન-સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ-તમોગુણના વેગ આવે ત્યારે ભજન-સ્મરણનું સુખ આવતું નથી તે એ ગુણના વેગ કેમ ટળે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા-અનાત્માના વિચારે કરીને ટળી જાય છે ને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે ને જે રજોગુણ-તમોગુણના વેગ એ બેયે કરીને પણ ન ટળે તે તો કોઈ પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે. (૧)

       પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, અતિશે જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે ને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય ને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય ને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. (૨)

       પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) શો ઉપાય કરે તો મોટાપુરુષ રાજી થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા એ સર્વેનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહે કરીને સર્વને નમતો રહે તો એને ઉપર મોટા સંત રાજી થાય છે. (૩)

       પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) હે મહારાજ ! સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય ને અતિશે જે મોટા હોય તેને જો અતિશે નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય અને જો મોટાપુરુષને વિષે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશે કામી થાય અને મોટાને વિષે ક્રોધી-લોભીપણું પરઠે તો પોતે ક્રોધી-લોભી થાય ને જો મોટાપુરુષને અતિશે નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વે વિકારથી રહિત થઈ જાય ને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે, તેમ જેને સહેજે અભાવ રહે છે ને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. (૪) તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે ને એમ જાણે જે, એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું, એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે ને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે ને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. (૫) ઇતિ વચનામૃતમ્‌ ।।૫૮।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર એ ત્રણ ગુણની પ્રવૃત્તિના હેતુ કહ્યા છે અને દેહને યોગે પ્રવર્ત્યા હોય તે ગુણ આત્મવિચારે કરીને ટળે છે અને કુસંગને યોગે પ્રવર્ત્યા હોય તે ગુણ સંતને સંગે કરીને ટળે છે. (૧) બીજામાં મોટાપુરુષના રાજીપાથી મલિન સંસ્કાર ટળે છે. (૨) ત્રીજામાં મોટાપુરુષની આગળ નિષ્કપટપણે વર્તે ને કામાદિક શત્રુનો ત્યાગ કરે ને તેનો ગુલામ થઈને રહે ને માન ટળે ભાવે, એટલે માન હોય તો ખરું પણ ઉપરથી દેખાવા દે નહિ એ રીતે રહે તો મોટાપુરુષ રાજી થાય. (૩) ચોથામાં મોટાપુરુષને નિર્દોષ જાણે તો સર્વે વિકારથી રહિત થઈને અમારો પાકો ભક્ત થાય. (૪) ને અમારા દાસનો ગુલામ થઈને રહે ને સર્વે ભક્તથી પોતાને ન્યૂન માને એ પાકા ભક્તનું લક્ષણ છે અને તેના શુભ ગુણ વૃદ્ધિ પામે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૫) બાબતો છે.

૧      પ્ર. બીજા પ્રશ્નમાં સંત, મોટા સંત ને અતિશે મોટા સંત કહ્યા તે કોને જાણવા ?

૧      ઉ. (વ. ૩ના ત્રીજા પ્રશ્નમાં) વીજળી જેવા કહ્યા છે તે સંત જાણવા અને સિદ્ધદશાવાળા મુક્તોને મોટા તથા અતિશે મોટા સંત જાણવા.

૨      પ્ર. રાંક તથા રાજા કહ્યા તે કોને જાણવા ?

૨      ઉ. કાળ-કર્મ-માયાને આધીન હોય તેને રાંક જાણવા અને કાળ-કર્મ-માયાથી રહિત થઈને સ્વતંત્ર થાય તેને રાજા જાણવા.

૩      પ્ર. ભૂંડા તથા રૂડાં પ્રારબ્ધ કહ્યાં તે કિયાં જાણવાં ?

૩      ઉ. પૂર્વે અતિશે ભૂંડા દેશ, કાળ, સંગાદિકે કરીને અતિશે મલિન કર્મ થઈ ગયાં હોય તે કર્મને ભૂંડાં પ્રારબ્ધ જાણવાં. અને સર્વે કર્મથી ને વાસનાથી રહિત થવાય ને મોટાપુરુષ રાજી થાય એવી ક્રિયા કરી હોય તે રૂડાં પ્રારબ્ધ જાણવાં.

૪      પ્ર. વિઘ્ન તે શું જાણવું ? અને સ્વરૂપ તે શું જાણવું ?

૪      ઉ. કલ્યાણના માર્ગથી પાડે એવા ક્રોધ-માનાદિક દોષ હોય તથા જેમ ભરતજીને મૃગલા સાથે હેત થયું એવો સંગ થઈ જાય તથા કોઈક સત્સંગથી વિમુખ થનારો હોય તેની સાથે હેત થઈ જાય તો તેના ભેળા વિમુખ થઈને સત્સંગથી બહાર જવું પડે એવું હોય તથા જે પંચવર્તમાન પાળતા ન હોય તેને મુક્ત જાણીને તેની સાથે હેત થઈ જાય તથા કોઈ મોટાપુરુષનો દ્રોહ થાય એવી ક્રિયા થઈ જાય, એવાં ઘણાંક વિઘ્ન છે તે મોટાપુરુષ સાથે જીવ જોડ્યો હોય તો એ વિઘ્ન આવવા દે નહીં. અને સ્વરૂપ તે શ્રીજીમહારાજની મૂર્તિ જાણવી પણ સ્વરૂપ તથા મૂર્તિ જુદી ન જાણવી, જેમ લીંબડાનો વૃક્ષ કહીએ તે લીંબડો ને વૃક્ષ જુદાં નથી, તેમ ભગવાનનું સ્વરૂપ કહીએ અથવા ભગવાનની મૂર્તિ કહીએ અથવા ભગવાનનું અંગ કહીએ તે ભગવાનની મૂર્તિ કે સ્વરૂપ કે અંગ તે જુદાં ન સમજવાં; મૂર્તિ કહે તોય ભગવાન સમજવા અને સ્વરૂપ કહે તોય ભગવાન સમજવા અને ભગવાનનું અંગ કહે તોય ભગવાન સમજવા.

૫      પ્ર. ત્રીજા પ્રશ્નમાં કામ-માનાદિક સર્વે વિકારનો ત્યાગ કરે તો જ મોટાપુરુષ રાજી થાય એમ કહ્યું અને ઉપર બીજા પ્રશ્નમાં મોટાપુરુષનો રાજીપો થાય તો જ મલિન સંસ્કાર નાશ પામે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?

૫      ઉ. સ્થૂળ દેહે કરીને કામાદિક વિકારને વિષે પ્રવર્તે નહિ તે ત્યાગ કહ્યો છે, માટે સ્થૂળ દેહે કામાદિક વિકારનું કહ્યું ન કરે તેના ઉપર મોટાપુરુષ રાજી થાય અને મોટાપુરુષનો રાજીપો થાય ત્યારે એના જીવમાંથી કામાદિક સર્વે વિકારમાત્રનો નાશ થઈ જાય. ।।૫૮।।