વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૦

સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૧ પ્રતિપદાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને તે પાઘને વિષે ધોળાં પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોળાં પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વિક્તિ છે જે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેને વિષે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો જે, મારે જેટલી ભગવાનને વિષે વાસના છે, તેટલી જ જગતને વિષે છે કે ઓછી-વધુ છે ? તેની પરીક્ષા કરવી ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જે, ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે. એવી જ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો, અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચવિષયને વિષે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખાં લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે, તેમ જ સારું રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ, યૌવન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે, તેમ જ સારા ને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય, ત્યારે જાણીએ જે વાસના જિતાણી, અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે, અને વાસના જરાકે રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી-પ્રાણ તણાતાં હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે, માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે. (૧)

       પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) વાસના ટળ્યાનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો આત્મનિષ્ઠાની દૃઢતા જોઈએ અને બીજું પંચવિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશે માહાત્મ્ય જાણ્યું જોઈએ જે, ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ સર્વે ધામના પતિ છે, માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું ? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે જે, ભગવાનને ભજતાં થકાં પણ જો કાંઈક ખોટ્ય રહી જાશે ને કદાપિ જો ભગવાનના ધામમાં નહિ જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિષે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતાં તો ત્યાં કોટિ ગણાં વધુ સુખ છે, એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થાવું. અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્યાર પછી એમ જણાય છે જે, મારે કોઈ કાળે વાસના હતી જ નહિ અને એ તો મુંને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું પણ હું તો સદા વાસનાએ રહિત છું એવું ભાસે છે. (૨) અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી વાત કહેવા જાય તો કહેતાં પણ આવડે નહિ, માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૬૦।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે વાસના ટાળે તેને એકાંતિક ભક્ત કહ્યો છે. (૧) બીજામાં આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને માહાત્મ્ય એ ત્રણ વાસના ટાળવાના ઉપાય કહ્યા છે. (૨) અને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિક ધર્મ પમાય છે એમ કહ્યું છે. (૩) બાબતો છે.

૧      પ્ર. પહેલા પ્રશ્નમાં વાસના ટાળવી તે સર્વેથી મોટું સાધન કહ્યું તે વાસનાનું શું રૂપ હશે ?

૧      ઉ. આમાં માયિક વિષયમાં પ્રીતિ રહે તેને વાસના કહી છે તે વાસનાને (પ્ર. ૧૧ના પહેલા પ્રશ્નમાં, ૩૮ના પહેલા પ્રશ્નમાં, ૭૮ના તેવીશમા પ્રશ્નમાં, લો. ૧૬ના બીજા પ્રશ્નમાં, મ. ૨૫ના પહેલા પ્રશ્નમાં, તથા ૪૭/૨માં) માયિક પંચવિષયમાં આસક્તિરૂપ વાસના કહી છે. અને (પ્ર. ૫૮ના ચોથા પ્રશ્નમાં, કા. ૧૨ના ત્રીજા પ્રશ્નમાં તથા મ. ૭ના બીજા પ્રશ્નમાં) વિકાર નામે કહી છે, અને (છે. ૧૮ના બીજા પ્રશ્નમાં) પૂર્વકર્મરૂપ વાસના કહી છે, તથા (૨૦ના પહેલા પ્રશ્નમાં) પૂર્વકર્મ ને સ્વભાવ-પ્રકૃતિ ને વાસના એ ત્રણ નામે કહેલ છે. અને (છે. ૧૪ના પહેલા પ્રશ્નમાં તથા ૩૮ના બીજા પ્રશ્નમાં) સ્ત્રીના રાગ સંબંધી કામરૂપી વાસના કહી છે અને (પ્ર. ૭૩ના ત્રીજા પ્રશ્નમાં) બ્રહ્મચર્યમાં કસરરૂપી વાસના કહી છે.

૨      પ્ર. એ વાસના ટાળવાનો ઉપાય શો હશે ?

૨      ઉ.  (પ્ર. ૩૮ના પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજનાં ચરિત્ર સંભારવાં, ને મુક્તોનો સમાગમ કરવો, એ બે ઉપાય બતાવ્યા છે અને (૫૮ના ચોથા પ્રશ્નમાં) મોટાપુરુષના એટલે મુક્તના સમાગમથી ને તેમના રાજીપાથી ટળે છે એમ કહ્યું છે અને (૭૩ના ૫/૮ પાંચમા પ્રશ્નમાં) આત્મનિષ્ઠા અને શ્રીજીમહારાજની મૂર્તિનું યથાર્થ જ્ઞાન, વૈરાગ્ય ને શ્રીજીમહારાજને ને મુક્તને નિર્લેપ જાણીને તેમને મન અર્પે તો ઊર્ધ્વરેતા થવાય અને સર્વ વિકારમાત્ર ટળી જાય એ ઉપાય બતાવ્યો છે અને (સા. ૫ના પહેલા પ્રશ્નમાં) શ્રદ્ધા તથા શ્રીજીમહારાજના ને એમના ભક્તના એટલે મુક્તના વચનમાં વિશ્વાસ તથા શ્રીજીમહારાજમાં પ્રીતિ તથા માહાત્મ્ય એ ચાર સાધને કરીને વાસના નિવૃત્તિ થઈ જાય એમ કહ્યું છે; અને (કા. ૧૨ના ત્રીજા પ્રશ્નમાં) વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત શ્રીજીમહારાજની વાત સાંભળવી એ ઉપાય બતાવ્યો છે. અને (લો. ૧૬ના બીજા પ્રશ્નમાં) આત્મનિષ્ઠા, વૈરાગ્ય, બ્રહ્મચર્યાદિક ધર્મ ને માહાત્મ્યે સહિત ભક્તિ એ ચાર ઉપાય બતાવ્યા છે અને (મ. ૭ના બીજા પ્રશ્નમાં) અતિશે મોટા સંતની સેવા કરવી તે ઉપાય બતાવ્યો છે. અને (૨૫ના બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજની ને એમના સંતની સેવા એ ઉપાય બતાવ્યો છે. અને (૪૭/૨માં) સંતના સમાગમરૂપ ઉપાય બતાવ્યો છે અને (છે. ૧૪ના ૨/૩ બીજા પ્રશ્નમાં) પવિત્ર દેશ, કાળ, ક્રિયા ને સંગ એ ચાર ઉપાય બતાવ્યા છે. અને (૧૮ના ત્રીજા પ્રશ્નમાં) સત્પુરુષના સંગરૂપી ઉપાય બતાવ્યો છે આમાં સંતનો એટલે મુક્તનો સમાગમ મન-કર્મ-વચને નિષ્કપટપણે કરવો તે સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે.

૩      પ્ર. બીજા પ્રશ્નમાં આત્મનિષ્ઠા કહી તે કેવી જાણવી ?

૩      ઉ. ત્રણ દેહથી નોખો પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવો એ આત્મનિષ્ઠા આ ઠેકાણે કહી છે.

૪      પ્ર. પંચવિષયનું તુચ્છપણું જાણ્યાનો શો ઉપાય હશે ?

૪      ઉ. (પ્ર. ૧૫ના પહેલા પ્રશ્નમાં) મહિમા કહ્યો છે એવો શ્રીજીમહારાજનો મહિમા જાણે ત્યારે શ્રીજીમહારાજનું સુખ સર્વથી અધિક જણાય ત્યારે માયિક વિષય તુચ્છ થઈ જાય છે. ।।૬૦।।