વચનામૃત લોયાનું - ૩
સંવત ૧૮૭૭ના કાર્તિક વદિ ૧૩ તેરશને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાન તથા સંત તેનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક-લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી : ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધરમપુરવાળા કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટાં રામબાઈ તથા દાદોખાચર તથા માંચોભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશનો આહીર પટેલ સામત તથા ગામ માનકૂવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ કહ્યું જે જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહિ ને જેમ કહે તેમ કરે તે ઉપર પોતાની વાત કરી જે, અમારો સ્વભાવ કેવો હતો તો ગોદોહન માત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહિ એવા ત્યાગી હતા ને વૈરાગ્ય અતિશે હતો, ને શ્રી રામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તોપણ સ્વામીએ ભુજનગરથી કહાવી મોકલ્યું જે, જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે, એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું ત્યારે અમે થાંભલાને બાથ લીધી. ત્યારપછી તેમણે કહ્યું જે, મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. પછી અમે સ્વામીનાં દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા, એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને નિશ્ચય જાણીએ. અને પછી સુંદરજી સુતાર ને ડોસા વાણિયાની વાત કરી. અને વળી જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી અને પ્રહ્લાદની વાર્તા કરી જે, પ્રહ્લાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, હે મહારાજ ! હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો ને તમે જ્યારે મારા ઇન્દ્રિયોરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ, માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે ને ભગવાન ને સંત તેનું માહાત્મ્ય બહુ જાણે તે ઉપર ગામ કઠલાલની ડોશીની વાત કરી. (૧) અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય ઇત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તોપણ એમ સમજે જે, ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહિ; એ તો ભગવાનના ધામને જ પામે અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે ને ચંદનના લાકડામાં સંસ્કારે યુક્ત બળે તોપણ તે તો નિશ્ચે યમપુરીમાં જાય. એ બેની વિક્તિ સારી પેઠે સમજે એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દૃઢ ગાંઠ પડી હોય તેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યે સહિત નિશ્ચય છે એમ જાણવું. (૨) અને એવો નિશ્ચયવાળો જે હોય તે જરૂર બ્રહ્મમોહોલમાં જ પૂગે પણ બીજે ક્યાંય કોઈ ધામમાં ઓરો રહે નહીં. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩।। (૧૧૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારો તથા અમારા સંતનો એટલે મુક્તનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તે કુટુંબનો તથા લોકલાજનો, રાજ્યનો, સુખનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે અને અમારા વચનમાં ફેર પડવા દે નહિ અને દૈહિક સુખ-દુઃખમાં હર્ષ-શોક પામે નહીં. (૧) અને એવો જે અમારો ભક્ત તેનો દેહ અપમૃત્યુએ કરીને પડે તોપણ એ ભક્ત અમારા ધામને જ પામે અને વિમુખ યમપુરીમાં જાય એમ સમજનારાને અમારો માહાત્મ્ય સહિત નિશ્ચય છે. (૨) અને એવા નિશ્ચયવાળો અમારા ધામને જ પામે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં જેને અમારો ને અમારા સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તે કુટુંબ, લોકલાજ ને રાજ્યાદિકનો ત્યાગ કરે એમ કહીને શ્રીજીમહારાજે સર્વે હરિભક્તોનાં નામ કહ્યાં તેમણે શ્રીજીમહારાજને અર્થે શું શું કર્યું હશે તે કૃપા કરીને કહો ?
૧ ઉ. શ્રીજીમહારાજ અરેરા ગામમાં પધાર્યા હતા ત્યાંથી ગલુજીને કહાવી મોકલ્યું જે, ખાવા બેઠા હો તે પડ્યું મૂકીને ધન, ધાન્ય, માણસ, પશુ, સર્વસ્વ લઈને અહીં આવો. તે સાંભળીને પોતાનાં માતુશ્રી માંદાં હતાં તેમને મૂકીને બીજું બધું લઈને રાત્રિએ ગયા, એવા વચનમાં વર્તતા હતા અને તેમને ઘેર શ્રીજીમહારાજ સંતોએ સહિત પધાર્યા હતા અને પોતાની માતુશ્રીએ દેહત્યાગ કર્યો હતો તોપણ શ્રીજીમહારાજને ગાજતેવાજતે ઘેર પધરાવીને બે દિવસ પ્રેમપૂર્વક સેવા કરી ને કોઈને તે વાત જણાવા દીધી નહિ અને શ્રીજીમહારાજને વળાવવા સીમાડા સુધી ગયા ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, હવે જાઓ; તમારું કામ કરો. પછી તે પાછા વળ્યા, એવા મહિમાવાળા હતા. (પ્ર.) ગલુજી પાસે સર્વસ્વ મંગાવેલું તે શ્રીજીમહારાજે બધું રાખ્યું કે કેમ કર્યું ? (ઉ.) ગલુજીને ઘેર એ જ રાત્રિએ શત્રુ આવીને સર્વસ્વ લૂંટી જવાના હતા અને ગલુજીને તથા તેમના મનુષ્યોને મારી નાખવાના હતા એટલા સારુ શ્રીજીમહારાજે મંગાવ્યું હતું. તે શત્રુઓ રાત્રે ગલુજીને ઘેર આવીને પાછા ગયા અને સવારમાં શ્રીજીમહારાજે ગલુજીને સર્વસ્વ પાછું આપીને ડડુસર મોકલ્યા. એવી રીતે મહારાજે પોતાના દૃઢ નિશ્ચયવાળા ને વિશ્વાસવાળા ભક્તની રક્ષા કરી. ।।૧।।
અને કુશળકુંવરબાઈએ શ્રીજીમહારાજને પોતાને ઘેર તેડીને રાજ્ય આપવા માંડ્યું ને શ્રીજીમહારાજની મૂર્તિને નખથી શિખા પર્યંત સમગ્ર અંગ નીરખીને અંતરમાં ઉતારી લીધી અને જેવા ધામમાં દિવ્ય તેજોમય મૂર્તિ છે તેવી દેખતાં હવાં ને દેહનું ભાન ભૂલી ગયાં ને મૂર્તિમાં જોડાઈ ગયાં ને પંદર દિવસે દેહ મૂકીને અક્ષરધામમાં ગયાં એવાં હતાં. (પ્ર.) કુશળકુંવરબાઈને સત્સંગ શી રીતે થયો હતો અને તેમનો જન્મ કિયા ગામમાં હતો ? (ઉ.) એ પૂર્વજન્મમાં સંગ્રામજીત રાજાની બહેન રૂડબાઈ નામે હતાં. ત્યાં દિલ્હીનો બાદશાહ આવેલ તેણે સંગ્રામજીતને મારી નાખ્યો ને રૂડબાઈને લેઈ જવાનું કર્યું ત્યારે રૂડબાઈએ એને સમજાવ્યો જે, મારે નામના કરવી છે પછી તે ગયો. અને રૂડબાઈએ અડાલજની વાવ્ય કરાવીને દેહ મેલ્યો અને તે ઓળક ગામમાં કુશળકુંવરબાઈ નામે થયાં. તેમણે પૂર્વજન્મમાં કરાવેલી વાવ્યમાં શ્રીજીમહારાજ ને સંતો નાહ્યા ને જળ પીધું ને તેના ઉપર દયા કરીને પરમચૈતન્યાનંદ સ્વામીને પ્રેરણા કરી, તે ધરમપુર જઈને એમની ધર્મશાળામાં ઊતર્યા. અને એમને નિયમ હતું જે, જે અતિથિ આવે તેને નિત્ય જમાડે અને મહિમા સમજીને ચરણસ્પર્શ કરવા રાત્રે આવતાં. તેમને પરમચૈતન્યાનંદ સ્વામીએ સ્પર્શ કરવા દીધો નહિ તેથી તેમને સ્વામીનો ગુણ આવ્યો ને સ્વામીએ શ્રીજીમહારાજના મહિમાની ને પ્રગટપણાની વાતો કહીને સત્સંગ કરાવ્યો હતો અને પરમચૈતન્યાનંદ સ્વામીને શ્રી મુક્તાનંદ સ્વામી ગઢડે તેડી ગયા પછી તેમણે શ્રીજીમહારાજને ધરમપુર તેડાવ્યા હતા. ।।૨।।
અને પર્વતભાઈ પોતાનો દીકરો કંઠપ્રાણ હતો તેને મૂકીને શ્રીજીમહારાજનાં દર્શન કરવા ચાલ્યા તે ગામને સીમાડે પહોંચ્યા એટલામાં દીકરો મરી ગયો ને મનુષ્ય તેડવા ગયું તોપણ પાછા વળ્યા નહિ ને ગઢડે ગયા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, દીકરો મરી ગયો ને પાછા કેમ વળ્યા નહીં ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે એમાં શું ? એ તો છાણમાં જીવડા પડે ને મરી જાય એવું છે એમ બોલ્યા. અને ત્યાં સાત દિવસ સુધી જમ્યા નહિ ને પાણી પણ પીધું નહીં. તેમને શ્રીજીમહારાજે કહ્યું જે, તમે ક્યાં જમો છો ? ત્યારે બોલ્યા જે, આપનાં દર્શન કરું છું તેમાં બધું આવી જાય છે અને જે દાણા પાકે તે બધા શ્રીજીમહારાજના સદાવ્રતમાં આપી દેતા તેમને શ્રીજીમહારાજે કહ્યું જે થોડાક દાણા છોકરાને ખાવા સારુ રાખતા હો તો સારું. ત્યારે કહ્યું જે કણબીનાં છોકરાં તો જેમ કૂકડાનાં બચ્ચાં ઉકરડામાંથી દાણા ખોતરી ખાય તેમ પૃથ્વીમાંથી પેદા કરી ખાય માટે એવી ચિંતા શું કરવા રાખવી પડે એમ બોલ્યા અને શ્રીજીમહારાજે સંતોને ખટરસનાં વર્તમાન આપ્યાં ત્યારે પર્વતભાઈ તથા તેમના ઘરનાં સર્વે માણસોએ પણ તે વ્રત રાખ્યાં હતાં એવો મહિમા સંતોનો જાણતા. ઇત્યાદિક ઘણી વાતો છે તે લખે પાર આવે તેમ નથી. પર્વતભાઈ તો બહુ સમર્થ હતા અને શ્રીજીમહારાજે પણ એમને ઘેર બહુ લીલાઓ કરીને ઘણાંક સુખ આપ્યાં છે. (પ્ર.) પર્વતભાઈમાં શી સામર્થી હતી અને શ્રીજીમહારાજે એમને ઘેર શી શી લીલાઓ કરી હતી તે કહો ? (ઉ.) શ્રીજીમહારાજ સર્વે સંતોને તથા કાઠીઓને લઈને ગઢડેથી ચાલ્યા તે ફરતા ફરતા અગત્રાઈ આવ્યા ત્યાં તાપ ગાળવા એક ઝાડ તળે ઊતર્યા, ત્યાં હરિજનોએ ખાટલો લાવીને પાથર્યો તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા અને સંત ને હરિજનો ખેતરમાં પાથર્યા વિના એમ ને એમ બેસી ગયા તે વખતે શ્રીજીમહારાજ બોલ્યા જે, મારો વ્હાલીડો કેમ ન આવ્યો? એમ બેચાર વાર બોલ્યા, એટલાકમાં પર્વતભાઈ કપાસની સાંઠીઓ ખોદીને આવ્યા ને ખભેથી કોદાળી નાખી દઈને દંડવત કરવા મંડ્યા. ત્યારે શ્રીજીમહારાજ ઊભા થઈને બોલ્યા જે, મારો વ્હાલીડો આવ્યો, એમ બેચાર ફેરા બોલીને મળ્યા ને પોતાની પાસે મશરુની ગાદી નાખીને બેસાર્યા. ત્યારે સર્વે સંત-હરિજનોને સંશય થયો જે આપણે સર્વ પૃથ્વી ઉપર બેઠા છીએ અને આ કણબીને શ્રીજીમહારાજે ગાદી ઉપર બેસાર્યા એ ઠીક ન કર્યું. પછી સાંજ વખતે ત્યાંથી ચાલ્યા તે બીજે ગામ ગયા પછી ફરતા ફરતા જ્યારે પાછા આવ્યા ત્યારે પણ એ ઠેકાણે આવ્યા ને બપોર થયા એટલે ત્યાં જ ઊતર્યા. એવામાં પર્વતભાઈ આવ્યા તેમને કેડે કરોડો વિમાન આવ્યાં તે જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે પર્વતભાઈ, આ લશ્કર ક્યાં ફેરવો છો ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, એ તો માગણ છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ક્યાંથી આવેલા છે ? ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ સર્વે નિત્ય મારી કેડે ફરે છે ને આત્યંતિક કલ્યાણ માગે છે તેમને આપના ધામમાં મોકલું છું. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, આમને ધામમાં મોકલો તે અમે જોઈએ. પછી પર્વતભાઈ એમના સામું જોઈને બોલ્યા જે, “જાઓ અક્ષરધામમાં” એટલે બધાં વિમાન જતાં રહ્યાં તે જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા ને સંશય ટળી ગયો. અને એક સમે શ્રીજીમહારાજનાં દર્શન કરવા સારુ ગઢડે ગયા ને પોતાના ખેતરમાં ઘઉં પાકેલા હતા તે એક મુસલમાનને સોંપી ગયા હતા, તે મુસલમાને રાત્રે ઘઉં કાપવા માંડ્યાં તેને પર્વતભાઈએ સોટીઓ મારી તે દાતરડું ને ઘઉં મૂકીને જતો રહ્યો. પછી જ્યારે પર્વતભાઈ દર્શન કરીને આવ્યા ત્યારે એ મિયાંને કહ્યું જે તને સોટીઓ અમે મારી હતી. ત્યારે તે સિપાઈ અતિ આશ્ચર્ય પામીને પ્રાર્થના કરતો હવો ઇત્યાદિક ઘણીક વાતો છે. હવે શ્રીજીમહારાજે એમને ઘેર લીલા કરી છે તેમાંથી કિંચિત્ કહીએ છીએ :- પર્વતભાઈએ પોતાના દીકરા મેઘજીભાઈનો વિવાહ કર્યો ત્યારે ગઢડેથી શ્રીજીમહારાજને તથા સંતહરિજનો-બાઈ-ભાઈને અગત્રાઈ તેડી લાવ્યા ને શ્રીજીમહારાજને ઢોલિયો પાથરી આપ્યો તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા. અને પર્વતભાઈ પણ શ્રીજીમહારાજના ઢોલિયા પાસે બેસી ગયા પણ કોઈની સંભાવના રાખી નહિ ત્યારે કાઠીએ શ્રીજીમહારાજને કહ્યું જે, તમે તો પર્વતભાઈને બહુ વખાણતા હતા પણ હજુ સુધી અમારી ખબર લેતા નથી. ત્યારે શ્રીજીમહારાજે પર્વતભાઈને કહ્યું જે, કેમ આ સર્વની ખબર લેતા નથી ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, મહારાજ ! હું તો ગુમાસ્તો છું અને ધણી તો આપ છો, માટે હવે મારે શા ઉચાટ ? પછી શ્રીજીમહારાજે સંતો પાસે રસોઈ કરાવીને અખંડ ધારે ઘી પીરસવા માંડ્યું તે જોઈને પર્વતભાઈ બહુ રાજી થયા ને બોલ્યા જે, મને ન્યાલ કર્યો માટે પર્વતભાઈએ ‘ન્યાલકરણ બાપો’ એવું શ્રીજીમહારાજનું નામ પાડ્યું પણ ઘી બગાડ્યું એવો સંશય થયો નહીં. તે જોઈને કાઠી તથા સર્વે સંતો આશ્ચર્ય પામ્યા ને બોલ્યા જે, પર્વતભાઈના જેવી આપણી સમજણ થઈ નથી. પછી સર્વે જમી રહ્યા ને સર્વ સીધાનાં વાસણ ઊંધાં વાળી મૂક્યાં તે બધાં સવારે જુએ ત્યારે સવળાં દીઠાં અને ઘી, ગૉળ આદિક સર્વે સામાન ભરેલો જોઈને આશ્ચર્ય પામ્યા, એવી રીતે નિત્ય ખાલી થાય ને નિત્ય ભરાઈ જાય એમ સોળ દિવસ સુધી સર્વે જમ્યા અને સોનેરી સાજે રોઝો ઘોડો શણગારીને રાત્રિએ વરઘોડો ફેરવીને મેઘજીભાઈને પરણાવીને ઘેર આવ્યા અને સવારે શ્રીજીમહારાજે બોલ્યા જે, અમારી આંખ્યમાં કણું પડ્યું છે તે કોઈ કાઢે એવું છે ? પછી મેઘજીભાઈની પત્નીએ જીભે કરીને કાઢ્યું તેને શ્રીજીમહારાજે વર દીધો જે, અમો તમને આ જન્મે જ અમારા અક્ષરધામમાં અખંડ અમારી સેવામાં રાખીશું, એવી અનંત લીલાઓ કરીને સુખ આપ્યાં છે તેનો લખે પાર આવે તેમ નથી. ।।૩।।
અને શ્રીજીમહારાજે અનંત જીવોના ઉદ્ધાર કરવાને અર્થે આંહીં પ્રગટ મનુષ્ય રૂપે દેખાવાનો સંકલ્પ કર્યો ત્યારે ઘણાંક મુક્તોને આજ્ઞા કરી જે, તમે સર્વે કોઈક સ્ત્રી રૂપે ને કોઈક પુરુષ રૂપે દેખાઈને જીવનો ઉદ્ધાર કરો. તે આજ્ઞા મુક્તોએ માથે ચડાવી ને તે પ્રમાણે જુદા જુદા વર્ણમાં દર્શન આપ્યાં. ને જીવુબા, લાડુબા ને રાજબાઈને કહ્યું જે, તમે કાઠીની જાત્યમાં સ્ત્રી રૂપે દેખાઓ. ત્યારે તેમણે મહારાજની પ્રાર્થના કરી જે, હે મહારાજ ! અમે સ્ત્રી આકારે દેખાઈએ તો એ લોકની રીતિ પ્રમાણે સભામાં આપની પાસે સંત તથા પુરુષો બેઠા હોય ત્યાં અમારાથી બેસાય નહિ અને તમે જે વાર્તાઓ કરો અને પ્રશ્ન-ઉત્તર થાય તે અમારા સાંભળ્યામાં આવે નહિ અને અમારાં માબાપ અમને જીવ સાથે પરણાવે તે અમારે મોટું લાંછન આવે અને વળી આપ દેશ-વિદેશ વિચરો ત્યાં અમારાથી સાથે અવાય નહિ અને તમે જે જે લીલા કરો તે અમારા જોયામાં આવે નહિ, માટે અમે સ્ત્રી-આકારે દેખાવામાં ખુશી નથી. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, મર્ત્યલોકમાં તમે ને અમે ભેળાં એક સ્થાનમાં રહીશું અને તમને નિરાવરણ રાખશું તે અમારી સર્વ લીલા ઘેર બેઠા થકા દેખશો અને તમને પુરુષનો સ્પર્શ થવા નહિ દઈએ. પછી તેમણે તે આજ્ઞા માથે ચડાવી ને સ્ત્રી-આકારે દેખાયાં અને મહારાજ પણ એમને ઘેર રહેતા હવા. અને રાજબાઈને એમનાં માબાપે પરાણે પરણાવવાનું કર્યું ને ખાંડું મોકલ્યું ત્યાં રાજબાઈનું સ્વરૂપ સિંહના જેવું દેખીને પાછાં વાળી મૂક્યાં, પછી એમણે સર્વ સંબંધીનો તથા દેહનો અનાદર કરીને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધન ઘણાં કર્યાં. ।।૪।।
અને જીવુબાનું પણ કુંડળમાં રાઈબાઈના દીકરા મામૈયા પટગર સાથે સગપણ કર્યું હતું. પછી જીવુબાએ રાઈબાઈને કહ્યું કે મારે તો વ્યવહાર કરવો નથી; ભગવાન ભજવા છે. પછી રાઈબાઈએ રાજી થઈને રજા આપી ને ગઢડે મોકલી દીધાં. અને લાડુબાઈનું ખાંડું એમને સાસરે જતું હતું તે ગામમાં ધાડું પડ્યું તેની કેડે વાર ચડી હતી. તેમાં જેની સાથે લાડુબાઈનું સગપણું કર્યું હતું તે વારે ગયેલ તે મરાણો. પછી લાડુબાઈ ગઢડે આવતાં રહ્યાં, એવી રીતે એ ત્રણેની શ્રીજીમહારાજે રક્ષા કરી અને એ ત્રણેએ શ્રીજીમહારાજના ભેળા રહીને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધન કર્યાં. ।।૫।।
અને મોટા રામબાઈ વાળાના-જેતપુરનાં હતાં. તેમને પિયરિયાંએ તથા સાસરિયાંએ વ્યવહાર કરાવવા બહુ ઉપાધિ કરી. પછી ભાદર નદીના ધરાના કાંઠા ઉપર રાત્રિએ પોતાનાં વસ્ત્ર મૂકીને ચાલી નીસર્યાં તે શ્રીજીમહારાજની પાસે ગઢડે જઈને ત્યાગી થઈને રહ્યાં. ।।૬।।
અને દાદાખાચરે પોતાનું સર્વસ્વ શ્રીજીમહારાજને અર્પણ કર્યું ને જેમ શ્રીજીમહારાજ કહે તેમ કરતા પણ કોઈ પ્રકારનો સંશય કરતા નહીં. એમની વાતો તો અપાર છે તે ઘણે ઠેકાણે લખી છે. ।।૭।।
અને માંચો ભક્ત પ્રથમ માર્ગીના પંથમાં હતા પણ બ્રહ્મચર્ય વ્રતમાં કુશળ હતા. અને એક કીમિયાવાળો પોતાને ઘેર આવીને ઊતર્યો હતો તેણે તાંબાનું રૂપું કરી બતાવ્યું તેને લાકડી લઈને ગામ બહાર કાઢી મૂક્યો પણ રૂપામાં લોભાયા નહિ અને જ્યારે શ્રીજીમહારાજ મળ્યા ત્યારે એકાંતિક ભક્ત થયા. તે મહારાજને દર્શને ગયા ત્યારે પોતાનો પાંચસો વીઘા કપાસ હતો તે સાંભરશે એમ જાણીને ભેળાવી દીધો. ।।૮।।
અને મૂળજી બ્રહ્મચારી મખિયાવ ગામના બ્રાહ્મણ હતા. તે યજમાનની દીકરીને તેડવા ગયા હતા, તેને તેડીને આવતાં માર્ગમાં એક ગામમાં રાત રહ્યા ત્યાં એ બાઈની નજર ખોટી દેખવામાં આવી, તેથી તેને ત્યાં ને ત્યાં પડી મૂકીને ચાલી નીસર્યા ને શ્રીજીમહારાજ પાસે આવીને બ્રહ્મચારી થયા એવા નિષ્કામી હતા તેમને શ્રીજીમહારાજે જોડા પહેરવાની અને ઘી-ગૉળ જમવાની બંધી કરી અને પોતાની સેવામાંથી પણ કાઢી મૂક્યા તોપણ શ્રીજીમહારાજને વિષે જેવી પ્રીતિ ને દિવ્યભાવ હતો ને જેવી દૃઢતા હતી તેવી ને તેવી જ રહી પણ તેમાં ફેર પડ્યો નહિ, એવી રીતે શ્રીજીમહારાજે ઘણીક પરીક્ષા લીધી તોપણ બ્રહ્મચારી ડગ્યા નહિ એવા પરિપક્વ નિશ્ચયવાળા હતા, એવી એમની કેટલીક વાર્તાઓ છે. ।।૯।।
અને લાધીબા ભુજનાં કાયસ્થ હતાં અને ભુજમાં ભોગીલાલભાઈ હતા તેનાં સંબંધી હતાં અને સ્વતંત્ર સમાધિનિષ્ઠ હતાં ને શ્રીજીમહારાજની મૂર્તિને દિવ્ય તેજોમય તેજના સમૂહને વિષે દેખતાં. તેમને એક ખેતરમાંથી કચ્છી બાર મણ મઠ આવતા, તેમાંથી નિર્વાહ ચલાવતા તેમને શ્રીજીમહારાજે કહાવી મોકલ્યું જે, તમારી પાસે માતાજીને મોકલ્યાં છે તેમનું પોષણ કરજ્યો ત્યારે રાજી થયાં પણ શી રીતે પોષણ કરીશ એવો સંકલ્પ પણ થયો નહિ, એવો શ્રીજીમહારાજના વચનમાં વિશ્વાસ હતો ઇત્યાદિક ઘણી વાતો છે. ।।૧૦।।
અને માતાજી મારવાડમાં એક મહાન રાજાનાં રાણી હતાં. તેમની કુંવરીનો વિવાહ હતો ત્યાં જાન આવી હતી તેમાં ઈડર તથા માણસા આદિકના રાજાની રાણીઓ ગયાં હતાં તે રાણીઓના મુખ થકી વાત સાંભળી જે, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે તેથી પોતાના મનમાં વિચાર થયો જે, ભગવાન પ્રગટ થયા ને હું રહી જઈશ તો મારું કલ્યાણ નહિ થાય, એમ જાણીને રાત્રિએ બારીએ દોરડું બાંધીને ઊતરીને ચાલી નીસર્યા; તેમને ખોળ્યાં પણ જડ્યાં નહીં. તેથી રાણાએ ચારે દિશે અસવાર મોકલ્યા તે ઘોડાના ડાબલા વાગતા સાંભળીને એક મરેલા ઊંટના ખોખામાં પેસી ગયાં ને અસવાર પાછા વળ્યા ત્યારે નીસરીને ચાલ્યાં. તે વાટ્યમાં વણઝારાની પોઠ્ય સાથે વીસનગરના તળાવમાં ઊતર્યાં, ત્યાં રાત્રિના છેલ્લા પહોરે બાઈઓ ગામમાંથી નાહવા આવ્યાં તેમનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો શબ્દ સાંભળીને તેમની પાસે આવીને સર્વે હકીકત કહી, પછી તે બાઈઓ ગામમાં લઈ ગયાં, પછી શ્રીજીમહારાજ પાસે ગઢડે આવ્યાં. તેમને મહારાજે માતાજી નામ ધરાવીને લાધીબાઈ પાસે ભૂજ મોકલ્યાં ત્યાં રહીને લાધીબાની સેવા કરીને લાધીબાને દેહ મૂકવો હતો તે દિવસે માતાજીને કહ્યું કે મારે આજ ધામમાં જવું છે પછી માતાજી ઉદાસ થઈ ગયાં ને બોલ્યાં જે, મને સાથે લઈ જાઓ. પછી તેમને દેહ મુકાવીને પછી સ્વતંત્રપણે પોતે દેહોચ્છવ કરીને ધામમાં ગયાં. ।।૧૧।।
અને મુક્તાનંદ સ્વામીએ બેચાર ગુરુ કર્યા પણ ગુરુને વિષે નિષ્કામી વર્તમાનમાં ખામી દેખીને પડ્યા મૂક્યા ને રામાનંદ સ્વામી તથા તેમના સાધુને દૃઢ નિષ્કામી દેખીને ત્યાં રહ્યા અને મન-કર્મ-વચને દાસ થઈને સેવા કરી પણ ગુરુમાં ને અધિકારમાં ને મિલકતમાં બંધાયા નહિ અને શ્રીજીમહારાજ રાત્રિને દિવસ કહે ને રૂમાલને તરવાર કહે તોપણ જીવમાંથી હા પાડે પણ સંશય થતો નહીં. ।।૧૨।।
અને સામત પટેલ એના દીકરાની સ્ત્રીને તેડવા ગયા હતા. તેણે મેણું દીધું જે, તારા દીકરાને તો ખપ નથી ને જો તારે ખપ હોય તો તું લઈ જા. તે સાંભળીને વિચાર કર્યો જે હું સ્વામિનારાયણનો ભક્ત છું ને મને મેણું આપ્યું માટે ઇન્દ્રિય ન રાખવી, એમ વિચારીને ભસ્મ કરી નાખી. ।।૧૩।।
અને મૂળજી તથા કૃષ્ણજી કચ્છ દેશમાં ગામ માનકૂવાના હતા. તે શ્રીજીમહારાજ પાસે ત્યાગી થવા ગયા હતા તેમને મહારાજે ત્યાગી ન કર્યા ને પાછા વાળી મૂકયા. પછી તેમણે પોતે ભગવાં લૂગડાં પહેરીને ગામમાં ઝોળી માગવા માંડી. પછી તેમના સંબંધીએ રજા આપી એટલે ગઢડે આવ્યા. તેમને શ્રીજીમહારાજે વિમુખ કરીને કાઢી મૂક્યા તોપણ વિમુખપણાની માનીનતા રાખી નહિ અને ઘેલા નદીના કાંઠે દેરીમાં જઈને કીર્તન બોલવા માંડ્યા, પછી શ્રીજીમહારાજે તેડાવીને ભેળા રાખ્યા. (પ્ર.) બેમાંથી ભસ્મ કોણે કર્યું હતું ? (ઉ.) કૃષ્ણજીએ કર્યું હતું, તેમનું ઘનશ્યામાનંદ સ્વામી નામ હતું ને મૂળજીનું સર્વજ્ઞાનંદ સ્વામી નામ હતું. ।।૧૪।।
અને ગુંદાળી ગામના બે કાઠી હરિભક્તને ઘેર સાધુ આવ્યા તેમને એ કાઠીની માએ રસોઈ કરાવા માંડી તેની ગામના ઘરડેરા કાઠીને ખબર પડી. તેણે સાધુને રસોઈ કરવા દીધી નહિ ને કાઢી મૂક્યા તે ઘરડેરા કાઠીને મારી નાખ્યો ને પોતે પણ મરાણા એવો પક્ષ રાખ્યો. ।।૧૫।।
અને સુંદરજી સુતાર કચ્છ-ભુજના હતા. તેમણે શ્રીજીમહારાજની ઘણી સેવા કરી હતી અને શ્રીજીમહારાજ એમને ઘરે બહુ રહ્યા હતા તે શ્રીજીમહારાજની કૃપાથી દિવ્ય દૃષ્ટિ પામેલા હતા ને જાનમાં ગયા હતા તેમને શ્રીજીમહારાજે વસ્ત્ર, ઘરેણાં, થોભા ઉતરાવીને કૌપીન વળાવીને તુંબડી આપીને કાશીએ મોકલ્યા તોપણ એમ ન કહ્યું જે હું જાન વળાવીને પછી જાઉં ને મનમાં સંકલ્પ પણ થયો નહિ, એ મહિમા વિના થાય નહીં. ।।૧૬।।
અને ગામ બંધિયાના ડોસા વાણિયાનું ધન કૂવામાં નાખી દેવરાવ્યું ને કૌપીન પહેરાવીને તુંબડી લઈને કાશીએ મોકલ્યા. તે વડોદરે જાતાં શ્રી મુક્તાનંદ સ્વામી મળ્યા તેણે પાછા વાળ્યા ને શ્રીજીમહારાજ પાસે મોકલ્યા તે શ્રીજીમહારાજ પાસે આવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે ઘેર જાઓ ને ઘરનું માણસ ઘરમાં હોય ત્યારે તમારે બહાર રહેવું અને એ બહાર નીકળે ત્યારે તમારે ઘરમાં જવું ને જો બેય સાથે ઘરમાં જાઓ તો ઉપવાસ કરવો એમ આજ્ઞા કરી તે દેહ પર્યંત પાળી. ।।૧૭।।
અને રાણો, રાઘવ, વશરામ ને ભીમ એ ચાર ભાઈ ગોલીડા ગામના રાજગર બ્રાહ્મણ હતા. તે ગામમાં યમ પેઠા તેને દેખીને તેમણે કહ્યું કે અમારા ગામમાં પેસશો નહીં. પછી યમ સામા થયા જે તમારાં ઘર સાચવો પણ ગામમાં તો તમારા રોક્યા નહિ રહીએ, પછી તેમને લડાઈ થઈ તે યમને મારીને કાઢી મૂક્યા એવા સમર્થ હતા. તે ભીમ દેહ મૂકી ગયા. ને વશરામ ને રાઘવ બે સાધુ થયા. ને રાણે દેહ મૂકતી વખતે એની માતુશ્રીને કહ્યું જે, મારા બારમાને બીજે દિવસે તને તેડી જઈશ. તે પ્રમાણે તેડી ગયા. ।।૧૮।।
અને કઠલાલની ડોસી કસળબા હતાં તેમણે શ્રીજીમહારાજનો અંગૂઠો પાણીના ઘડામાં બોળાવીને તે પાણી ગામના કૂવામાં નાખ્યું, જે ગામના લોકો પાણી પીશે તે બધાનું કલ્યાણ થાશે એવો તેમને શ્રીજીમહારાજનો મહિમા હતો. ।।૧૯।।
અને પ્રહ્લાદજીની વાત તો આ વચનામૃતમાં લખેલી છે.
૨ પ્ર. અમને રામાનંદ સ્વામીએ કહી મોકલ્યું જે સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે એમ શ્રીજીમહારાજે કહ્યું તેનું સિદ્ધાંત શું સમજવું ?
૨ ઉ. રામાનંદસ્વામીએ શ્રીજીમહારાજને એમ કહ્યું જે તમે સાક્ષાત્ ભગવાન છો ને જીવોના કલ્યાણ કરવા મનુષ્ય રૂપે પ્રગટ થયા છો તે તમારા આગળ તો સર્વે થાંભલા જેવા એટલે માયિક ને અસમર્થ છે તોપણ તમે જીવોના કલ્યાણ કરવા પધાર્યા છો તેથી આ લોકના મનુષ્ય ભેળું રહેવું પડશે અને મુક્તાનંદ સ્વામી આદિક મુક્તોને ભેળા લાવ્યા છો તે મુક્તોની આજ્ઞામાં રહેજો એટલે મુક્તો જેવા તેવા પામર ને અધમ જીવોનો ઉદ્ધાર કરવાનું કહે તે કરજ્યો ને કરવા દેજ્યો એમ કહ્યું છે. ।।૩।।