વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૧

સંવત ૧૮૭૬ના પોષ વદિ ૨ બીજને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં.

       ને તે સમે કોઈક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ભગવાનના ભક્ત બે હોય તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરીને દુઃખવે નહિ, ને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન-વસ્ત્ર-પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે પણ વચને કરીને કોઈને દુઃખવાય ખરું, એવી રીતના બે ભક્ત તેમાં કિયો શ્રેષ્ઠ છે ? પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો નહિ, ને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવ્યા ને એ પ્રશ્ન સંભળાવ્યો, ને પછી કહ્યું જે, એનો ઉત્તર તમે કરો. ત્યારે એ બે જણે ઉત્તર કર્યો જે, વચને કરીને કોઈને દુઃખવે છે પણ ભગવાનની અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે ને નિવૃત્તિને વિષે રહે છે ને કોઈને દુઃખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થાતી નથી તેને અસમર્થ સરખો જાણવો, ને જે ટેલ-ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. (૧) પછી શ્રીજીમહારાજ બોલ્યા જે એ ઉત્તર ઠીક કર્યો, ને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દૃઢપણે રહ્યો હોય ને તેને વિષે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ્ય છે, અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ્ય દેખાય ખરી. અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ્ય દેખાય ખરી, ને તે દોષને જોનારે ખોટ્ય કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં ? તે તો કલ્યાણકારી જ છે. પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂઝે, જેમ શિશુપાળ એમ જ કહેતો જે, પાંડવ તો વર્ણસંકર છે ને પાંચ જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે, અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે, કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો ને મધના પૂડા ઉખેડ્યા તેણે કરીને એને મધુસૂદન કહે છે પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી, ને વર્ણસંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો તેણે કરીને શું એ ભગવાન થયો ? એવી રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો, માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. (૨)

       ત્યારે ફરીને તે હરિભક્તે પૂછ્યું જે, (૨) હે મહારાજ ! મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહિ પણ જેવોતેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ તમે સમજો છો તેમ નાન્યપ-મોટ્યપ નથી; મોટ્યપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે ને એ બે વાનાં જેને ન હોય, ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તોપણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટ્યપ તો આજ આપણા સત્સંગમાં સર્વે હરિભક્તને વિષે છે, કેમ જે આજ જે સર્વે હરિભક્ત છે, તે એમ સમજે છે જે, અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે ને અમે કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહસ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહિ, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૩૧।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં અમારી ને અમારા સંતની સેવા કરતો હોય તેનાથી વચને કરીને કોઈકને દુઃખવાય તોપણ તે નિવૃત્તિવાળા ભક્ત કરતાં શ્રેષ્ઠ છે. (૧) તેમાં અલ્પ સરખો દોષ દેખીને અવગુણ લે તેને અમારે વિષે પણ દોષ દેખાય, તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. (૨) બીજામાં અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જે અમે તે અમારો નિશ્ચય હોય ને અમારી આજ્ઞામાં વર્તે તે મોટો છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.

       પ્ર. (૧/૨ પહેલા પ્રશ્નમાં) અલ્પદોષ જોઈને અવગુણ ન લેવો એમ કહ્યું તે કિયા જાણવા ?

       ઉ. બહુ બોલવાની ને ધાર્યું કરવાની પ્રકૃતિ હોય તથા દેહની ક્રિયા કોઈને મળતી આવે એવી ન હોય, ને સરળપણું ન હોય એવા સ્વભાવ હોય તે અલ્પદોષ જાણવા.

       પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) અક્ષરાતીત તથા પ્રત્યક્ષ કહ્યા તે કિયા અક્ષરથી પર કહ્યા હશે ?

૨      ઉ. પોતાના તેજરૂપ અક્ષરથી પર કહ્યા છે. અને વચનામૃતમાં પ્રત્યક્ષ શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં શ્રીજીમહારાજને જ કહ્યા છે; તે ‘હરિવાક્ય-સુધાસિંધુ’ના તરંગ (૨૨૭)માં કહ્યું છે :

आज्ञाप्यतं चेक एव ह्यगमं ब्रह्मधाम वै ।। तत्र: मत: परतरो न र्द्रष्ट: पुरुषोत्तम: ।।

मामेव पूज्यामासु: सर्वे ब्रह्मांडनायका: ।।૧૭।। अहमेवाडिखिलांडानां जन्मादे-र्हेतुरस्मि वै ।।मत: परतर: कश्तचिभास्त्येव भगवान कवचित् ।। मतेजसैव सूर्याघा: सन्ति तेजास्विनोडखिला: ।।૧૯।।

मदिच्छयैव ब्रह्मांड-स्थितिरस्ति न चान्यथा । एंव मया स्वस्वरुपं सर्वथाडस्ति सुनिश्तितम् ।।૨૦।।

અર્થ : તે ગરુડને પડ્યો મૂકીને અમે એકલા જ બ્રહ્મધામ જે અમારું અક્ષરધામ ત્યાં જતા હવા. ત્યાં અમારા વિના કોઈ બીજો પુરુષોત્તમ ન દેખ્યો, અને સર્વે બ્રહ્માંડના અધિપતિઓ અમારું પૂજન કરતા હવા. (૧૭) અને સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિકના કર્તા અમે જ છીએ; અમારા વિના બીજો કોઈ પણ ભગવાન કોઈ સમયને વિષે છે જ નહિ. અને અમારે તેજે કરીને સૂર્યાદિક કહેતાં સૂર્યથી આરંભીને બ્રહ્મા,વિષ્ણુ, શિવ, વૈરાજપુરુષ, પ્રધાનપુરુષ, મૂળપુરુષ, બ્રહ્મ તથા મૂળ અક્ષરાદિક સર્વે તેજસ્વી છે. (૧૯) અને અમારી ઇચ્છાએ કરીને સર્વે બ્રહ્માંડોની સ્થિતિ છે; બીજે કોઈ પ્રકારે નથી, એ રીતે અમે અમારું સ્વરૂપ સર્વ પ્રકારે નિશ્ચય કર્યુ છે. (૨૦) માટે મૂળઅક્ષરથી પર જે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ તેથી પર સર્વેના કારણ, સર્વાધાર પ્રત્યક્ષ ભગવાન તે શ્રીજીમહારાજ છે એમ જાણવું. ।।૩૧।।