વચનામૃત પંચાળાનું - ૬

સંવત ૧૮૭૭ના ફાગણ વદિ ૯ નવમીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળે અંગરખે સહિત ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

         પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમે ઝાઝી વાર સુધી વિચાર કર્યો ને સર્વ શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાણું જે, શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઈ નથી થયો, કેમ જે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિષે દેખાડ્યો તે કેવી રીતે તો પ્રથમ પોતે દેવકી થકી જન્મ્યાં ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું તેણે કરીને સહસ્રશીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું તથા અક્રૂરને યમુનાના ધરામાં દર્શન દીધાં તેણે કરીને શેષશાયીપણું જણાવ્યું તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું જે : पश्य मे पार्थरृपाणि शकशोडथ सगस्रश:।। એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું તથા પોતે શ્રીકૃષ્ણે કહ્યું જે :

यस्मात् क्षरमतीतोडहमक्षरादपि चोत्तम:

अतोडस्मि लोके वेदे च प्रथित: पुरुषत्तम:

એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતે જ હતા અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમાપુરુષ રૂપે દર્શન કરાવ્યું તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિષે તથા ભાગવતમાં એ શ્રીકૃષ્ણને જ કહ્યા છે તે માટે એ શ્રીકૃષ્ણના અવતારને વિષે તો ભિન્ન ભિન્નપણે રહી જે એ જ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ-ઐશ્વર્ય તે સમગ્ર છે, માટે એ અવતાર તે બહુ મોટો થયો છે અને બીજી મૂર્તિને વિષે થોડું ઐશ્વર્ય છે, ને એને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય છે, માટે કૃષ્ણાવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે. (૧) અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય-શક્તિઓ જણાવી, માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે, એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અચળમતિ હોય ને એ મતિ કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય ને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત્‌ કાંઈક અવળું-સવળું વર્તાઈ ગયું હોય તોપણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહિ; એનું કલ્યાણ જ થાય, માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દૃઢતા આ ભગવાનને વિષે રાખશો તો કદાચિત્‌ કાંઈક અવળું વર્તાઈ જાશે તોપણ અંત્યે કલ્યાણ થાશે, એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજીમહારાજને વિષે સર્વકારણપણું જાણીને ઉપાસનાની દૃઢતા કરતા હવા. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૧૩૨)

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે વૈકુંઠનાથ જે રામચંદ્રજી તથા સહસ્રશીર્ષા જે અનિરુદ્ધ તથા શેષશાયી જે વૈરાજનારાયણ તથા ભૂમાપુરુષ તેમના કારણ, અવતારી ને પુરુષોત્તમ તે શ્રીકૃષ્ણને કહ્યા છે અને તે શ્રીકૃષ્ણને ગોલોકવાસી કહ્યા છે અને શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મના અવતાર કહ્યા છે ને વાસુદેવબ્રહ્મને શ્રીકૃષ્ણના અવતારી કહ્યા છે અને ભારતમાં ને ભાગવતમાં શ્રીકૃષ્ણને નરનારાયણ નામે કહ્યા છે. (૧) અને આ અવતાર એટલે અમે વાસુદેવાદિક સર્વે અવતારોના કારણ છીએ એવા સર્વોપરી અમને જાણીને, અમારી દૃઢ ઉપાસના કરવી ને આવી રીતની અમારે વિષે ઉપાસનાની દૃઢતા હોય તેનાથી કાંઈક અવળું વર્તાઈ ગયું હોય તોપણ અંતે તેનું કલ્યાણ થાય. (૨) બાબતો છે.

૧ પ્ર. પહેલી બાબતમાં શ્વેતદ્વીપપતિ વાસુદેવ તેણે જ કૃષ્ણાવતાર ધર્યો હતો એમ કહ્યું અને તમે ભાવાર્થમાં વાસુદેવને શ્રીકૃષ્ણના અવતારી કેમ કહ્યા ?

૧ ઉ. શ્વેતદ્વીપપતિ વાસુદેવે કૃષ્ણાવતાર ધર્યો હતો એમ કહેવાથી જ શ્રીકૃષ્ણ વાસુદેવના અવતાર થયા ને વાસુદેવ અવતારી થયા તે (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) પ્રકૃતિપુરુષથી પર બ્રહ્મ કહ્યા છે તે આ વાસુદેવ બ્રહ્મને કહ્યા છે અને (લો. ૧૨ના પહેલા પ્રશ્નમાં) શુકજી તથા નિરન્નમુક્તને દૃષ્ટાંતે શ્રીકૃષ્ણ જેવા જાણનારાને નિર્વિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ કહ્યા છે અને વાસુદેવની ઉપાસના કરનારાને મધ્યમ કહ્યા છે માટે એમાં શંકાનો માગ નથી.

પ્ર. ભારત ને ભાગવતમાં શ્રીકૃષ્ણને નરનારાયણ નામે કહ્યા છે એમ કહ્યું તે શ્રીકૃષ્ણ તે જ નરનારાયણ હશે કે જુદા હશે ?

ઉ. શ્રીકૃષ્ણને નરનારાયણ એવું વિશેષણ આપ્યું છે, જેમ રામચંદ્રજીને નારાયણ, વાસુદેવ, પરમાત્મા, પુરુષોત્તમ, કૃષ્ણ એવાં વિશેષણો આપ્યાં હોય તેણે કરીને તે કાંઈ વૈરાજનારાયણ કે શ્વેતદ્વીપપતિ વાસુદેવ કે ગોલોકવાસી શ્રીકૃષ્ણ કહેવાય નહિ; એમનું મુખ્ય નામ જે રામચંદ્રજી છે તે જ કહેવાય, અને શ્રીજીમહારાજને પણ વાસુદેવ, શ્રીકૃષ્ણ, નરનારાયણ એવાં વિશેષણો આપ્યાં હોય પણ મુખ્ય નામ સ્વામિનારાયણ છે ને બીજાં સર્વ વિશેષણો છે; તેમ જ શ્રીકૃષ્ણને નરનારાયણ વાસુદેવ, રામ, પુરુષોત્તમ, પરમાત્મા એવાં વિશેષણો આપ્યાં હોય પણ મુખ્ય નામ શ્રીકૃષ્ણ છે માટે શાસ્ત્રોમાં સર્વ અવતારોને એવાં વિશેષણો આપ્યાં હોય છે એમ જાણવું અને રામચંદ્રજી, શ્રીકૃષ્ણ, નરનારાયણ, વાસુદેવ, મૂળઅક્ષર તથા સર્વના અવતારી એવા શ્રીજીમહારાજ તે સર્વ જુદા જ છે અને (લો. ૧૪/૧માં) વૈકુંઠ અને આદિ શબ્દથી ગોલોક તે કરતાં બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપને શ્રેષ્ઠ કહ્યા છે તો જેનાં ધામ શ્રેષ્ઠ હોય તેના ધામી તો શ્રેષ્ઠ હોય જ તેમાં શું કહેવું ? માટે શ્રીકૃષ્ણથી નરનારાયણ શ્રેષ્ઠ છે અને તેથી વાસુદેવ બ્રહ્મ શ્રેષ્ઠ છે, અને શાસ્ત્રમાં શ્રીકૃષ્ણને વિષે વાસુદેવ કે નરનારાયણ લીન થયા એમ કહ્યું હોય ત્યારે તે શ્રીકૃષ્ણથી ઓરા જે પ્રધાનપુરુષ તથા મહત્તત્ત્વરૂપી વાસુદેવ તથા નર કહેતાં અર્જુન અને નારાયણ કહેતાં વૈરાજનારાયણ તથા શેષનારાયણ તે જાણવા.

પ્ર. બીજી બાબતમાં અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે એમ કહ્યું તે અવળું શું જાણવું ?

       ઉ. ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને વર્તમાનમાં એકાદ વખત ફેર પડી જાય તેનું પ્રાયશ્ચિત્ત કરે તો કલ્યાણ થાય; અને પ્રાયશ્ચિત્ત ન કરે તો  તેને બીજો જન્મ ધરાવીને દંડ ભોગવાવીને કલ્યાણ કરે અને જે જાણીને વર્તમાન લોપે તે તો જીવતો જ બ્રહ્મરાક્ષસ છે ને મરીને નરકમાં પડે છે. ।।૬।।