વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૪
સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને મસ્તકે હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને તુળસીની નવી કંઠી કંઠને વિષે પહેરી હતી ને મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુનિને પ્રશ્ન પૂછ્યો જે, (૧) પુરુષોત્તમ એવા જે ભગવાન તેમનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે તે આત્મા તો સર્વત્ર પૂર્ણ છે ને વિકારે રહિત છે ને તે આત્માને વિષે કાંઈ હેય ઉપાધિ નથી ને જેમ ભગવાન માયા થકી પર છે, તેમ આત્મા પણ માયા થકી પર છે, એવો જે આત્મા તે કઈ રીતે ભગવાનનું શરીર કહેવાય છે ? ને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે ને વિકારવાન છે ને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. માટે દેહને ને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે, તેમ પુરુષોત્તમને ને પુરુષોત્તમના શરીરને વિષે અત્યંત વિલક્ષણપણું જોઈએ તે કહો કેમ વિલક્ષણપણું છે ? પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈ થકી થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે ઉત્તર કરીએ જે, પુરુષોત્તમ ભગવાન છે તે સદાય મૂર્તિમાન છે ને મૂર્તિમાન હોય તે અશરીરીના આત્મા હોય, જેમ વરુણ મૂર્તિમાન છે તે અશરીરી જે જળ તે સર્વનો આત્મા છે ને મૂર્તિમાન જે અગ્નિ તે જ્વાળારૂપ જે અશરીરી અગ્નિ તે સર્વનો આત્મા છે ને મૂર્તિમાન જે સૂર્ય તે અશરીરી જે પ્રકાશ તેનો આત્મા છે, તેમ અશરીરી જે બ્રહ્મ તેના મૂર્તિમાન જે પુરુષોત્તમ ભગવાન તે આત્મા છે, એવી રીતે અક્ષર ને આ જે બ્રહ્મ તે પુરુષોત્તમનું શરીર છે ને પુરુષોત્તમ ભગવાન પોતે શરીરી છે અને જે અશરીરી હોય, તે અસમર્થ હોય ને આકાશની પેઠે શૂન્ય ધર્મવાળો હોય ને મૂર્તિમાન હોય, તે તો સમર્થ હોય ને જે ચાહે તે કરે, ને તે મૂર્તિમાન જે પુરુષોત્તમ ભગવાન તે આત્મા જે દ્રષ્ટા ને તે આત્મા જેમાં વ્યાપક છે એવું જે દૃશ્ય એ બેયના આત્માપણે કરીને વર્તે છે ને તે આત્મા જે પુરુષોત્તમ તે જ્યારે રૂપવાન એવું જે દૃશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દૃશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય ને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય, ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય છે ને વસ્તુતાએ તો રૂપમાન જે દૃશ્ય ને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે ને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દૃશ્ય એ બેયના દ્રષ્ટા છે. (૧) એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિષે મનુષ્ય જેવા જણાય છે. (૨) તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના-ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, ને અનંત ઐશ્વર્યને પામે છે. (૩) અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરે છે, તે તો બ્રહ્મસુષુપ્તિને વિષે લીન થાય છે તે પાછો કોઈ દિવસ નીસરતો નથી ને કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે માટે એમાં કાંઈ સંશય નથી. (૪) અને આ વાર્તા તો જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી, માટે આ વાર્તાને અતિ દૃઢ કરીને રાખજો. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૬૪।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, દ્રષ્ટા જે અમારું તેજ તે જેમાં વ્યાપક છે એવું દૃશ્ય જે મૂર્તિમાન અક્ષર એ બેયના અમે આત્મા છીએ અને એ બેયથી ન્યારા ને સદા મૂર્તિમાન છીએ. (૧) અને જીવોના કલ્યાણને અર્થે કૃપાએ કરીને મનુષ્ય રૂપે દેખાઈએ છીએ. (૨) અને જે અમને આવી રીતે દિવ્ય મૂર્તિમાન જાણીને અમારી ઉપાસના-ભક્તિ કરે તે અમારા સાધર્મ્યપણાને પામે છે ને અનંત ઐશ્વર્યને પામે છે. (૩) અને જે અમને નિરાકાર જાણીને ભજે તે બ્રહ્મસુષુપ્તિમાં લીન થાય છે તે કોઈ દિવસ નીસરતો નથી. (૪) અને અમારી મૂર્તિમાં સ્થિતિ થઈ હોય તે થકી જ આ વાત પમાય છે. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં અક્ષર કરતાં આત્માને પહેલે નંબરે ગણ્યા છે અને વળી સર્વત્ર પૂર્ણ અને વિકારે રહિત કહ્યા છે એ આદિક મોટાં મોટાં વિશેષણો શ્રીજીમહારાજના જેવાં જ આપ્યાં છે તે આત્મા કોને સમજવા ? અને આત્મા જેમાં વ્યાપક છે એવું દૃશ્ય કહ્યું તે દૃશ્ય કોને સમજવું ? અને આત્માના શરીરી શ્રીજીમહારાજને કેવી રીતે જાણવા ?
૧ ઉ. શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશને આત્મા કહ્યા છે અને આ આત્માને (પ્ર. ૪૫માં) સચ્ચિદાનંદ બ્રહ્મ નામે કહ્યા છે. (૬૬/૧માં) બ્રહ્મસત્તારૂપ પ્રકાશ નામે કહ્યા છે. (૭૧ના પાંચમા પ્રશ્નમાં) નિરાકાર અક્ષરબ્રહ્મ નામે કહ્યા છે. (કા. ૮/૧માં) નિર્ગુણ સ્વરૂપ નામે કહ્યાં છે ને અક્ષરના આત્મા કહ્યા છે. (પં. ૧/૧માં) પોતાની મૂર્તિનો પ્રકાશ તથા અક્ષરબ્રહ્મ તથા ધામ નામે કહ્યા છે. (મ. ૧૩/૨માં) આત્મા, બ્રહ્મ તથા અક્ષરધામ એ ત્રણ નામે કહેલ છે, (૫૦/૧માં) એકરસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ તથા અક્ષરબ્રહ્મ એ બે નામે કહ્યા છે, (છે. ૩૦ના પહેલા પ્રશ્નમાં) ચૈતન્યનો રાશિ કહેલ છે, (૩૬ના પહેલા પ્રશ્નમાં) આ આત્માને બ્રહ્મજ્યોતિ નામે કહ્યા છે, માટે આ બ્રહ્મ એટલે શ્રીજીમહારાજની મૂર્તિના તેજરૂપ આત્મા તે સર્વત્ર પૂર્ણ છે અને મૂર્તિમાન મૂળઅક્ષરના દ્રષ્ટા છે અને મૂર્તિમાન મૂળઅક્ષર તે આ આત્માનું દૃશ્ય છે. એટલે આ આત્મા મૂર્તિમાન મૂળઅક્ષરમાં વ્યાપક છે, માટે આત્માને દ્રષ્ટા કહ્યા છે. અને મૂર્તિમાન મૂળઅક્ષરને દૃશ્ય કહ્યા છે, માટે મૂળઅક્ષર છે તે આ આત્માનું શરીર છે અને આત્મા મૂળઅક્ષરના શરીરી છે એમ જાણવું. અને આ જે બ્રહ્મ કહેતાં આત્મા જે શ્રીજીમહારાજનું તેજ તે શ્રીજીમહારાજને આધારે છે, માટે શ્રીજીમહારાજ શરીરી છે ને આત્મા શરીર છે.
૨ પ્ર. અશરીરી હોય તે અસમર્થ હોય ને શૂન્ય ધર્મવાળો હોય ને મૂર્તિમાન હોય તે સમર્થ હોય એમ કહ્યું ત્યારે મૂળઅક્ષર તો મૂર્તિમાન છે, માટે સમર્થ હોવા જોઈએ અને આત્મા તો નિરાકાર છે માટે અસમર્થ હોવા જોઈએ, માટે અસમર્થ એવા જે નિરાકાર આત્મા તે મૂર્તિમાન મૂળઅક્ષરમાં વ્યાપક કેમ કહેવાય ?
૨ ઉ. જે મૂર્તિનું તેજ હોય તે મૂર્તિ આગળ અસમર્થ હોય પણ એથી જે ઓરા હોય તેનાથી તો સમર્થ હોય અને તેનું આધાર, વ્યાપક ને નિયામક હોય, માટે શ્રીજીમહારાજનું તેજ શ્રીજીમહારાજ આગળ અસમર્થ છે, પણ મૂળઅક્ષરનું તો આધાર ને વ્યાપક ને નિયંતા છે. અને મૂળઅક્ષરનું તેજ મૂળઅક્ષરની મૂર્તિ આગળ અસમર્થ છે, પણ વાસુદેવબ્રહ્મનું નિયંતા, આધાર ને વ્યાપક છે, અને વાસુદેવબ્રહ્મનું તેજ તે વાસુદેવની મૂર્તિ આગળ અસમર્થ છે, પણ મૂળપુરુષનું નિયંતા ને આધાર ને વ્યાપક છે, માટે કારણ આગળ અસમર્થ કહ્યું છે, પણ કાર્ય આગળ તો સમર્થ છે.
૩ પ્ર. દૃશ્ય અને દ્રષ્ટા કોને કોને કહેવાતા હશે ?
૩ ઉ. દેહને દૃશ્ય અથવા શરીર કહેવાય અને દેહને ધારણ કરનાર ચૈતન્ય વર્ગ જે જીવાત્મા તેને દેહના શરીરી, દ્રષ્ટા તથા આત્મા કહેવાય, અને ચૈતન્ય જીવવર્ગને ધારણ કરનારું જે મૂળપુરુષનું તેજ તેને જીવવર્ગનું શરીરી, દ્રષ્ટા તથા આત્મા કહેવાય, અને મૂર્તિમાન મૂળપુરુષને ચૈતન્ય જીવવર્ગના પરમાત્મા કહેવાય. અને વાસુદેવબ્રહ્મનું તેજ છે તેને મૂર્તિમાન મૂળપુરુષાદિકનું શરીરી, દ્રષ્ટા તથા આત્મા કહેવાય, અને મૂર્તિમાન વાસુદેવને મૂળપુરુષાદિકના પરમાત્મા કહેવાય, અને મૂળઅક્ષરના તેજને વાસુદેવબ્રહ્મ આદિકનું શરીરી, આત્મા તથા દ્રષ્ટા કહેવાય, અને મૂર્તિમાન મૂળઅક્ષરને વાસુદેવબ્રહ્મ આદિકના પરમાત્મા કહેવાય. અને શ્રીજીમહારાજનું તેજ છે તેને મૂળઅક્ષરાદિકનું શરીરી, દ્રષ્ટા તથા આત્મા કહેવાય, અને મૂર્તિમાન પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તેમને મૂર્તિમાન મૂળઅક્ષરાદિક સર્વના પરમાત્મા કહેવાય.
૪ પ્ર. આ ઉપર કહ્યા તે સર્વેને એકબીજાના ઉપરીનાં દર્શન થતાં હશે કે નહીં ?
૪ ઉ. જીવવર્ગ તો માયાબદ્ધ છે, તેથી મૂળપુરુષના તેજની ને જીવની વચ્ચે માયાનો પડદો છે, માટે જીવવર્ગને મૂળપુરુષના તેજનું દર્શન ન થાય ને મૂળપુરુષ તો વાસુદેવબ્રહ્મની સભામાંથી ઊઠ્યા છે ને એના કાર્યનો પ્રલય થાય છે, ત્યારે વાસુદેવની સમીપે રહે છે અને વાસુદેવબ્રહ્મનાં તથા મૂળઅક્ષરોનાં ધામ જુદાં જુદાં છે ને અચળ છે ને એમને પોતપોતાના ઉપરી પાસે આવવા-જવાની ગતિ નથી, માટે વાસુદેવબ્રહ્મને મૂળઅક્ષરનાં તેજ દ્વારે દર્શન થાય છે અને મૂળઅક્ષરને શ્રીજીમહારાજનાં તેજ દ્વારે દર્શન થાય છે, જેમ સમુદ્રને વિષે જળજંતુ રહ્યાં છે તે જળને દેખે છે, પણ વરુણને દેખતાં નથી તેમ. અને જેમ સૂર્યના પ્રકાશને વિષે મનુષ્ય, પશુ, પક્ષી આદિક સર્વે રહ્યાં છે તે સૂર્યના તેજને દેખે છે, પણ સૂર્યની મૂર્તિને દેખતા નથી તેમ. અને જેમ વાલખિલ્ય ઋષિ સૂર્યના સમીપે રહ્યા થકા સૂર્યનાં દર્શન કરે છે, તેમ શ્રી સ્વામિનારાયણના પરમ એકાંતિકમુક્તો તો તે સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરે છે અને અનાદિમુક્ત શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહ્યા થકા સુખ ભોગવે છે, આ વાત અમે નજરે જોઈને યથાર્થ જેમ છે તેમ કહી છે.
૫ પ્ર. શ્રીજીમહારાજે મૂર્તિમાન મૂળઅક્ષરને દૃશ્ય કહ્યા ને તે દૃશ્ય જે મૂર્તિમાન મૂળઅક્ષર તેનું આત્મા પોતાનું તેજ કહ્યું અને પોતાનું તેજ જે દ્રષ્ટા તેના આત્મા મૂર્તિમાન પોતાને કહ્યા, અને શાસ્ત્રમાં દૃશ્યના આત્મા કહ્યા હોય, ત્યારે મૂર્તિમાન કહ્યા હોય અને દ્રષ્ટાના આત્મા કહ્યા હોય ત્યારે અરૂપ કહ્યા હોય એમ કહ્યું તે પરોક્ષ શાસ્ત્રનો મત જોતાં તો મૂર્તિમાનના આત્મા મૂર્તિમાન થયા અને નિરાકારના આત્મા નિરાકાર થયા તે કેવી રીતે સમજવું ?
૫ ઉ. પરોક્ષ શાસ્ત્રમાં મૂળપુરુષ પુરુષોત્તમ ને માયા થકી થયું જે વિશ્વ તેના આત્મા કહ્યા હોય ત્યારે વિશ્વ રૂપે વર્ણવ્યા હોય, અને એ મૂળપુરુષનું તેજ જે વિશ્વનું આત્મા તેના આત્મા કહ્યા હોય ત્યારે અરૂપપણે વર્ણવ્યા હોય પણ વિશ્વ જે દૃશ્ય અને દ્રષ્ટા જે તેજ એ બેથી ન્યારા ન કહ્યા હોય, કેમ જે પરોક્ષ શાસ્ત્રમાં દૃશ્ય જે વિશ્વ તેને વિષે પોતાના તેજરૂપ અંતર્યામી શક્તિએ વ્યાપક થકા એ બેયથી મૂર્તિમાન ન્યારા છે તે વર્ણવ્યા નથી. માટે શ્રીજીમહારાજે કહ્યું છે જે, આ જે અમે વાત કરી તે તો જેને અમારા સ્વરૂપમાં એટલે અમારે વિષે સ્થિતિ થઈ હોય તે થકી જ પમાય છે. માટે શ્રીજીમહારાજે પોતાનો સિદ્ધાંત કહ્યો છે જે, અમારું તેજ મૂર્તિમાન અક્ષરનું આત્મા છે ને નિયંતા ને વ્યાપક છે અને એ તેજના પણ અમે મૂર્તિમાન આત્મા છીએ, અને એ અક્ષરથી ને અમારા તેજથી ન્યારા છીએ, એવી રીતે મૂળઅક્ષરથી તથા અમારા તેજથી અમને ન્યારા ને સદા દિવ્ય મૂર્તિમાન જાણીને અમારી ઉપાસના-ભક્તિ કરે તે અમારા સાધર્મ્યપણાને પામે છે અને અનંત ઐશ્વર્યને પામે છે એટલે અમારા અનાદિમુક્ત જેવા થાય છે અને બીજા સર્વેને આવી વાત સમજાવીને, પોતાના જેવા મુક્ત કરીને, અમારી મૂર્તિના સુખે સુખિયા કરે છે એમ કહ્યું છે, પણ અમારા વિના કાં અમારા મુક્ત વિના કોઈથી આ વાત પમાતી નથી ને સુખિયા પણ થવાતું નથી એમ કહ્યું છે. અને માયાની અંદર રહ્યા જે ચૈતન્ય જીવવર્ગ તેમનાં દૃશ્ય જે માયિક દેહો તે સાકાર છે અને પોતે ચૈતન્ય જીવવર્ગ જે દ્રષ્ટા તે નિરાકાર છે અને માયાથી પર જે મૂળપુરુષ તથા વાસુદેવબ્રહ્મ તથા મૂળઅક્ષર તે સર્વે દિવ્ય મૂર્તિમાન છે અને એ સર્વેનાં જે પોતપોતાનાં તેજ છે તે પોતપોતાનાં દૃશ્ય છે માટે મૂર્તિમાનનાં દૃશ્ય નિરાકાર છે ને પોતપોતાના તેજના દ્રષ્ટા જે પોતે તે મૂર્તિમાન છે અને એ સર્વેના દ્રષ્ટા શ્રીજીમહારાજ છે અને શ્રીજીમહારાજનું તેજ છે તે મૂર્તિમાન શ્રીજીમહારાજનું દૃશ્ય છે ને મૂર્તિમાન મૂળઅક્ષરનું દ્રષ્ટા છે ને મૂળઅક્ષરનું તેજ તે મૂળઅક્ષરનું દૃશ્ય છે ને મૂર્તિમાન વાસુદેવબ્રહ્મનું દ્રષ્ટા છે ને વાસુદેવનું તેજ તે વાસુદેવનું દૃશ્ય છે ને મૂર્તિમાન મૂળપુરુષનું દ્રષ્ટા છે અને મૂળપુરુષનું તેજ તે મૂળપુરુષનું દૃશ્ય છે ને મૂળમાયાની અંદર રહ્યા જે સર્વ ચૈતન્ય જીવવર્ગ તેનું દ્રષ્ટા છે અને એ જીવવર્ગ સર્વે નિરાકાર છે ને પોતપોતાના દેહના દ્રષ્ટા છે, કેમ કે તેને વિષે દેહદેહીભાવ છે.
૬ પ્ર. ત્રીજી બાબતમાં ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરનારો બ્રહ્મસુષુપ્તિમાં લીન થાય છે એમ કહ્યું તે બ્રહ્મસુષુપ્તિ કઈ જાણવી ?
૬ ઉ. આંહીં સાધનકાળમાં ભગવાનના અવતાર થાય છે તેને સગુણ જાણીને ધ્યાન, ભજન, ઉપાસના, ભક્તિ કરતો હોય અને એમની આજ્ઞામાં યથાર્થ વર્તતો હોય ને શાસ્ત્રમાં કહ્યા જે વિધિ-નિષેધ તે યથાર્થ પાળતો હોય પણ નિર્ગુણ સ્વરૂપ છે તે તો નિરાકાર છે એમ જાણતો હોય તે ભગવાનને મૂળપુરુષના તેજથી પર જાણી શકે નહિ, માટે તે મૂળપુરુષના તેજમાં જળે પાષાણવત્ લીન થાય છે પણ તેથી પર નિરાકાર સમજનારની ગતિ નથી તે તેજને આ ઠેકાણે બ્રહ્મસુષુપ્તિ કહી છે અને જે ભગવાનને કેવળ નિરાકાર જાણે છે ને પૃથ્વીને વિષે ભગવાનના અવતાર થાય છે તેનું ભજન-વંદન કરતા નથી તે શુષ્ક વેદાંતી તો નારકી થાય છે. ।।૬૪।।