વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૧

સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજતા હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળી પાઘ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ ઝાંઝ-પખાજ લઈને કીર્તન ગાતા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી.

       પછી તે સર્વેને શ્રીજીમહારાજે છાના રાખ્યા, ને એમ બોલ્યા જે, સર્વે સાંભળો એક વાર્તા કરીએ : એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, (૧) જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઇચ્છા હોય, તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષે અચળ નિષ્ઠા, તથા આત્મનિષ્ઠાની અતિશે દૃઢતા, તથા એક ભગવાન વિના બીજા સર્વે પદાર્થને વિષે અરુચિ, તથા ભગવાનને વિષે માહાત્મ્યે સહિત એવી નિષ્કામભક્તિ, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશે પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ ને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે. (૧)

અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતાં-પીતાં, ન્હાતાં-ધોતાં, ચાલતાં-બેઠતાં સર્વે ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું, અને જ્યારે અંતરમાં કાંઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરવું, ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, અને જો અંતરમાં સંકલ્પ-વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, વિષય એ સર્વેથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું, ને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. (૨)

અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહિ ને દેહનાં જે સંબંધી તેને પોતાનાં સંબંધી માનવાં નહિ, કેમ જે આ જીવ છે તે ચોરાશી લાખ જાત્યના દેહને પૂર્વે ધરી આવ્યો છે, ને જેટલી જગતમાં સ્ત્રીઓ છે, તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરિયું, જેટલી મીનડિયું, જેટલી વાનરિયું, એ આદિક જે જે ચોરાશીમાં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે. અને જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે, તેમાં કેઈ એણે સ્ત્રી નથી કરી ? સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે તેમ જ એ જીવે સ્ત્રીના દેહ ધરીને જગતમાં જેટલી જાત્યના પુરુષ છે, તે સર્વેને પોતાના ધણી કર્યા છે, તેટલા માટે જેમ એ ચોરાશી લાખ જાત્યના સગપણને હમણે માનતા નથી, તથા ચોરાશી લાખ જાત્યના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમ જ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહિ, ને આ દેહનાં સંબંધીને પોતાનાં સંબંધી માનવાં નહિ, કેમ જે ચોરાશી લાખ જાત્યના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહિ, તો આ દેહનો સંબંધ પણ નહિ જ રહે. તે માટે દેહગેહાદિક સર્વે પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને, તથા પોતાના ધર્મમાં રહીને, ભગવાનની નિષ્કામભક્તિ કરવી. (૩) અને દિવસે દિવસે ભગવાનનું અતિશે માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. (૪) અને જે આવી રીતે નથી સમજતો ને કેવળ દેહાભિમાની ને પ્રાકૃત મતિવાળો છે, ને તે જો સત્સંગમાં પડ્યો છે, તોપણ એને પશુ જેવો જાણવો. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે, તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય ! પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. (૫) એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહ્યું એવી સમજણ હોય તેને જ કહીએ અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને, ને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. (૬) તે અક્ષરનાં બે સ્વરૂપ છે : એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ; બ્રહ્મમોહોલ કહીએ; અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે. (૭) અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે, ને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને એ અક્ષરધામને વિષે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ તે સદા વિરાજમાન છે. અને એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંતકોટિ મુક્ત રહ્યા છે તે સર્વે પુરુષોત્તમના દાસભાવે વર્તે છે, ને પુરુષોત્તમનારાયણ તે સર્વેના સ્વામી છે, ને અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જે, આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે ને એ અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજૂર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઇચ્છવું નથી, ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. એવો દૃઢ નિશ્ચય રાખીને, નિરંતર ભગવાનની એકાંતિકભક્તિ કરવી, અને ભગવાનનું અતિશે માહાત્મ્ય યથાર્થ સમજીને, ભગવાન વિના બીજા જે સ્ત્રી-ધનાદિક સર્વે પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી. (૮) અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વે પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. (૯) ઇતિ વચનામૃતમ્‌ ।।૨૧।।

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં સ્વધર્માદિક ચાર સાધન દૃઢ કરે તેના ઉપર અમે પ્રસન્ન થઈએ છીએ. અને એ ચાર સાધન તે એકાંતિક ધર્મ છે. (૧) અને સર્વે ક્રિયામાં અમારી મૂર્તિનું ચિંતવન કરવું. (૨) અને દેહગેહાદિકને અસત્ય જાણીને તેથી પોતાનું સ્વરૂપ જુદું માનીને, ધર્મે સહિત અમારી નિષ્કામભક્તિ કરવી. (૩) ને અમારો મહિમા સમજવા માટે સાધુનો સંગ રાખવો. (૪) અને અમારે પ્રતાપે પશુનું પણ કલ્યાણ થાય છે. (૫) અને અમારા એકાંતિક ભક્ત અર્ચિમાર્ગે કરીને અક્ષરધામને પામે છે, ને અમારી સેવામાં રહે છે. (૬) અને તે અક્ષરધામનાં બે સ્વરૂપ છે. (૭) અને મુક્ત સર્વે અમારા દાસ છે ને અમે સર્વેના સ્વામી છીએ. (૮) અને અમારા વિના બીજી વાસના રહી ગઈ હોય, તેને સિદ્ધિઓ દેખાય તેમાં મોહ પામે તો મોટું વિઘ્ન થાય, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૯) બાબતો છે.

       પ્ર. ચોથી બાબતમાં સાધુનો સમાગમ કરવાનો કહ્યો, તે સાધુ કોને જાણવા ? ને નિરંતર સંગ રાખવાનો કહ્યો, તે કેવી રીતે સંગ રાખે તે નિરંતર સંગ રાખ્યો કહેવાય ?

       ઉ. શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના હોય ને સ્વધર્માદિક ચાર સાધને યુક્ત હોય, તેને આ ઠેકાણે સાધુ કહ્યા છે. અને એ સાધુનો સંગ સદાય કરવો. એવા સાધુનો યોગ દેહે કરીને ન હોય ત્યારે એ સાધુ થકી પ્રથમ જ્ઞાન સાંભળેલું હોય, તે સંભારીને તે પ્રમાણે નિરંતર વર્તવું તે નિરંતર સંગ રાખ્યો કહેવાય.

       પ્ર. પાંચમી બાબતમાં પશુ જેવાનું કલ્યાણ થાય એમ કહ્યું, તે કેવાં લક્ષણવાળો હોય તેને પશુ જેવો જાણવો ?

       ઉ. સ્થૂળ દેહે વર્તમાન પાળતો હોય પણ સૂક્ષ્મ દેહમાં વિષયના સંકલ્પ થતા હોય, ને દેહાભિમાન હોય, ને વાસના હોય, ને આત્મા-પરમાત્માનું જ્ઞાન ન હોય, ને કથા-વાર્તામાં સમજતો ન હોય અને કોઈનો અવગુણ ન લેતો હોય, તે ત્યાગીમાં અથવા ગૃહસ્થમાં હોય તેને પશુ તુલ્ય કહ્યો છે.

       પ્ર. છઠ્ઠી બાબતમાં અર્ચિમાર્ગે કરીને અક્ષરધામને પામે છે એમ કહ્યું, તે અર્ચિમાર્ગ તે કિયો સમજવો ? અને અક્ષરધામ કિયું જાણવું ?

       ઉ. ચાર સાધને યુક્ત એવા એકાંતિક સાધુનો સંગ કરીને ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત નિષ્કામભક્તિ, એ ચાર સાધન સિદ્ધ કરીને એકાંતિક થાય, તે માયાથી મુક્ત થયો કહેવાય. પછી તેને શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રહેવા માંડે, તે વૃત્તિ રાખતાં રાખતાં દેહની વિસ્મૃતિ થાય ને શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ દેખાય. તે તેજદ્વારાએ શ્રીજીમહારાજની મૂર્તિ દેખાય, તે તેજને અર્ચિમાર્ગ કહ્યો છે. અને શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષરધામ કહ્યું છે. તે (પં. ૧/૧માં) પોતાની મૂર્તિના પ્રકાશને પોતાને રહેવાનું ધામ કહ્યું છે. તથા (મ. ૧૩/૨માં) પોતાના તેજને આત્મા તથા બ્રહ્મ તથા અક્ષરધામ કહ્યું છે. આનો વિસ્તાર (પ્ર. ૭ના છઠ્ઠા પ્રશ્નોત્તરમાં તથા ૪૫ના બીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.

       પ્ર. શ્રીજીમહારાજના તેજરૂપ ધામને શ્રીજીમહારાજને વિષે સ્વામી-સેવકભાવ છે કે નથી ?

       ઉ. જેમ સૂર્યના પ્રકાશને સૂર્યને વિષે તથા અગ્નિની જ્વાળાને અગ્નિને વિષે સ્વામી-સેવકભાવ નથી તેમ શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને શ્રીજીમહારાજને વિષે સ્વામી-સેવકભાવ નથી, કેમ જે એ તેજ મૂર્તિનું કાર્ય છે પણ મૂર્તિથી જુદી વસ્તુ નથી, માટે સ્વામી-સેવકભાવ નથી, પણ કાર્ય-કારણભાવ ને શરીર-શરીરીભાવ છે.

       પ્ર. જે વસ્તુ જુદી ન હોય તેમાં કાર્ય-કારણભાવ ને શરીર-શરીરીભાવ કેવી રીતે હોય ?

       ઉ. જેમ સૂર્યનું તેજ સૂર્યને આધારે છે ને અગ્નિની જ્વાળા અગ્નિને આધારે છે તેમ શ્રીજીમહારાજનું તેજ શ્રીજીમહારાજને આધારે છે. માટે આધાર-આધેયભાવ ને કાર્ય-કારણભાવ તથા શરીર-શરીરીભાવ છે એમ (પ્ર. ૬૪/૧માં) કહ્યું છે.

       પ્ર. અક્ષરધામ શ્રીજીમહારાજથી જુદી વસ્તુ નથી ત્યારે (૭મી બાબતમાં) એ અક્ષરધામ બીજે રૂપે કરીને શ્રીજીમહારાજની સેવામાં રહે છે, એમ કહ્યું તે બીજું રૂપ કેવી રીતે સમજવું ? અને સેવા શી સમજવી ?

       ઉ. શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ છે તે મૂર્તિમાન મૂળઅક્ષરનું શરીરી, વ્યાપક, દ્રષ્ટા, આત્મા ને આધાર છે. તે મૂળઅક્ષરમાં અંતર્યામીપણે રહીને તે મૂળઅક્ષર દ્વારે સર્વેની ઉત્પત્ત્યાદિક કરાવે છે. તે મૂર્તિમાન અક્ષરને આ તેજરૂપ અક્ષરધામનું બીજું રૂપ કહ્યું છે અને સર્વેની ઉત્પત્તિ કરવી તે સેવા કહી છે, પણ હજૂરની સેવા કહી નથી; અખંડ સેવામાં તો મુક્ત રહ્યા છે એમ કહ્યું છે. અને મુક્તને જ પોતાના દાસ કહ્યા છે, ને પોતાને મુક્તના સ્વામી કહ્યા છે. અને અક્ષરધામ તો શ્રીજીમહારાજનો પ્રકાશ છે તે પ્રકાશરૂપ ધામને ને શ્રીજીમહારાજને સ્વામી-સેવકપણું કહેવાય નહીં. અને (આઠમી બાબતમાં) અક્ષરના સાધર્મ્યપણાને પામે છે, એમ કહ્યું છે, તે નિરાકાર અક્ષરના સાધર્મ્યપણાને પામે છે, એમ કહ્યું છે. પણ મૂર્તિમાન અક્ષરના સાધર્મ્યપણાને પામે છે, એમ નથી કહ્યું, કેમ જે મૂર્તિમાન અક્ષરના મુક્ત તો જુદા છે. અને શ્રીજીમહારાજના તેજરૂપ થઈને એ તેજમાં એકતા કરે તો જ શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય. તે (મ. ૫૦માં) એકરસ પરિપૂર્ણ એવું બ્રહ્મ સ્વરૂપ, જે શ્રીજીનું તેજ, તેમાં આત્માને લીન કરીને, તેમાં મહારાજ ને મુક્ત રહ્યા છે તેમને વિષે પ્રીતિ જોડવી એમ કહ્યું છે. માટે અક્ષરના સાધર્મ્યપણાને પામવાની વાત જ્યાં આવે, ત્યાં શ્રીજીમહારાજના તેજરૂપ નિરાકાર અક્ષર જાણવું, તે નિરાકાર અક્ષર જે શ્રીજીમહારાજનું તેજ તેમાં એકતા કરવાથી શ્રીજીની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે ત્યારે તે મુક્તનો ચૈતન્ય શ્રીજીમહારાજના જેવો જ સાકાર થઈ જાય છે, જેમ ભમરીને ધ્યાને ઇયળની ભમરી થઈ જાય છે તેમ.

       પ્ર. શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને સાકાર મૂળઅક્ષરનું શરીરી ને વ્યાપક, દ્રષ્ટા ને આત્મા કહ્યું તે કિયા વચનામૃતમાં કહ્યું છે ?

       ઉ. (પ્ર. ૬૪/૧માં) આ અક્ષરધામને સાકાર મૂળઅક્ષરનું શરીરી તથા વ્યાપક, દ્રષ્ટા ને આત્મા કહ્યું છે, ને (કા. ૮/૧માં) પણ સાકાર અક્ષરનું આત્મા કહ્યું છે.

       પ્ર. અક્ષરધામને વિષે શ્રીજીમહારાજની સેવા મુક્ત કરે છે એમ કહ્યું તે ધામમાં સેવા શી હશે ?

૮       ઉ. શ્રીજીમહારાજના મહિમાનું મુક્તને અપારપણું રહે છે તેણે કરીને અતિશે દૃઢ સ્વામી-સેવકભાવ છે. તે સ્વામી-સેવકભાવ એ જ સેવા કહી છે, માટે સેવકભાવ છે એ જ સેવા છે. ।।૨૧।।