વચનામૃત ગઢડા પ્રથમનું - ૭

સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મવાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી ને ભ્રમી જવાય છે માટે એ અધ્યાત્મવાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો જે, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહે યુક્ત જે જીવને કહેવો તે એ જીવનો વાચ્યાર્થ છે ને એ ત્રણ દેહથી પૃથક્‌પણે સત્તામાત્ર જે કહેવો તે જીવનો લક્ષ્યાર્થ છે, તથા વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનો વાચ્યાર્થ છે અને એ ત્રણ શરીરથી પૃથક્‌ ને સત્તામાત્રપણે કહેવા તે ઈશ્વરનો લક્ષ્યાર્થ છે, તથા માયા ને માયાનાં કાર્ય જે અનંતકોટિ બ્રહ્માંડ તેને વિષે અન્વયપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનો વાચ્યાર્થ છે અને એ સર્વેથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનો લક્ષ્યાર્થ છે, તથા અક્ષરબ્રહ્મ ને ઈશ્વર ને જીવ ને માયા ને માયાનાં કાર્ય જે બ્રહ્માંડ એમને વિષે જે શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા ને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનો વાચ્યાર્થ છે અને એ સર્વેથી પૃથક્‌પણે કરીને પોતાના ગોલોક ધામને વિષે જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનો લક્ષ્યાર્થ છે. (૧) અને એ પુરુષોત્તમ ભગવાન ને અક્ષરબ્રહ્મ ને માયા ને ઈશ્વર ને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।।।          રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે જીવકોટિ, ઈશ્વરકોટિ અને અક્ષરકોટિનું તથા પોતાનું વાચ્યાર્થ એટલે અન્વયપણું અને લક્ષ્યાર્થ એટલે વ્યતિરેકપણું કહ્યું છે અને પોતાને રહેવાનું પોતાની કિરણોના મધ્યને વિષે બ્રહ્મજ્યોતિરૂપ ધામ છે તેને જીવકોટિ, ઈશ્વરકોટિ તથા અક્ષરકોટિથી પર કહ્યું છે. (૧) અને પાંચ ભેદ અનાદિ કહ્યા છે. (૨) બાબતો છે.

પ્ર. પહેલી બાબતમાં જીવ, ઈશ્વર ને અક્ષરબ્રહ્મ કહ્યા તે કોને કોને જાણવા ?

ઉ. (છે. ૧૦માં) જે મૂળમાયામાં રહ્યા તે સર્વને જીવ કહ્યા છે માટે પ્રધાનપુરુષ સુધી જીવકોટિ છે. પણ આ ઠેકાણે વૈરાજથી ઉત્પન્ન થયા તે સર્વેને જીવ કહ્યા છે પણ વાસ્તવિક રીતે તો મૂળમાયાની અંદર જે રહ્યા છે તે સર્વે જીવ કહેવાય. અને ઈશ્વર પણ એ જ વચનામૃતમાં મૂળપુરુષને કહ્યા છે, પરંતુ આ ઠેકાણે વૈરાજપુરુષને ઈશ્વર કહ્યા છે પણ વાસ્તવિક રીતે ઈશ્વર તો મૂળપુરુષ છે, અને મૂર્તિમાન મૂળઅક્ષરને આ ઠેકાણે અક્ષરબ્રહ્મ કહ્યા છે. અને શ્રીજીમહારાજે પોતાને શ્રીકૃષ્ણ નામે કહ્યા છે.

પ્ર. આમાં શ્રીજીમહારાજે વૈરાજથી પર પાધરા જ અક્ષરબ્રહ્મને કહ્યા છે ને તેના વચમાં પ્રધાનપુરુષ તથા પ્રકૃતિપુરુષને ગણ્યા નથી તેથી કરીને પ્રધાનના અધિષ્ઠાતા પુરુષને જ અક્ષરબ્રહ્મ સમજાય છે અને પ્રધાનપ્રકૃતિને જ માયા સમજાય છે ને મૂળપુરુષને શ્રીકૃષ્ણ સમજાય છે ને ગોલોક પણ મૂળપુરુષનું ધામ સમજાય છે ને બ્રહ્મજ્યોતિ તે મૂળપુરુષનો પ્રકાશ સમજાય છે અને તમે તો મૂળમાયાને માયા કહો છો ને તેથી પર મૂળપુરુષને તથા વાસુદેવબ્રહ્મને મૂકીને મૂળઅક્ષરને અક્ષરબ્રહ્મ કહો છો અને શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ કહો છો તે કાંઈ સમજાતું નથી માટે કૃપા કરીને સમજાવો.

ઉ. શ્રીજીમહારાજે કહ્યું જે, અધ્યાત્મવાર્તા કોઈને સમજાતી નથી એનો અર્થ એવો છે જે કોઈને એટલે અમે ને અમારા મુક્ત વિના કોઈને સમજાતી નથી અને બીજું સર્વેને સાંભળવાનું કહ્યું છે. તેનો અર્થ એવો છે કે અક્ષરાદિક સર્વે અવતારોને પણ સાંભળવાનું કહ્યું, માટે શ્રીજીમહારાજે પોતાનો સિદ્ધાંત કહ્યો છે પણ પરોક્ષ શાસ્ત્રનો સિદ્ધાંત નથી કહ્યો કેમ જે પરોક્ષ શાસ્ત્રનો સિદ્ધાંત તો શાસ્ત્રોના કરનારા જાણે છે જ; તે સિદ્ધાંત કહેવાનું કાંઈ પ્રયોજન નથી, અને કોઈ વચનામૃતમાં પ્રધાનપ્રકૃતિને મૂળમાયા કહી નથી, ને તેના પતિ પુરુષને અક્ષર કહ્યા નથી; પ્રધાનપુરુષને તો (પ્ર. ૧૨ના બીજા પ્રશ્નમાં) મૂળમાયામાંથી ઉત્પન્ન થયા છે એમ કહ્યું છે અને મૂળમાયાને ક્ષેત્ર કહી છે અને (છે. ૧૦માં) મૂળમાયાને પૃથ્વીને ઠેકાણે કહી છે અને પ્રધાનપુરુષાદિક સર્વેને બીજને ઠેકાણે એટલે જીવ કહ્યા છે ને મૂળપુરુષને ઈશ્વર કહ્યા છે ને મેઘને ઠેકાણે કહ્યા છે, માટે માયામાંથી ઉત્પન્ન થાય ને માયામાં લીન થાય તે તો જીવ જ કહેવાય પણ ઈશ્વર કહેવાય નહિ, તો બ્રહ્મ કે અક્ષર તો કહેવાય જ કેમ ? માટે શ્રીજીમહારાજે આ વચનામૃતમાં વૈરાજથી લઈને મૂળપુરુષ સુધી ઈશ્વરમાં ગણ્યા છે, અને મૂળમાયાને જ માયા કહી છે ને મૂળઅક્ષરને જ અક્ષરબ્રહ્મ કહ્યા છે અને પોતાના તેજની કિરણોને જ ગોલોક નામે કહેલ છે ને પોતાના તેજને જ બ્રહ્મજ્યોતિ કહેલ છે ને પોતાને જ શ્રીકૃષ્ણ નામે કહ્યા છે.

પ્ર. પરથારાની પહેલી બાબતમાં ગોલોકના મધ્યને વિષે અક્ષરધામ કહ્યું છે અને આમાં તો ગોલોકને જ ધામ કહ્યું તે પરસ્પર વિરોધ આવ્યો તે કેમ સમજવું ?

ઉ. ધામ શબ્દ ઘણે ઠેકાણે પ્રવર્તે છે. બ્રહ્મજ્યોતિની કિરણોને અને બ્રહ્મજ્યોતિને અને શ્રીજીમહારાજની મૂર્તિને અને મૂળઅક્ષર એ સર્વને ધામ નામે કહેવાય છે.

પ્ર. શ્રીજીમહારાજને તથા મૂળઅક્ષરને કિયાં કિયાં વચનામૃતોમાં ધામ નામે કહ્યાં છે ?

ઉ. (પં. ૭/૧માં) શ્રીજીમહારાજે પોતાને ધામ નામે કહ્યા છે. (પ્ર. ૫૧ તથા ૬૩ના ૩/૩ ત્રીજા પ્રશ્નમાં) તથા (સા. ૧૭માં) મૂળઅક્ષરને ધામ નામે કહ્યા છે, અને પરથારાની પહેલી બાબતમાં પોતાનો પ્રકાશ જે બ્રહ્મજ્યોતિ તેને ધામ નામે કહેલ છે અને આ ઠેકાણે બ્રહ્મજ્યોતિની કિરણોને ધામ નામે કહેલ છે.

પ્ર. આમાં અક્ષરબ્રહ્મને સાકાર કહ્યા ને તેથી પર ગોલોક ધામને વિષે બ્રહ્મજ્યોતિ છે તેમાં અમે રહ્યા છીએ એમ કહ્યું, અને પરથારાના બીજા પ્રશ્નોત્તરમાં (મ. ૫૦ની) શાખ્ય આપી છે, તેમાં શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષરબ્રહ્મ કહ્યા છે માટે તે સાકાર અક્ષરબ્રહ્મ કોને જાણવા ? અને નિરાકાર અક્ષરબ્રહ્મ કોને જાણવા ?

ઉ. આમાં અધિકારીવર્ગવાળા મૂળઅક્ષરને સાકાર અક્ષરબ્રહ્મ કહ્યા છે અને પરથારાના બીજા પ્રશ્નોત્તરમાં શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષરબ્રહ્મ કહ્યા છે અને સાકાર અક્ષરબ્રહ્મને (પ્ર. ૬૪/૧માં) અક્ષર નામે કહ્યા છે ને નિરાકાર અક્ષરબ્રહ્મને આત્મા નામે કહ્યા છે ને સાકાર મૂળઅક્ષરના દ્રષ્ટા કહ્યા છે. ને સાકાર મૂળઅક્ષરને તે આત્માનાં દૃશ્ય કહ્યાં છે, તથા (કા. ૮/૧માં) સાકાર મૂળઅક્ષરને અક્ષર કહ્યા છે અને નિરાકાર અક્ષરબ્રહ્મને તે સાકાર મૂળઅક્ષરબ્રહ્મના આત્મા કહ્યા છે.

પ્ર. કયાં કયાં વચનામૃતોમાંથી સાકાર અક્ષરબ્રહ્મને સમજવા ? અને કયાં કયાંમાંથી સાકાર અક્ષરબ્રહ્મથી પર ને તેના કારણ, આધાર, વ્યાપક, નિયંતા, દ્રષ્ટા ને આત્મા એવા જે શ્રીજીમહારાજના તેજરૂપ બ્રહ્મજ્યોતિ જે અક્ષરબ્રહ્મ તેને સમજવા ?

ઉ. (પ્ર. ૭/૧માં) શ્રીજીમહારાજ અક્ષરબ્રહ્મને વિષે અન્વયપણે રહ્યા છે એમ કહ્યું છે તે અક્ષરબ્રહ્મ સાકાર જાણવા. (પ્ર. ૨૧/૭માં) એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમની સેવામાં રહે છે એમ કહ્યું છે તે શ્રીજીમહારાજના પ્રકાશરૂપ નિરાકાર અક્ષરધામ છે તે મૂળઅક્ષરમાં વ્યાપીને તે મૂળઅક્ષર દ્વારે સૃષ્ટિ કરાવે છે તે સૃષ્ટિકર્તા મૂળઅક્ષર તે નિરાકાર અક્ષરનું બીજું સ્વરૂપ છે અને તે સાકાર છે. (૩૩ના પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ અક્ષર  રૂપે વર્તે છે એમ કહ્યું છે. (૪૧માં) શ્રીજીમહારાજ અંતર્યામી રૂપે રહ્યા છે. (૬૩ના ૩/૩ ત્રીજા પ્રશ્નમાં) અક્ષરધામ નામે કહ્યા છે. (૬૪માં) અક્ષર કહ્યા છે, (૭૨ના ૨/૩ બીજા પ્રશ્નમાં) અક્ષર કહ્યા છે. અને ચોથી બાબતમાં “અક્ષરબ્રહ્મના આત્મા છે. અને તે અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે ને તે અક્ષરથી ન્યારા છે.” તે અક્ષર સાકાર જાણવા. (સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ અન્વયપણે રહ્યા છે. (કા. ૮/૧માં) “નિર્ગુણ સ્વરૂપ અક્ષરનું આત્મા છે.” (૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) “અક્ષર જેવો થાય” એમ કહ્યું છે. (લો. ૪ના ૨/૬ બીજા પ્રશ્નમાં) અમારા જેવો થવાને અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી. (ના ૩/૮ ત્રીજા પ્રશ્નમાં) અક્ષરથી પર શ્રીજીમહારાજને કહ્યા છે. (૧૦ના ૬/૮ છઠ્ઠા પ્રશ્નમાં) અમે અક્ષરના આત્મા છીએ. (૧૩ના બીજા પ્રશ્નમાં) “અક્ષરને પણ ભગવાન ન કહેવાય.” (૧૫ના પાંચમા પ્રશ્નમાં) અક્ષર કહ્યા છે. (૧૭ના ૫/૭ પાંચમા પ્રશ્નમાં) અક્ષરને શ્રીજીમહારાજે પોતાની શક્તિ કહી છે. (૧૮/૨માં) અક્ષરનો ભાવ અમારે વિષે આવે એમ કહ્યું છે. (અ. ૪/૧માં) અક્ષરાદિક મુક્તના નિયંતા છીએ. (ના પહેલા પ્રશ્નમાં) “અક્ષરાદિક મુક્તને નિયમમાં રાખવા સમર્થ છે.” (ના ૨/૩ બીજા પ્રશ્નમાં) “અક્ષરાદિકના સ્વામી ને પરબ્રહ્મ પુરુષોત્તમ તે જ આ સત્સંગને વિષે વિરાજમાન છે.” (પ્ર. ૫૧ તથા ૬૩ના ૩/૩ ત્રીજા પ્રશ્નમાં તથા સા. ૧૭/૧ એ ત્રણમાં) અક્ષરધામ નામે કહ્યા છે. એ વચનામૃતોમાં સાકાર અક્ષરબ્રહ્મ સમજવા. (૧)

હવે સાકાર અક્ષરબ્રહ્મથી પર ને એનું આત્મા, આધાર, વ્યાપક ને દ્રષ્ટા જે શ્રીજીમહારાજની મૂર્તિના તેજરૂપ નિરાકાર અક્ષરધામ જે બ્રહ્મજ્યોતિરૂપ અક્ષરબ્રહ્મ જેમાં કહેલ છે, તે વચનામૃતો લખીએ છીએ. પરથારાની પહેલી બાબતમાં સચ્ચિદાનંદ, બ્રહ્મપુર, અમૃતધામ, પરમપદ, અનંત, અપાર, બ્રહ્મ, ચિદાકાશ એ નામે કહેલ છે; (પ્ર. ૧ના ત્રીજા પ્રશ્નમાં) ભગવાનનું ધામ કહ્યું છે, (/૧માં) બ્રહ્મજ્યોતિ નામે કહેલ છે, (ના ૨/૪ બીજા પ્રશ્નમાં) “જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે અમને આવડે છે.” (/૨માં) “પોતાના ધામને વિષે ઐશ્વર્ય તથા મૂર્તિઓ દેખાડે છે.” (૧૨ના ત્રીજા પ્રશ્નમાં) “તેજોમય ભગવાનનું ધામ તેને પામે છે”, (૧૮/૪માં) “મુક્ત થઈને ધામમાં જાશે”, (૨૧/૬માં) “અર્ચિમાર્ગે કરીને અક્ષરધામને પામે છે” તથા (સાતમી બાબતમાં) “નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ; બ્રહ્મમોહોલ કહીએ” તથા અક્ષર તથા અક્ષરધામ નામે કહ્યું છે તથા (આઠમી બાબતમાં) અક્ષરધામ તથા અક્ષર નામે કહ્યું છે, (૩૧ના ૨/૩ બીજા પ્રશ્નમાં) “અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે મને પ્રત્યક્ષ મળ્યા છે.” (૩૭/૫માં) “ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજૂરમાં રહે છે”, (૪૦ના પહેલા પ્રશ્નમાં) “અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને મૂર્તિને વિષે નિમગ્ન રહેતો હોય”, (૪૫માં) “સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેમનું તેજ છે”, (૪૬માં) સર્વાધાર અને ચિદાકાશ શબ્દથી કહેલ છે, (૫૬ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) “પરમપદને પામે છે.” તથા “સ્વામિનારાયણ નામ ઉચ્ચારણ થાય તો પાપથી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે”, (૫૯ના પહેલા પ્રશ્નમાં) “આ ભગવાન બ્રહ્મમોહોલાદિક ધામના પતિ છે”, (૬૦ના ૨/૨ બીજા પ્રશ્નમાં) “ભગવાનનું અતિશય માહાત્મ્ય જાણવું જોઈએ જે, ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોહોલ, તે સર્વે ધામના પતિ છે”, (૬૩ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) “પોતાની કાન્તિએ કરીને અન્વયપણે રહ્યા છે” ત્યાં કાન્તિ શબ્દથી પોતાના પ્રકાશરૂપ ધામને કહેલ છે. તથા “તે અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત મુક્ત ભગવાનની સેવાને વિષે રહે છે”, ત્યાં અક્ષરધામ શબ્દથી કાન્તિ જે પ્રકાશ તેને કહેલ છે, (૬૪/૧માં) આત્મા તથા બ્રહ્મ તથા દ્રષ્ટા નામથી કહેલ છે, (૬૬/૧માં) “બ્રહ્મસત્તારૂપ પ્રકાશ તે પુરુષોત્તમની મૂર્તિનો છે.” તથા (બીજી બાબતમાં) “એકાંતિક સંત ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે”, (૭૧ના પાંચમા પ્રશ્નમાં) નિરાકાર અક્ષરબ્રહ્મ, બ્રહ્મપુર, અક્ષરધામ શબ્દથી કહેલ છે, તથા (છઠ્ઠી બાબતમાં) ધામ તથા અક્ષરધામ શબ્દથી કહેલ છે, (૭૨ના ૨/૪ બીજા પ્રશ્નમાં) “ભગવાન અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે,” તે શક્તિ શબ્દ શ્રીજીમહારાજના પ્રકાશવાચક છે. (૭૩ના ૫/૬ પાંચમા પ્રશ્નમાં) “પુરુષોત્તમ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર તે થકી પણ પર છે” તથા (નવમી બાબતમાં) “બ્રહ્મથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્‌ દર્શન થાય છે” તથા (૧૦મી બાબતમાં) “બ્રહ્મનો પ્રકાશ દેખીને પુરુષોત્તમ ભગવાનથી બ્રહ્મમાં અધિકપણું માને,” (૭૮ના નવમા પ્રશ્નમાં) “અક્ષરાતીત છે”, (અગિયારમા પ્રશ્નમાં) “આ ભગવાન ને આ સંત બ્રહ્મપુરાદિક ધામના નિવાસી છે”, (સોળમા પ્રશ્નમાં) “અક્ષરાતીત એવા જે આ પુરુષોત્તમ ભગવાન તેની ઇચ્છાએ કરીને બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, ને પોતાની શક્તિએ કરીને ધારી રહ્યા છે.” (સા. ૧૦ના ૨/૪ બીજા પ્રશ્નમાં) ધામ તથા શ્વેતદ્વીપ એ બે નામથી કહેલ છે, (૧૧ના બીજા પ્રશ્નમાં) “સાધનની ન્યૂનતાવાળો અક્ષરધામને ન પામે.” (૧૨ના ૨/૩ બીજા પ્રશ્નમાં) “બ્રહ્મને વિષે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન અખંડ વિરાજે છે.” (૧૪ના પહેલા પ્રશ્નમાં) “ભગવાનની ઇચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે છે.” (૧૭/૨માં) “મહાતેજ જેવો થાય.” (કા. ૭ના ચોથા પ્રશ્નમાં) “પ્રકૃતિપુરુષ તે અક્ષરબ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે. પછી એકલું સચ્ચિદાનંદ ચિદ્‌ઘન તેજ રહે છે.” (પાંચમી બાબતમાં) અક્ષરધામ શબ્દથી કહેલ છે. (/૧માં) સગુણ-નિર્ગુણ ઐશ્વર્ય શબ્દથી કહેલ છે. (લો. ૩/૨માં) ધામ કહેલ છે અને (ત્રીજી બાબતમાં) બ્રહ્મમોહોલ કહેલ છે. (ના પહેલા પ્રશ્નમાં) અક્ષરધામ કહેલ છે. (ના ૨/૪ બીજા પ્રશ્નમાં) “બ્રહ્મરૂપ થયો તેને જ ભગવાનની ભક્તિનો અધિકાર છે.” (૧૦ના ૬/૮ છઠ્ઠા પ્રશ્નમાં) સર્વાત્માબ્રહ્મ નામે કહેલ છે. (૧૨ના પહેલા પ્રશ્નમાં) “ધામરૂપ અક્ષર તેને વિષે રહ્યો થકો પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે.” (૧૩ના બીજા પ્રશ્નમાં) અક્ષરધામ તથા અક્ષર નામે કહેલ છે. (૧૪ના પહેલા પ્રશ્નમાં) “તેજના સમૂહમાં દિવ્ય સિંહાસન ઉપર દિવ્ય મૂર્તિ પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે.” (૧૫ના પાંચમા પ્રશ્નમાં) “જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમના તેજમાં ભેદ ઘણો છે.” (પં. ૧/૧માં) “અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનના અંગનો પ્રકાશ છે અથવા રહ્યાનું ધામ છે.” (માં) “પોતાના આત્માને શુદ્ધ બ્રહ્મરૂપ માનીને ભગવાનનું ધ્યાન કરવું.” (માં) અક્ષરધામ નામે કહ્યું છે. (/૧માં) “અક્ષરધામમાં જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ આ પ્રત્યક્ષ જાણવું.” (મ. ૩/૨માં) બ્રહ્મ નામે કહ્યા છે. (/૧માં) અક્ષરધામ નામે કહેલ છે. (૧૦ના પહેલા પ્રશ્નમાં) બ્રહ્મરૂપ પોતાની શક્તિ કહી છે. અને એ બ્રહ્મને પોતાની કિરણ કહી છે. (૧૧/૧માં) ગુણાતીત જે ભગવાનનું ધામ ત્યાં ગુણથી પર એવું જે ધામ કહેતાં મહારાજનો પ્રકાશ તેને ગુણાતીત નામે કહેલ છે. (૧૩/૨માં) એકરસ તેજને આત્મા, બ્રહ્મ તથા અક્ષરધામ નામે કહેલ છે, (૨૨ના ૩/૫ ત્રીજા પ્રશ્નમાં ) ધામ નામે કહેલ છે, (૨૪માં) અક્ષરધામ નામે કહેલ છે, (૨૫ના પહેલા પ્રશ્નમાં) બ્રહ્મપુર ધામ નામે કહેલ છે, (૩૨/૨માં) અક્ષરધામ નામે કહેલ છે, (૩૪ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) ધામ નામે કહેલ છે, (૩૯ના પહેલા પ્રશ્નમાં) ચૈતન્યમય ને તેજોમય એવું ભગવાનનું અક્ષરધામ કહેલ છે, (૪૨/૧માં) અક્ષરધામ કહેલ છે, તથા (બીજી બાબતમાં) અક્ષરબ્રહ્મ કહેલ છે તથા “જ્યાં અમારી મૂર્તિ ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે”, (૪૭/૩માં) ધામ કહેલ છે, (૪૮/૧માં) પરમપદ તથા શ્વેતદ્વીપ નામે કહ્યું છે. (૫૦/૧માં) “એકરસ પરિપૂર્ણ એવું બ્રહ્મ સ્વરૂપ તથા તેજોમય એવું અક્ષરબ્રહ્મ તેને વિષે મૂર્તિમાન એવા પુરુષોત્તમ ભગવાન રહ્યા છે.” (૬૨ના બીજા પ્રશ્નમાં) ધામ કહેલ છે. (૬૪ના ૨/૨ બીજા પ્રશ્નમાં) “અક્ષરધામરૂપી તખત તેમાં વિરાજમાન છે” તથા (ત્રીજી બાબતમાં) “અક્ષરધામમાં રહ્યા થકા અનંત બ્રહ્માંડમાં દેખાય છે”, (૬૬ના ૪/૭ ચોથા પ્રશ્નમાં) અક્ષરધામ કહ્યું છે, (૬૭માં) ધામ કહેલ છે, (વ. ૯માં) “ચિદાકાશને મધ્યે સદા ભગવાનની મૂર્તિ વિરાજમાન છે”, (૧૨/૧માં) “અનંતકોટિ સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે.” (અ. ૫ના બીજા પ્રશ્નમાં) અક્ષરધામ કહેલ છે, (ના પહેલા પ્રશ્નમાં) અક્ષરધામ નામે કહ્યું છે તથા (બીજા પ્રશ્નમાં) બ્રહ્મમોહોલ તથા અક્ષરબ્રહ્મ તથા ગોલોક નામે કહ્યું છે. (માં) બ્રહ્મમોહોલ તથા પુરુષોત્તમનું  ધામ નામે કહ્યું છે; (અશ્લા. ના પહેલા પ્રશ્નમાં) અક્ષરધામ નામે કહેલ છે; (જે. ૪ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) નિર્ગુણ ધામ નામે કહેલ છે. (/૧માં) અક્ષરધામને પમાડીએ છીએ; (છે. ૫ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે, (/૨માં) બ્રહ્મપુર ધામને વિષે ભગવાન સદા સાકારમૂર્તિ વિરાજમાન છે તથા ધામ શબ્દથી કહેલ છે. તથા (ત્રીજી બાબતમાં) છતી દેહે જ ધામને પામી રહ્યો છે, (માં) અક્ષરધામ કહ્યું છે, (૨૧/૧માં) માયાને તરીને અક્ષરધામને પામે છે, તથા (છઠ્ઠી બાબતમાં) માયા પર દિવ્યધામ કહ્યું છે, (સાતમી બાબતમાં) ધામ શબ્દથી કહેલ છે, (૨૨ના ૨/૩ બીજા પ્રશ્નમાં) ધામ કહ્યું છે, (૩૦ના પહેલા પ્રશ્નમાં ) ચૈતન્યના તેજનો રાશિ છે તેને મધ્યે પુરુષોત્તમ ભગવાન સદા વિરાજે છે, (૩૧માં) તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે અને બ્રહ્મરૂપ તેજોમય ભગવાનનું ધામ કહ્યું છે તથા તે અક્ષરધામને ગુણાતીત કહેતાં ગુણ થકી પર એવું વિશેષણ આપ્યું છે. (૩૩ના ૨/૩ બીજા પ્રશ્નમાં ) તેજના મંડળને વિષે દિવ્ય મૂર્તિ એવા વાસુદેવ ભગવાનને વિષે એ ભક્તને સ્નેહ હોય. (૩૫ના ૫/૬ પાંચમા પ્રશ્નમાં) સદા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે, (૩૬ના પહેલા પ્રશ્નમાં) પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકાર મૂર્તિ સમજવા. (૩૭માં) “ભગવાનના ધામમાં ભક્તનો આકાર પણ ભગવાનના જેવો છે,” (૩૮ના પહેલા પ્રશ્નમાં) “અક્ષરધામને વિષે જે ભગવાનનો મૂળ આકાર છે, તે તો મનુષ્યના જેવો છે”, (૩૯/૩માં) “પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે”, ઇત્યાદિક વચનામૃતોમાં બ્રહ્મ, ચિદાકાશ, બ્રહ્મમોહોલ, સચ્ચિદાનંદ, બ્રહ્મપુર, સર્વાધાર, તેજનો સમૂહ, મહાતેજ, શક્તિ, કાન્તિ, અક્ષરધામ, પરમપદ, કિરણ, અક્ષરબ્રહ્મ, બ્રહ્મજ્યોતિ, એકરસ તેજ, ચિદ્‌ઘન તેજ ઇત્યાદિક વિશેષણોથી શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશરૂપ અક્ષરધામને સમજવું. ।।૭।।