વચનામૃત સારંગપુરનું - ૨
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરી ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે, માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશે હેત કિયે પ્રકારે થાય ? પછી તે પ્રશ્નનો ઉત્તર મુનિએ માંહોમાંહી કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજે તેનો ઉત્તર કરવા માંડ્યો જે, સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે તથા કામે કરીને પણ થાય છે તથા લોભે કરીને પણ થાય છે, તથા સ્વાર્થે કરીને પણ થાય છે, તથા ગુણે કરીને પણ થાય છે. તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તે તો જ્યારે તેના દેહમાં પિત્ત નીસરે અથવા કોઢ નીસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે, તેમ જ લોભ, કામ ને સ્વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે. (૧)
૨ ત્યારે શ્રીજીમહારાજ પ્રત્યે સોમલોખાચર બોલ્યા જે, (૨) એ તે ગુણ કિયા ? ઉપરલા કે માંહીલા ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ઉપરલે ગુણે શું થાય ? એ તો વચને કરીને, દેહે કરીને ને મને કરીને જે ગુણ હોય ને તે ગુણે કરીને જે હેત થયું હોય તે નથી નાશ પામતું. (૨) અને તમે પૂછો છો તે ભક્તને ભગવાન ઉપર સ્નેહ થાય એમ જ કેવળ પૂછો છો ? કે ભગવાનને ભક્ત ઉપર સ્નેહ થાય એમ પણ પૂછો છો ? ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, એ બેયને પૂછીએ છીએ. પછી શ્રીજીમહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી જે, વચને કરીને તો કોઈ જીવ-પ્રાણીમાત્રને દુઃખવવાં નહિ અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન-ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થાતો હોય ને તેમાં પોતે જીતીએ એમ જણાય તોપણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું અને આપણા કરતાં મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન-ઉત્તરે કરીને ભૂંઠા પડે એમ કરવું નહિ; મોટા સંત આગે ને પરમેશ્વર આગે તો જરૂર હારી જાવું અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનવું. તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહિ પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય ને તેમાં આશંકા થાય એવું હોય તોપણ તે સમાને વિષે ના પાડવી નહિ; એ તો હા જ પાડવી અને એમ કહેવું જે, હે મહારાજ ! જેમ તમે કહેશો તેમ હું કરીશ, અને તે વચન પોતાને મનાય નહિ એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું જે, હે મહારાજ ! તમે જે વચન કહ્યું તે તો ઠીક છે પણ આટલી મને તેમાં આશંકા થાય છે એ પ્રકારનું દીન થઈને વચન કહેવું અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને આગે કહેવું જે, આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે તે તો મુને માન્યામાં આવતું નથી. પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગે કહીને એ વચનનું સમાધાન કરાવે પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમે ના પાડવી નહિ, એવી રીતની યુક્તિએ મોટાના વચનને પાછું ઠેલવું પણ કહ્યું ને તત્કાળ ના પાડવી નહિ, એવી રીતે તો વચનને ગુણે કરીને વર્તવું. પછી તે ભક્તને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે અને તે ભક્તને પણ ભગવાનને વિષે દૃઢ સ્નેહ થાય છે. હવે દેહને ગુણે કેમ વર્તવું તો પોતાના દેહમાં જો કાંઈ ઉન્મત્તપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાખવું. પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે પણ પોતાને જાણે દેહનું યત્ન કરવું નહિ તથા દેહે કરીને ભગવાનની ને ભગવાનના ભક્તની ટેલ-ચાકરી કરવી, એવી રીતે જ્યારે દેહને ગુણે કરીને વર્તે ત્યારે તેને દેખીને તે ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્નેહ થાય છે અને એ ભક્તને પણ ભગવાનને વિષે પ્રીતિ થાય છે. હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ જે, પરમેશ્વરનાં જ્યારે દર્શન કરવાં ત્યારે મને સહિત દૃષ્ટિને એકાગ્ર રાખીને કરવાં અને પરમેશ્વરનાં દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુપક્ષી આવ્યું ત્યારે પરમેશ્વરનાં દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી-અવળી, ઊંચી-નીચી દૃષ્ટિ કરીને તેનાં પણ ભેળાં દર્શન કરતો જાય, પછી એવી ફાટેલ દૃષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થાતા નથી અને એ દર્શન કરે છે તે કેવાં કરે છે તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે અને એવી લૌકિક દૃષ્ટિવાળો તો જેમ ખિલકોડી બોલે છે તે ભેળે પૂંછડું ઊંચું કરે છે તેવો જાણવો, શા સારુ જે પરમેશ્વર ભેળે બીજાં દર્શન કરે છે અને એવાં લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહિ અને તે દિવસે દિવસે ઊતરતો જાય. તે માટે પરમેશ્વરનાં દર્શન કરતાં કરતાં આડીઅવળી દૃષ્ટિ કરવી નહીં. પરમેશ્વરનાં દર્શન તો પ્રથમ પહેલે નવીન થયાં હોય ને તે સમયને વિષે જેવું અંતરમાં અલૌકિકપણું હોય, તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય ને એક દૃષ્ટિએ કરીને મૂર્તિને જોતે જાવું ને દૃષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી, જેમ ધર્મપુરમાં કુશળકુંવરબાઈ હતાં તે અમારાં દર્શન કરતાં જાતાં હતાં અને દૃષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતાં, તેમ દર્શન તો મને યુક્ત દૃષ્ટિને એકાગ્ર રાખીને કરવાં પણ જેમ બીજાં દર્શન કરે છે તેમ ન કરવાં; અને જો પરમેશ્વરનાં દર્શન ભેળે બીજાં દર્શન મનુષ્યનાં કે કૂતરા-બિલાડાનાં કરે છે તો તેને જ્યારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય ને તે અન્ય પદાર્થ પણ ભેળે દેખાય, તે માટે પરમેશ્વરનાં દર્શન તો એક દૃષ્ટિએ કરવાં પણ ચપળ દૃષ્ટિએ ન કરવાં અને પરમેશ્વરનાં દર્શન દૃષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને એ દર્શન નવીનમાં નવીન રહે છે અને પરમેશ્વરે જે જે વચન કહ્યાં હોય તે પણ એને નવીનનાં નવીન રહે છે અને લૌકિક બાહ્ય દૃષ્ટિએ કરીને દર્શન કર્યાં હોય તેને પરમેશ્વરનાં દર્શન તથા વચન એ સર્વે જૂનાં થઈ જાય છે તે રોજ દર્શન કર્યા કરે પણ એવાને તો જેમ ન થયાં હોય તેવાં ને તેવાં રહે છે તે જ્યારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહિ; બહુધારાએ યુક્ત થાય અને પરમેશ્વરને ધારે ત્યારે તે ભેળે બીજાં દર્શન જે જે કર્યાં છે તે પણ વગર ધાર્યાં આવીને હૈયામાં સ્ફુરે છે, તે માટે દર્શન તો એક પરમેશ્વરનાં જ કરવાં ને એમ જે દર્શન કરે છે તેનું મન ભજન-સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે પણ તેની બહુધારા નથી રહેતી; એક રહે છે અને જે ચપળ દૃષ્ટિએ દર્શન કરે છે તેને હું જાણું છું અને જેનાં દૃષ્ટિ ને મન નિયમમાં હોય એવા જે મોટા સંત તે પણ જાણે જે, આ તો લૌકિક દર્શન કરે છે. પછી તે લૌકિક દર્શનનો કરનારો આ સમાગમમાંથી દિવસે દિવસે ઊતરતો જાય છે અને જેમ કોઈક કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દૃષ્ટિ પ્રોવાણી હોય તે સમે વચમાં કોઈક પશુપક્ષી આવે, જાય કે બોલે પણ તેની તેને ખબર રહે નહિ, એવી રીતે એકાગ્ર દૃષ્ટિએ કરીને પરમેશ્વરમાં જોડાવું પણ લૌકિક દર્શન ન કરવાં.
૩ ત્યારે નિર્વિકારાનંદ સ્વામીએ આશંકા કરી જે, (૩) હે મહારાજ ! અમારે તો દેશદેશમાં મનુષ્ય આગળ વાર્તા કરવી પડે તેણે કરીને મનનું એકાગ્રપણું રહેતું નથી. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, મનુષ્ય આગળ વાર્તા કરવી તેની તો અમે આજ્ઞા આપી છે પણ આંહીં મૂર્તિનાં દર્શન મેલીને બીજાં દર્શન કરવાં એવી કે દિવસ અમે આજ્ઞા આપી છે ? એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા જે, પ્રથમ જ્યારે મૂર્તિનાં દર્શન થાય છે, ત્યારે એને કેવું અલૌકિકપણું રહે છે ! તેવું ને તેવું અલૌકિકપણું તો, તો રહે જો મને સહિત દૃષ્ટિ એક પરમેશ્વરમાં રાખે, એવી રીતે મનને ગુણે કરીને વર્તે ત્યારે તે ભક્તને ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન ને નવીન હેત રહે છે. ને તે ભક્તને પણ ભગવાનને વિષે નિત્ય પ્રત્યે નવીન ને નવીન હેત રહે છે. (૩) અને વળી નેત્ર ને શ્રોત્ર એ બેને તો વિશેષે કરીને નિયમમાં રાખવાં, શા સારુ જે જ્યાંત્યાં ગ્રામ્ય વાર્તા થાતી હોય ને તેને શ્રોત્રની વૃત્તિ દ્વારે તણાઈ જઈને સાંભળીએ તો તે સર્વે ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભરી આવે છે અને ફાટેલ નેત્રની વૃત્તિએ કરીને જે જે રૂપ જોયું હોય તે સર્વે ભજન કરતાં સાંભરી આવે છે, તે સારુ એ બે ઇન્દ્રિયોને તો અતિશે નિયમમાં રાખવાં અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જ્યારે મૂર્તિનાં દર્શન કરતા હોઈએ ને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો જે, હે મૂર્ખ ! તું ભગવાન વિના અન્ય રૂપને જુએ છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે તેમાં તુંને શું પ્રાપ્ત થાશે ? અને હજી તુંને સિદ્ધદશા તો આવી નથી જે જેવું તું ચિંતવ્ય તેવું તુંને તત્કાલ મળે, શા સારુ જે હજી તો તું સાધક છું માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહિ અને ઠાલાં વલખાં કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દે છે ? અને કાંઈક જો તુંને અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાતાં ખાતાં અંત નહિ આવે, એવી રીતે નેત્રને ને શ્રોત્રને ઉપદેશ દેવો અને વળી એમ કહેવું જે, જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધદશાને પામીશ પછી તું જે જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ અને બ્રહ્મા, વિષ્ણુ ને શિવના જેવા રૂપને ઇચ્છીશ તો તેવા રૂપને પામીશ અને લક્ષ્મી કે રાધિકા જેવો ભક્ત થાવા ઇચ્છીશ તો તેવો થાઈશ અને ભગવાનનું ભજન કરતાં કરતાં સિદ્ધદશાને દેહ છતે નહિ પામ્ય તો દેહ પડ્યા પછી મુક્ત થાઈશ ત્યારે સિદ્ધદશા મળશે પણ સિદ્ધદશા આવ્યા વિના રૂપને જોઈ જોઈને મરી જાઈશ તોપણ તે રૂપ મળશે નહિ અને ગ્રામ્ય શબ્દને પણ સાંભળી સાંભળીને મરી જાઈશ તો તેણે કરીને બુદ્ધિ તો અતિશે ભ્રષ્ટ થઈ જાશે પણ તેમાંથી કાંઈ પ્રાપ્તિ નહિ થાય, એવી રીતે નેત્રને ને શ્રોત્રને ઉપદેશ દેઈને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવાં અને એવી રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે ને તે ભક્ત ઉપર પરમેશ્વરને મોટા સાધુને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૮૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં રૂપ, કામ, લોભ ને સ્વાર્થે કરીને અમારે વિષે હેત કરે તે અંતે નાશ પામે છે. (૧) બીજામાં વચને, દેહે ને મને કરીને જે ગુણ તેણે કરીને અમારે વિષે હેત થયું હોય તે નાશ નથી પામતું. (૨) અને તે ગુણે કરીને અમારે ને ભક્તને પરસ્પર હેત થાય છે અને તે પ્રમાણે વર્તવાની વિક્તિ કહી છે. (૩) ત્રીજામાં મનુષ્ય આગળ વાત કરવી પણ અમારાં દર્શન કરતી વખતે બીજાં દર્શન કરવાં નહિ અને નેત્રને ને શ્રોત્રને વિશેષે નિયમમાં રાખવાં એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. આમાં પહેલા પ્રશ્નમાં ગુણે કરીને હેત થાય તે અંતે રહે છે એમ કહ્યું અને (પ્ર. ૫૭ના બીજા પ્રશ્નમાં) ગુણ વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહિ એમ કહ્યું છે તે કેમ સમજવું ?
૧ ઉ. આમાં શ્રીજીમહારાજનો દિવ્યભાવે સહિત મહિમા જાણીને હેત કર્યું હોય તે હેત શ્રીજીમહારાજનાં મનુષ્યચરિત્ર જોઈને અથવા સાંભળીને પણ ન ટળે એમ કહ્યું છે અને (પ્ર. ૫૭માં તો) દેહબુદ્ધિએ કરીને હેત કર્યું હોય તે જ્યારે શ્રીજીમહારાજનાં મનુષ્યચરિત્રને દેખે અથવા સાંભળે ત્યારે અવગુણ આવે ને હેત મટી જાય એમ કહ્યું છે.
૨ પ્ર. (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) સિદ્ધદશા પામ્યા પછી જે જે જોવાને ઇચ્છીશ અને જેવો થાવાને ઇચ્છીશ તેવો થઈશ, એમ કહ્યું અને (પ્ર. ૪૩/૧માં) ભગવાનના ભક્ત ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. આમાં માયામાં પ્રીતિવાળા સકામ ભક્તને લોભ બતાવીને પગથિયે ચડાવવા કહ્યું છે. ।।૨।।