વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૯
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૧૫ પૂનમને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળાં પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે ધોળાં પુષ્પનો તોરો લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિ કેમ પામે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એના ઉપાય ચાર છે : એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ. તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે, ને દેશ, કાળ ને સંગનું કારણ વિશેષ છે, કેમ જે જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય, ને તમ જેવા સંતનો સંગ હોય, તો ત્યાં ક્રિયા રૂડી જ થાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતર્યું ને ભડવા, અથવા દારૂ-માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય, માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘું-પાછું ખસી નીસરવું. અને સંગ પણ પ્રભુના ભક્ત ને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો, તો હરિભક્તને પરમેશ્વરની તે ભક્તિનું બળ અતિશે વૃદ્ધિ પામે એ પ્રશ્નનો એ ઉત્તર છે. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરુ સરખું હોય, અને પછી તો અતિશે શુદ્ધ થઈ જાય છે, તે એને કોઈ પૂર્વેનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું ? કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું ? કે એ હરિભક્તને પુરુષપ્રયત્ને કરીને થયું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વે જગતના જાણ્યામાં આવે, જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય, અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે, એવી રીતે થાય તે તો સર્વે જગતના જાણ્યામાં આવે ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. અને જે રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જ સારો થાય તે તો એ ભક્તનો પુરુષપ્રયત્ન કહેવાય. પછી શ્રીજીમહારાજે પોતાની વાત કરી જે, અમે જે જે સાધન કર્યાં હતાં, તેને વિષે કોઈ રીતે દેહ રહે જ નહિ, ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. તે શું ? તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા, ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા ત્રણ-ચાર ગાઉના પહોળા પટવાળી એક નદી હતી તેને વિષે શરીર તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો ને ચોમાસું તેને વિષે છાયા વિના એક કૌપિનભર રહેતા તથા ઝાડીને વિષે વાઘ-હાથી તથા અરણા-પાડા તેની ભેળે ફરતા, એવાં એવાં અનંત વિકટ ઠેકાણાં તેને વિષે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહિ ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું અને પોતાને વિચારે કરીને પોતાને સમાસ થાય તેને તો પુરુષપ્રયત્ન કહીએ. એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજીમહારાજ હસતાં હસતાં પોતાને આસને પધાર્યા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૯।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં દેશકાળાદિક સારા સેવે, અને પંચવર્તમાને યુક્ત એવા બ્રહ્મવેત્તા સાધુનો સંગ કરે, તો અમારી ભક્તિનું બળ અતિશે વૃદ્ધિ પામે છે. (૧) બીજામાં પૂર્વનું પ્રારબ્ધ, તથા અમારી ને અમારા મુક્તની કૃપા, તથા પુરુષપ્રયત્ન એ ત્રણ પ્રકારે અંતર શુદ્ધ થાય છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. ઘણાંક વચનામૃતોમાં દેશકાળાદિક કહ્યા છે, તે કેવા કેવા પ્રકારના જાણવા ?
૧ ઉ. (પ્ર. ૨માં) રૂપવાન સ્ત્રીનો એકાંતમાં યોગ થાય ને ધર્મમાંથી પાડવાનો આગ્રહ કરે, તથા આજ્ઞા વિરુદ્ધ ઘણુંક ધન પ્રાપ્ત થતું હોય તે કઠણ દેશકાળ કહ્યા છે. અને આમાં (પહેલા પ્રશ્નમાં) ધર્મવાળા ભગવાનના ભક્ત રહેતા હોય તે સ્થળને પવિત્ર દેશ કહ્યો છે, અને કોઈ પ્રકારનો ઉપદ્રવ ન હોય તે પવિત્ર કાળ કહ્યો છે, અને શ્રીજીમહારાજના એકાંતિક સંતનો સંગ હોય તે પવિત્ર સંગ કહ્યો છે, અને જે સ્થળમાં પાપી પુરુષો રહેતા હોય તે સ્થળને ભૂંડો દેશ કહ્યો છે, અધર્મીજનો ભગવાન ભજવામાં તથા ધર્મ પાળવામાં વિઘ્ન કરતા હોય તે ભૂંડો કાળ કહ્યો છે, અને ઉપર કહ્યા એવા પાપી પુરુષોનો સંગ થાય, તે ભૂંડો સંગ કહ્યો છે, અને (પ્ર. ૫૫/૧માં તથા મ. ૩૨/૪માં તથા ૩૯ના પહેલા પ્રશ્નમાં, તથા છે. ૧૪ના ૨/૨.૩ બીજા પ્રશ્નમાં, તથા ૧૫ તથા ૩૫ના પહેલા પ્રશ્નમાં) ભૂંડા તથા રૂડા દેશાદિક કહ્યા તે આ (૨૯માં) ભૂંડા તથા પવિત્ર દેશાદિક કહ્યા તેવા જાણવા, અને (પ્ર. ૫૯ના ચોથા પ્રશ્નમાં) શુભ-અશુભ દેશકાળાદિકના હેતુ પુરુષને કહ્યા છે, અને (૭૮ના બાવીસમા પ્રશ્નમાં) જે સ્થળમાં શત્રુ બહુ રહેતા હોય, તથા નાતનો તથા રાજાનો ઉપદ્રવ હોય, તથા ધનનો તથા લાજનો નાશ થતો હોય તે વિષમ દેશાદિક કહ્યા છે અને (લો. ૬ના ૧૮/૨૧ અઢારમા પ્રશ્નમાં) જે સ્થળમાં ત્યાગીઓને પોતાના દેહના સંબંધી રહેતા હોય તે દેશમાં રહેવું તે કઠણ દેશ કહ્યો છે, અને શ્રીજીમહારાજનાં દર્શન ભેળાં સ્ત્રીઓનાં દર્શન થતાં હોય તેવો સંગ તે કઠણ સંગ કહ્યો છે, અને મંદિરો આદિક કારખાનાં થાતાં હોય તેમાં સ્ત્રીઓ વારંવાર જોવામાં આવે તે કઠણ ક્રિયા કહી છે ને જે સ્થળમાં મારકૂટ થતી હોય તેને વિષમ કાળ કહ્યો છે, અને (લો. ૧૦ના ૪/૫ ચોથા પ્રશ્નમાં) કાળ કહ્યો તે (પ્ર. ૭૮માં) કહ્યો તેવો જાણવો. અને (૬ બાબતમાં) યુગના ધર્મને કાળ કહ્યો છે, તેમાં કળિયુગના ધર્મને વિષમ કાળ કહ્યો છે, અને (લો. ૧૭ના બીજા પ્રશ્નમાં તથા વ. ૧૨/૨માં તથા છે. ૧૧ના ત્રીજા પ્રશ્નમાં) પ્રગટ ભગવાન જે શ્રી સ્વામિનારાયણ તેમના દ્વેષીનો સંગ થાય તે ભૂંડા દેશાદિક કહ્યા છે, અને (મ. ૫૧ના બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજની બાંધેલી મર્યાદામાં રહે તે રૂડા દેશાદિક કહ્યા છે, અને મર્યાદાથી બહાર વર્તે તે ભૂંડા દેશાદિક કહ્યા છે, અને (મ. ૫૬/૨માં) જે દેશમાં માન-મોટ્યપનો તથા માયિક પદાર્થનો ઘણો યોગ થાતો હોય તેને ભૂંડા દેશાદિક કહ્યા છે, અને (છે. ૨૬ના બીજા પ્રશ્નમાં) માનરૂપી દોષને ભૂંડા દેશાદિક કહ્યા છે.
૨ પ્ર. (બીજા પ્રશ્નમાં) હસતાં હસતાં પધાર્યા એમ કહ્યું તે હસવાનું શું કારણ હશે ?
૨ ઉ. અમારો દેહ પ્રારબ્ધે કરીને રહ્યો એમ કહ્યું તેથી કેટલાક શ્રીજીમહારાજને પ્રારબ્ધ છે એમ સમજ્યા તેથી હસ્યા જે અમારે માથે પણ પ્રારબ્ધ ઠરાવ્યું. ।।૨૯।।