વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૫

સંવત ૧૮૭૬ના મહા વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉગમણે બાર ઓરડાની ઓસરી ઉપર વિરાજતા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન-ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) જીવને ભજન-સ્મરણનો તથા વર્તમાનનો એક દૃઢાવ કેમ રહેતો નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો અશુભ એવા જે દેશ, કાળ, ક્રિયા ને સંગ તેને યોગે કરીને રહેતો નથી ને તે દૃઢાવ પણ ત્રણ પ્રકારનો છે : ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દૃઢતા હોય ને દેશ, કાળ, ક્રિયા ને સંગ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દૃઢતાને પણ ટાળી નાખે તો મધ્યમ ને કનિષ્ઠ દૃઢતાની તો શી વાત કહેવી ? અને દેશ, કાળ, ક્રિયા ને સંગ એ અતિ ભૂંડા થાય ને તેમાં પણ દૃઢતા જેમ છે એમ ને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્ય છે; અને દેશ, કાળ, ક્રિયા ને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે, કેમ જે દેશ, કાળ, ક્રિયા ને સંગ રૂડા છે તોય પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. (૧) માટે હવે જો મોટાપુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એનાં પાપ બળીને ભસ્મ થઈ જાય અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કાંઈક સુકૃત હોય તે પણ નાશ પામે અને મદિરાપાનની કરનારી જે પાતર્યો તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે જે, મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહીં ? તેને તો મહામૂર્ખ જાણવો. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।૫૫।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે દેશકાળાદિક અતિ ભૂંડા થાય તો અમારા ભજન-સ્મરણની તથા વર્તમાનની ઉત્તમ દૃઢતાને પણ ટાળી નાખે અને જેને પૂર્વનું ભારે બીજબળ ને ભારે પુણ્ય હોય તેની દૃઢતા ટળે નહિ અને જેણે પૂર્વજન્મે તથા આ જન્મે મોટું પાપ કર્યું હોય અથવા અમારા મોટા ભક્તનો દ્રોહ કર્યો હોય તેને દેશ, કાળ, સંગાદિક અતિ પવિત્ર હોય તોપણ તેનું અંતર ભૂંડું થઈ જાય છે. (૧) અને તે જો ખબરદાર થઈને એવા મોટાપુરુષની સેવા કરે તો એ પાપ બળીને ભસ્મ થઈ જાય છે માટે સારા દેશાદિક સેવવા. (૨) બાબતો છે. (આ દેશકાળનું રૂપ પ્ર. ૨૯ના પહેલા પ્રશ્નોત્તરમાં કર્યું છે.)

૧      પ્ર. પહેલી બાબતમાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ દૃઢતા કહી તેનાં લક્ષણ કેવાં હશે ?

૧      ઉ. રૂપવાન સ્ત્રીઓનો ને સારા ખાનપાનાદિકનો યોગ હંમેશાં રહે તો દેહાભિમાન ટળ્યું નથી તેથી ડગી જાય અને શ્રીજીમહારાજના ધ્યાન-ભજનમાં પણ તે સ્ત્રીઆદિકના સંકલ્પ વિક્ષેપ કરે તે કનિષ્ઠ દૃઢતા કહેવાય અને એકાંતમાં રૂપવાન સ્ત્રીઓનો તથા ખાનપાનાદિકનો યોગ હંમેશાં રહે તો ડગી જાય, અને ભજન-સ્મરણમાં પણ તે સંબંધી સંકલ્પ થાય તે મધ્યમ દૃઢતા કહેવાય. અને રૂપવાન સ્ત્રીઓ ધર્મથી પાડવા સારુ ઘણુંક દ્રવ્યાદિક આપીને પણ ધર્મથી પાડવાનો અતિ આગ્રહ કરે તથા દુષ્ટ કર્મ કરનારા પાપી લોકો નાત બહાર મૂકે તથા ધર્મમાંથી પાડવા સારુ વ્યવહારમાં અનેક પ્રકારની ઉપાધિઓ કરે તેને સહન કરી શકે નહિ ને ધર્મથી ડગી જાય ને એ ઉપાધિની ચિંતાએ કરીને ભજન-સ્મરણ પણ વિક્ષેપ રહિત થાય નહિ તે ઉત્તમ દૃઢતા જાણવી. અને આવી ઉપાધિને પણ આત્મવિચારે કરીને દેહ પર્યંત સહન કરે પણ પોતાના નિયમમાંથી પડે નહિ ને ભજનમાં પણ એ વિષેનો સંકલ્પ થાય જ નહિ તે અતિ ઉત્તમ દૃઢતા કહેવાય તે દેશકાળે કરીને પણ ટળે નહિ.

૨      પ્ર. દેશાદિક અતિ ભૂંડા થાય તોપણ દૃઢતા હોય તેવી ને તેવી રહે તેને ભારે બીજબળ ને ભારે પુણ્ય કહ્યું તે બીજબળ તથા પુણ્ય તે શું હશે ?

૨      ઉ. પોતાને પુરુષપ્રયત્ને કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચાર સાધને સંપન્ન થયો હોય તે ભારે બીજબળ કહ્યું છે. અને જે શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં રહ્યા હોય ને બીજાને મૂર્તિને સુખે સુખિયા કરતા હોય ને પંચવર્તમાન દૃઢ પાળતા-પળાવતા હોય એવા અતિશે મોટા મુક્તની નિષ્કામભાવે અતિશે સેવા કરીને તેમની પ્રસન્નતા મેળવી હોય તે ભારે પુણ્ય કહ્યું છે, એવાને દેશકાળાદિક અતિ મલિન હોય તોપણ તેની દૃઢતા લેશમાત્ર ટળે નહિ.

૩      પ્ર. બીજી બાબતમાં મદિરા ને પાતર્યો કહી તે મદિરા તથા પાતર્યો કોને જાણવી ?

૩      ઉ. ઇન્દ્રિયોને ને પંચવિષયને એકતા છે, માટે વિષયરૂપી મદિરા પીનારી ઇન્દ્રિયોને પાતર્યો કહી છે. તે ઇન્દ્રિયોનો દોર્યો દોરાય તેને ઇન્દ્રિયોરૂપી વેશ્યાના ગળામાં હાથ નાખીને બેસે એમ કહ્યું છે. ।।૫૫।।