વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૨
સંવત ૧૮૭૬ના ચૈત્ર વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરને સમીપે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! કાલ્યને દિવસ તમે દાદાખાચરના આગળ બહુ રૂડી વાર્તા કરી હતી તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઇચ્છા છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય ને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તોપણ તે ભક્તને એવી ભક્તિનું અતિશે બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઇચ્છે તોય પણ રૂડું થાતું નથી. (૧) અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહિ અને મહાભારતમાં ભીષ્મપિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે, જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ, માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબમાત્રને લેશમાત્ર દુઃખાવવો નહિ અને જો ગરીબને દુઃખાડે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહિ અને જો ગરીબને દુઃખાડે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે અને તેમ જ કોઈકને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે અને જો સાચું કલંક હોય તોપણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું પણ તેને ફજેત કરવો નહિ અને તેમ જ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મ ભંગ કરાવે તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કેઈ તો, એક તો પોતાને શરણે આવી હોય અને બીજી તે પોતાનો સંગ કરવા ન ઇચ્છતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિષે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી. (૨)
૨ પછી મુનિ જે તે ભગવાનનાં રસિક કીર્તન ગાવાં લાગ્યાં. તેને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે અને વિમુખ જીવ હોય અથવા કાચોપોચો હરિભક્ત હોય તે તો તે ચરિત્રને વિષે દોષ પરઠે, જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો, પછી એમ પૂછ્યું જે, ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રગટ થયા હતા તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો ? એવી રીતે દોષ લીધો અને શુકજીએ તો સમજી-વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું જે, કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશે ગર્વ થયો તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો, તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાના ગાંઠની દારૂ-ગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય તેમ ભગવાને કામદેવરૂપી શત્રુને લડ્યાનો સામાન મોરથી આપ્યો તે શું, તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય તેમાં પણ શરદઋતુને વિષે રાત્રીમાં કામદેવનું વધુ બળ થાય તથા સ્ત્રીના રાગરંગ-વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો તેણે કરીને કામદેવનું અતિશે બળ વધે છે, એ સર્વે સામાન શ્રીકૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો. અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઊર્ધ્વરેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહીં. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનનાં ચરિત્રગાન કર્યાં. અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહિ, ત્યારે દોષ પરઠ્યો, માટે કોઈક એમ કહે જે તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાઓ છો ? તો તેને એમ કહેવું જે, જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનનાં રસિક ચરિત્રને વિષે દોષ પરઠીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક, વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી, શા માટે જે પરમહંસમાત્રના ગુરુ જે શુકજી તેણે ભગવાનનાં રસિક ચરિત્ર ગાયાં છે, માટે અમારે પણ જરૂર ગાવવાં. અને ક્ષર-અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિષે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે, ત્યારે સર્વે મનુષ્યના જેવાં જ ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિષે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઇત્યાદિક માયિક સ્વભાવ હોય, તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે, તે સર્વે જીવોના કલ્યાણને અર્થે છે, પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે. (૩) અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે. તેમ જ પ્રકૃતિપુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે. અને ક્ષર-અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને પોતે તો ક્ષર-અક્ષરથી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જે, જેના એક એક રોમના છિદ્રને વિષે અનંતકોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે, એવા જે મોટા ભગવાન તે જીવોના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે, ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં. તો મનુષ્યને તો રહે જ ક્યાંથી ? અને જેમ વડવાનળ અગ્નિ છે, તે સમુદ્રના જળને વિષે રહ્યો છે, ને સમુદ્રના જળને પીએ છે, ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે, તે અગ્નિ જ્યારે આપણને ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણે દીવા જેવું સુખ થાય નહિ અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ અને તે જ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય; અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય, એવો અસમર્થ છે તોપણ તે થકી જ આપણને સુખ થાય. પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય, તેમ જ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય. પણ જેના એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં. માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવાં જેવાં ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે પણ એમ ન સમજવું જે, ભગવાન થઈને એમ શું કરતા હશે ? અને ભગવાનનાં ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવાં એ જ ભક્તનો ધર્મ છે, અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. (૪)
૩ પછી રોજકાના હરિભક્ત કાકેભાઈએ પૂછ્યું જે, (૩) જેને માહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે ? અને જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને એકલો નિશ્ચય હોય, તેને એમ ઘાટ થાય જે, ભગવાન તો મળ્યા છે, પણ શું જાણીએ કલ્યાણ તો થાશે કે નહિ થાય ? અને જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય જે, જે દિવસે ભગવાનનું દર્શન થયું, તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શો સંશય છે ? હું તો કૃતાર્થ છું. અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું, એમ સમજે તેને ભગવાનનો માહાત્મ્યે સહિત નિશ્ચય જાણવો. (૫)
૪ પછી વળી કાકેભાઈએ પૂછ્યું જે, (૪) ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેનાં શાં લક્ષણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિક છે તે આત્માને વિષે માને નહિ અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિષે માને નહિ અને પોતાના શરીરને વિષે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિષે રહ્યા જે પરમાત્મા તેમને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે ને એવો સમર્થ થયો છે તોપણ એ આત્મદર્શન થકી ભગવાન ને ભગવાનના સંત તેને અધિક જાણે છે પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશમાત્ર ન હોય, એવાં જેનાં લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય ને આત્મનિષ્ઠા પણ હોય તોપણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે જે મોટા થઈને વગર વાંકે આમ શીદ કરતા હશે ? એવાં જેનાં લક્ષણ હોય તે મધ્યમ ભક્ત જાણવો. અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનને વિષે પ્રીતિ હોય ને જગતના વ્યવહારને વિષે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિષે હર્ષ-શોકને પામતો હોય, તેને કનિષ્ઠ ભક્ત જાણવો. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૭૨।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો માહાત્મ્યે સહિત નિશ્ચય હોય, અને અમારા સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય તે ભક્તનું કાળ-કર્મ ભૂંડું કરી શકતાં નથી. અને એવી નિષ્ઠામાં ફેર હોય તેનું રૂડું થતું નથી. (૧) અને ગરીબને કલ્પાવે, કોઈને માથે જૂઠું કલંક દે તથા પાંચ પ્રકારની સ્ત્રીઓનો ધર્મ ભંગ કરાવે તેને બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે. (૨) બીજામાં અમારા મનુષ્યચરિત્રને અમારા ભક્ત દિવ્ય જાણે અને વિમુખ તથા કાચો હરિભક્ત દોષ પરઠે છે. (૩) અને અમે ક્ષર-અક્ષરથી ન્યારા ને તેના આધાર છીએ. અને અમારા એક એક રોમના છિદ્રમાં અનંતકોટિ મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ પરમાણુવત્ રહ્યાં છે એવા જે અમે તે મનુષ્ય જેવી મૂર્તિ ધારીને મનુષ્ય જેવાં ચરિત્ર કરીએ તેને કલ્યાણકારી સમજે એ જ અમારો પૂરો ભક્ત છે. (૪) ત્રીજામાં જેને અમારો માહાત્મ્ય વિનાનો નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય રહે છે. અને જેને અમારો માહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય નથી રહેતો. (૫) ચોથામાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (૬) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં અમારો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય ને અમારા સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય તેનું કાળ-કર્મ મળીને ભૂંડું કરી શકતાં નથી, એવું એ ભક્તને અમારી ભક્તિનું અતિશે બળ છે, એમ શ્રીજીમહારાજે કહ્યું તે માહાત્મ્યે સહિત નિશ્ચય કેવો જાણવો ? અને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય કેવું જાણવું ? અને ભક્તિ કેવી જાણવી ? અને કર્મ કિયાં જાણવાં ? અને કાળ કિયો જાણવો ? અને કાળ-કર્મ ભૂંડું શું કરતાં હશે ?
૧ ઉ. શ્રીજીમહારાજને પ્રકૃતિપુરુષ, બ્રહ્મ તથા મૂળઅક્ષરના આત્મા જાણે અને અનંત મૂળઅક્ષરાદિક સર્વેને પોતાની અંતર્યામી શક્તિએ કરીને ધારણ કરી રહ્યા છે અને પોતાના તેજની એક એક કિરણના છિદ્રમાં અનંત મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ રહ્યા છે, એવા અતિશે ઐશ્વર્યયુક્ત, અતિશે નિર્લેપ, અતિશે અસંગી, અતિશે પ્રકાશે યુક્ત ને અતિશે સુખમય મૂર્તિ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તે જ આ પ્રત્યક્ષ મનુષ્ય રૂપે દર્શન આપે છે, એવા જાણીને નિશ્ચય કર્યો હોય તે માહાત્મ્યે સહિત નિશ્ચય કહેવાય અને આવો મહિમા શ્રીજીમહારાજનો જાણે ત્યારે એમના આશ્રિતને પણ શ્રીજીમહારાજના જેવા જ દિવ્ય ને સમર્થ જાણે એ સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય જાણ્યું કહેવાય. અને શ્રીજીમહારાજને તથા એમના ભક્તને અતિશે દિવ્ય ને કલ્યાણકારી જાણીને સર્વ દોષે રહિત થઈને નિષ્કામભાવે અનુવૃત્તિએ સહિત અતિશે સેવાએ કરીને શ્રીજીમહારાજની તથા એમના ભક્તોની અતિશે પ્રસન્નતા મેળવી હોય તે ભક્તિ આ ઠેકાણે કહી છે. અને પૂર્વે કોઈક અતિશે ભૂંડા દેશ, કાળ, સંગાદિકે કરીને અતિશે ભૂંડાં કર્મ થઈ ગયાં હોય અને તે કર્મનો એના ચિત્તમાં અતિશે પાશ લાગ્યો હોય એ પ્રારબ્ધરૂપી કર્મ જાણવાં. અને અતિશે મલિન આચરણવાળા અધર્મી ને નિર્લજ મનુષ્યો રહેતાં હોય તે સ્થળમાં નિવાસ થયો હોય તે કઠણ કાળ કહ્યો છે. અને તે ભક્તને પ્રારબ્ધે કરીને મલિન દેશમાં જવું પડે ત્યાં શ્રીજીમહારાજનો કે સંતનો યોગ ન રહે ને નોખું રહેવું પડે પણ કાળ કે કર્મ તે એને એવી નિષ્ઠામાંથી તથા ધર્મમાંથી પાડી શકે નહિ તે ભૂંડું કરી શકે નહિ એમ જાણવું.
૨ પ્ર. (૨/૪ બીજા પ્રશ્નમાં) અમે ક્ષર-અક્ષર બેયના આત્મા છીએ અને ક્ષર-અક્ષર બેયને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એમ કહ્યું તે ક્ષર ક્યાં સુધી જાણવું ? અને અક્ષર કિયા જાણવા ? અને શક્તિ કહી તે શી જાણવી ?
૨ ઉ. મૂળપ્રકૃતિ સુધી ક્ષર જાણવું. અને મૂળઅક્ષરને અક્ષર જાણવાં. અને શક્તિ જે પોતાના પ્રકાશરૂપ અક્ષરબ્રહ્મ તેણે કરીને એ બેયને ધરી રહ્યા છે અને તે પ્રકાશની કિરણોરૂપી જે રોમ તેને વિષે મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ અનંત રહ્યા છે એમ સમજવું.
૩ પ્ર. બ્રહ્માંડ તો અષ્ટાવરણ સુધી કહેવાય છે ને મૂળઅક્ષરરૂપી કહ્યા તે કેમ સમજવું ?
૩ ઉ. અષ્ટાવરણે સહિત અનંત પ્રધાનપુરુષરૂપી બ્રહ્માંડ તે મૂળપુરુષરૂપી બ્રહ્મના પ્રકાશમાં રહ્યાં છે, માટે મૂળપુરુષ આગળ પ્રધાનપુરુષરૂપી બ્રહ્માંડ કહેવાય. અને મૂળપુરુષ છે તે વાસુદેવબ્રહ્મના પ્રકાશને આધારે રહે છે, માટે વાસુદેવબ્રહ્મ આગળ મૂળપુરુષરૂપી બ્રહ્માંડ કહેવાય. અને મૂળઅક્ષરના પ્રકાશને આધારે વાસુદેવબ્રહ્મ રહે છે, માટે મૂળઅક્ષર આગળ વાસુદેવબ્રહ્મરૂપી બ્રહ્માંડ કહેવાય, અને શ્રીજીમહારાજના પ્રકાશને આધારે અનંત મૂળઅક્ષર રહ્યા છે, માટે શ્રીજીમહારાજ આગળ મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ કહેવાય. માટે શ્રીજીમહારાજના રોમ એટલે બ્રહ્મજ્યોતિની કિરણો તેને વિષે મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ અનંત રહ્યાં છે, એમ પરંપરાએ બ્રહ્માંડનો અંતર્ભાવ છે માટે કહ્યાં છે.
૪ પ્ર. અમે જેવડા છીએ તેવડા ને તેવડા રહીએ તો બ્રહ્માદિકને પણ અમારાં દર્શન કરવાનું સામર્થ્ય રહે નહિ, એમ શ્રીજીમહારાજે કહ્યું તે જેવડા એટલે કેવડા જાણવા અને બ્રહ્માદિક કિયા જાણવા ?
૪ ઉ. (પ્ર. ૬૩ના ત્રીજા પ્રશ્નમાં) જેમ વૈરાજનું રૂપ નજરે આવતું નથી અને મૂળઅક્ષરનું રૂપ નજરે આવતું નથી તે તેમના અન્વય સ્વરૂપ સહિતનું રૂપ નજરે આવતું નથી એમ કહ્યું છે, તેમ શ્રીજીમહારાજનું તેજ અતિશે અપાર છે તે તેજે સહિત શ્રીજીમહારાજ દર્શન આપે તો મૂળઅક્ષરાદિક કોઈ પણ દર્શન કરી શકે નહીં. ઉત્પત્તિ સમયને વિષે શ્રીજીમહારાજ પોતાના તેજરૂપ અંતર્યામી શક્તિ દ્વારે મૂળઅક્ષરને પ્રેરણા કરે છે, પછી તે અક્ષર વાસુદેવબ્રહ્મ દ્વારે મૂળપુરુષને પ્રેરણા કરે છે, પછી તે મૂળપુરુષ માયા સાથે જોડાઈને સૃષ્ટિ કરે છે તે પહેલી પ્રેરણા મૂળઅક્ષરને થઈ, માટે આ ઠેકાણે મૂળઅક્ષરને બ્રહ્મા કહ્યા છે. ।।૭૨।।