વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૧

સંવત ૧૮૭૬ના મહા વદિ ૨ બીજને દિવસ રાત્રિને સમે સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કાંઈ પ્રશ્ન પૂછો. પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) દશ ઇન્દ્રિયો છે તે તો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણના છે, માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય, માટે માયિક જે અંતઃકરણ ને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા એ રીતે તમારો પ્રશ્ન છે ? પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું જે એ જ પ્રશ્ન છે તેને હે મહારાજ ! તમે પુષ્ટ કરી આપ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ, ત્યારે એ સર્વ પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી ને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે ને જળ તો પૃથ્વીની હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે. માટે જળની દૃષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી; એકલું જળ જ છે અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે, માટે તેજની દૃષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી; એકલું તેજ જ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે, માટે તે વાયુની દૃષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી; એકલો વાયુ જ છે ને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહિ; એકલો આકાશ જ સર્વત્ર ભાસે અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે ને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્ત્વિકાહંકાર ને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા એ સર્વે મહત્તત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે, માટે મહત્તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી; એકલું મહત્તત્ત્વ જ છે અને તે મહત્તત્ત્વ પણ પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે, માટે પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્તત્ત્વ નથી; એકલી પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો પ્રકૃતિ નથી; એકલો પુરુષ જ છે અને એવા અનંતકોટિ પુરુષ છે તે પુરુષોત્તમનું ધામ જે અક્ષર તેના એક દેશને વિષે લીન થઈ જાય છે ને પાછા ઊપજે છે, માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ સર્વે નથી; એક અક્ષર છે અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે, ને તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કર્તા છે ને સર્વના કારણ છે અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ. એવા જે એ ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને આ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇન્દ્રિયો-અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપ થઈ જાય છે, ત્યારે તેમણે કરીને આ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે ને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવાં જે ઇન્દ્રિયો-અંતઃકરણ તેણે કરીને નથી થાતો, એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૫૧।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, પૃથ્વીથી લઈને મૂળઅક્ષર આદિક સર્વેના કર્તા ને સર્વેના કારણ ને એ સર્વેમાં અમારી અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક ને મૂળઅક્ષરાદિક સર્વથી પર એવા જે અમે તે જીવોના કલ્યાણને અર્થે સર્વ મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપીએ છીએ, ત્યારે જે જીવ અમારા મુક્તનો સમાગમ કરીને અમારો મહિમા સમજે ત્યારે તે જીવનાં ઇન્દ્રિયો-અંતઃકરણ સર્વે અમારાં રૂપ થઈ જાય છે ત્યારે અમારું દર્શન અને અમારો નિશ્ચય થાય છે. (૧) બાબત છે.

૧      પ્ર. પૃથ્વી આદિકની દૃષ્ટિએ જોઈએ એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?

૧      ઉ. જે જે દેવની ઉપાસના કરે તે તે દેવના ભાવને પામીને એટલે તદ્રૂપ થઈને તે તે દેવના નેત્રે કરીને જુએ તે તેની દૃષ્ટિએ જોયું કહેવાય. એવી રીતે વરુણ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ અને પ્રધાનપુરુષ તેમની ઉપાસના કરીને, તેમના ભાવને પામીને તેમની દૃષ્ટિએ કહેતાં તેમના નેત્રે કરીને જુએ તો તેથી ઓરું હોય તે નજરમાં આવે નહિ એટલે તુચ્છ થઈ જાય. તેમજ મૂળપુરુષની ઉપાસનાવાળા મૂળપુરુષને નેત્રે જુએ તો તેથી ઓરું તેમનું કાર્ય જે મૂળમાયાદિક તે કાંઈ નજરમાં આવે નહિ અને વાસુદેવબ્રહ્મની ઉપાસના કરીને, તે રૂપ થઈને, તેમના નેત્રે કરીને જુએ તો મૂળપુરુષાદિક કાંઈ નજરમાં ન આવે અને એવી જ રીતે મૂળઅક્ષરની ઉપાસના કરીને તદ્રૂપ થઈને, તે મૂળઅક્ષરના નેત્રે કરીને જુએ ત્યારે વાસુદેવબ્રહ્મ આદિક કોઈ નજરમાં આવે નહિ. અને પુરુષોત્તમની ઉપાસના કરીને તદ્‌ભાવને પામીને એટલે તે રૂપ થઈને તે પુરુષોત્તમ પરબ્રહ્મ જે શ્રી સ્વામિનારાયણ તેમની દૃષ્ટિએ કહેતાં તેમનાં નેત્રે કરીને જુએ ત્યારે મૂળઅક્ષરાદિક કોઈ ભાસે જ નહિ, એટલે શ્રીજીમહારાજનું સુખ, સામર્થી ને પ્રકાશ તેના આગળ મૂળઅક્ષરનું સુખ, સામર્થી ને પ્રકાશ કોટિમાં ભાગના પાસંગમાં પણ આવે નહિ, તેથી એ અક્ષરાદિકની ગણતરી રહે જ નહિ, તેમ જ તે અક્ષરના સુખ આદિકની આગળ વાસુદેવબ્રહ્મનું સુખ, સામર્થી ને પ્રકાશ પણ તેવો જ છે, માટે મૂળઅક્ષર આગળ એ વાસુદેવબ્રહ્મની ગણતરી રહે નહિ, તેવી રીતે ઉત્તરોત્તર મૂળ પુરુષાદિકના સુખ-સામર્થ્યાદિકનું પણ જાણવું.

૨      પ્ર. પ્રલય સમે અનંતકોટિ પુરુષ જે મૂળપુરુષ તે અક્ષરધામને વિષે લીન થઈ જાય છે એમ કહ્યું તે મૂળપુરુષના ઉપરી તો વાસુદેવબ્રહ્મ છે તે વાસુદેવબ્રહ્મના તેજમાં લીન થવા જોઈએ અને અક્ષરધામમાં લીન થાય છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?

૨      ઉ. યથાર્થ અનુક્રમ કોઈક ઠેકાણે કહ્યો હોય ને કોઈક ઠેકાણે ન કહ્યો હોય, જેમ મહત્તત્ત્વની લીનતા પ્રધાનપ્રકૃતિમાં છે ને પ્રધાનની લીનતા પુરુષમાં છે અને એવા અનંત પુરુષની લીનતા મૂળપ્રકૃતિમાં છે ને મૂળપ્રકૃતિની લીનતા મૂળપુરુષમાં છે તોપણ મહત્તત્ત્વની લીનતા આ વચનામૃતમાં પાધરી જ મૂળપ્રકૃતિમાં કહી, તેમ જ મૂળપુરુષની લીનતા બ્રહ્મના તેજને વિષે ન કહી ને પાધરી જ અક્ષરને વિષે કહી છે, માટે કોઈક ઠેકાણે અનુક્રમ ન કહ્યો હોય પણ અનુક્રમ પ્રમાણે જ ઊપજે છે ને લીન થાય છે એમ જાણવું.

૩      પ્ર. ઇન્દ્રિયો-અંતઃકરણ તો જડ છે તે પુરુષોત્તમરૂપ કેવી રીતે થતાં હશે ?

૩      ઉ. શ્રીજીમહારાજ તથા મુક્તને યોગે કરીને શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા સમજે પછી તે ભક્ત શ્રીજીમહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ પોતાને માનીને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરે તે ધ્યાને કરીને શ્રીજીમહારાજને આકારે થઈ જાય છે ત્યારે તે જીવ મટીને મુક્ત થાય છે, જેમ ભમરીને ધ્યાને કરીને ઇયળ ભમરી થાય છે, તેમ શ્રીજીમહારાજ દિવ્ય મૂર્તિ છે તેમને ધ્યાને કરીને ભક્તનો ચૈતન્ય દિવ્ય સાકાર થઈ જાય છે, માટે એનાં ઇન્દ્રિયો પુરુષોત્તમરૂપ થઈ જાય છે એમ કહ્યું છે, તે તો જેમ પુરુષોત્તમ ભગવાનને દિવ્ય અવયવ છે તેવા જ એના અવયવ દિવ્ય થઈ જાય છે એમ કહ્યું છે, માટે ઇન્દ્રિયો એટલે દિવ્ય અવયવ જાણવા પણ આ માયિક ઇન્દ્રિયો દિવ્ય થઈ જાય છે એમ ન જાણવું. આ નિશ્ચય સ્થિતિએ સહિત કહ્યો છે.

૪      પ્ર. ભગવાનનો મહિમા સંત-સમાગમે સમજાય એમ કહ્યું ત્યારે ભગવાનને સમાગમે સમજાય કે કેમ ? અને હીરે હીરો વીંધાય તે બે હીરા કયા ? અને ભગવાનનો નિશ્ચય ને દર્શન ભગવાન વતે જ થાય તે કેવી રીતે જાણવું ?

૪      ઉ. જ્યારે ભગવાન પૃથ્વીને વિષે પધારે ત્યારે સંત પણ ભેળા જ હોય તે સંત જેને પ્રથમ મળે તે સંતના સમાગમથી ભગવાનનો મહિમા જાણે અને ભગવાન જેને પ્રથમ મળે તે ભગવાન થકી મહિમા જાણે, માટે ભગવાન તથા સંત એ બેયના સમાગમથી શ્રીજીમહારાજનો મહિમા સમજાય છે અને સંતમાં પણ શ્રીજીમહારાજ સાક્ષાત્‌ રહ્યા છે, માટે સંત દ્વારે પણ શ્રીજીમહારાજ પોતે જ પોતાનો મહિમા સમજાવે છે. અને જેમ સમુદ્રમાં પાણીનો ઘડો ઢોળીએ તે સમુદ્રમાં જાય તેમ શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે મળે તે મૂર્તિમાં એકતા કરવાથી મૂર્તિમાં સંલગ્ન થવાય અને નદીમાં પાણી રેડીએ તે પાણીને નદી દ્વારે સમુદ્રમાં એકતા થાય છે, તેમ શ્રીજીમહારાજને મળેલા એટલે શ્રીજીમહારાજની મૂર્તિમાં સંલગ્ન રહેલા સંત જે મુક્ત તેને વિષે આપોપું કરીને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે એકતા કરે તો તે મુક્ત દ્વારે પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં એેકતા થાય છે, કેમ જે તે મુક્ત મૂર્તિમાં જ રહ્યા છે, માટે તેની સાથે આપોપું કરવાથી પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં એકતા થાય છે, તે મૂર્તિમાં નિમગ્ન રહેવાનું (લો. ૧૩ના પહેલા પ્રશ્નમાં) કહ્યું છે જે અમારે વિષે નિમગ્ન રહે તેને માયા પરાભવ ન કરે તથા (કા. ૧ના પાંચમા પ્રશ્નમાં) અમારે જ્ઞાને કરીને અમારે આકારે થઈ જાય છે અને મુક્તમાં આપોપું કરવાનું (જે. ૧ના બીજા પ્રશ્નમાં) કહ્યું છે માટે વેંધનારા હીરાને દૃષ્ટાંતે શ્રીજીમહારાજને ને મુક્તને જાણવા અને વેંધવાના હીરાને દૃષ્ટાંતે મુમુક્ષુ જાણવા અને શ્રીજી થકી અથવા એમના મુક્ત થકી શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા સમજીને શ્રીજીમહારાજની મૂર્તિમાં સંલગ્ન થઈને શ્રીજીમહારાજના મુખમાં મુખ, હસ્તમાં હસ્ત, ચરણમાં ચરણ, નેત્રમાં નેત્ર, મસ્તકે મસ્તક એવી રીતે એકતા કરીને શ્રીજીમહારાજને નેત્રે કરીને શ્રીજીમહારાજને જુએ તે ભગવાન વતે જ ભગવાનનું દર્શન કહેવાય ને ભગવાન વતે જ ભગવાનનો નિશ્ચય કહેવાય. આ ધ્યાનની લટક શ્રીજીમહારાજ કાં એમના અનાદિમુક્ત થકી જ પમાય છે. ।।૫૧।।