વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૨

સંવત ૧૮૭૬ના પોષ વદિ ૩ ત્રીજને દિવસ પ્રભાત સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિષે કેસરની આડ કરી હતી ને ધોળાં પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિષે ધોળાં પુષ્પનો તોરો લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને કીર્તન ગવાતાં હતાં.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સાંભળો એક પ્રશ્ન કરીએ. ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું જે, હે મહારાજ ! પૂછો. પછી શ્રીજીમહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા જે, આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચવિષય વિના રહી શકે નહિ, તે જેમ એ વિમુખ જીવને પંચવિષય છે, તેમ હરિજનને પણ પંચવિષય છે પણ તેમાં ભેદ છે, તે ભેદ કેમ છે તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે, ને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે, અને ભગવાનનાં ચરણારવિંદનો સ્પર્શ કરવો, અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે, અને ભગવાન અથવા સંત તેનાં દર્શન કરવાં તે નેત્રનો વિષય છે, અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવા તે જીભનો વિષય છે, અને ભગવાનને ચડ્યાં એવાં જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે, અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી, અને નારદ-સનકાદિક જેવા અનાદિમુક્ત છે તેણે પણ એવા પંચવિષય વિના રહેવાતું નથી; તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા-કીર્તન-શ્રવણાદિક વિષયને ભોગવે છે, અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે તે ચારો કરીને રાત્રિને સમે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જાતાં નથી, તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા-કીર્તન-શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ-પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ-વિદેશ જાય છે પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે. એ સર્વે દૃષ્ટાંત-સિદ્ધાંત કહ્યાં, તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચવિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળમાત્ર ચાલતું નથી તેમ તમે ભગવાનની કથા-વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દૃઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહિ ?

       અને વળી બીજું પ્રશ્ન પૂછીએ છીએ જે, (૨) જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા-કીર્તનાદિકરૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાંત્યાં વિરામ કરો છો ? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે, ને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહિ ને જેનુંતેનું ખેતર ખાઈને જ્યાંત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો ? કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાંત્યાં બેસીને વિરામ કરો છો ? એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા જે, હે મહારાજ ! ભગવાનની કથા-કીર્તનાદિકના વિષયી પણ થયા છીએ, (૧) ને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી. (૨) તે વાર્તાને સાંભળીને શ્રીજીમહારાજ ઘણું પ્રસન્ન થયા, અને વળી તે ને તે દિવસ બપોર નમતે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબાર વચ્ચે લીંબડા તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતે શ્રી વાસુદેવનારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા ને મુનિ કીર્તન બોલતા હતા.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે તો પ્રશ્ન-ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) કોઈ સમે તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન-સ્મરણ થાય છે, ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે, અને કોઈ સમે તો અંતર ડોળાઈ જાય છે, ને ભજન-સ્મરણનું સુખ આવતું નથી તેનું શું કારણ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી.

       ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) કેવી રીતે યુક્તિ જાણવી ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, યુક્તિ તો એમ છે જે, અંતઃકરણને વિષે ગુણનો પ્રવેશ થાય છે, તે જ્યારે સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન-સ્મરણ સુખે થાય, ને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય, ને ઘાટ-સંકલ્પ ઘણા થાય ને ભજન-સ્મરણ સુખે થાય નહિ. અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે, માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા ને જે સમે સત્ત્વગુણ વર્તતો હોય, તે સમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહિ, ને શૂન્ય સરખું વર્તે, તેમાં ભગવાનનું ધ્યાન ન કરવું અને જ્યારે રજોગુણ વર્તતો હોય, ત્યારે ઘાટ-સંકલ્પ ઘણા થાય, માટે તે સમે પણ ભગવાનનું ધ્યાન કરવું નહિ. ને તે સમે તો એમ જાણવું જે, હું તો સંકલ્પ થકી જુદો છું ને આત્મા છું અને એ સંકલ્પનો જાણનારો છું ને મારે વિષે અંતર્યામી રૂપે આ પુરુષોત્તમ ભગવાન સદાકાળ વિરાજે છે. અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય, તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહિ, કેમ જે અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા બાળકનો રમાડનાર તેવું છે, ને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે, માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જાવું નહિ ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહિ ને પોતાને અને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૩૨।।

          રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલા તથા બીજામાં અમારી કથા-કીર્તનાદિકના વિષયી થવું. (૧) અને અમારી મૂર્તિરૂપી માળે તથા ખીલે રહેવું. (૨) ત્રીજા તથા ચોથામાં સત્ત્વગુણ વર્તે, ત્યારે અંતરવૃત્તિએ અમારું ધ્યાન કરવું, પણ રજ-તમ વર્તતા હોય ત્યારે ન કરવું, ને રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણથી પોતાના આત્માને જુદો માનીને અમારું ભજન કરવું ને ઘાટથી કચવાવું નહિ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.

૧      પ્ર. વચનામૃતોમાં ઘણે ઠેકાણે નારદ-સનકાદિક કહ્યા છે તેમાં કિયામાં પરોક્ષ નારદાદિકને કહ્યા હશે ? અને કિયામાં શ્રીજીમહારાજના મુક્તને કહ્યા હશે ?

       . (પ્ર. ૨૦ના બીજા પ્રશ્નમાં, ૨૪ના ૨/૫ બીજા પ્રશ્નમાં, ૩૩ના પહેલા પ્રશ્નમાં, ૬૮ના ચોથા પ્રશ્નમાં, પં. ૭/૨માં, મ. ૨માં, ૪૭/૨ તથા ૬૨ના બીજા પ્રશ્નમાં, અ. ૧ના પહેલા પ્રશ્નમાં, જે. ૪ના ૨/૫ બીજા પ્રશ્નમાં, છે. ૧૦ એમાં) શ્રીજીમહારાજે પોતાના સિદ્ધ મુક્તોને નારદ-સનકાદિક નામે કહ્યા છે. અને (પ્ર. ૧૮/૧.૪માં ૩૨ના પહેલા પ્રશ્નમાં, ૪૦ના પહેલા પ્રશ્નમાં, ૬૩ના બીજા પ્રશ્નમાં, લો. ૧૩ના બીજા પ્રશ્નમાં, મ. ૫/૨માં, /૫માં, ૧૩/૩માં, ૧૪/૧માં, ૧૮માં, ૨૭ના ૩/૨ બીજા પ્રશ્નમાં, છે. ૩/૧માં, ૨૧/૧માં, ૨૨ના બીજા પ્રશ્નમાં, એમાં) પરોક્ષ નારદ-સનકાદિકને કહ્યા છે. અને (પ્ર. ૨૩ના પહેલા પ્રશ્નમાં, ૩૪ના ૧/૨ પહેલા પ્રશ્નમાં, ૩૭/૨માં, કા.૧૦ના પહેલા પ્રશ્નમાં, લો. ૧૫ના ૬/૭ છઠ્ઠા પ્રશ્નમાં, મ. ૧૯/૨માં, ૩૪ના પહેલા પ્રશ્નમાં, ૫૧ના બીજા પ્રશ્નમાં, વ. ૨/૨માં, ૨૦માં, છે. ૩૯/૧, એમાં) પરોક્ષ નારદને કહ્યા છે. અને (પ્ર. ૪૫માં, મ. ૨૦ના ૧/૨ પહેલા પ્રશ્નમાં, ૨૧ના ૧/૩ પહેલા પ્રશ્નમાં, ૪૭/૨માં, છે. ૩૯/૩ એમાં) પરોક્ષ નારદ-સનકાદિક શુકજીને કહ્યા છે.

       પ્ર. (બીજા પ્રશ્નમાં) અમારી મૂર્તિરૂપી માળે તથા ખીલે રહેવું, એમ શ્રીજીમહારાજે કહ્યું તે મૂર્તિ તો એક જ છે ને માળાનું ને ખીલાનું બે દૃષ્ટાંત દીધાં તેનું શું કારણ હશે ?

       ઉ. જેમ પશુ ખીલે બંધાય છે તે ખીલાને મૂકીને કયાંય જતું નથી ને રજ્જુએ બંધાયા છતાં ખીલાને સન્મુખ જ રહે છે, તેમ શ્રીજીમહારાજના ભક્ત પ્રેમવૃત્તિએ કરીને શ્રીજીમહારાજને સન્મુખ રહીને કથા-વાર્તા, ખાવું-પીવું એ આદિ સર્વ ક્રિયા કરે તેમાં ક્ષણવાર મૂર્તિનો વિયોગ ન થાય; સર્વ ક્રિયા મૂર્તિને સન્મુખ રહીને જ કરે, એવી સ્થિતિને ખીલાને દૃષ્ટાંતે કહી છે; તે સ્થિતિ પરમ એકાંતિકમુક્તની છે. અને જેમ પક્ષી માળામાં રહીને બોલે, જુએ તેમ શ્રીજીમહારાજની મૂર્તિમાં નિમગ્ન રહીને જ સર્વ ક્રિયા કરે પણ મૂર્તિથી બહાર આવે જ નહિ, એવી સ્થિતિને માળાને દૃષ્ટાંતે કહી છે તે અનાદિમુક્તની સ્થિતિ છે. તેમાં જેવી સ્થિતિ પ્રમાણે સાધનકાળમાં વર્તે તેવી સ્થિતિ અંતે પામે. ।।૩૨।।