વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૫

સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને શ્રીજીમહારાજ કથા કરાવતા હતા તે સમે મોટા મોટા પરમહંસને પોતાને સમીપે બોલાવ્યા પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો, કેમ જે પ્રશ્ન-ઉત્તર કરે ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણ્યામાં આવે.

       પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૧) આકાશની ઉત્પત્તિ ને લય તે કિયે પ્રકારે છે ? ત્યારે પરમાનંદ સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્દ્રિયોનાં છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય, તેમ તેમ છિદ્રની વૃદ્ધિ થાતી જાય ને તેમાં આકાશ પણ ઉત્પન્ન થાતો જણાય અને જ્યારે એ વૃદ્ધ અવસ્થાને પામે, ત્યારે એનાં ઇન્દ્રિયોનાં છિદ્ર તે સંકોચને પામતાં જાય ને તેમાં આકાશ પણ લય થાતો જણાય, તેમ જ્યારે વિરાટ દેહ ઊપજે, ત્યારે તેને અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થાતો જણાય અને જ્યારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય, એમ આકાશની ઉત્પત્તિ ને લય છે, પણ જે આકાશ સર્વનો આધાર છે તે તો જેમ પ્રકૃતિપુરુષ નિત્ય છે તેમ નિત્ય છે; એની ઉત્પત્તિ ને લય તે કહેવાય નહિ અને વળી સમાધિએ કરીને પણ આકાશની ઉત્પત્તિ ને લય છે તેની રીતને તો જે સમાધિવાળા છે તે જાણે છે. (૧)

       પછી પરમાનંદ સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૨) સુષુમ્ણા નાડી તે દેહને માંહીલી કોરે કેમ રહી છે ? ને દેહથી બાહેર કેમ રહી છે ? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે તે પિંડમાં અલ્પ છે ને બ્રહ્માંડમાં મહત્‌ છે ને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે ને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાડીઓ છે ને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષિને વિષે જળ છે ને જેમ ત્યાં ચંદ્ર-સૂર્ય છે તેમ પિંડમાં ઇડા-પિંગળા નાડીને વિષે ચંદ્ર-સૂર્ય છે ઇત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે તે જિહ્‌વાના અંતને પામે, ત્યારે વરુણદેવ પમાય છે અને વાક્‌ ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે છે અને શિશ્નના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે અને તેમ જ હૃદયને વિષે રહી જે સુષુમ્ણા નાડી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જ્યારે પામે ત્યારે શિશુમારચક્રને વિષે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિ પર પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે તે તેજના માર્ગને સુષુમ્ણા કહીએ, એવી રીતે સુષુમ્ણા નાડી પિંડમાં ને બ્રહ્માંડમાં રહી છે. (૨)

       પછી વળી પરમાનંદ સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૩) પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય છે કે સુષુપ્તિનો લય છે ? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયંપ્રકાશાનંદ સ્વામીને ન આવડ્યો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જાગ્રત અવસ્થાને વિષે સ્નેહે કરીને ભગવાનની મૂર્તિને વિષે લક્ષ થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે ને પછી સ્વપ્નનો ને સુષુપ્તિનો લય થાય છે અને જ્યારે મને કરીને ચિંતવન કરતે કરતે સ્વપ્નને વિષે ભગવાનની મૂર્તિમાં લક્ષ થાય, ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય ને પછી જાગ્રતનો ને સુષુપ્તિનો લય થાય છે અને જ્યારે ઉપશમપણે કરીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતે કરતે સુષુપ્તિને વિષે લક્ષ થાય છે, ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે ને પછી જાગ્રતનો ને સ્વપ્નનો લય થાય છે એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. (૩)

       પછી વળી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૪) ભગવાનને વિષે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ ને ઇચ્છાશક્તિ છે તે કેમ સમજવી ? ત્યારે શ્રીજીમહારાજ હસીને બોલ્યા જે, એનો ઉત્તર તો તમને પણ નહિ આવડતો હોય એમ કહીને પોતે ઉત્તર કરવા લાગ્યા જે, આ જીવ જ્યારે સત્ત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય ને ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે ને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે. અને જ્યારે આ જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય ને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષુપ્તિ અવસ્થા છે અને તે સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે, ત્યારે જેવી પાણાની શિલા હોય તે જેવો જડ થઈ જાય છે અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી જે, હું પંડિત છું કે મૂર્ખ છું કે આ કામ કર્યું છે કે આ કામ કરવું છે કે આ મારી જાતિ છે કે આવો મારો વર્ણ છે કે આવો મારો આશ્રમ છે કે આ મારું નામ છે કે આ મારું રૂપ છે કે હું દેવ છું કે મનુષ્ય છું કે બાળક છું કે વૃદ્ધ છું કે ધર્મિષ્ઠ છું કે પાપિષ્ઠ છું ઇત્યાદિક કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી અને એવી રીતનો જ્યારે આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાનશક્તિએ કરીને સુષુપ્તિમાંથી જગાડીને એને એની સર્વ ક્રિયાનું જ્ઞાન આપે છે તેને જ્ઞાનશક્તિ કહીએ; અને એ જીવ જે જે ક્રિયાને વિષે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ; અને એ જીવ જે જે કોઈ પદાર્થની ઇચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઇચ્છાશક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે તેને ઇચ્છાશક્તિ કહીએ; અને એ જીવને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા ભોગવાય છે તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી; એ તો એને કર્મના ફળપ્રદાતા જે પરમેશ્વર તે એ જીવને જ્યારે કર્મફળને ભોગવાવે છે ત્યારે ભોગવે છે, કેમ જે આ જીવ જ્યારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય ને ત્યારે એ ઇચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે તો એની વતે સ્વપ્નમાં જવાય નહિ, શા માટે જે ફળપ્રદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિઓને રૂંધી રાખે છે અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાને ઇચ્છે તો જાગ્રતમાં અવાય નહિ અને સુષુપ્તિમાં પણ જવાય નહિ અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં તથા જાગ્રતમાં અવાય નહિ, એ તો જ્યારે જે કર્મના ફળના ભોગવાવનારા પરમેશ્વર છે તે એને જે અવસ્થાના કર્મફળને ભોગવાવે તેને જ ભોગવી શકે છે. પણ એ જીવ પોતાની ઇચ્છાએ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી, એવી રીતે ભગવાનને વિષે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ ને ઇચ્છાશક્તિ તે રહી છે એમ શ્રીજીમહારાજે કૃપા કરીને ઉત્તર કર્યો. (૪) ઇતિ વચનામૃતમ્‌ ।।૬૫।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે તમોગુણનું કાર્ય જે આકાશ તેની ઉત્પત્તિને લય કહ્યો છે પણ સર્વાધાર આકાશનો લય નથી કહ્યો. (૧) બીજામાં પિંડની ને બ્રહ્માંડની એકતા કહી છે ને સુષુમ્ણા નાડીનું અંત બ્રહ્મરંધ્ર કહ્યું છે તે બ્રહ્મરંધ્રને પામે ત્યારે મૂળપુરુષના તેજને દેખે છે. (૨) ત્રીજામાં સ્નેહે કરીને અમારી મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ જાગ્રતનો લય થાય છે અને મને કરીને ચિંતવન કરતાં કરતાં સ્વપ્નને વિષે અમારી મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય છે અને ઉપશમપણે કરીને અમારી મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં સુષુપ્તિને વિષે અમારી મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે. (૩) ચોથામાં જાગ્રત, સ્વપ્ન, ને સુષુપ્તિ અવસ્થાનું ફળ તેને જીવ પોતાની ઇચ્છાથી અથવા કર્મે કરીને ભોગવી શકતો નથી; અમે ભોગવાવીએ તે અવસ્થાના ફળને ભોગવી શકે છે એમ કહ્યું છે. (૪) બાબતો છે.

૧      પ્ર. પહેલા પ્રશ્નમાં સમાધિએ કરીને આકાશની ઉત્પત્તિને લય કહ્યો તે કેવી રીતે સમજવો ?

૧      ઉ. જેમ ઇન્દ્રિયોના છિદ્રની વૃદ્ધિ થવે કરીને અને સંકોચ પામવે કરીને ઉત્પત્તિને લય છે, તેવી રીતે સમાધિવાળા સમાધિમાં જાય છે ત્યારે નાડીઓ જીવમાં ખેંચાઈને સંકોચને પામે છે, ત્યારે આકાશ લય પામે છે, અને જ્યારે સમાધિમાંથી બહાર આવે છે ત્યારે નાડીઓ વિકાસને પામે છે, ત્યારે આકાશ ઉત્પન્ન થાય છે, એવી રીતે સમાધિને વિષે આકાશની ઉત્પત્તિ ને લય છે.

૨      પ્ર. બીજા પ્રશ્નમાં ઇન્દ્રિયોના અંતને પામે, ત્યારે દેવને પામે એમ કહ્યું તે શી રીતે પમાતું હશે ?

૨      ઉ. યોગાભ્યાસવાળો હોય તે જે જે નાડીને જે જે ઇન્દ્રિયો સાથે એકતા હોય તે તે નાડીએ જીવને ચડાવે, ને તે નાડીના અંતને પામે ત્યારે તે ઇન્દ્રિયના દેવને દેખે.

૩      પ્ર. ચોથા પ્રશ્નમાં ભગવાનની જ્ઞાનશક્તિના અવલંબને કરીને જીવ જ્ઞાન પામે છે અને ભગવાનની ક્રિયાશક્તિને અવલંબને કરીને જીવ ક્રિયા કરે છે ને ભગવાનની ઇચ્છાશક્તિને અવલંબને કરીને જીવ પદાર્થની ઇચ્છાને પામે છે એમ કહ્યું, ત્યારે તો કર્મના કર્તા ભગવાન થયા ત્યારે પુણ્ય-પાપ જીવને માથે ન રહ્યું અને (પ્ર. ૨૯ના પહેલા પ્રશ્નમાં તથા ૭૮ના પહેલા પ્રશ્નમાં ઇત્યાદિકમાં) પવિત્ર દેશકાળાદિક સેવવા એમ કહ્યું છે તે જ્યારે કર્મના કર્તા ભગવાન હોય ત્યારે જીવને રૂડા દેશાદિક સેવવાનું શું પ્રયોજન છે, કેમ જે કર્મ તો ભગવાન કરાવે ત્યારે જ થાય છે, માટે એ પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું ?

૩      ઉ. જીવે ત્રણ ગુણ પ્રધાનપણે પૂર્વે કરેલાં કર્મ તે કર્મનું ફળ ત્રણે અવસ્થાઓમાં ભોગવાય છે, તે ફળ ભોગવવાં તેમાં ભગવાનની ઇચ્છાશક્તિ, ક્રિયાશક્તિ ને જ્ઞાનશક્તિ ભળે તો ભોગવાય. પણ કેવળ જીવની ઇચ્છાથી કે કર્મે કરીને ફળને ભોગવી શકાતાં નથી એમ કહ્યું છે, પણ જીવ જે જે કર્મ કરે છે તેમાં તો ભગવાનની એકે શક્તિ ભળતી નથી; માત્ર ફળ ભોગવવામાં ભળે છે, પણ કર્મ કરવામાં ભળતી નથી; કર્મ તો બુદ્ધિ અનુસારે ને સંગાનુસારે કરે છે, તે (સા. ૬ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) કહ્યું છે જે જીવને ત્રણે અવસ્થાઓના ફળને ભોગવાવનારા ભગવાન છે પણ કર્મ કરાવનારા ભગવાન છે એવું ક્યાંય કહ્યું નથી, માટે સારા દેશાદિક સેવવા ને સંતનો સંગ રાખવો ને નિયમમાં વર્તવું; જો નિયમમાં વર્તે નહિ તો કરેલાં કર્મ જીવને ભોગવવાં પડે તે (જે. ૫/૧ માં) અમારા નિયમ નહિ પાળો તો અમારે ને તમારે લેવાદેવા નથી એમ કહ્યું છે. ।।૬૫।।