વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૨

સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૫ પૂનમને દિવસે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જગતનાં કારણ એવાં જે પુરુષ, પ્રકૃતિ ને કાળ ને મહત્તત્ત્વાદિક ચોવીશ તત્ત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિષે રહી જે અવિદ્યા ને તેના કાર્ય એવાં જે ચોવીશ તત્ત્વ તેના બંધન થકી મુકાય છે. (૧)

       ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એમનાં સ્વરૂપ તો એમનાં લક્ષણને જાણવે કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ જે, પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતિ, ને અખંડ, ને અનાદિ, ને અનંત, ને સત્ય, ને સ્વયંજ્યોતિ, ને સર્વજ્ઞ, ને દિવ્ય વિગ્રહ, ને સમગ્ર આકારમાત્રની પ્રવૃત્તિના કારણ, ને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે, ને જડચિદાત્મક છે, ને નિત્ય છે, ને નિર્વિશેષ છે ને મહદાદિક સમગ્ર તત્ત્વ ને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે, ને ભગવાનની શક્તિ છે; અને ગુણસામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. અને હવે મહત્તત્ત્વાદિક જે તત્ત્વ તેનાં લક્ષણ કહીએ, તે સાંભળો : જે ચિત્તને ને મહત્તત્ત્વને અભેદપણે જાણવું, અને જે મહત્તત્ત્વને વિષે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે, ને પોતે નિર્વિકાર છે, ને પ્રકાશમાન છે, ને સ્વચ્છ છે, ને શુદ્ધ સત્ત્વમય છે, ને શાન્ત છે. અને હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ જે, અહંકાર જે તે ત્રિગુણાત્મક છે અને ભૂત, માત્રા, ને ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા ને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિનું કારણ છે, ને એને વિષે શાન્તપણું છે, ને ઘોરપણું છે ને વિમૂઢપણું છે. અને હવે મનનું લક્ષણ કહીએ છીએ જે, મન જે તે સ્ત્રીઆદિક પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે ને સંકલ્પ-વિકલ્પરૂપ છે, અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ જે, બુદ્ધિને વિષે પદાર્થમાત્રનું જ્ઞાન રહ્યું છે, અને સમગ્ર ઇન્દ્રિયોને વિષે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિ વતે છે, અને જે બુદ્ધિને વિષે સંશય, નિશ્ચય, નિદ્રા ને સ્મૃતિ એ રહ્યાં છે. અને શ્રોત્ર, ત્વક્‌, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાક્‌, પાણિ, પાદ, પાયુ ને ઉપસ્થ એ જે દશ ઇન્દ્રિયો તેમનું લક્ષણ તો એ છે જે, પોતપોતાના વિષયમાં પ્રવર્તવું. હવે પંચમાત્રાનાં લક્ષણ કહીએ છીએ : તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે, શબ્દ જે તે અર્થમાત્રનો આશ્રય છે, ને વ્યવહારમાત્રનો કારણ છે; અને બોલનારાની જે જાતિને સ્વરૂપ તેનો જણાવનારો છે; ને આકાશને વિષે રહેવાપણું છે. ને આકાશની માત્રા છે અને શ્રોત્ર ઇન્દ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવે છે એ શબ્દનું લક્ષણ છે. હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ જે, સ્પર્શ છે તે વાયુની તન્માત્રા છે, અને કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું ને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શનું સ્પર્શપણું છે. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ જે પદાર્થમાત્રના આકારને જણાવી દેવાપણું ને તે પદાર્થને વિષે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું અને તેજ તત્ત્વનું તન્માત્રાપણું ને ચક્ષુ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રૂપનું રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ જે મધુરપણું, તીખાપણું, કષાયલાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું ને જળનું તન્માત્રાપણું ને રસના ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે. હવે ગંધનું લક્ષણ કહીએ છીએ જે, સુગંધપણું, દુર્ગંધપણું ને પૃથ્વીનું તન્માત્રાપણું ને ઘ્રાણ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ જે, સર્વે જીવમાત્રનું ધારવાપણું, ને લોક રૂપે કરીને સ્થાનપણું, ને આકાશાદિક જે ચાર ભૂત તેનું વિભાગ કરવાપણું, ને સમગ્ર ભૂત-પ્રાણીમાત્રના શરીરનું પ્રગટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ જે, પૃથ્વી આદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું, ને પદાર્થને કોમળ કરવાપણું, ને ભીનું કરવાપણું, ને તૃપ્તિ કરવાપણું, ને પ્રાણીમાત્રને જિવાડવાપણું, ને તૃષાની નિવૃત્તિ પમાડવાપણું, ને તાપને ટાળવાપણું, ને બહુપણું એ જળનું લક્ષણ છે. હવે તેજનું લક્ષણ કહીએ છીએ જે, પ્રકાશપણું, ને અન્નાદિકને પચવી નાખવાપણું, ને રસને ગ્રહણ કરવાપણું, ને કાષ્ઠનું ને હુતદ્રવ્યાદિકનું ગ્રહણ કરવાપણું, ને ટાઢ્યને હરવાપણું, ને શોષણ કરવાપણું ને ક્ષુધા ને તૃષા એ તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ જે, વૃક્ષાદિકને કંપાવવાપણું, ને તૃણાદિકને ભેળાં કરવાપણું, ને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેને શ્રોત્રાદિક પંચ ઇન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું ને સર્વે ઇન્દ્રિયોનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ કહીએ છીએ જે, સમગ્ર જીવમાત્રને અવકાશ દેવાપણું, ને ભૂત-પ્રાણીમાત્રનો જે દેહને માંહીલો વ્યવહાર, ને દેહને બહારનો વ્યવહાર તેનું કારણપણું, ને પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ એ સર્વેનું સ્થાનકપણું એ આકાશનું લક્ષણ છે.

          એવી રીતે ચોવીશ તત્ત્વ, પ્રકૃતિ, પુરુષ ને કાળ એમનાં જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે. અને એ જે સર્વે તેની ઉત્પત્તિને જાણવી, તે ઉત્પત્તિ કહીએ છીએ જે, પોતાના ધામને વિષે રહ્યા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અક્ષરપુરુષ રૂપે કરીને માયાને વિષે ગર્ભને ધારતા હવા; ત્યારે તે માયા થકી અનંતકોટિ જે પ્રધાન ને પુરુષ તે થતા હવા. તે પ્રધાનપુરુષ કેવા છે તો અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાનપુરુષ તેને કહીએ છીએ જે, પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિષે ગર્ભને ધરતા હવા. પછી તે પ્રધાન થકી મહત્તત્ત્વ ઉત્પન્ન થાતું હવું ને મહત્તત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાતો હવો; તેમાં સાત્ત્વિક અહંકાર થકી મન ને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થાતા હવા, ને રાજસ અહંકાર થકી દશ ઇન્દ્રિયો, બુદ્ધિ ને પ્રાણ એ ઉત્પન્ન થાતા હવા, અને તામસ અહંકાર થકી પંચભૂત ને પંચ તન્માત્રા એ ઊપજતાં હવાં. એવી રીતે એ સમગ્ર તત્ત્વ ઊપજ્યાં. પછી તે પરમેશ્વરની ઇચ્છાએ પ્રેર્યાં થકાં પોતપોતાને અંશે કરીને ઈશ્વરને જીવના દેહને સૃજતાં હવાં. તે ઈશ્વરના દેહ તે વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત ને જીવના દેહ તે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. અને વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપરાર્ધકાળ પર્યંત આયુષ્ય છે; અને તે વિરાટપુરુષના એક દિવસને વિષે ચૌદ મન્વંતર થાય છે; અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે; અને જ્યાં સુધી તેનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે, અને જ્યારે એની રાત્રિ પડે છે, ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે. તેને     કહીએ. અને જ્યારે તે વિરાટપુરુષનો દ્વિપરાર્ધકાળ પૂરો થાય છે ત્યારે એ વિરાટ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે. અને મહદાદિક જે ચોવીશ તત્ત્વ, પ્રધાન, પ્રકૃતિ ને પુરુષ એ સર્વે મહામાયાને વિષે લય પામે છે; તેને પ્રાકૃત પ્રલય કહીએ. અને એ મહામાયા તે અક્ષરબ્રહ્મના પ્રકાશને વિષે લય પામે છે; જેમ દિવસને વિષે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે, તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ, દૈત્ય ને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિષે વૈરાગ્ય થાય ને ભગવાનને વિષે ભક્તિ થાય છે. અને જ્યારે એ સર્વે બ્રહ્માંડનો લય થાય છે ત્યારે જે સર્વે જીવ છે તે તો માયાને વિષે રહે છે, ને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. (૨)

       ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) તે ભગવાનનું ધામ કેવું છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે, ને અખંડ છે તેને દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે, જેમ પર્વત ને વૃક્ષાદિકે સહિત ને મનુષ્ય, પશુ, પક્ષી આદિકની જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય ને આકાશને વિષે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય, પછી તેને તેજે કરીને સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિષે દેખે છે, ને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૨।।

        રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે, તેમાં (૧) પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે જગતના કારણ જે પુરુષપ્રકૃતિ આદિક તેમના સ્વરૂપને જાણે ત્યારે અવિદ્યા થકી મુકાય છે એમ કહ્યું છે. (૧) બીજામાં પુરુષપ્રકૃતિ આદિક સર્વનાં લક્ષણ તથા ઉત્પત્તિ કહી છે. (૨) ત્રીજામાં પોતાના તેજરૂપ અક્ષરધામનું રૂપ કર્યું છે. (૩) બાબતો છે.

       પ્ર. બીજા પ્રશ્નમાં જગતના કારણને જાણવે કરીને અવિદ્યાથી મુકાય એમ કહ્યું ત્યારે બીજાં સાધન કરવાનું શું પ્રયોજન હશે ?

       ઉ. એમના સ્વરૂપને જાણવે કરીને અજ્ઞાનથી મુકાય એટલે સત્યાસત્યનો વિવેક થાય ને અસત્યમાં વૈરાગ્ય થાય, ને સત્ય વસ્તુ જે આત્મા ને પરમાત્મા તેનું જ્ઞાન થાય. પછી ભગવાનને સર્વેથી પર ને સર્વે સુખમય મૂર્તિ જાણીને તેમની ભક્તિ કરે ને આજ્ઞા યથાર્થ પાળે ત્યારે બંધનથી મુકાય ને આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને પામે.

૨      પ્ર. જીવને વિષે અવિદ્યા કહી તે કઈ જાણવી ?

૨      ઉ. જેમાંથી સર્વ તત્ત્વ ઉત્પન્ન થાય છે ને જે જીવને જન્મમરણને પમાડે છે એવી જે માયા તેને અવિદ્યા કહી છે.

૩      પ્ર. પુરુષને નિયંતાદિક બાર વિશેષણો આપ્યાં તેનો અર્થ શો હશે ?

       ઉ. પ્રકૃતિ જે માયા તેને નિયમમાં રાખે છે માટે નિયંતા કહ્યા છે. અને માયામાં દેહદેહીભાવ છે અને પુરુષ ચૈતન્ય મૂર્તિ છે માટે વિજાતિ કહ્યા છે. અને ખંડાયમાન ન થાય માટે અખંડ કહ્યા છે અને પોતાનાં કાર્ય જે અનંતકોટિ પ્રધાનપુરુષરૂપી બ્રહ્માંડ તેના આદિ કર્તા છે માટે તે બ્રહ્માંડથી અનાદિ કહ્યા છે. અને માયા તથા માયામાંથી જે જે ઉત્પન્ન થાય છે તે કોઈ પુરુષનો અંત જે પાર તેને પામતા નથી, માટે તેનાં કાર્ય જે માયા તથા પ્રધાનપુરુષાદિક તેમને મતે અનંત કહ્યા છે. અને અનંતકોટિ બ્રહ્માંડ છે તે મહાપ્રલયને વિષે લય પામે છે, ત્યારે તે સર્વેને પોતાને વિષે લીન કરીને પોતે (અ. ૭/૧માં) કહ્યું એવું જે પોતાનું ગોલોક ધામ તેથી પર વાસુદેવબ્રહ્મના બ્રહ્મપુર ધામમાં જઈને વાસુદેવને સમીપે રહે છે, પણ પરિણામ પામતા નથી માટે સત્ય કહ્યા છે. અને પોતાના પ્રકાશે પ્રકાશમાન છે, માટે સ્વયંજ્યોતિ કહ્યા છે. અને પોતાના કાર્યમાં રહ્યા એવા જે પ્રધાનપુરુષ, અહંકાર, વૈરાજ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા દેવ-મનુષ્યાદિક સમગ્રના અંતરને જાણે છે, માટે સર્વજ્ઞ કહ્યા છે. અને માયિક તત્ત્વોનો દેહ નથી; પોતે ચૈતન્યમૂર્તિ છે પણ ભાગ-ત્યાગ નથી, માટે દિવ્ય વિગ્રહ કહ્યા છે. અને પ્રધાનપુરુષાદિકની ઉત્પત્તિ કરે છે માટે પ્રવૃત્તિના કારણ કહ્યા છે, ને માયામાંથી ઉત્પન્ન થયા એવા જે પ્રધાનપુરુષાદિક સમગ્ર જીવ તે સર્વ ક્ષેત્ર છે, તેને જાણનારા છે, માટે ક્ષેત્રજ્ઞ કહ્યા છે.

       પ્ર. પ્રકૃતિરૂપ માયાને ત્રિગુણાત્મકાદિક વિશેષણો આપ્યાં તેનો અર્થ શો સમજવો ?

       ઉ. રજ, તમ, સત્ત્વ એ ત્રણ ગુણમય છે, માટે ત્રિગુણાત્મક કહી છે; તેનો દેહ જડ છે, ને જીવ ચૈતન્ય છે માટે જડચિદાત્મક કહી છે; અને ઉત્પત્તિકાળમાં પોતાના કાર્યને વિસ્તારીને રહે છે, અને આત્યંતિક પ્રલયને વિષે પોતાનું કાર્ય પોતામાં લીન કરીને પુરુષના અંગમાં લીન રહે છે માટે નિત્ય કહી છે; તેના કાર્યમાં કોઈ એના જેવું નથી માટે નિર્વિશેષ કહી છે, પણ પુરુષ આગળ નિર્વિશેષ નથી કહી; અનંત પ્રધાનપુરુષાદિક જીવ-પ્રાણીમાત્રનું સ્થાનરૂપ છે માટે ક્ષેત્ર કહી છે, ભગવાન જે પુરુષ તેની શક્તિ છે માટે ભગવાનની શક્તિ કહી છે; ત્રણ ગુણ સમપણે કરીને એને વિષે રહ્યા છે માટે ગુણસામ્ય કહી છે.

       પ્ર. કાળ કોને કહ્યો છે ? અને તે મૂર્તિમાન છે કે અમૂર્ત છે ?

       ઉ. મૂળપુરુષના કાર્યનો પ્રલય કરે છે તેને કાળ કહ્યો છે. અને તે મૂર્તિમાન છે. ને મૂળપુરુષથી પર છે, તે (પરથારાની બીજી બાબતમાં તથા લો. ૧૭ના ૫/૭ પાંચમાં) કાળ અમારી શક્તિ છે એમ શ્રીજીએ કહ્યું છે.

       પ્ર. માયાની સાથે તો મૂળપુરુષ જોડાય છે ને કાળને ક્ષોભકર્તા કહ્યો તેનો શો હેતુ હશે ?

       ઉ. મૂળપુરુષ સાથે જોડાવાને અર્થે માયાને સચેતન કરે છે માટે ક્ષોભકર્તા કહ્યો છે.

૭      પ્ર. ચિત્તને ને મહત્તત્ત્વને અભેદપણું કહ્યું તથા મહત્તત્ત્વમાં જગત રહ્યું છે તથા નિર્વિકાર, પ્રકાશમાન, સ્વચ્છ, શુદ્ધ સત્ત્વમય અને શાન્ત કહ્યું તે કેવી રીતે સમજવું ?

       ઉ. (કા. ૪ના બીજા પ્રશ્નમાં) મહત્તત્ત્વમાં સ્વચ્છપણું ને નિર્મળપણું છે તેમજ ચિત્તમાં પણ છે, માટે એ ગુણના સાદૃશ્યપણાથી અભેદપણું કહ્યું છે. અને મહત્તત્ત્વ તથા પ્રધાનપુરુષ એ સર્વે માયામાંથી ઉત્પન્ન થાય છે, પણ મહત્તત્ત્વ દ્વારે જગતની વ્યક્તિ થાય છે, માટે તેમાં જગત રહ્યું છે. અને તે પોતાના કાર્યમાં રહે છે તોપણ આકાશવત્‌ નિર્વિકાર છે. અને સૂર્યની પેઠે તેજસ્વી છે, માટે પ્રકાશમાન કહ્યું છે. અને મલિનગુણથી પર છે માટે સ્વચ્છ કહ્યું છે. અને રજ-તમ રહિત કેવળ સત્ત્વગુણ પ્રધાન વર્તે છે માટે શુદ્ધ સત્ત્વમય કહ્યું છે. અને શાન્ત સ્વભાવે વર્તે છે માટે શાન્ત કહ્યું છે.

       પ્ર. અહંકારને વિષે ઘોરપણું ને વિમૂઢપણું ને શાન્તપણું કહ્યું તે ઘોર ને વિમૂઢપણામાં શાન્તપણું કેવી રીતે સમજવું ?

       ઉ. રાજસ, તામસ ને સાત્ત્વિક એ ત્રણ પ્રકારનો અહંકાર છે તેમાં શાન્તપણું તે સત્ત્વગુણનું છે, અને ઘોરપણું તે તમોગુણનું અને વિમૂઢપણું એટલે ચપળપણું તે રજોગુણનું છે, માટે શાન્તપણું તે સત્ત્વગુણનું કહ્યું છે.

       પ્ર. રાજસ, તામસ ને સાત્ત્વિક અહંકાર તે કોને જાણવા ?

૯      ઉ. રાજસ તે અનિરુદ્ધ, તામસ તે સંકર્ષણ અને સાત્ત્વિક તે પ્રદ્યુમ્ન જાણવા. આ ત્રણેની ઉપાસના વૈરાજ કરે છે. તે (મ. ૩૧ના ૧/૩ પહેલા પ્રશ્નમાં) કહ્યું છે.

૧૦    પ્ર. તત્ત્વ કહ્યાં તે મૂર્તિમાન છે કે અમૂર્ત છે ?

૧૦    ઉ. તત્ત્વ મૂર્તિમાન છે તે (પ્ર. ૪૬ તથા ૬૩ના ત્રીજા પ્રશ્નમાં) કહ્યું છે.

૧૧    પ્ર. દેહનો માંહીલો ને બહારનો વ્યવહાર કહ્યો તે કેવી રીતે જાણવો ?

૧૧    ઉ. દેહમાં પ્રાણને ફરવાપણું તથા અન્નજળાદિકને અવકાશ દેવાપણું તે માંહીલો, અને દેહને હરવાફરવાદિક સર્વે ક્રિયા કરવાપણું તે બહારનો વ્યવહાર જાણવો.

૧૨    પ્ર. ધામને વિષે શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે કોને જાણવા ? અને એમનું ધામ કિયું જાણવું ?

૧૨    ઉ. આ ઠેકાણે શ્રીકૃષ્ણ નામે શ્રીજીમહારાજને કહ્યા છે અને પોતાના તેજને ધામ કહ્યું છે.

૧૩    પ્ર. માયાને વિષે અક્ષરપુરુષ રૂપે ગર્ભ ધરતા હવા એમ કહ્યું તે કોને જાણવા ?

૧૩    ઉ. મૂળપુરુષને અક્ષરપુરુષ નામે આ ઠેકાણે કહ્યા છે.

૧૪    પ્ર. પરાર્ધ કેટલે વર્ષે કહેવાય ?

૧૪    ઉ. (૮,૬૪,૦૦,૦૦,૦૦૦) આઠ અબજ ને ચોસઠ કરોડ વર્ષે બ્રહ્માનો એક રાત્રિ-દિવસ થાય છે, તેને નિમિત્ત પ્રલય કહે છે; એવા છત્રીસ હજાર નિમિત્ત પ્રલય થાય છે, ત્યારે વૈરાજનાં સો વર્ષ પૂરાં થાય છે; તેને દ્વિપરાર્ધ કહે છે, અને તેનાં પચાસ વર્ષને પરાર્ધ કહે છે.

૧૫    પ્ર. માયા અક્ષરબ્રહ્મના પ્રકાશમાં લય પામે છે, એમ કહ્યું તે અક્ષરબ્રહ્મ કિયાં જાણવાં ?

૧૫    ઉ. મહામાયા તો મૂળપુરુષમાં જ લીન થાય છે ને મૂળપુરુષ પણ વાસુદેવબ્રહ્મની સમીપે રહે છે પણ જેમ આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા સર્વે રહ્યા છે તેમ શ્રીજીમહારાજના તેજમાં અક્ષરની તથા બ્રહ્મની તથા મૂળપુરુષની કોટિઓ રહી છે તે સર્વેનું આધાર શ્રીજીમહારાજનું તેજરૂપ અક્ષરબ્રહ્મ છે, માટે અક્ષરબ્રહ્મમાં લીન થાય છે એમ કહ્યું છે તે (કા. ૭ના ચોથા પ્રશ્નમાં) પુરુષપ્રકૃતિ અક્ષરબ્રહ્મમાં લીન થાય છે એમ કહ્યું છે.

૧૬    પ્ર. ત્રીજા પ્રશ્નમાં ભગવાનનું ધામ સનાતન, નિત્ય, અપ્રાકૃત, સચ્ચિદાનંદ, અનંત, ને અખંડ કહ્યું અને (સા. ૧૧ના ૨/૩ બીજા પ્રશ્નમાં તથા છે. ૩૧માં) અમારું ધામ ગુણાતીત છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે એ અક્ષરધામનાં વિશેષણો છે કે તે તે નામે સાધુ હોય તેને અક્ષરધામ કહ્યાં હશે ?

૧૬    ઉ. એ સર્વે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનાં વિશેષણો છે. પણ સનાતનાનંદ, નિત્યાનંદ, અપ્રાકૃતાનંદ, સચ્ચિદાનંદ, અનંતાનંદ, અખંડાનંદ તથા ગુણાતીતાનંદ એવે એવે નામે સાધુ હોય તેમને અક્ષરધામ ન જાણવા. સનાતન એટલે અનાદિ જાણવું. નિત્ય એટલે નિરંતર જાણવું. અપ્રાકૃત એટલે દિવ્ય જાણવું. સચ્ચિદાનંદ એટલે સત્‌, ચિત્‌, આનંદમય જાણવું. અનંત એટલે પાર રહિત જાણવું. અખંડ એટલે અવિનાશી જાણવું. ગુણાતીત એટલે ગુણથી પર જાણવું. માટે તે તે વિશેષણે કરીને સાધુનાં નામ આવે તેણે કરીને સાધુઓને ધામ ન જાણવાં; ધામ તો શ્રીજીમહારાજનો પ્રકાશ છે.

૧૭    પ્ર. આપણા સંપ્રદાયમાં કેટલાક શ્રી ગોપાળાનંદ સ્વામીને તથા ગુણાતીતાનંદ સ્વામીને મૂળઅક્ષર કહે છે તે કેમ સમજવું ?

૧૭    ઉ. શ્રી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્ર. મુકુંદાનંદજી, કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી આદિ સર્વે અનાદિમુક્ત છે. પણ જીવને એકદમ મહિમા સમજાય નહિ તે સારુ શ્રીજીમહારાજે ઋષિઓ તથા અવતારોની ઉપમા આપી છે. પછી જેમ જેમ મહિમા સમજતા ગયા તેમ તેમ વધુ વધુ ઉપમા આપી છે. જેમ મુક્તાનંદ સ્વામીને નારદજીની ઉપમા આપી અને વળી અમારી સાથે આવ્યા છે એમ પણ છેલ્લી વારે કહ્યું અને નિત્યાનંદ સ્વામીને વ્યાસની ઉપમા આપી પણ ઉપાસના વિષેનો સંવાદ થયો ત્યારે આ સાધુ અમારો મહિમા જાણે છે તેવો કોઈ જાણતા નથી એમ પ્રશંસા કરી, તેમજ શ્રી ગોપાળાનંદ સ્વામીને પહેલી દત્તાત્રેયની ઉપમા આપી ને પછી શ્રીકૃષ્ણની ઉપમા આપી ને પછી મૂળઅક્ષરની ઉપમા આપી ને છેલ્લી વારે અક્ષરધામમાં દિવ્યમુક્ત છે તેથી પણ આ ગોપાળાનંદ સ્વામી અધિક છે એમ (છે. ૨૧/૬માં) પોતાના તથા પોતાના મુક્તોના સમ ખાઈને કહ્યું છે માટે તે સર્વે શ્રીજીમહારાજના અનાદિમુક્ત છે. અને તેથી નીચે પરમએકાંતિક છે ને તેથી નીચે શ્રીજીમહારાજના એકાંતિક તે આ સત્સંગમાં છે ને તેથી નીચે મૂળઅક્ષરની કોટિઓ છે ને તે અક્ષરોના પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ત્રણ પ્રકારના મુક્તો છે તે મૂળઅક્ષરોના ઉત્તમ મુક્તને પણ અનાદિ કહેવાય અને મધ્યમને પરમએકાંતિક કહેવાય અને કનિષ્ઠને એકાંતિક કહેવાય અને તે સર્વે અક્ષર સંજ્ઞિક પણ કહેવાય અને તેવી જ રીતે લક્ષ્મીજી શ્રીકૃષ્ણના અનાદિ કહેવાય અને રાધિકાજી પરમએકાંતિક કહેવાય અને શ્રીકૃષ્ણના સાધનદશાવાળા ભક્ત તે એમના એકાંતિક કહેવાય, અને તે મૂળપુરુષોના મુક્તો તથા મૂળપુરુષો તથા વાસુદેવબ્રહ્મ તથા તેમના મુક્તો તથા મૂળઅક્ષરો તથા તેમના મુક્તો એ સર્વે અક્ષર સંજ્ઞિક કહેવાય. પણ જેનાથી જે નીચા ગણ્યા હોય તે તેના મુક્ત જાણવા. અને શ્રીજીમહારાજનું તેજરૂપ જે અક્ષર તે ભાવને પામ્યા જે સાધનદશાવાળા એકાંતિક તે પણ અક્ષર સંજ્ઞિક કહેવાય. અને શ્રીજીમહારાજના ધામમાં શ્રીજીમહારાજના સન્મુખ રહ્યા જે પરમએકાંતિક તેમને પુરુષોત્તમરૂપ કહેવાય ને અક્ષર સંજ્ઞિક પણ કહેવાય અને મૂર્તિમાં રહ્યા એવા જે અનાદિમુક્ત તે પુરુષોત્તમરૂપ કહેવાય. એવા અનાદિ તથા પરમ એકાંતિકમુક્તોને જે અક્ષરાદિકની ઉપમા આપી છે તે ધીમે ધીમે મહિમા સમજાવવા સારુ આપી છે. આ અનાદિનો પ્રસંગ (પ્ર. ૧૮ના પાંચમા પ્રશ્નોત્તરમાં) છે. ।।૧૨।।