વચનામૃત પંચાળાનું - ૫
સંવત ૧૮૭૭ના ફાગણ વદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) કિયે ઠેકાણે માન સારું છે ને કિયે ઠેકાણે સારું નથી ? ને કિયે ઠેકાણે નિર્માનીપણું સારું છે ને કિયે ઠેકાણે સારું નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થાવું નહિ તે જ રૂડું છે; અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૧૩૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં અમારા તથા અમારા ભક્તની આગળ નિર્માની રહેવું અને વિમુખ જે સત્સંગનો દ્રોહી હોય અને અમારું તથા અમારી મૂર્તિમાં નિમગ્ન એવા સંતનું ઘસાતું બોલતો હોય તેના આગળ માન રાખવું એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે. ।।૫।।