વચનામૃત લોયાનું - ૨

સંવત ૧૮૭૭ના કાર્તિક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ નામે અંકિત એવો જે કાળો કિનખાબ તેની ડગલી પહેરી હતી અને માથે બુરાનપુરી આસમાની રંગનો રેંટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો હતો અને કસુંબી રંગનો રેંટો કેડે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દુકડ, સરોદા, સતાર, મંજીરાદિક વાજિંત્રને વજાડીને કીર્તનનું ગાન કરતા હતા.

પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સર્વે પરમહંસ સાંભળો : હું તમને એક પ્રશ્ન પૂછું છું ત્યારે મુનિ બોલ્યા જે, હે મહારાજ ! પૂછો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ? અને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય ? પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા જે, હે મહારાજ ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે, ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે તે ચાર પ્રકારના હરિભક્તની વિક્તિ : એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો એ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો ને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે એ ચાર પ્રકારના ભક્તનાં લક્ષણ કહીએ છીએ : તેમાં જે વિશ્વાસી હોય તે તો ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહિ ને એમ જાણે જે, મુંને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું, અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય તે એમ માને જે, હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું માટે એને પણ મૃત્યુનો ભય હોય નહિ, અને શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતાં રહે અને બીજા કોઈથી પણ ડરે નહિ માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહિ, માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશમાત્ર પણ હોય નહિ, અને ચોથો જે પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહિ ને એક પોતાના પતિને વિષે જ પ્રીતિ રાખે તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિષે જ પ્રીતિ રાખે, માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશમાત્ર હોય નહીં. અને ચાર અંગ માહ્યલું એક પ્રધાન હોય ને બીજાં ત્રણ ગૌણ હોય તોપણ જન્મ-મૃત્યુના ભય થકી તરે છે અને એ ચાર માંહ્યલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહિ, એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, એ ચાર માંહ્યલાં જેને જે અંગ પ્રધાનપણે વર્તતાં હોય તે કહો. પછી પરમહંસ સમગ્રને જે જે અંગ વર્તતાં હતાં તે કહ્યાં અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતાં હતાં તે કહ્યાં તે સાંભળીને શ્રીજીમહારાજ ઘણું પ્રસન્ન થયા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ચાર અંગમાંથી જેને શૂરવીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો, પછી જેને જેને શૂરવીરનાં અંગ વર્તતાં હતાં તે સર્વે શ્રીજીમહારાજનાં ચરણારવિંદને છાતીમાં લઈને પગે લાગ્યા. (૧)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વળી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) કારણ હોય તે તો કાર્યથી મોટું જોઈએ ત્યારે વડનું બીજ તે તો નાનું છે ને તે થકી મોટો વડ કેમ થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય તોપણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે એ જ કારણમાં મોટાઈ છે, જેમ મૂળપ્રકૃતિના કાર્ય એવા જે અનંત પ્રધાન તેનો મોટો વિસ્તાર છે પણ કારણરૂપ જે મૂળપ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે તથા પૃથ્વીનું કારણ જે ગંધ તે સૂક્ષ્મ છે ને તેનું કાર્ય જે પૃથ્વી તે મોટી છે, એમ જ આકાશ આદિક જે બીજાં ચાર ભૂત તેનો મોટો વિસ્તાર છે ને તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે અને જે કારણ હોય તે નાનું હોય તોપણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એવી એમાં કળા રહી છે, જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે અને માણસ જેવડો છે અને તેનું કાર્ય જે અગ્નિની જ્વાળાઓ તે તો અતિ મોટી છે, તથા જેમ વરુણની મૂર્તિ તે તો મનુષ્ય જેવડી છે અને તેનું કાર્યરૂપ જે જળ તે તો અતિ ઝાઝું છે, અને જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્યના જેવી રથમાં બેઠી છે અને તેનું કાર્ય જે પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે, તેમ સર્વના કારણ એવા જે શ્રી પુરુષોત્તમનારાયણ તે તો ઋષિ રૂપે મનુષ્ય જેવડા છે તોપણ અનંતકોટિ બ્રહ્માંડના કારણ છે અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે જે, જેનું કાર્ય આવડું મોટું છે તો તેનું કારણ તો કેવડું મોટું હશે ! એ તો મૂર્ખની સમજણ છે અને સર્વના કારણરૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે તોપણ પોતાના અંગમાંથી યોગકળાએ કરીને અનંતકોટિ બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે ને પાછા પોતાને વિષે લય કરવાને સમર્થ છે : જેમ અગ્નિ, વરુણ, સૂર્ય તે પોતાના કાર્ય રૂપે મોટા જણાય છે ને વળી કાર્યને પોતામાં લીન કરીને એક પોતે જ રહે છે તેમ ભગવાનના એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે તે અષ્ટાવરણ ને ચૌદલોક સૂધાં રહ્યાં છે, એવી રીતે કારણમાં અલૌકિકપણું છે ને મોટાઈપણું છે તેને સમજુ હોય તે જાણે જે ભગવાન મનુષ્ય જેવા જણાય છે તોપણ આ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કર્તા છે ને સમર્થ છે એમ કહીને શ્રીજીમહારાજ શયન કરવા પધાર્યા. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૧૧૦)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર ને પ્રીતિવાળો એ ચાર પ્રકારના ભક્તને મૃત્યુનો ભય નથી રહેતો. (૧) બીજામાં જેમ મૂળપ્રકૃતિ સ્ત્રી આકારે છે ને તેનું કાર્ય મોટું છે ને જેમ ચાર ભૂતનો મોટો વિસ્તાર છે ને તેના કારણ ગંધાદિક સૂક્ષ્મ છે અને જેમ સૂર્યાદિકની મૂર્તિઓ મનુષ્યના જેવડી છે ને તેનું કાર્ય જે પ્રકાશાદિક તે અતિ વિસ્તારવાન છે તેમ અમે મનુષ્ય જેવડા દેખાઈએ છીએ તોપણ સર્વના કારણ છીએ એવા પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમે મનુષ્યના જેવડા છીએ પણ અનંતકોટિ બ્રહ્માંડને ઉત્પન્ન કરવા ને મારે વિષે લીન કરવા સમર્થ છીએ અને અમારા એક એક રોમમાં એટલે કિરણોમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે એવું અમારે વિષે અલૌકિકપણું ને મોટાઈપણું છે. (૨) બાબતો છે.

       પ્ર. પહેલા પ્રશ્નમાં ચાર પ્રકારના ભક્તને મૃત્યુનો ભય ટળી જાય છે એમ કહ્યું તે આ દેહે મરવાની બીક ટળી જતી હશે કે ફેર જન્મ ધરવાની બીક ટળી જતી હશે ?

       ઉ. એવા ભક્તને ફેર જન્મ ધરવાનું તો હોય જ નહિ પણ આ દેહે કોઈક પ્લેગ, કોલેરા જેવો રોગ આવે અથવા રાજ્યચક્ર આવે તેમાં મરી જવાની બીક ન રહે એમ કહ્યું છે.

       પ્ર. બીજા પ્રશ્નમાં શ્રીજીમહારાજના એક એક રોમમાં અષ્ટ આવરણે યુક્ત બ્રહ્માંડ રહ્યાં છે એમ કહ્યું તે અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડ તો મૂળપુરુષના રોમમાં રહ્યા છે અને શ્રીજીમહારાજના રોમમાં રહ્યા છે એમ કેમ કહ્યું હશે ?

       . અક્ષરનું તથા બ્રહ્મનું તથા મૂળપુરુષનું એ સર્વેનું આધાર તો શ્રીજીમહારાજનું તેજ છે તે (કા. ૮/૧માં) કહ્યું છે જે, પૃથ્વી આદિક સર્વ તત્ત્વથી લઈને અક્ષર પર્યંત સર્વેનું આત્મા અમારું તેજ છે માટે મૂળપુરુષના તેજમાં રહ્યા હોય તે પણ શ્રીજીમહારાજના તેજમાં જ કહેવાય. ।।૨।।