વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૬

સંવત ૧૮૭૬ના પ્રથમ જ્યેષ્ઠ સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા.

       તેમની આગળ શ્રીજીમહારાજે વાર્તા કરી જે, (૧) ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો ય પણ તે સાથે અમારે બને નહિ, અને ક્રોધ ને ઈર્ષ્યા એ બેય માનને આશરે રહે છે. (૧) અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી, જે એ સત્સંગી છે અને કામી તો સત્સંગમાં હોય તો ય વિમુખ જેવો છે. (૨) અને જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, અને ગમે તેવા વચનના ભીડામાં લેઈએ ને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તોપણ કોઈ રીતે દેહપર્યંત મૂંઝાય નહિ એવો હોય, તે પાકો સત્સંગી છે, અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે અને એવા ગુણ ન હોય તો હેત કરવા જાઈએ તોપણ હેત થાય નહિ, અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય, તે ઉપર જ હેત થાય છે. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૭૬।।

          રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ક્રોધ, માન, ઈર્ષ્યા ને કપટ રાખે તે અમને ગમતો નથી. (૧) અને કામી તો વિમુખ છે. (૨) અને અમારા ગમતા પ્રમાણે વર્તવામાં મૂંઝાય નહિ તે પાકો સત્સંગી છે. (૩) બાબતો છે.

       પ્ર. ત્રીજી બાબતમાં અમે ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને અમારા ગમતામાં વર્તાવીએ તોપણ મૂંઝાય નહિ તેને પાકો સત્સંગી કહ્યો તે શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિચરતા તે વખતે તો જેમ કહે તેમ વર્તે તે વર્ત્યો કહેવાય પણ આજ કેવી રીતે વર્તે તો વચનમાં ભીડામાં તથા ગમતામાં વર્ત્યો કહેવાય ?

       ઉ. ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, શિક્ષાપત્રી આદિકમાં ત્યાગી-ગૃહીના ધર્મ શ્રીજીમહારાજે કહ્યા છે તે પ્રમાણે રાજી થકો વર્તે પણ તેમાં કાંઈ ફેર પડવા દે નહિ ને તે પ્રમાણે વર્તવામાં લેશમાત્ર મૂંઝાય નહિ તે વચનના ભીડામાં તથા ગમતામાં રહ્યો કહેવાય. અને તે પ્રમાણે યથાર્થ વર્તે પણ એ પ્રમાણે ન વર્તવાનો મનમાં સંકલ્પ થઈ જાય તે મૂંઝાણો કહેવાય. અને જે એ પ્રમાણે ન વર્તે તે સ્વામિનારાયણનો છે જ નહિ; એ તો સંપ્રદાયથી બહાર છે તે (પ્ર. ૩૬ના બીજા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે. ।।૭૬।।