વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૩
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૫ પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગના છેડાનો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મધ્યે એવું એક સાધન કિયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય તેવો એક ઉપાય કહો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દૃઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે, ને તે આશરો અતિ દૃઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહિ, તે આશરામાં ત્રણ ભેદ છે : એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે તે અતિમૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોપણ ડોલે નહિ, અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દૃઢ આશરો થાય છે, તે જેને દૃઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થાતી નથી, એવી રીતે જેને દૃઢ પ્રીતિ હોય તે પ્રીતિએ કરીને ભગવાનનો દૃઢ આશરો કહેવાય છે, અને ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું, તથા અન્વય-વ્યતિરેકપણું, તેને સમજતો હોય, અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય, અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય, અને જગતની ઉત્પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષપ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટપુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિકપ્રજાપતિ રૂપે વર્તે છે, તથા જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિક રૂપે વર્તે છે એ સર્વે રીતને સમજી જાણે, અને પુરુષોત્તમ ભગવાનને સર્વેથી પર ને નિર્વિકાર સમજતો હોય, એવી રીતે જેની દૃષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દૃઢ આશરો છે. તે બીજાનો ટાળ્યો ટળે નહિ ને પોતાનો પણ ટાળ્યો ટળે નહિ અને ભગવાન મનુષ્યદેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાન્તિ થાય નહિ. (૧)
એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કહો તો તમને એક પ્રશ્ન પૂછીએ, ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, પૂછો મહારાજ ! પછી એમ પૂછ્યું જે, (૨) અમે કહ્યાં જે ત્રણ અંગ તેમાં તમારું કિયું અંગ છે ? અને એ ત્રણે અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય, માટે મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારું કિયું અંગ છે ? પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, અમારે તો સમજણનું અંગ છે અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતાં તે કહ્યાં. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૩૩।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ ત્રણ પ્રકારે આશરો કરવાથી પોતાની પ્રસન્નતા કહી છે ને તે આશરાનાં ત્રણ પ્રકારનાં લક્ષણ કહ્યાં છે. (૧) બીજામાં સમજણનું અંગ શ્રેષ્ઠ કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં મૂઢપણે આશરો કરવો એમ કહ્યું તેનાં કેવાં લક્ષણ હોય ?
૧ ઉ. શ્રીજીમહારાજ વિના બીજા કોઈને ભગવાન માને નહિ, ને જંત્ર, મંત્ર, ઔષધ, પરચા-ચમત્કારમાં ક્યાંય લેશમાત્ર પ્રતીતિ આવે નહિ ને શ્રીજીમહારાજ બીએ, ભાગે, હારે એવાં મનુષ્યચરિત્ર કરે અથવા એવી લીલા સાંભળે તેમાં લેશમાત્ર સંશય થાય નહિ, અને માયિક વિષયમાં તથા અક્ષરાદિકના ઐશ્વર્યમાં રંચમાત્ર રાગ હોય નહિ, અને બીજે દિવસ ખાવાનું કાંઈ ન હોય તેની પણ ચિંતા ન હોય, એક શ્રીજીમહારાજનો જ આધાર હોય એવાં લક્ષણ હોય, અને ઉગમણા-આથમણાની તથા પોતાના વ્યવહારની ખબર ન હોય તે મૂઢપણે આશરો જાણવો.
૨ પ્ર. બ્રહ્મા જેવો ડોલાવે તોપણ ડોલે નહિ એમ કહ્યું તે બ્રહ્મા જેવો તે કેવો જાણવો ?
૨ ઉ. બહુ વિચિત્ર બુદ્ધિશાળી ને યુક્તિવાળો ને શાસ્ત્રવેત્તા હોય તે ઘણાક પ્રકારની યુક્તિએ કરીને શ્રીજીમહારાજના આશ્રયમાંથી પાડવાના ઉપાય કરે, તેને આ ઠેકાણે બ્રહ્મા જેવો કહ્યો છે.
૩ પ્ર. સમજણના અંગવાળો અમારું સગુણ-નિર્ગુણપણું સમજે એમ કહ્યું તે કેમ સમજવું ?
૩ ઉ. અષ્ટાવરણે વેષ્ટિત એવાં જે બ્રહ્માંડ તે મૂળપુરુષના તેજને આધારે રહ્યાં છે તે મૂળપુરુષના તેજનું સગુણપણું છે અને એનું એ તેજ પ્રધાન પુરુષાદિક સર્વે જીવને વિષે અંતર્યામીપણે રહ્યું છે તે મૂળપુરુષના તેજનું નિર્ગુણપણું છે, તેમ જ વાસુદેવબ્રહ્મના તેજને આધારે મૂળપુરુષ ઈશ્વરરૂપી કોટિઓ રહી છે તે બ્રહ્મના તેજનું સગુણપણું છે અને એનું એ તેજ અંતર્યામીપણે મૂળપુરુષરૂપી કોટિઓમાં વ્યાપક છે તે બ્રહ્મના તેજનું નિર્ગુણપણું છે, અને તેમ જ અક્ષરના તેજને આધારે બ્રહ્મની કોટિઓ રહી છે તે અક્ષરના તેજનું સગુણપણું છે અને એનું એ જે અક્ષરનું તેજ તે બ્રહ્મની કોટિઓને વિષે વ્યાપક છે તે અક્ષરના તેજનું નિર્ગુણપણું છે, તેમ જ શ્રીજીમહારાજના તેજને આધારે મૂળઅક્ષરની કોટિઓ રહી છે તે શ્રીજીમહારાજના તેજનું સગુણપણું એટલે અપારપણું છે, જેમ સૂર્યના પ્રકાશમાં તારા-ચંદ્રાદિક પોતાના પરિવારે સહિત રહ્યા છે, તેમ જ એ સર્વે શ્રીજીમહારાજના તેજમાં પોતપોતાના પાર્ષદોએ સહિત રહ્યા છે, અને એનું એ તેજ મૂળઅક્ષરની કોટિઓને વિષે અંતર્યામીપણે વ્યાપક છે તે શ્રીજીમહારાજના તેજનું નિર્ગુણપણું એટલે સૂક્ષ્મપણું છે. અને શ્રીજીમહારાજ તો એ પોતાના તેજથી પણ પર છે ને એ તેજના પણ આધાર છે ને સદા મૂર્તિમાન છે તેમને તો સગુણ કે નિર્ગુણ કહેવાય જ નહિ. માટે જ્યાં જ્યાં શ્રીજીમહારાજનું સગુણ-નિર્ગુણપણું આવે ત્યારે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનું સગુણ-નિર્ગુણપણું જાણવું. તે (મ. ૪૨માં) કહ્યું છે.
૪ પ્ર. અન્વય-વ્યતિરેકપણું કેવી રીતે જાણવું ?
૪ ઉ. શ્રીજીમહારાજ જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ તથા મૂળઅક્ષરાદિક સર્વને વિષે પોતાના તેજ રૂપે અંતર્યામીપણે રહ્યા છે તે શ્રીજીમહારાજનું અન્વયપણું છે અને પોતાના બ્રહ્મજ્યોતિરૂપ અક્ષરધામને વિષે મૂર્તિમાન રહ્યા છે તે વ્યતિરેકપણું છે.
૫ પ્ર. ભગવાનની માયા થકી સર્ગ થયો છે એમ કહ્યું તે માયા તથા સર્ગ કિયો જાણવો ?
૫ ઉ. મૂળપ્રકૃતિને માયા કહી છે અને માયા થકી જે જે ઉત્પન્ન થાય તેને સર્ગ કહ્યો છે. તે (પ્ર. ૧૨ના બીજા પ્રશ્નમાં) કહ્યો છે.
૬ પ્ર. અમારા અવતારની રીત જાણવી એમ કહ્યું, તે રીત કેવી રીતે જાણવી ?
૬ ઉ. મૂળઅક્ષરથી લઈને પૃથ્વીને વિષે જે જે અવતાર થાય છે તે સર્વેને વિષે શ્રીજીમહારાજનો આવિર્ભાવ છે. તે સર્વે મહારાજના અવતાર કહેવાય અને તે અવતારો પોતપોતાનાં સ્થાનોમાં હોય ત્યારે અક્ષર, બ્રહ્મ, પુરુષ, પ્રધાનપુરુષ, વૈરાજપુરુષ અને વિષ્ણુ એવે એવે નામે કહેવાય છે અને પૃથ્વીને વિષે દત્ત, કપિલ, નરનારાયણ, વાસુદેવ ને રામકૃષ્ણાદિક નામે કહેવાય છે.
૭ પ્ર. ઉત્પત્તિકાળે મૂળઅક્ષરથી લઈને બ્રહ્માદિક રૂપે વર્તે છે એમ કહ્યું તે કેમ સમજવું ?
૭ ઉ. ઉત્પત્તિ સમયને વિષે અક્ષરાદિક સર્વેને વિષે કારણપણે અંતર્યામી શક્તિએ પ્રવેશ કરીને ન્યૂનાધિકભાવે પ્રકાશ કરે છે. તે, તે તે રૂપે વર્તે છે એમ જાણવું. તે (પ્ર. ૪૧માં) કહ્યું છે.
૮ પ્ર. જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિક રૂપે વર્તે છે એમ કહ્યું તે કેમ સમજવું ?
૮ ઉ. જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પોતાની ઇચ્છાથી પોતાના મુક્ત દ્વારે પૃથ્વીને વિષે દર્શન આપે છે તે નારદ-સનકાદિક રૂપે એટલે મુક્ત રૂપે વર્તે છે એમ કહ્યું છે.
૯ પ્ર. અમને પર ને નિર્વિકાર સમજવા એમ કહ્યું તે કેવી રીતે સમજવા ?
૯ ઉ. મૂળઅક્ષરાદિક સર્વેમાં અંતર્યામીપણે રહ્યા થકા મૂર્તિમાન સર્વેથી ન્યારા છે તે પર સમજવા અને એ સર્વેમાં અંતર્યામી રૂપે રહ્યા થકા તે તે ઉપાધિ થકી રહિત છે પણ કોઈની ઉપાધિ શ્રીજીમહારાજને અડતી નથી તે નિર્વિકાર સમજવા તે (સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) “ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે ને તે તે ઉપાધિથી રહિત છે.” એમ કહ્યું છે. ।।૩૩।।