વચનામૃત ગઢડા પ્રથમનું – ૨૦

સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયો નખાવીને વિરાજતા હતા અને ધોળી પાઘ માથે બાંધી હતી ને તે પાઘને વિષે પીળાં ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિષે પીળાં પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિષે ધોળાં ને પીળાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા જે, (૧) સાંભળો : સર્વેને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું જે પૂછો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની તે કોણ છે ? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વેએ રાજી થઈને કહ્યું જે, હે મહારાજ ! તમથી જ યથાર્થ ઉત્તર થાશે માટે કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે ને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન ને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. અને કેવળ બાહ્યદૃષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે. પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક્‌, રસના, ઘ્રાણ ઇત્યાદિક સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષયસુખને ભોગવે છે, ને જાણે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે, ને એ જ ઘેલામાં અતિશે ઘેલો છે, ને એ જ મૂર્ખમાં અતિશે મૂર્ખ છે, ને એ જ સર્વે નીચમાં અતિશે નીચ છે. (૧)

       ત્યારે શુકમુનિએ આશંકા કરી જે, (૨) પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે ? ને જો પોતાના હાથમાં હોય તો જીવ શીદ અતિશે અજ્ઞાની રહે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને સત્સંગ થયો છે, તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે ને કે દહાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો, ને ન દીઠું ? અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થામાં અંતર્દૃષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતર્દૃષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દૃષ્ટિ કરે છે, તે તો પોતાના સ્વરૂપને અતિશે ઉજ્જ્વળ પ્રકાશમાન જુએ છે. ને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. અને નારદ-સનકાદિક જેવો સુખિયો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।૨૦।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે અંતરવૃત્તિએ કરીને પોતે પોતાને ન જાણે ને ન જુએ તેને અતિશે અજ્ઞાની કહ્યો છે. (૧) અને બીજામાં અમારો પ્રતાપ વિચારીને અંતર્દષ્ટિ કરે, તે પોતાના સ્વરૂપને પ્રકાશમાન દેખે અને તેને મધ્યે અમને પ્રત્યક્ષ દેખે છે અને નારદ સનકાદિક જેવો એટલે અમારા સિદ્ધમુક્ત જેવો સુખિયો થાય છે, એમ કહ્યું છે. (૨) બાબતો છે.

૧      પ્ર. બીજા પ્રશ્નમાં જે અમારો પ્રતાપ વિચારીને અંતરવૃત્તિ કરે તે પોતાના સ્વરૂપને દેખે છે, ને તેને વિષે અમારી મૂર્તિને પણ દેખે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું તે અંતર્દૃષ્ટિ તે શું ? અને જીવાત્માને વિષે તો શ્રીજીમહારાજ અન્વયપણે અંતર્યામી રૂપે રહ્યા છે, ને વ્યતિરેક મૂર્તિ તો અક્ષરકોટિથી પર પોતાના તેજરૂપ અક્ષરધામને વિષે રહી છે. તે જીવાત્માને વિષે શી રીતે દેખાય ?

       ઉ. દેહભાવ ભૂલીને પોતાના ચૈતન્યને શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ, તે રૂપ માનીને તે આત્માકારે વૃત્તિ કરીને તેમાં શ્રીજીમહારાજની મૂર્તિને ધારે, તે અંતર્દષ્ટિ કહેવાય અને સાધુનો સમાગમ કરીને, શ્રીજીમહારાજને સર્વોપરી જાણીને, પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને, શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા હોય, ત્યારે તે મનુષ્યરૂપ મૂર્તિને જીવાત્મામાં ધારે, અને મનુષ્ય રૂપે ન દેખાતા હોય ત્યારે શ્રીજીમહારાજની પ્રતિમાને ધારે, ત્યારે તે જીવ મહાતેજરૂપ થાય. ને તે તેજમાં મૂર્તિને પ્રકાશમાન દેખે. ।।૨૦।।